મળો આ સુનિલ મહેતાને , આ 10મી જુલાઈએ પૂરાં 60ના થશે. કોઈને થાય કે 60 વર્ષના તો સહુ કોઈ થાય તો આ ભાઈએ શું મોટી ધાડ મારી ?
એટલે વાત કરવી છે એમના જુસ્સાની. પોતાની સાથે કરેલ કમિટમેન્ટને નિભાવવાની શક્તિ ભાગ્યે જ કોઈમાં હોય શકે.
એકદમ ટૂંકમાં કહેવું છે. આ સુનિલભાઈની સગાઇ થઇ નીલાબેન સાથે . ઉંમર હશે જે સામાન્યરીતે સગાઇ સમયે હોય , પણ જુઓ તો ખરા , એમને તો એમની વાગ્દત્તાને ત્યારે જ કહી દીધું હતું કે , લગ્ન કરીશું, સંસાર માંડીશું , પરિવાર હશે એ બધું ખરું પણ 50 વર્ષે જે પણકામકાજ કરતો હોઈશ નિવૃત્ત થઇ જઈશ , અને પછી ? ….
પછી માત્ર ફરીશું .
કોઈ માની શકે કે કોઈ આવી વાત કરે એ પણ સગાઇટાણે ને પછી બરાબર 50 વર્ષે ચારે તરફ ફેલાવેલા બિઝનેસને સંકેલીને માત્ર ફરવાનું કામ કરે ? કામ શબ્દ એટલા માટે વાપર્યો છે કે આ સુનિલભાઈના પ્રવાસ અને તેમની આઇટનરી જુઓ તો ટ્રાવેલ એજન્ટ કરતાં વધુ ઝીણવટથી પ્લાન થઇ હોય. (એક જોવા જેવું સ્થળ , પ્રખ્યાત ખાણીપીણી છૂટી ન જાય એવી તકેદારી સાથે. એ વાત હું દાવા સાથે કહી શકું કારણકે મેં એમની સાથે પ્રવાસ કર્યો છે.) છેલ્લાં દસ વર્ષમાં ઇન્ડિયામાં કુલ 173 પ્રવાસ અને 54 વિદેશ પ્રવાસ. એટલે સરેરાશ દર મહિને એક પ્રવાસ .અલબત્ત, નાની ટ્રીપ કાઢી નાખો તો 10 વર્ષના કુલ પ્રવાસ 99 અને નંબર 100 મંદારમણિ , પશ્ચિમ બંગાળ , એ પણ એકલા કે સજોડે નહીં બલ્કે એમના વિશાળ પરિવાર ને મિત્રમંડળ સહિત , સંખ્યા કુલ 60 .
સુનિલ ભાઈના પ્રવાસ વળગણનું માત્ર એક ઉદાહરણ , એક પ્રવાસ ઉત્તરાખંડમાં માના વિલેજનો , બદરીનાથ તો સહુ જાય છે પણ ત્યાંથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલ માના ગામનું નામ સુધ્ધાં કોઈએ સાંભળ્યું ન હોય. આ માના વિલેજ માં બે ગુફા છે એક ગણેશ ગુફા અને એક વેદવ્યાસ ગુફા , મનાય છે કે જ્યાં મહાભારતનું સર્જન થયું તે ગણેશજી પોતાની ગુફામાં ને વેદ વ્યાસજી એમની ગુફામાં ટેલીપથીથી થયું હતું . માના ગામ તિબેટની સીમાને અડોઅડ , જ્યાં સરસ્વતી નદીનું ઉદગમસ્થાન પણ અને ભીમે બાંધેલો એક શિલાવાળો પુલ પણ છે. ક્યાંય ન જોવા મળે એવો ઘાટીનો વ્યુ માત્ર અહીંથી જોઈ શકાય .
હવે બોલો આ માહિતી ક્યાં વાંચવા મળે ?
અલબત્ત , આ માણસ જે રીતે , જે જગ્યાઓએ પહોંચી જાય છે એ જ હેરાતભરયું છે.એનાથી પ્રોત્સાહિત થઇને આપણે અનુકરણ કરવા જઈએ તો થઇ રહ્યું .
મને તો અનુભવ થઇ ચુક્યો છે. બે વર્ષ પહેલા હું અઠવાડિયા માટે ગૌહાટીમાં હતી. સુનિલભાઈ કહે , અરે આ બધું તો ઠીક પણ લાઈવ રુટ બ્રિજ જોઈ આવ્યા કે નહીં ? ચેરાપુંજી જતાં પહેલા આ જગ્યા આવે છે. જો જો ભૂલ્યા વિના જજો ..
અમે ટેક્સીવાળાને કહ્યું અમે આ લાઈવ રૂટ બ્રિજ જોવા જવું છે. દિવસોથી અમારી સાથે હતો એટલે ડ્રાઈવરભાઈ અમારી સાથે ભળી ગયેલો. એ તો અમારો ચહેરો તાકી રહ્યો . એને થયું હસશે કે આ લોકો હોશમાં તો છે ! ખબર છે એ ક્યાં છે? જાણો છો તમે?
અમે તોરમાં હતા. હા, ખબર છે , ચેરાપૂંજી જવાના રસ્તે , 3000 પગથિયાં ઉતરી ને લગભગ 5 કિલો મીટર ચાલવાનું છે. બચારો ડ્રાઈવર સમજાવવા મથતો રહ્યો કે એ જોવા જવાનું કામ આપણાં ઇન્ડિયન ટુરિસ્ટનું નહીં. ગોરા લોકો જ જાય છે.
પણ, ના. અમે તો ટસથી મસ ન થયા. અમારાથી મોટા સુનિલભાઈ એન્ડ કંપની જો આ જગ્યા એ પહોંચી શકે તો અમે તો એમનાથી કેટલા નાના,અમને શું થાય ? ને પાંચ કિલોમીટર ? હડડ , અમે તો વૈષ્ણોદેવી યાત્રા ચાલીને કરીએ તો આ તો શું ચીજ છે ?
અને કોઈની ધર્યા વિના અમે ઉતારવા માંડ્યું , સાંકડી પગદંડી ,એક જ વ્યક્તિ ચાલી શકે એવા સળંગ પગથિયાં , સીધા સીધા ઉતરતાં જ જાય. આરો નહીં, ઓવારો નહીં, અંત જ ન આવે.
સુનિલભાઈની વાત સાચી હતી કે રુટ બ્રિજ વિશ્વમાં એક જ અનોખો અજોડ છે. પણ , ઉતરતાં ઉતરતાં ભગવાન યાદ આવ્યા, પુલ ખરેખર વન ઓફ આ કાઈન્ડ , ને પછી જોઈને ચાલુ થયું ઉપર આવવા ચઢાણ શરુ કર્યું . મા , ભગવાન સિવાય કોઈ યાદ ન આવે. રસ્તામાં ન કોઈ પાણીનો પ્યાલો મળે તો ઠંડુ પીણું તો વિચારી પણ ન શકાય , ચારે કોર જંગલ . ફોટોગ્રાફમાં તો એવું રમણીય લાગે ને અત્યારે યાદ કરવાથી સારું તો લાગે છે , યાદગાર … પણ ત્યારે ?
ત્યારે એક સમય આવ્યો કે ફસડાઈ પડ્યા. મોબાઈલથી કોલ કરવા પ્રયત્ન કર્યો કે જે થાય તે પણ અમને અહીંથી એરલિફ્ટ કરો પણ ત્યારે ખ્યાલ આવ્યો નેટવર્ક જ નહોતું . એનીવે , લાંબી સ્ટોરી ટૂંકી કરું તો જેમ તેમ ઉપર આવ્યા પણ હું ને મારા બંને સાથીદાર પાંચ દિવસે મુંબઈ આવ્યા ત્યારે પણ લંગડાતા હતા. રોજ રૂપિયા 2000 ખર્ચીને મસાજ કરાવ્યો ત્યારે પાંચમે દિવસે સરખી રીતે ચાલી શક્યા.
એટલે કે ટૂંકમાં આ કેવા પ્રવાસી છે એ એક નમૂનો .
આ પ્રવાસોની નોંધ લેવી એટલે ગમે કારણ છે તેમને પસંદ કરેલા પ્રવાસસ્થળ અને તેની સાથે જોડાયેલી નાની નાની , મોટી રસપ્રદ વાતોની ઝીણવટભરી નોંધ.
મને એવું લાગે છે કે કોઈ તંત્રીએ એમની પાસે ગન પોઇન્ટ પર પ્રવાસવર્ણન લખાવવા જોઈએ. અને હા, એક વાતની ગેરંટી કે જો એ લખે તો ગુજરાતીમાં કે લોન્લી પ્લેનેટ જેવી દળદાર માહિતીની શ્રેણી તો જરૂર મળે.
એવા રસિકજનની પાર્ટી પણ થીમ પાર્ટી જ હોય ને , હમણાં તો એમાં મ્હાલી આવીએ પછી મળીએ એક બ્રેક કે બાદ.