Being Indian, Far Pavallions, gujarati, Indian Summer, opinion, travel

આંખે  ઊતરી દિલમાં વસી જાય એવી અગાશી 

દુનિયાભરમાં ફરનારા પ્રવાસીઓ માત્ર સ્થળ, સંસ્કૃતિ કે ખાણીપીણીના પ્રેમમાં પડી  જાય એ  સ્વાભાવિક વાત લાગે. પણ આજના સમયમાં હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં થીમનો વારો આવ્યો છે. 

ફાઇવસ્ટાર હોટેલથી હટકે એવી હોટલ એટલે ‘અગાશીએ’. 

કોઈ અમદાવાદી કે સરેરાશ  ગુજરાતમાં એ વિશે ન જાણતા ન હોય તેવી શક્યતા નથી. કારણ છે ત્યાં મળતી ગુજરાતી વાનગીઓ. એક  સમયે  માત્ર રેસ્ટોરન્ટ હતી  હવે 38 રુમ ધરાવતી  બુટીક હોટલ છે. 

અમદાવાદના ટેક્સટાઇલ ક્ષેત્રે ડંકા પાડનાર મંગળદાસ ગિરધરદાસે ઈ. સ 1924માં હવેલી નિર્માણ કરાવી હતી એ હેરિટેજ હોટલમાં પરિવર્તિત કરી છે. 

મોઝેક ટાઇટલ્સ થઈ લઈ ફ્રેસ્કો, એન્ટીક આટૅ ઈફેક્ટસ  અને કંઇ કેટલું. 

જ્યાં શબ્દો ન્યાય ન કરી શકે ત્યાં વહારે આવે કેમેરા. 

ફોટો ગેલેરી જૈ એ સમયમાં ન લઈ  જાય તો જરા નવાઈ…. 

Advertisements
chakdadiya, gujarati

જોનારની બે, ચોરનારની ચાર આંખ તે આ…. 

એકવખત બાદશાહ અકબરે બિરબલને કહ્યુ, “બિરબલ આપણો શાહીખજાનો ધીમે ધીમે ઓછો થઇ રહ્યો છે. આવક મર્યાદિત છે અને ખર્ચા વધતા જાય છે. પ્રજા પર વધુ કર પણ નાંખી શકાય તેમ નથી અને પ્રજાકલ્યાણના ખર્ચ પર કાપ પણ મુકી શકાય તેમ નથી. મને કોઇ રસ્તો બતાવ જેથી શાહીખજાનાની ઘટ ભરપાઇ કરી શકાય”. 

બિરબલે કહ્યુ, “જહાંપનાહ, આપ નગરશેઠને ત્યાં દરોડો પાડો એમની પાસે ઘણી સંપતિ છે.”

અકબરે બિરબલની સલાહ મુજબ નગરશેઠને ત્યાં દરોડો પાડ્યો. કરોડોની બેનામી સંપતિ હાથ લાગી. બાદશાહને પણ આશ્વર્ય થયુ કે નગરશેઠે આટલી સંપતિ કેવી રીતે ભેગી કરી હશે ? 

નગરશેઠને આ બાબતે પુછ્યુ એટલે નગરશેઠે કહ્યુ, “મહારાજ, રાજ્યમાં જેટલા કામો ચાલે છે એ બધા જ કામના  કોન્ટ્રાક્ટમાં મારુ કમિશન છે. આ બધી એ કમિશનની કમાણીમાંથી ભેગી થયેલી સંપતિ છે”.

 અકબરને ખુબ ગુસ્સો આવ્યો. નગરશેઠની બધી જ સંપત્તિ  જપ્ત કરી લીધી. નગરશેઠ હવે રસ્તા પર આવી ગયા. બાદશાહે દયા ખાઇને એને તબેલામાં ઘોડાની લાદ ઉપાડવાની નોકરીમાં રાખી દીધા. 

કેટલાક વર્ષો પછી રાજ્યમાં દુકાળ પડ્યો. શાહીખજાનાનું તળિયું  દેખાવા લાગ્યુ એટલે અકબરે ફરીથી બિરબલને  યાદ કર્યો.

 બિરબલે કહ્યુ, “નગરશેઠને ત્યાં દરોડો પાડો”. 

વાત સાંભળીને અકબર ખડખડાટ હસી પડ્યા. અકબરે કહ્યુ, “અલ્યા બિરબલ, હવે એ ક્યાં નગરશેઠ છે ! એ તો તબેલામાં ઘોડાની લાદો ઉપાડવાનું કામ કરે છે. એની પાસે વળી શું સંપતિ હોય ? બિરબલે કહ્યુ, “આપ તપાસ તો કરાવો”.

અકબરે એમના ખાસ માણસોને તપાસમાં મોકલ્યા તો નગરશેઠ પાસેથી બહુ મોટી સંપતિ મળી આવી. બાદશાહને આશ્વર્ય થયુ કે આટલી બધી સંપતિ કેવી રીતે ભેગી કરી હશે આ માણસે ? 

અકબરે જ્યારે ખુલસો પુછ્યો ત્યારે નગરશેઠે કહ્યુ, “ઘોડાનું ધ્યાન રાખનારા ઘોડાને ખાવાનું પૂરું  આપતા નહોતા એની મને ખબર પડી એટલે મેં  એમને કહ્યુ કે જો તમે મને આમાં ભાગ નહીં  આપો તો હું બાદશાહને બધી વાત કરી દઇશ. બસ પછી તો ત્યાં આપણું કમિશન  ચાલુ થઇ ગયું.” 

અકબરને ખૂબ  ગુસ્સો આવ્યો. બધી જ સંપતિ લઇ લીધી અને હવે દરિયાના મોજા ગણવાનું કામ સોંપ્યુ જેથી નગરશેઠ બીજાને હેરાન કરીને કોઇ સંપતિ ભેગી ન કરી શકે. 

થોડા વર્ષો પછી બાજુના રાજ્ય સાથે યુધ્ધ થયું  એટલે ખજાનો ખાલી થવા લાગ્યો. ફરીથી બિરબલને બોલાવ્યો અને મહારાજા કંઇ પુછે એ પહેલા જ બિરબલે કહ્યુ,” જહાંપનાહ, નગરશેઠને ત્યાં દરોડો પાડો.” 

અકબરને પૂરો  વિશ્વાસ હતો કે આ વખતે નગરશેઠ પાસેથી કંઇ જ નહી મળે. પણ,  દરોડો પાડ્યો તો બહુ મોટી સંપતિ મળી આવી. આ વખતે તો સૌથી વધુ સંપતિ હતી. બાદશાહે નગરશેઠને પૂછયું , “ભાઇ, તું આટલી સંપતિ કેવી રીતે પેદા કરી શક્યો ? 

નગરશેઠે કહ્યુ, “બાદશાહ, આપે મને દરિયાના મોજાં ગણવાનો જે હુકમ આપેલો એ હુકમના આધારે જ હું આટલી સંપતિ કમાયો છું. માલસામાન ભરીને જે વહાણો કિનારા પાર આવતા હોય એ બધા વહાણોને દૂર  જ અટકાવી દેતો. આપનો હુકમ બતાવીને કહેતો કે બાદશાહે મને મોજાં  ગણવાનું કામ સોંપ્યુ છે અને તમારા વહાણને કારણે ગણવામાં અડચણ થાય છે. માટે વહાણ કિનારા પર લાવવાનું નથી. છેવટે કંટાળીને મને અમુક રકમ આપે તો જ વહાણને કિનારે આવવાની મંજૂરી આપતો,  આવી રીતે કમાણી વધતી ગઇ.”

બાદશાહ અકબર ફાટી આંખે નગરશેઠ સામે જોઇ રહ્યા.

મિત્રો, આવા કેટલાય નગરશેઠો આજે પણ જીવે છે. સરકાર ગમે એવા ગાળીયા કસે પણ પોતાના રસ્તાઓ કરી જ લે…!!

(સંકલિત) 

Dear Me, gujarati

Thank you All

image

પ્રિન્ટ માધ્યમમાં છપાતી , પુસ્તકરૂપે અવતરણ નવલકથા માટે  સામાન્ય વાત  છે.

પહેલીવાર એવું બન્યું  કે કોઈ નવલકથા ઓનલાઈન ધારાવાહીરૂપે ચાલી હોય. કલકત્તાથી પ્રગટ થતાં ગુજરાતી સાપ્તાહિક ઉપરાંત વાચકો અને નવોદિત લેખકોના મક્કા કહેવાતા ઓનલાઈન પ્લેટફોર્મ  પ્રતિલિપિ અને અક્ષરનાદ  , તથા મારા બ્લોગ pinkidalal.wordpress.com આ નવલકથા શરુ થઇ અને અસાધારણ પ્રતિભાવ મેળવી શકી એ દર્શાવે છે આવતીકાલના માધ્યમોની શક્તિને.

વાર્તાનો થીમ ભલે ફિલ્મજગતનો  છે પણ સુક્ષ્મ સ્વરૂપ તો માનવીય સંબંધો અને એક ચોથા પરિમાણની શક્તિનું પણ છે.

વ્યક્તિ પોતે જયારે આયનામાં પોતાની જાતને ઓળખવામાં થાપ ખાઈ જાય તેવી પરિસ્થિતિનો દોરીસંચાર કરનાર ઓર કોઈ નહીં બલકે નિયતિ પોતે જ હોય છે.

એક લૌકિક દુનિયા અને એક તેનાથી ઉપરી શક્તિઓ ધરાવતી અગોચર દુનિયા , પણ સર્વત્ર વ્યવહાર તો એક જ છે:  એક હાથ દે , એક હાથ લે.

આવા જ પરિબળો પર આકાર લે છે વેર વિરાસત  …

માનવીય ભાવના , પ્રેમ , છળ  , દ્રેષ અને એનું કોકટેલ વૈમનસ્ય ,
વિરાસતમાં મળેલા આ વૈમનસ્યનો રંગ લોહી કરતાં વધુ ગહેરો હોય શકે ? પ્રેમ કરતાં ઝેર વધુ આક્રમક હોય શકે ? એ પ્રશ્નોના ઉત્તર માત્ર સમય અને સંજોગ જ આપી શકે.

આ નવલકથા લખી રહી હતી ત્યારે એમાં ક્રિએટીવ ઇનપુટસ આપનાર મિત્ર શ્રી સુનીલભાઈ મહેતાનો દિલથી આભાર માનું છું. વાર્તાનો થીમ સાંભળીને , પ્રકાશિત કરવાની ઉત્સુકતા દર્શાવનાર હલચલના તંત્રી શ્રી ભાવેશભાઈ શાહ ને સંજયભાઈ શાહની  તથા ઓનલાઈન મેગેઝીનની લોકપ્રિયતા માણવાની તક મળી એ માટે પ્રતિલિપિના શૈલી મોદી , નિમિષા દલાલ અને અક્ષરનાદના શ્રી જિગ્નેશ અધ્યારુની પણ આભારી છું.

ચિત્રલેખાના તંત્રી શ્રી ભરતભાઈ ઘેલાણીનો વિશિષ્ટ આભાર.

નવલકથાને પુસ્તક સ્વરૂપ આપવા માટેની તમામ ચિંતામાંથી મુક્ત રાખનાર  નવભારત સાહિત્ય મંદિરના શ્રી મહેન્દ્રભાઈ અને જયેશભાઈ શાહનો આભાર  .વેર વિરાસત પુસ્તક તરીકે ટૂંક સમયમાં પ્રાપ્ય રહેશે , જે નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ દ્વારા પ્રકાશિત થશે.

સૌથી વધુ ઋણી છું હું વાચકોની , ખાસ કરીને હલચલ તથા ઓનલાઈન વાચકોની, જેમના પ્રતિભાવ મને નવી જ દિશા બતાડી ગયા  …

સહુનો આભાર , દિલ થી  ….

પિન્કી દલાલ

pinkidalal@gmail.com

gujarati, Novel

વેર વિરાસત 46

2015-22-7--13-27-52

એક ઘડી માટે તો માધવીને લાગ્યું કે એ પથ્થર થઇ ગઈ છે. શમ્મી ને રાજેશની વાત સાંભળ્યા પછી કાન પર વિશ્વાસ નહોતો થઇ રહ્યો . રાજા અને મધુરિમાનું લગ્નજીવન એક સમાધાન હશે એ તો સમજી શકાય પણ , આટલી હદે ? રાજે સફળતા પામવા પોતાની જિંદગીની તમામેતમામ ખુશી હોમી દીધી હશે ?

સ્ટ્રોક માટે જવાબદાર મધુરિમા નહી બલકે રિયા હતી એમ પેલો શમ્મી કેમ બોલ્યો ? તો એ વાત શું હતી ?
એવું તો શું બન્યું હશે કે રાજાને સ્ટ્રોક આવવાનું કારણ રિયા બની હોય ?
ઈચ્છા તો હતી આઈસીયુમાં જઈને એકવાર બેડ પર બેહોશ પડેલાં રાજને જઈને જોઈ લેવાની . પણ, એ માટે જરૂરી હતો વિઝીટર્સ પાસ , જે માટે શમ્મી કે રાજેશ સાથે સીધો સંવાદ કરવો જરૂરી હતો. ધારો કે એ લોકો પોતે કોણ છે ને શા માટે પાસ માંગે છે એ પૂછે તો કહેવું શું ?
માધવીને નિસહાય હોવાની ભાવના ઘેરી વળી. આવી કશ્મકશ ક્યારેય નહોતી અનુભવી . કદાચ માસી સાથે ન હતા એટલે ? કે પછી મનમાંથી ઉઠી રહેલો અવાજ ડરાવી રહ્યો હતો , એવું તો ન થાય ને કે રાજ કદાચ …. છેલ્લીવાર એ રાજને જોઈ ન શકે ? મન ડરામણી દલીલો લઈને મેદાનમાં ઉતર્યું હતું .

આ બધા સંજોગોમાં વધુવાર ઉભા રહેવું એટલે હોસ્પીટલના સ્ટાફ સાથે નાહકની જીભાજોડીમાં ઉતરવું . એક પણ ક્ષણ વધુ વિચાર્યા વિના માધવીએ ઝડપભેર આઈસીયુના ફ્લોર પરથી નીચે જતી લિફ્ટ માટે થોભવાની પરવા કર્યા વિના સીડીઓથી નીચે ઉતરવા માંડ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે માથું ચકરાઈ રહ્યું છે .
બે ચાર મિનિટમાં તો એ નીચે ઉતરી આવી. ભરબપોરનો સમય હતો છતાં લાગ્યું કે અંધારું છવાઈ રહ્યું છે. હોસ્પિટલની લોબી વિઝીટર્સથી ઉભરાઈ રહી હોવા છતાં બહારનો કોઈ કોલાહલ નહોતો સ્પર્શતો , જાણે સાઈલન્ટ ફિલ્મ ચાલી રહી હોય.
ગેલેરી પર જવાને બદલે માધવીએ ટેક્સી લીધી . ઘરે આવતાં સુધીમાં મનમાં ચાલતો કોલાહલ એટલો બધો ધારદાર થઇ ગયો કે
કાનમાં ધાક પડી ગઈ હતી . આ બધું શું થઇ રહ્યું હતું ?

રિયા જાણતી હશે કે આ સેતુમાધવન જ રાજ છે , એમનો પિતા ?
રિયા ને માસીએ મળીને કોઈક પ્લાન કર્યો હતો ?
માસી આ રાઝ રિયાને કહે એ શક્યતા નહીવત હતી , રિયાની પ્રકૃત્તિથી અવગત માસી એવું જોખમ તો કોઈ કાળે ન વહોરી લે. તો પછી રિયા કઈ રીતે જવાબદાર એ વાતનો તાળો મળતો નહોતો .

ઘરે આવતાંવેંત માધવીએ આવીને સીધી દોટ બાથરૂમ તરફ મૂકી . પેટમાં કશુંક ચૂંથાઈ રહ્યું હતું . એ મુંઝારો પેટ , ગળું ને છાતીથી લઇ આખા શરીરને જકડી રહ્યો હતો.
બાથરૂમમાં જઈ એણે ચહેરા પર ઠંડા પાણીની છાલક મારી . સામે રહેલા મિરરમાં નેપકીનથી ચહેરો લૂછી રહેલી માધવી જાણે પચીસ વર્ષ પહેલાની હોય એમ લાગ્યું .
‘તું એ જ તો ઈચ્છતી હતી ને ? રાજને એના કર્યાની સજા મળે ?? તો હવે ખુશ થા…. ત્યારે નહીં ને અત્યારે , પચીસ વર્ષ પછી પણ સજા તો મળી ! એ પછી એને કુદરતે આપી હોય કે એના લોહીએ … ફરક શું પડે ?
બેઝીનના ટેબલટોપ પર પડેલી સોપબોટલ ઉપાડી આયના પર ઘા કરવાનું મન થઇ આવ્યું માધવીને .

માત્ર ને માત્ર સફળ થવાના નશામાં પ્રેમને , પ્રેમિકાને , ગર્ભમાં રહેલા પોતાના અંશને એક ક્ષણમાં ત્યજી શકનાર માણસ કેટલો સ્વાર્થી ને નીચ હોય શકે ને આ તમામ વાસ્તવિકતા જાણ્યાં પછી એ માણસને પોતે ક્યારેય વિસરાવી ન શકી. રાજને ધિક્કારવાની તમામ કોશિશો નાકામિયાબ રહી છે એ વાત દિલમાં ઊંડે ઊંડે કોઈ ખજાનાની જેમ જાળવીને ધરબી રાખી હતી અત્યાર સુધી. ક્યાંક દીકરીઓ પિતાની વાત ન છેડે , મળવાની ઈચ્છા ન કરે એ માટે શક્ય એટલા પ્રયત્નોથી એક દીવાલ બનાવી રાખી હતી. પોતે સમજતી હતી કે એમાં એ કામિયાબ થઇ છે પણ વાસ્તવિકતા કેટલી જૂદી હતી !!

જિંદગીભર ન ભરાય એવો જખમ આપનાર રાજને ન તો પોતે દિલથી ધિક્કારી શકી હતી , તો દિલથી માફ પણ ક્યાં કરી શકી હતી.?
જેને કારણે ઉદભવતી કશ્મકશની અસર રોમા પર તો ખાસ નહોતી પડી પણ રિયાના મન પર ઊંડી છાપ છોડી ગઈ હતી .

માધવી બહાર આવીને બેડ પર ફસડાઈ પડી. અચાનક માસીની ગેરહાજરી તાજી થઇ આવી. હજી તો આશ્રમ પહોંચ્યા પણ નહીં હોય ત્યાં તો એમની ખોટ સાલવા લાગી હતી.

માસી તો મોબાઈલ રાખતા નહીં પણ કિશોરના મોબાઈલ પર તો સંપર્ક કરી શકાયને !! એ વિચાર સાથે જ માધવીના મનને ટાઢક વળી. કિશોરનો ફોન ટ્રાય કરવા માંડ્યો પણ આઉટ ઓફ કવરેજ એરિયા આવતો હતો. શક્ય છે કે વચ્ચે વચ્ચે નેટવર્કના ધાંધિયા હોય શકે !! માધવીએ વિચાર્યું .
આશ્રમની લેન્ડલાઈન પર રીંગ વાગતી રહી પણ કોઈએ ફોન રીસીવ ન કર્યો ત્યારે માધવીએ થાકીને મનને મનાવી લેવું પડ્યું , હવે એક જ રસ્તો બાકી હતો, રાત્રે ફોન કરી શકાય તો , અને ત્યાં સુધીમાં તો રિયા પણ ઘરે આવી જશે , એની સાથે વાત કરવી પણ જરૂરી હતી .

સાંજ તો ઢળવા આવી હતી પણ થોડાં કલાકોનો એ ગાળો માધવીને એક યુગ જેવો લાંબો લાગ્યો .
રાત્રે જયારે રિયા આવી ત્યારે માધવીએ પોતાની જાતને સજ્જ કરી લીધી હતી. રિયા સાથે વિગતે વાત કરવી પણ વિના કોઈ ઉશ્કેરાટ . હવે એ પણ યુવાન હતી અને એમાં પણ સફળતાના પીંછા લાગ્યા હતા એના નામ પાછળ .

રિયાએ ઘરમાં પગ મૂક્યો ત્યારે સાડા નવ થવા આવ્યા હતા.
‘ મને તો હતું કે તું આજે વહેલી આવી જઈશ … તેની બદલે તો ….’ રિયા ફ્રેશ થઈને આવી એટલે માધવીએ બાજી માંડવાની શરૂઆત કરી.
‘ કેમ ? આજે શું છે કે તમે એવું ધારી લીધું ?’ રિયાએ ટેબલ પર પડેલી ફ્રુટ બાસ્કેટમાંથી એક સફરજન હાથમાં લઇ બચકું ભર્યું .
‘કેમ , આજે તમારા સેતુમાધવન હોસ્પિટલાઈઝ્ડ થયા તે…..’
‘ઓહો …. ‘ રિયાની આંખમાં એક ચમકારો થયો . એ માધવીની લગોલગ આવીને બેસી ગઈ.
‘તમે તો ભારે ધ્યાન રાખો છો ને કંઈ !! સેતુમાધવન હોસ્પિટલમાં છે એ પણ તમને ખબર પડી ગઈ ? કહેવું પડે !!’ રિયા બોલી હતી સ્વાભાવિકરીતે પણ માધવીને એમાં થોડો ઉપહાસ ભાળ્યો હોય એમ લાગ્યું .
‘વાત ધ્યાન રાખવાની નથી. આજે ઘરે હતી. આરામથી સમાચાર જોયા વાંચ્યા તો ખબર પડી. ‘ માધવીના અવાજમાં નારાજગી છતી થઇ.
‘અરે, તમે નારાજ શું થાવ છો મમ , એમ જ કહ્યું … ‘
‘પણ થયું શું ? સ્ટ્રોક કેમ કરતાં આવ્યો ? ‘ તમામ માહિતી હોવા છતાં માધવીએ પૂછી લીધું . રિયાના જવાબ પરથી અડસટ્ટો લગાવી શકાશે કે પેલા બે યુવકોની વાત સાચી હતી કે નહીં !
સફરજન ખાઈ રહેલી રિયા અચાનક જ ગંભીર થઇ ગઈ. : આર યુ સિરિયસ ? તમે ખરેખર એની હાલત વિષે જાણવા માંગો છો ?
માધવીએ આ પ્રતિભાવની આશા રિયા પાસે નહોતી રાખી, એટલે ક્ષણવાર માટે થોથવાઈ ગઈ.
‘આખરે તું એમની સાથે કામ કરે છે, તો મને થયું કે ….’
‘મમ , તમને કોને કહ્યું કે હું એમની ફિલ્મ કરું છું ? મેં તો તમને નહોતું કહ્યું …. તો કોણે કહ્યું નાનીએ ? ‘
રિયાએ તો પ્રશ્નના ઉત્તર આપવાને બદલે સામે જ પ્રશ્નો કરવા માંડ્યા .
‘હા, તને તો કહેવાની જરૂર ન લાગી ને !! પણ નાનીને તો લાગી ને ! એમની પાસેથી જ તો જાણ્યું, તારા માટે તો મારું કોઈ અસ્તિત્વ જ નથી ને રિયા ? .’
‘વાત એવી નથી મમ ‘ રિયા ટટ્ટાર બેસતાં બોલી : મેં તમને કહેવું જરૂરી ન સમજ્યું કારણ કે મને પોતાને પણ ખબર નથી કે હું આ ફિલ્મ માટે , સેતુમાધવન માટે કેટલી સિરિયસ છું. એવા સંજોગોમાં તમને શું કહું ?’
‘એટલે ? ‘ હવે ચોંકવાનો વારો માધવીનો હતો. પેલા બે યુવાનો રિયાને જવાબદાર લેખી રહ્યા હતા એની કડી અહીં ખુલી રહી હોય તેમ લાગી રહ્યું હતું .
‘એટલે એ જ મમ કે મેં ફિલ્મ સાઈન કરી છે પણ ……’
‘પણ શું રિયા ? ‘માધવીના મનની અધીરાઈ છતી થઇ રહી હતી.
‘મૂડ નથી બનતો , ને મમ તમને કદાચ ખબર નહીં હોય પણ આ આર સેતુમાધવનું નામ જે રીતે માર્કેટમાં છે એવું રહ્યું નથી. સાઈનિંગ અમાઉન્ટ પછી ન તો મને કંઇ મળ્યું છે. ‘
‘એટલે ? કોઈ ફાઈનાન્શિયલ ક્રાઈસીસ ? એટલે સ્ટ્રોક આવ્યો એમ ?’ માધવીના સ્વરમાં એવી ચિંતા હતી જે સામાન્યરીતે કોઈ સ્વજન માટે થાય.
‘હા, એ તો ફાઈનાન્શિયલ હાલત તો ખરી જ પણ તમને ખબર છે એની વાઈફ એને છોડીને પોતાના ડોક્ટર સાથે પરણી ગઈ… ‘
‘ઓહ …’ માધવીના હોઠ પરથી એક નિસાસો સરી ગયો , ખરેખર તો બિચારો શબ્દ પણ આવ્યો હતો પણ રિયાની સામે ન બોલવો હોય એમ ગળી ગઈ હતી.
‘તમને દયા આવી ગઈ શું એની ? બિચારો શાનો ? એક નંબરનો …….. છે.. તમને શું ખબર !!’
માધવીએ બંને દીકરીઓને કેળવણી જ એવી આપી હતી કે અપશબ્દો ક્યારેય મોઢે આવતાં નહીં પણ રિયાના હોઠેથી સરેલો આ શબ્દ માત્ર અપશબ્દ નહીં ગંદી ગાળ હતો.
‘રિયા , માઈન્ડ યોર લેન્ગવેજ , શું બોલે છે તું !!’ માધવી છેડાઈ પડી હતી.
રિયા કદાચ આ ઘડીની રાહ જોઈ રહી હતી કે માધવી પોતાને મોઢે રાઝનો પર્દાફાશ કરે , પણ એવું ન બન્યું ને માધવી ફરી ચૂપ થઇ ગઈ.
‘ના મમ , આવા લોકો માટે આવા જ શબ્દ વપરાય . બલકે એમની સાથે એવું જ વર્તન થાય. અને હું એ જ કરી રહી છું . જ્યાં સુધી મારો અકાઉન્ટ ક્લીયર ન થાય હું પણ એને અટકાવી રાખીશ … ‘
‘એટલે ?’ માધવીની કુતુહલતા માઝા મૂકી રહી હતી.
‘સીધો હિસાબ છે મમ , મારે લીધે શૂટિંગ રખડ્યું છે માન્યું પણ જ્યાં સુધી મારો હિસાબ ક્લીયર ન કરે એની ફિલ્મ ડબ્બામાં રહેવાની છે. કારણકે લગભગ પચાસ ટકા શૂટિંગ થઇ ગયું છે. ન તો એ મને કાઢી શકે છે ન ફિલ્મ પૂરી કરી શકે છે. ચેક મેટ ….’ આટલું બોલતાં તો રિયાનો ચહેરો કોઈ પાશવી આનંદથી છલકાઈ રહ્યો હતો.
‘ઓહ તો આ કારણ છે એને સ્ટ્રોક આવવાનું …..?? ‘ માધવીનો અવાજ પડી ગયો હતો.

‘ એ માણસને સ્ટ્રોક આવવાનું એક નહીં હાજર કારણ હોય શકે .. તમને તો કદાચ ખબર પણ નહીં હોય ને કે કેટલો થર્ડક્લાસ માણસ છે એ , લીધી હશે બદદુઆ લોકોની , તે ભરે , બીજું શું ?’ રિયાએ નિસ્પૃહતાથી ખભા ઉછાળ્યા ને ત્રાંસી નજરે માધવીનો ચહેરો જોઈ લીધો .
માધવીએ વધુ બોલ્યા વિના ત્યાંથી ઉઠી જવું યોગ્ય સમજ્યું .
રિયા ક્યાંય સુધી ચૂપચાપ બેઠી રહી , મમને સેતુમાધવનનું હોસ્પિટલાઇઝ્ડ થવું વ્યગ્ર કરી ગયું હતું અને એ એના ચહેરા પરથી સ્પષ્ટ થઇ રહ્યું હતું .
માધવીએ પોતાના રૂમમાં જઈ માસીને ફોન કરવાના પ્રયત્ન કરી રહી. કિશોરનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ હતો અને આશ્રમની લેન્ડલાઈન પરનો કોલ કોઈ રીસીવ નહોતું કરી રહ્યું .
વહેલી સવાર સુધી માધવીની આંખો મટકું ન મારી શકી. કશુંક અજુગતું બની ને રહેવાનું છે એવો અજંપો ઘર કરતો ચાલ્યો ,
***********
માધવીની આંખો ખુલી ત્યારે દિવસ ચઢી ગયો હતો. એ બહાર આવી ત્યારે શકુ હાંફળીફાંફળી દોડી આવી. : તબિયત તો ઠીક છે ? કેટલીવાર જોઈ ગઈ પણ બારણું લોક હતું ….
‘બધું બરાબર છે , તું ચા રૂમમાં જ લાવ…. ‘ માધવીએ ફરી પોતાના રૂમ તરફ ડગલાં માંડ્યા . રિયાના રૂમ પાસેથી પસાર થતાં અચાનક જ ફોન પર ચાલી રહેલી વાત કાને પડી .
‘ હું સમજી શકું છું શમ્મી જી … વેરી સોરી ફોર એવરીથિંગ …. ‘
રિયા માધવી સમજી શકી કે સામે છેડે નક્કી સેતુમાધવનના યુનિટનું કોઈ હોવું રહ્યું .
‘ એ તો કહેવાય કે પૈસાજ સર્વસ્વ નથી જીવનમાં , પણ શમ્મીજી , લેટ્સ બી ઓનેસ્ટ , એના વિના કોઈને ચાલ્યું છે ? અરે !! પૈસા માટે તો લોકો પોતાના બૈરીછોકરાને છોડી દે એવું ક્યાં નથી બનતું ?
આ વાક્ય માધવીને ચમકાવી ગયું . રિયા આવું કહીને શું પૂરવાર કરવા માંગતી હતી ? માધવીએ રિયા ફોન મૂકે તેની રાહ જોવી મુનાસીબ માની.
‘હા , એ તો સાચું , કહેવાય છે ને જે થવાનું હોય છે તે થઈને જ રહે છે. જે હોય તે મને જાણ કરતાં રહેજો ….
‘ મમ , મારા રૂમની બહાર ઉભા રહીને શું કરો છો ?’ ફોન પત્યો એ સાથે જ રિયાએ પૂછ્યું .

‘રિયા , શુટિંગ પર નથી ગઈ ? કોનો ફોન હતો ?, શું થયું ? બધું બરાબર તો છે ને ? વધુ તબિયત ખરાબ થઇ ?’ માધવીએ એકસામટાં પ્રશ્નોનો મારો બોલાવી દીધો . ફોન પર થયેલી વાતચીતને કારણે કેવા અમંગળ વિચાર આવી ગયા હતા.: ક્યાંક રાજ ….
‘મમ, ચિંતા કરવાની કોઈ વાત નથી. શમ્મીનો ફોન હતો એમ જ, કહેતો હતો સરની હાલતમાં ન તો સુધારો છે ન વધુ બગડી છે. લેટ્સ સી ‘

‘ઓહ ‘માધવીનો શ્વાસ હેઠો બેઠો હોય તેમ લાગ્યું : ક્યાંક તું જાણીજોઈને તો આ બધું નથી કરતી ને !! સેતુમાધવનની આ હાલત માટે તારું આ વર્તન તો જવાબદાર નથીને ?’ માધવીએ સીધો જ સવાલ પૂછી કાઢ્યો જેની લગીરે આશા નહોતી રાખી રિયાએ.
માદીકરી બંને ચૂપ થઈને એક બીજા સામે તાકી રહ્યા હતા. હવે આથી વિશેષ કોઈએ ન તો કોઈ પૂછવાની જરૂર હતી ન કહેવાની .

આખરે રિયાએ જ પહેલ કરવી પડી . એણે માધવીનો હાથ પકડીને પોતાના બેડ પર બેસાડી .
‘મમ , આજે તો તમારે ખુશ થવું જોઈએ ….રાખ વળી ગઈ હોય એમ લાગે પણ અંગારની જેમ અહર્નિશ જલતાં રહેતા તમારા દિલને આજે થોડી તો ઠંડક વળી હશે ને !! જે કામ તમે ન કરી શક્યા એ કરવામાં હું સફળ રહી. …ખરું કે નહીં ? ‘
માધવીની આંખોમાં આશ્ચર્ય બેવડાયું .

‘મિસ્ટર આર.સેતુમાધવન …. ‘ રિયા ઉભી થઈને બારી પાસે જઈ ઉભી રહી. એની નજર દૂર ક્ષિતિજ પર હતી : આ એ જ માણસ હતો ને મમ , જેને મારી માને પરણ્યા વિના વૈધવ્ય આપી દીધું !! ને એની સજા વિના કોઈ વાંક ગુને જિંદગીભર મને મળતી રહી. એ જ છે ને અમારો બાયોલોજીકલ ફાધર ?’

અવાચક થઇ ગયેલી માધવી હા કે ના પણ બોલી શકવાની સ્થિતિમાં નહોતી .

‘ રસ્તા પર આવી ગયો સેતુમાધવન … એ જ રીતે જે રીતે એને તમને રઝળતાં મૂકી દીધા હતા. ‘ રિયાના ચહેરા પર એક વિજયી યોદ્ધા જેવું સ્મિત ફરક્યું .

‘તે આ બધું કર્યું રિયા ? ‘ માધવીનો અવાજ તરડાઇ ગયો : એને સજા આપવાનો અધિકાર તને કોણે આપ્યો ?

‘ના , મમ. હું કોણ સજા આપનાર ? ? સજા તો એને કુદરતે કરી છે. એની ફિલ્મો ઉપરાછાપરી ફ્લોપ ગઈ , એમાં હું જવાબદાર હતી ? ના … ‘
‘એની પત્ની એને છોડીને ચાલી ગઈ , એમાં હું જવાબદાર હતી ? જરાય નહીં …’
‘હું શું કરી શકતે? મેં તો માત્ર કુદરતે આપેલાં ન્યાયમાં યથાશક્તિ આહૂતિ હોમી છે. હા, એક વાત છે કે મેં ફક્ત એના કરો ય મરો જેવા પ્રોજેક્ટ તૂટી પડે એવી હરકતો કરવામાં કોઈ કચાશ નહોતી રાખી , બસ, એટલું પૂરતું હતું ,એના કોફીનમાં છેલ્લો ખીલો …વારંવાર એના સેટ પરથી ગાયબ થઇ જવું અને પારાવાર ફાઈનાન્શિયલ નુકશાન કરાવવું , બસ મેં તો એટલું જ કર્યું . બાકીનું બધું તો ડોમિનોઝ ઈફેક્ટની જેમ આપમેળે થઇ ગયું, એનો પત્તાંનો મહેલ તૂટી ગયો ‘

રિયાના એક એક શબ્દ સાથે માધવીનું હૃદય બેસતું જતું હોય લાગ્યું . રિયાએ આ શું કરી નાખ્યું ? બેરહમ થઈને પોતાના પિતાને આઈસીયુમાં પહોંચાડી દીધો ?

નીચું જોઈ રહેલી માધવીની હડપચી પર રિયાએ હાથ પસવાર્યો અને ચહેરો થોડો ઉંચો કર્યો , માધવીની ઢળેલી આંખોમાંથી બે બૂંદ ખરી ને રિયાના હાથ પર પડ્યા .

‘મમ , તમે રડી રહ્યા છો ? ‘ રિયા વિહ્વળ થઇ ગઈ. : મને તો થયું કે તમારી આંખો ખુશીના આંસુથી છલકાશે ને તેની બદલે તો ??
માધવીએ એક જ ઝાટકે પસવારી રહેલો રિયાનો હાથ તરછોડી કાઢ્યો : ન કહે મમ મને , તે શું હાલત કરી તારા ફાધરની ? તને દયા તો ન આવી પણ વિચાર સુધ્ધાં ન આવ્યો ? એની જતી જિંદગીએ કારકિર્દી ધૂળધાણી કરી ?

રિયા ઓછ્પાઈ ગઈ. એણે આ વર્તનની અપેક્ષા નહોતી રાખી .
‘તને શું હતું કે તું તારા બાપને સજા ફરમાવીશ એટલે હું ખુશ થઇ જઈશ ?’ ડૂસકાં ભરી રહેલી માધવીનું રુદન દીર્ઘ બની રહ્યું : રિયા , ભૂલ એની નહીં મારી હતી , હું ન તો એને ભૂલી શકી ન માફ કરી શકી અને એટલે જે કોઈ સંતાપ ભોગવવાનો આવ્યો તારા ભાગે આવ્યો .

રિયા સન્ન થઈને જોતી રહી ગઈ. બાજી આખી બૂમરેંગ થઇ ચૂકી હતી. હવે આ પરિસ્થિતિમાં કરવું શું ?

માદીકરી એકબીજાને કોઈ આશ્વાસન આપે એ પહેલા તો શકુબાઈ કોર્ડલેસ ફોન લઈને અંદર આવી ગઈ : આશ્રમથી ફોન છે.
માધવીએ ઝડપથી ચહેરો લુછી નાખ્યો : નક્કી માસી હશે. સારું થયું એમનો ફોન આવી ગયો, હું એમને કહું છે કે કાલ ને કાલ પાછા આવી જાવ.

સામે છેડે માસી નહોતા , કુસુમ હતી.
‘માધવીદી , તમે જે પહેલી ફ્લાઈટ મળે પકડીને આવી જાવ. ….’
‘કુસુમ , વાત શું છે ? મારી માસી સાથે વાત કરાવ ….’ માધવીના અવાજમાં રહેલી આર્જવતા લોપ થઇ ગઈ અને એનું સ્થાન ઉચાટે લઇ લીધું .
‘દીદી આરામમાં છે, તમે પહેલા આવો , પછી બધી વાત. ‘ કુસુમના અવાજમાં ગભરાટ પ્રતીત થઇ રહ્યો હતો.
ફોન મૂકી દીધા પછી પણ માધવીને કળ વળતી ન લાગી પણ હવે કુસુમે કહ્યું હતું તો આશ્રમ પહોંચવું જરૂરી હતું .
પહેલી જે મળી તે ફ્લાઈટ લઈને ચંડીગઢ પહોંચેલા રિયા ને માધવી આશ્રમ પહોંચ્યા ત્યારે મધરાત થવા આવી હતી. વળાંકવાળા , દેવદાર ને ચીડથી છવાયેલો રસ્તો ભેંકાર લાગતો હતો . સામાન્યપણે નવ વાગ્યા સુધીમાં તો આશ્રમની તમામ પ્રવૃત્તિ થંભી જતી એની બદલે દૂરથી જ આશ્રમની બત્તીઓ કંઇક અમંગળ સંકેત આપતી હતી.
આશ્રમમાં પહોંચતાવેંત જ રાહ જોઈ રહેલી કુસુમ દોડતી આવી.
‘માસી ક્યાં છે …? ‘
જવાબમાં કુસુમે માધવી સામે એક ક્ષણ માટે જોયું ને પોક મૂકી : દીદી ગયા.
એ સાંભળતાની સાથે જ માધવી ચક્કર ખાતી ફસડાઈ પડી.

***************

માધવીની આંખો ખુલી ત્યારે સવાર પડી ચૂકી હતી. આંખો ખુલતાવેંત જ કુસુમ નજરે ચઢી.
‘માધવી દી , તમારી જ રાહ જોવાય છે. …’
માધવીના શરીરમાં એક ચીલ ફરી વળી. કુસુમનો સહારો લઈને માધવી બહાર આવી ત્યારે શ્વેત વસ્ત્રોમાં સજ્જ લોકોનો મહેરામણ ઉમટવા લાગ્યો હતો. દીદીને આખરી વિદાય આપવા આવેલા લોકોમાં કેટલાય તો એવા હતા જેમને માત્ર આરતીનું નામ સાંભળ્યું હોય. પ્રાર્થનાખંડમાં મુકાયેલાં પાર્થિવ દેહને અંજલિ આપીને લોકો બાજુએ ખસી જતાં રહ્યા . દેહની રિયા બાજુ પર બેઠી હતી. આવ્યા ત્યારથી ખસી સુદ્ધાં નહોતી , ન તો એક મટકું માર્યું હતું ન તો એક ઘૂંટ પાણી પીધું હતું .
અંતિમવિધિનો સમય હતો . જેટલો ભારે એટલો જ બોઝિલ . આશ્રમના ચોગાનમાં જ દક્ષિણ દિશાએ અગ્નિસંસ્કાર માટેની તૈયારી થઇ ચૂકી હતી. મુખ્ય પ્રાર્થનાખંડમાં દર્શન માટે રખાયેલા દીદીના દેહને બહાર કઢાયો ને માધવીનું દિલ ધબકાર ચૂકી ગયું . માસી ખરેખર જ આ દુનિયામાં રહ્યા નથી એ દિલ અને દિમાગ માનવા જ તૈયાર નહોતા .
માધવીની આંખો સામેની દુનિયા ધૂંધળી થતી ચાલી . માધવીની આંખો ભીની હતી અને રિયાની આંખોમાં જામ્યો હતો અગ્નિ . સૌથી નિકટ રહેલી રિયાએ નાનીના દેહને અગ્નિસંસ્કાર આપ્યા હતા. જોવાની ખૂબી તો એ હતી કે રડવાની વાત તો બાજુએ રહી રિયાની આંખો ભીની સુધ્ધાં નહોતી થઇ.
બપોર સુધીમાં તો આરતી દીદી તસ્વીરમાં મઢાઈને ગુરુજી મુનિ આત્મજ્યોતિ અને ગુરુમા અમૃતાની જોડે પ્રાર્થનાખંડમાં બિરાજી ચૂક્યા હતા.

‘માધવી દીદી , આ છે આરતીદીદીએ રાખેલી તમારી અમાનત , નામ લખીને રાખ્યું હતું , મેં તો હમણાં જોયું …’ સાંજ પડતાં કુસુમ કોટેજ પર આવી , કવર સાથે એક નાની સંદૂક પણ હતી.
માધવીએ કવર ઉથલાવીને જોયું , એ રિયાના નામનું હતું પોતાના નામનું નહીં . સાથે હતી સંદૂક એની પર એક નાનું તાળું હતું , જેની પર ન તો કોઈ નામ હતું ન એનો કોઈ ઉલ્લેખ .
‘રિયા , કવર તારા માટે છે…. ‘
માધવીને ખ્યાલ આવી ગયો પોતાની ભૂલનો , માસીને કેટલી નાની વાતમાં કેવો આઘાત આપી દીધો પોતે .
માધવી સૂનમૂન બેસી રહી. કુસુમ એને સાંત્વન આપતી બોલતી રહી : દીદી આવ્યા ભલે પણ કદાચ એમને સંકેત મળી ગયો હતો , એટલે આવ્યા ત્યારથી ન એમના કોટેજમાં અનુષ્ઠાનમાં બેસી ગયા હતા.
દોઢ દિવસ થયો ત્યારે બારણું તોડીને ખોલી નાખ્યું ત્યારે સમાધિસ્થ જ હતા પણ એ પરમ સમાધિ હતી. પાસે પડી હતી આ બે ચીજ .
કુસુમ સાંત્વન આપતી રહી ને કવર હાથમાં આવતાં ખોલવાને બદલે એ લઈને રિયા અંદર ચાલી ગઈ.
પલંગ પર બેસીને કવર ખોલ્યું એ સાથે જ એક નાની ચાવી સરકીને એના ખોળામાં પડી . રિયાએ ત્રાંસી આંખે બહાર વરંડામાં બેઠેલી માધવી તરફ જોઈ લીધું : ક્યાંક આ સંદૂકનું રહસ્ય એને પણ ખબર હશે ?
એક પત્ર હતો રિયાના નામે , જેમાં લખી હતી માત્ર થોડી લીટીઓ પણ વિના લખ્યે લખાયેલું રિયાએ વાંચી લેવાનું હતું .

વ્હાલી રિયા
આ પત્ર મળશે ત્યારે હું કદાચ આ દુનિયામાં નહીં હોઉં , એકવાર આ પત્ર ધ્યાનથી વાંચી લઇ એને ફાડી નાખજે.
બહુ વિચાર્યા પછી હું આ મત પર આવી છું , લાગે છે હવે સમય અને સંજોગ ન પણ બને કે હું તને આ વાત રૂબરૂ મળીને કરી શકું એટલે એરપોર્ટ પર અત્યારે જયારે ફ્લાઈટની રાહ જોઈ રહી છું ત્યારે જ લખી રહી છું.
રિયા, તને જ નહીં સહુ કોઈને ખબર છે કે નાનપણથી તું મારી વધુ નિકટ રહી છે, મારી થોડી વધુ વ્હાલી પણ ખરી … મધુને , રોમાને કે તને પોતાને , કદાચ કોઈને પણ એ વાતનું કારણ સમજાતું નહીં પણ આજે હવે કહેવામાં કોઈ હર્જ નથી એટલે તને જણાવી દઉં ..રિયા , સહુ અજાણ છે પણ સાચી વાત તો એ છે કે તારામાં હમેશા હું મારી જાતને જોઈ રહી હતી. બે બહેનોમાં થોડી ઉતરતી , એ પછી રૂપ હોય કે નસીબ , પ્રેમ હોય કે કુટુંબ ….. મારા હૃદયનો એક ખૂણો હમેશ સૂનો રહ્યો અને એ વાત કેટલી પીડાકારક છે એ તારાથી વિશેષ કોણ સમજી શકે ?
સરોજની વાત ક્યારેય હું ભૂલી નહોતી , વિદ્યા અને સિધ્ધીઓ ભોગ પણ મોટો માંગી લે છે , જે મેં આપ્યો છે , એટલે જ તારી જીદ પાસે હું ન ઝૂકી. હું નહોતી ઈચ્છતી કે મેં જે જિંદગી જોઈ તેવી જિંદગી તું જુએ.જીંદગીમાં પ્રેમ, કુટુંબ , ચાહનાની શું મહત્તા હોય સહુને ન સમજાય કારણકે બહુ સહેલાઈથી મળી જાય , પણ પાણીની કિંમત તરસ્યાને હોય …હું ઇચ્છતી હતી કે એ વિદ્યા ન શીખી ને તું એક સામાન્ય જિંદગી જીવે …મને ડર હતો કે ક્યાંક તને એ જિંદગી ન મળે જે મને મળી . આખરે તો પ્રેમને કારણે અંકુરિત થયેલો આ ભય છે. ભયને ન મારી શકાય છે ન જીતી શકાય છે. એને તો માત્ર સમજી શકાય છે.મેં ભય જીતવાની કોશિશ કરી એટલે એ લપાઈ ગયો હતો મારી જ સાધનામાં , ભીતર ધરબાઈને એને મને કમજોર બનાવી દીધી , કદાચ એટલે જ હવે ભીતર એક અવાજ ઉઠે છે , જેને તાબે થયા વિના છૂટકો નથી. તું થોડી બહુ રસમથી તો વાકેફ છે , થોડું જ્ઞાન એ વિદ્યા તને પોતે આપશે . એક સંદૂક છે જેની ચાવી આ સાથે છે.
યાદ રહે આ પરમાર્થ માટેની વિદ્યા છે , વેરની ચુકવણી માટેની નહીં . થોડું લખ્યું છે , બે લીટીઓ વચ્ચે ન લખાયેલી વાતોના અર્થ સમજીને વાંચી શકે એટલી કાબેલ તો તું છે જ .

માધવી મારા જીવનનો એક ભાગ બની ચૂકી હતી , એને દુખ પહોંચે એવું કરે ત્યારે મનમાં એકવાર નાનીને સમારી લેજે …
હું સદેહે તારી સાથે ન હોઉં એ શક્ય છે પણ તારી આસપાસ તો જરૂર હોઈશ …
મા ભગવતી સદૈવ તારી સાથ હો ….
પત્ર પૂરો થતાં સુધીમાં રીઅની આંખો વહેવા લાગી હતી. એની નજર બહાર બેઠેલી માધવી પર પડી . એક જ રાતમાં મમની ઉંમર અચાનક દસ વર્ષ વધી ગઈ હોય એમ લાગતું હતું .
રિયાએ પાસે જઈને માધવીની હથેળી પોતાની હથેળી વચ્ચે લઇ ઘસી ..
માધવીની આંખોમાંથી આંસુ સરી પડ્યા : રિયા , હું તો સાચે જ અનાથ થઇ ગઈ. માસી ગયા ને , રાજ …
રિયાના મનમાં ચમકારો થયો : ઓહ , માસીના નિધન સાથે સાથે બીજું દુઃખ જો મમને ખાઈ જતું હોય તો એ હોસ્પિટલમાં પડેલાં સેતુમાધવનનું છે.
રિયાએ વધુ વાર ન જોવી પડી. આશ્રમ જંપી ગયો કે એને નાનીએ મોકલાવેલી સંદૂક ખોલી , નાનીએ અનુષ્ઠાનની સરળ વિધિઓ પણ સાથે લખીને રાખી હતી .
રિયાની પૂજા રાતભર ચાલતી રહી. આખરે એ જ તો સાચું તર્પણ હતું નાનીનું .

************

સવારના પહોરમાં રિયા મોબાઈલ ફોન રણક્યો . સામે છેડે શમ્મી હતો.
‘રિયા , માધવન સર ઈઝ આઉટ ઓફ ડેન્જર … આઈસીયુમાંથી હવે રૂમમાં શિફ્ટ કરે છે ….’
‘મમ , માધવન સર આઈસીયુમાંથી બહાર આવી ગયા ….’ ચા પી રહેલી માધવી સામે જોઇને રિયા બોલી . માધવીએ કોઈ જવાબ તો ન વાળ્યો પણ રિયા એની આંખમાં એક હાશકારો ઉગેલો જોઈ શકી.
હજી એ વિષે વધુ વાત થાય એ પહેલા તો માધવીના મોબાઈલ ફોનની રીંગ વાગી.
નંબર જાણીતો ન લાગ્યો છતાં માધવીએ રીસીવ કર્યો .
‘કોન્ગ્રેજ્યુલેશન મિસ સેન , તમે ગ્રેની બની ગયા ….બેબી ગર્લ છે , પ્રિમેચ્યોર ડિલીવરી છે પણ મધર એન્ડ બેબી આર ફાઈન ….’ સામે છેડે મીરો હતો.
માધવીના ફિક્કાં પડી ગયેલાં ચહેરા પર એક સ્મિત અંકાયું : માસી ગયા એવા પાછા પણ આવી ગયા ?
*************
ત્રણ દિવસ પછી મુંબઈ પાછાં ફરી રહેલા માદીકરીની જિંદગી નવા સમીકરણ સાથે મંડાઈ રહી હતી.
વેર પર રચાયેલી વિરાસત કાલની ગર્તામાં વિલીન થઇ ચૂકી હતી ને એક નવી ઇનિંગ મંડાઈ રહી હતી.

સમાપ્ત .

gujarati, Novel

વેર વિરાસત 45

image

પેરીસથી મુંબઈની ફ્લાઈટ  જેટલેગ લાગે એટલી લાંબી હોતી નથી છતાં માધવીને લાગી હતી.
મુંબઈ આવ્યાને બે દિવસ થવા આવ્યા છતાં શરીરનો થાક જાણે સાથ જ છોડવા માંગતો નહોતો તેમ અકારણે જ સુસ્તી વ્યાપી રહી હતી. એ થાક હતો કે મનમાં ચાલી રહેલાં ઘમાસાણનો સંતાપ ?

ન સમજાય એવી વાત  માધવી માટે નહોતી કે ન તો આરતીમાસી માટે. વર્ષોથી એક તાંતણે જોડાયેલાં મન અચાનક જ જોજન દૂર થઇ ગયા હતા એની દાહ પણ પજવી રહી હતી.

‘માસી , તમે એટલું તો માનશો ને કે જે પણ થયું તે યોગ્ય નથી થયું ??’ માધવીએ જેટલીવાર પોતાની ખામોશી તોડવા  કર્યો  ત્યારે ન ચાહવા છતાં  એ જ વાત બહાર આવી જતી અને એ  સાથે જ માસી મૌનવ્રત ધારણ કરી લેતા .
માધવી સાથે ઘર્ષણ ટાળવું હોય તો પછી થોડા દિવસ આ અસ્ત્ર અપનાવે જ છૂટકો એવા કોઈક નિષ્કર્ષ પર પહોંચ્યા પછીસંયમ જાળવવો હોય તેમ ચૂપ રહેવું પસંદ કરી લીધું હતું  .

‘……. અને રિયાનું વર્તન  તો જુઓ !! બે દિવસથી હું આવી છું , થાકી છું , ગેલેરી  પર નથી ગઈ , છતાં છે એને કોઈ પરવા ? એ તો પોતાની જ દુનિયામાં વિહરી રહી છે ને ! મા હોય ન હોય શું ફરક પડે છે એને ?’
માધવીનો રોષ અસ્થાને પણ નહોતો .
ખરેખર તો માધવીની ખફગીનું સૌથી મોટું કારણ તો હતું  કે રિયાએ સેતુમાધવન સાથે ફિલ્મ કરવાની જાણ સુધ્ધાં કરવી જરૂરી નહોતી સમજી . બાકી હોય તેમ માસી એમાં પણ એની તરફદારી કરતાં હોય એમ એને પક્ષે ઉભા રહ્યાં હોવાનું માધવીએ માની લીધું હતું  .

‘રિયાને તો સાચી વાતની જાણ નથી. એનો શું વાંક કાઢવો ? પણ તમને હું  શું કહું , માસી ? માધવીનો રોષ થોડીથોડી વારે બારૂદની જેમ ભડકતો રહ્યો હતો : જો હું તમારી સગી  દીકરી હોત તો? તો તમે રિયાને આવું કરવા દેત ? ‘ માધવીના રોષે માઝા મૂકી દીધી હતી. અજાણે બોલાયેલાં શબ્દો આરતીને સોંસરવા ઉતરી લોહીલુહાણ કરવા પૂરતાં હતા.

ચૂપચાપ માધવીના વર્તનથી હતપ્રભ રહી ગયેલી આરતી માટે આ છેલ્લો ધક્કો હતો. વર્ષો સુધી જપતપ અને ધ્યાન સાધનાથી કેળવાયેલી સ્થિતપ્રજ્ઞતા ચલિત થઇ ચૂકી હતી અને દિલદિમાગનો પર કબજો કરી લીધો ઝંઝાવાતે.
માધવીને આવું બોલવા  પૂર્વે એક ક્ષણ માટે વિચાર સુધ્ધાં ન આવ્યો ? આરતીના દિલનો ચચરાટ તેજ થઇ રહ્યો : શું નહોતું કર્યું માધવી માટે ?? છેલ્લાં અઢી દાયકા , પૂરેપૂરી રીતે વિસરી ગઈ હતી પોતાની દુનિયાને , જેને માટે ગુરુજીને કોલ આપ્યો હતો  … મારી આરુષિમાંથી મારી માધવી ક્યારે થઇ ગયું એ તો ખ્યાલ જ નહોતો રહ્યો અને એમાં ઉમેરણ થયું વ્યાજનું , રિયાને રોમાનું  …..અઢી દાયકામાં તો  ગઈ હતી કે માધવી પોતાની કૂખે જન્મેલી નહીં બલકે આરુષિની દીકરી છે , પણ માધવી ? એને મન એ માસમાન જરૂર હતી પણ મા નહોતી એ તો આજે સમજાયું  .

આરતીએ આંખો મીચી દીધી  . આંસુ સાથે તો કદી દોસ્તી રહી નહોતી, એ વરદાનથી કાયમ બાકાત રહી ગઈ હતી.
રણ જેવી શુષ્કતા વ્યાપી રહી તનમનમાં  …
માધવીના મનમાં પોતાની સાથે રમત રમાઈ ગઈ એ વિચાર આવ્યો એ જ વાતે માસીભાણેજ વચ્ચે  માદીકરી જેવા સંધાનને એક ક્ષણમાં  જામગરી ચાંપી દીધી હતી.
માધવીને તો આ વિષે હવે કોઈ વધુ વાત નહોતી કરવી અને રિયા પોતાની ધૂનમાં મસ્ત હતી.

રિયાના શિડ્યુલ જ ભારે ટાઈટ હતા. આર. સેતુમાધવનના નામને ભલે થોડો ઘસારો પડ્યો હોય પણ એ ડૂબે એવું જહાજ નહોતું  . જેમ જેમ માધવન અને મધુરિમાના બ્રેકઅપની ગુસપુસ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાતી થઇ હતી ત્યારથી માધવનના માથે ટેન્શન પણ વધી ગયું હતું  . એ સંજોગોમાં શક્ય એટલી ઝડપથી ફિલ્મ પૂરી કરવાની હતી. ન તો શિફ્ટ જોવાની હતી ન બ્રેક  . એ બધી વાતોની અસર ફિલ્મ સાથે સંકળયેલા સહુકોઈ પર પડ્યા વિના થોડી રહેવાની હતી?
ડબલ શિફ્ટમાં શૂટિંગ ચાલતું અને ક્યારેક તો એવું પણ બનતું કે સવારે સહુ કોઈ ઉઠે એ પહેલા રિયા નીકળી ચૂકી હોય.

‘તમે જોજો હજી તો રિયાને ખબર નથી કે આ આર સેતુમાધવન છે કોણ ? એને જે દિવસે ખબર પડી કે  …..’ માધવી આગળ વધુ ન બોલ્યા વિના ચૂપ થઇ ગઈ.

‘ખબર પડશે તો ખરી ને એક ને એક દિવસે  …., દુનિયા તું ધારે છે એથી ઘણી નાની છે મધુ  ….’

માસીની વાત ખોટી નથી એમ માનતી હોય તેમ માધવીએ એક ઊંડો શ્વાસ ભર્યો : એનું જ તો દુઃખ છે ને  … તમે મારાથી દુભાયા છો એનો મને ખ્યાલ છે માસી પણ કારણ નથી સમજાતું પણ ન જાણે કેમ મનમાં કોઈક અજંપો ઘર કરતો ચાલ્યો છે. આવું તો ક્યારેય નથી અનુભવ્યું  … કશુંક અમંગળ  ….મને રહી રહીને ફડક લાગ્યા કરે છે. રિયાને જયારે જાણ થશે કે એ કોની દીકરી છે ત્યારે એ એના બાપને તો નહીં જ બક્ષે પણ  આખી વાત તમને ખબર હતી છતાં સત્યથી એને અજાણ રાખવા  માટે એ તમને પણ નહીં માફ કરે…
માધવીનો ઉશ્કેરાટ નીકળી જાય ત્યારે મંદ થતો પણ ફરી દરિયામાં ભરતી આવે એમ થોડાં કલાકમાં જામવો  શરુ થઇ જતો હતો.

કોઈ પ્રતિક્રિયા દર્શાવ્યા વિના  ચૂપચાપ વાત સાંભળી લીધા સિવાય વિકલ્પ પણ ક્યાં બચ્યો હતો આરતી પાસે ? ઘડીભર ઈચ્છા થઇ આવી સાચી વાત કહી દેવાની , રિયા જાણશે ત્યારે ? અરે !! રિયા જાણી ચૂકી છે , માત્ર એના પિતા વિષે જ નહીં એના નાના નાની , ને મારા વિષે પણ  ….
આરતીએ હોઠે આવેલાં શબ્દો ગળી જવા પડ્યાં  .
માધવીના મનની સ્થિતિ જોઇને પરિસ્થિતિ  સાચવી લેવાની હતી.

રિયાને ન કહેવાની રાઝભરી વાતો કહી નાખી ને પોતે ભારે ભૂલ કરી નાખી એવા સંતાપથી આરતીનું મન ભરાઈ ગયું. એ  હવે માધવીને કહી દેવાથી વચ્ચે પડી ચુકેલી ખાઈ વધુ ઊંડી થવાની છે એમ કેમ લાગતું હતું ?
પહેલીવાર એવું બની રહ્યું હતું કે કોઈ અજ્ઞાત ભય આરતીના મનમાં ઘર કરતો ચાલ્યો હતો.
એ સંજોગોમાં સૌથી શ્રેષ્ઠ વિકલ્પ એકમાત્ર હતો , અહીંથી ખસી જવાનો, વધુ નહીં તો થોડા  સમય માટે પણ. માધવી આવી જાય પછી આશ્રમ આવીશ એવું મન તો બનાવી જ લીધું હતું  . કુસુમ એ જ આશ્વાસન સાથે ગઈ હતી , તો પછી  …..

‘મધુ , તને જણાવવું તો હતું જ પણ થયું કે તું એકદમ સ્વસ્થ થાય , કામે લાગી જાય પછી કહું  ….’ આરતીએ સવારે ચા પીતાં પીતાં વાત છેડી દીધી  .
માધવીની નજર એ સાથે જ સામે લાગેલા ટાઈમપીસ પર ગઈ. સવારના સાડા નવ થઇ રહ્યા હતા. માસીની પૂજા પછીનો ચાનો સેકન્ડ રાઉન્ડ , સામાન્યપણે એ વખતે પોતાનો ગેલેરી  જવા માટે તૈયાર થવાનો સમય પણ પેરીસથી આવ્યા પછી તો જાણે શિડયુલ જેવી કોઈ સિસ્ટમ જ રહી નહોતી  .

નહાવા જવાનો વિચાર કરીને ઉભી થવા ગયેલી માધવી બેસી જવું પડ્યું માસીની વાત સાંભળીને  .
‘હા, બોલો, સાંભળું છું. ‘ માધવીના વર્તનમાં અજબ ખારાશ ઘોળાઈ ચૂકી હતી.
રાતથી મનમાં ઘૂમતી રહેલી  વાત હવે કહી દીધા વિના છૂટકો નહોતો  . આરતીએ મનને સાબૂત  કરવું હોય તેમ એક ઊંડો શ્વાસ ભર્યો  .

‘ તું ને રિયા પેરીસ ગયા તે ગાળામાં કુસુમ આવી હતી  …. આપણી વાત થઇ હતી ફોન પર , જો તને યાદ હોય તો ?’
‘હા , યાદ છે ને , પણ એનું શું ? એ તો ગઈ ને હવે…. ‘ માધવીએ જરા કંટાળાથી કહ્યું  . કુસુમનું નામ સાંભળીને જ એના ચહેરા પર અણગમો દેખીતી રીતે છતો થયો હતો.

‘હા , પણ મેં તને એ પણ કહ્યું હતું કે એ આવી હતી મને લેવા. એ થોડી મુસીબતમાં છે, એને  મારી મદદની જરૂર હતી  … પણ  …’

‘પણ શું માસી ? આવી ગયા કે એ ચોરટીની વાતોમાં ? એને તમારી સાથે શું કર્યું હતું બધું ભૂલી ગયા ? પણ તમે ભલે ભૂલ્યા હો , હું નથી ભૂલી  … ન તો ભૂલીશ.

‘મધુ , બોલે એ પહેલા વિચાર  … જે થઇ ગયું તે  .. પણ અપશબ્દો ન વપરાય , એ સંન્યસ્ત જીવનમાં છે.’

‘સોરી માસી , હું નથી માનતી આ પ્રકારના સંયમ અને સંન્યસ્ત જીવનને. બધું સંસાર જેવું તો છે. જયારે જમી જવું હતું ત્યારે તો…….!!’

‘એ બધી જૂની વાતો દોહરાવવાનો કોઈ અર્થ ? મધુ , હું તો તારા પાછા ફરવાની રાહ જ જોતી હતી. મારે એકવાર તો જવું જોઈએ. આખરે તો આશ્રમની જવાબદારી  ગુરુજીએ મારી પર મૂકી હતી. એ નિભાવવામાં હું પાછી પડી  … ‘

‘એટલે ? તમે કરવા શું માંગો છો ? ‘ માધવીના ચહેરા પર અકળામણ છતી થઇ આવી.
માસી હવે જિંદગીનો એ હિસ્સો બની ચૂક્યા હતા કે એમનું પાછું આશ્રમમાં જવું એ વિચાર જ માધવીને ખળભળાવી મૂકવા પૂરતો હતો.
માસીના આશ્રમ જવાની વાતને કારણે થઇ રહેલો ઉદ્વેગ ભારે બોલકો હતો. રોમા પેરીસ ગઈ કે રિયાએ ફિલ્મોમાં પ્રવેશ કરવાની મનમાની કરી ત્યારે જેવો ચચરાટ ન થયો તે હવે થઇ રહ્યો હતો.
એને સમજતાં વાર  ન લાગી કે છેલ્લાં થોડા દિવસથી ઉંચા થઇ ગયેલા મન જવાબદાર હતા માસીના આશ્રમ પાછા જવાના નિર્ણયને  માટે   …માસી કદાચ કાયમ માટે આશ્રમમાં રહી જવાનું નક્કી કરી ચૂક્યા હોય તો ?  અંધારકુવામાં ઝાંકતી વખતે જેવી  દહેશત લાગે તેવી ગરગડી માધવીના પેટમાં ફરી ગઈ.

‘માસી , મને તો યોગ્ય નથી લાગતું તમારું ત્યાં જવું  …..’માધવીએ બની શકે એટલી કોશિશ તો કરી જોઈ પણ માસીએ જવાબ ન આપતા મૌન જ સેવ્યું  . એનો એક જ અર્થ નીકળતો હતો.

રાત્રે રિયા શૂટિંગ પરથી આવી ત્યારે ઘરનું વાતાવરણ જોઇને જ પરિસ્થિતિ પામી ચૂકી હતી.

‘શું વાત છે ? આજે તો કોઈ જાણે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરવાની હોય એવા મૂડમાં સહુ છે ને , ઈઝ એવરીથિંગ ઓકે ? રોમા તો ઠીક છે ને  !!’ રિયાએ મજાક કરીને વાતાવરણ હળવું બનાવવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો  . એથી પણ ન તો માધવીના તંગ ચહેરા પરની રેખાઓ હળવી થઇ ન નાનીનું મૌન તૂટ્યું   . રિયા  શાવર લઈને ટેબલ પર ગોઠવાઈ. શકુબાઈ એના માટે સૂપ લઇ આવી.
સૂપ પી રહેલી રિયાના ધ્યાનબહાર નહોતું ગયું કે શાંત ચિત્તે બેઠેલા મમ ને નાની ખરેખર તો પોતે વાત માંડે એની જ રાહ જોઈ રહ્યા છે .

‘ તને ઘરના લોકો માટે કોઈ સમય હોય તો વાત કરે ને !! તને ક્યાં એ બધામાં રસ છે ?’ માધવીની જીભ પર વધુ કડવાશ છલકાય એ પહેલા જ આરતીએ એને અટકાવી.
‘તું પતાવી લે રિયા, ને અહીં આવીને બેસ…’ દૂર કાઉચ પર બેઠેલાં આરતીએ મામલો જાળવી લેવો હોય એમ વાત સાચવી  લીધી પણ  પોતે જમે ત્યારે સામે બેસીને કંપની આપતાં નાની સામે આવીને બેઠાં નહીં એ વાત નોંધાયા વિના ના રહી .

રિયા  ડાયેટ પર હતી. સૂપ પછી બે ક્રેકર્સ ખાવાથી ડિનર પતી ગયું , એટલે આવીને બેસી ગઈ હતી મમ ને નાનીની વચ્ચે  .

‘નાની તો જવા માંગે છે હિમાચલ   …. ‘ શરૂઆત માધવીએ કરી.

‘અચ્છા ? નાની , તમે પહેલા તો ના કહેતા હતા ને ?’ રિયાએ નિર્દોષરીતે પૂછ્યું  .

‘એટલે ? પહેલા આ વાત ચર્ચાઈ ચૂકી છે ? ‘માધવી ઉછળી.

‘અરે મધુ !! રિયા પેરીસથી આવી ત્યારે કુસુમ અહીં જ હતી.  રિયા આવી એટલે એ ઉછળકૂદ કરવા લાગી કે હવે શું સમસ્યા છે ? હવે ચલો ને ચલો .’

‘હા , નાની ઈઝ રાઈટ…’ રિયાએ માથું ધુણાવ્યું.; પણ નાનીએ કુસુમ આંટીને ના પાડી દીધી કે   તમે આવશો પછી જ વાત.’

માધવી જરા છોભીલી પડી ગઈ હોય તેમ નીચે જોઈ રહી.

પોતે એક નાની સરખી વાતમાં માસી સાથે કેવી છેડાઈ ગઈ , એ માસી સાથે જેને આખી જિંદગી પોતાને નામે લખી આપી હતી.

‘નાની , પણ તમે આશ્રમ  જશો તો પણ  પંદર વીસ દિવસ માટે ને ? વધુમાં વધુ એકાદ મહિનો  , તો શું થઇ ગયું ? ‘ રિયા માધવી તરફ વળીને બોલી : હું તો કહું છું  મમ, તમે પણ જાવ સાથે , તમને પણ એક ચેન્જની જરૂર છે.’

રિયાના ખુશમિજાજ મૂડથી ઘણાં દિવસોથી વાતાવરણમાં તરી રહેલા ભારેખમ ટુકડાં અચાનક જ વેરવિખેર થઇ ગયા હોય તેમ માહોલ ફરી ગયો.

ક્ષણ માટે આરતીને ફડકો પેઠો હતો કે ક્યાંક  રિયા કોઈક ફિલ્મને લગતી વાત છેડશે તો થઇ રહ્યું ,  મહામહેનતે થયેલું સંધાન તૂટી પડશે પણ એવી કોઈ પરિસ્થિતિ જ ઉભી ન થઇ. ન રિયાએ કોઈ વાત કાઢી , ન માધવીએ જાણવા માગી.

એ દિવસની વાતચીતે વાતાવરણમાં રહેલો હિમ જરૂર પીગળાવી દીધો હતો છતાં, દિવસ વીતી ગયા પણ એક છત નીચે રહેલી ત્રણ સ્ત્રીઓ વચ્ચે કોઈ અદ્રશ્ય  દીવાલ રચાયેલી રહી. જેનું કારણ અન્ય કોઈ નહીં ને આરતી જ હતી.

આરતીના મનનો ભાર હતો રિયાને કરેલી રાઝની વાત, અજાણતાં જ થઇ ગયેલા માધવીના દ્રોહ જેવો લાગી રહ્યો હતો. માધવીનો ભાર એના મનમાં ધૂંધવાઈ રહેલો રોષ હતો. પોતાની ગેરહાજરીમાં રિયાને સેતુમાધવનની ફિલ્મ કરતાં માસીએ વારી કેમ નહીં ?
ને રિયાના મનમાં તો એક માત્ર ભાર હતો. પોતે હાથે ધરેલા અભિયાનને પાર કેમ પાડવું ?

આરતીના લાખ  ચાહવા છતાં એ માધવીને કહી ન શકી કે રિયા બધું જાણી ચૂકી છે. ન તો રિયાની સાથે દિલ ખોલીને કોઈ વાત કરવાનો મોકો મળ્યો ને
આશ્રમ જવાનો નક્કી કરેલો દિવસ  તો આવી ગયો .

આરતી પાસે સામાન નહીવત હતો છતાં  દિલ પર લદાયેલાં બોજનું વજન ભારેખમ  હતું  .
પહેલા તો વિચાર એવો થયેલો કે માધવી પણ માસી સાથે હિમાચલ જાય , બે ચાર દિવસ રહી ને પછી આવે પણ પછી માસીની ના પર જ એ પ્રોગ્રામ ફેરવાયો  .

માધવીની તબિયત નરમગરમ રહેતી  હતી ને માસીએ ક્યાં વધુ રહેવાનું હતું ? એના કરતા તો ડ્રાઈવર કિશોરને જ માસીની સંગાથે જાય ને મૂકી ને પાછો આવે.

એરપોર્ટ પર ફ્લાઈટની રાહ જોતાં જોતાં આરતીને જે પૂર્વાભાસ થયા હતા એ વધુ ન સતાવે એ માટે આરતીએ બાજુમાં બેઠેલા કિશોર પાસે રહેલું અખબાર હાથમાં લઇ વાંચવામાં મન પરોવ્યું  . અખબારના  ચમકી રહેલા એક સમાચારે તેનું ધ્યાન ખેચ્યું, એ સમાચાર હતા આર સેતુમાધવનના વળતાં પાણીના . જેમાં ઉલ્લેખાયેલી વાત હતી માધવન અને મધુરિમાના બ્રેક અપની, માધવનના નવા આવાસની , નવા પ્રોજેક્ટ હેઠળ બની રહેલી નાના બજેટની ફિલ્મની , જેની હિરોઈન હતી રિયા , અને રિયાવાળી આ ફિલ્મ  પર અવલંબતી હતી માધવનની કારકિર્દી ને એની જિંદગી  .

આરતીએ અખબાર બાજુએ મૂકી દીધું  . આ બધા પૂર્વાભાસમાંથી છૂટવા તો અખબાર હાથમાં લીધું હતું ત્યાં તો એની એ જ વાત. એટલીવારમાં જ બોર્ડીંગ અનાઉન્સમેન્ટ શરુ થઇ એ ભારે રાહતરૂપ લાગી  .

                                                                                             ****************************************
માસીના ગયા પછી પણ માધવી લિવિંગ રૂમની દરિયા તરફ પડતી વિન્ડો પાસે રોકિંગ ચેરમાં ઝૂલતી રહી. કોઈ અજબ ઉદાસી  મનને ભરતી ચાલી. માસીના જવાને  કલાક પણ નહોતો થયો કે અજબ સુનકાર ઘેરી વળ્યો હતો ઘર ને , મનને  .
માધવીએ બેડરુમમાં જઈ પડતું મુક્યું  . સવારના સમયે  આવી સુસ્તી તનમને અનુભવી હોય એવું પહેલીવાર બન્યું હતું .

ફ્લાઈટ ઉપડવાની તૈયારીમાં હશે  …. માધવીએ વિચાર્યું  . શરીર વિના કોઈ કારણ કળી રહ્યું હતું.  મન ઉદાસ હોય તો એની અસર શરીર પર પડ્યા વિના ન જ રહેવાની  . એવું જ કંઇક  થઇ રહ્યું હતું માધવી સાથે  . આ કળણમાં વધુ ન સરકી જવાય એવી સાવધાની સાથે માધવીએ પોતાની જાતને સંભાળી  લીધી  . ગેલેરી પર એક ચક્કર મરવું જરૂરી હતું. માધવી તૈયાર થઈને નીચે ઉતરી. ડ્રાઈવર કિશોર તો માસીની સાથે હિમાચલ ગયો હતો એટલે નીચે ઉતરીને માધવી ટેક્સીમાં ગોઠવાઈ.  એક હળવા ઝટકા સાથે ટેક્સીએ ગતિ પકડી અને દરિયા પરથી વહીને આવતી ખારી હૂંફાળી હવા ખુલ્લા કાચમાંથી અંદર ધસી આવી. ટેક્સીવર્ષો સુધી એસીની ઠંડી હવામાં શ્વાસ લેવાની આદતે દરિયાની હવાની ખુશ્બુ તો સાવ વિસારે પાડી દીધી હતી. વર્ષો પછી એ ખરી હવાની લહેરખીઓ  મનમાં રાજાની યાદ તાજી કરી ગઈ.

જિંદગી પણ શું અદભૂત કેલિડોસ્કોપ હોય છે !!  માધવી વિચારી રહી. એક હળવો સ્પર્શ ને અંદર આખી ભાત ફેરવાય જાય. !!

સડસડાટ દોડી રહેલી ટેક્સી સાથે મનમાં ચાલી રહેલા વિચારો સ્પર્ધામાં ઉતર્યા હતા.
એ પણ કેવી અજબ વાત હતી કે બાપ દીકરી એક સાથે કામ કરી રહ્યા હતા. જેની જાણ ન તો દીકરીને હતી  ન પિતાને !!
શું માસ્ટરપ્લાન હશે નિયતિનો ?
ધારો કે એવું કંઇક બને ને રાજ ને રિયા સામે એ રાઝ ખુલી જાય તો ? તો બંનેના પ્રતિભાવ શું હોય શકે ?
જે કોઈ કાળે શક્ય ન હોય તેવી અતરંગી કલ્પના  કરવામાં પહેલીવાર ન કોઈ ચચરાટ હતો ,વર્ષો સુધી સંઘરી રાખેલી કડવાશમાં તો હવે કોઈ લિજ્જત પણ નહોતી રહી. એટલે આ નવી કલ્પના થોડું ઇંધણ બની રહી.
અચાનક જ ધ્યાનસમાધિ તૂટી , ટેક્સી  ટ્રાફિકમાં રેડ સિગ્નલ પર રોકાઈ .
એ સાથે જ બપોરના અખબાર વેચતો ફેરિયો બારી સુધી ધસી આવ્યો અને ખુલ્લા કાચમાંથી ટેબ્લોઈડ પેપર આગળ  ધર્યું  .
‘નહીં ચાહિયે  …’ માધવીએ કંટાળાપૂર્વક કહ્યું તો ખરું પણ એની નજર પહેલે પાને છપાયેલાં ન્યુઝ પર ચોંટી ગઈ.
ન્યુઝ હતા સેતુમાધવનના હોસ્પિટલભેગાં થવાના  ….

માધવીએ ઝડપભેર પેપર ખેંચી લીધું  . બોલ્ડ અક્ષરોમાં લખાયેલી વાત તો એક જ સૂર કહેતી હતી , સેતુમાધવનને આવેલો  બ્રેઈન સ્ટ્રોક જીવલેણ સાબિત થઇ શકે છે . રીપોર્ટરે કાળજીથી ઝીણી ઝીણી વાતો એકથી કરીને બે ત્રણ પૂરક સ્ટોરીઓ પણ લખી હતી. પર્સમાં હાથ નાખીને હાથમાં આવી તે નોટ થમાવી માધવીએ પેપર લઇ એક શ્વાસે વાંચવા માંડ્યું  .
ગ્રીન સિગ્નલ થયું ને ટેક્સી સ્ટાર્ટ થઇ એ સાથે જ માધવીના મનમાં કશુંક ઉગ્યું.
‘ અરે ભાઈ , ટેક્સી જસલોક  હોસ્પિટલ લે લો  …..’ પોતાનો જ અવાજ માધવીને કંપી ગયેલો લાગ્યો  .
સમય મન સાથે વિવાદ કરવાનો નહોતો , એમ કરવામાં પણ આખરે જીતવાનું તો દિલ જ હતું  .
જે માણસે પોતાની કિંમત એક પથ્થર જેટલી ન કરી એ આજે આમ હોસ્પિટલમાં પડ્યો છે તેને જોવા જઈ પોતે શું કરવા ચાહે છે ? માધવીએ એકનો એક પ્રશ્ન પોતાની જાતને ત્યાં સુધી પૂછ્યા કર્યો જ્યાં સુધી હોસ્પિટલના પોર્ચમાં ટેક્સી આવીને ઉભી રહી ગઈ.

રીસેપ્શન પર  તપાસ કરવાથી ખબર તો પડી કે રાજ આઈસીયુમાં છે , માધવીને થયું કે એ પછી ફરી જાય પણ પગ સાથ જ નહોતા આપી રહ્યા  .

પોતાને અહીં આમ આવેલી જોઇને મધુરિમા કોઈ તોફાન ન ઉભું કરી દે  … માધવીને પહેલો વિચાર એ સ્ફૂર્યો હતો પણ છતાં મન ખસવાની ના પાડતું રહ્યું  .વિઝીટર્સ અવર્સ હતા એટલે એવી શક્યતા તો ઓછી હતી છતાં હળવી ધાસ્તી અનુભવતી રહી.
આઈસીયુની બહારની લોબીમાં જે થોડાં લોકો હતા એમની વચ્ચે થઇ રહેલી વાત પરથી માધવી એટલું તો પામી શકી કે એક તો હતો શમ્મી , ને બીજો હતો રાજેશ , રાજના ડાબા જમણાં હાથ. માધવીની દહેશતભરી નજર ખરેખર તો શોધી રહી હતી મધુરિમાને , પણ ન તો મધુરિમા દેખાઈ ન તો કોઈ ઓળખીતું,

ભાગી છૂટવાની તીવ્ર ઈચ્છા થતી હોવા છતાં માધવી એક તરફ જઈ ઉભી જ રહી. માત્ર બે ફૂટના અંતરે  ઉભેલાં ચારેક વ્યક્તિઓ ગહન ચર્ચામાં હતા.
‘સર , મારું માનો તો મેડમને જાણ કરો , શક્ય છે એમને આ વાતની જાણ જ ન હોય !!’
‘અરે ભાઈ , તું સમજતો જ નથી..રાજેશ  …   એવું બને કે મેડમને અત્યાર સુધી ખબર ન પડી હોય ? કોઈ પેપરે કશું બાકી નથી રાખ્યું , ને સહુને વધુ રસ પડે કારણકે સર ને મેડમ છૂટાં પડી ગયા છે એ જ તો આ પેપર માટે મસાલો છે.  જે  સાથે થઇ રહ્યું છે એમની જિંદગીનો સંક્રાતિકાળ ,  જેને કારણે આ હાઈપર ટેન્શન ને  સ્ટ્રોક … સરની જિંદગી અને મોતનો સવાલ છે તે પ્રેસ માટે એક ચટાકેદાર સ્ટોરીથી વિશેષ કંઈ નહીં !!  શમ્મીના અવાજમાં ગમગીની હતી.
‘હા, પણ તારી વાત સાચી પણ ખરી , એક શક્યતા છે , મેડમ આ ન્યુઝ્થી બેખબર હોય શકે , એ તો  એમના નવા હસબંડ સાથે હનીમૂન પર ક્રુઝ પર ગઈ છે ને !!

સ્પેશિયલી રાઉન્ડ પર આવી રહેલા ન્યુમરોલોજીસ્ટ ડોક્ટરની રાહ જોતા ઉભા રહેલા શમ્મી ને રાજેશ વાતમાં મશગૂલ હતા  . માધવીના કાન એમની વાતો પર હતા. પણ આ છેલ્લી વાત સાંભળીને એ ચમકી ગઈ.  મધુરિમા સાથે રાજના ડિવોર્સ ક્યારે થયા ? એવું તો ન કશું જાણ્યું ન વાંચ્યું  ….મધુરિમાએ બીજા લગ્ન પણ કરી લીધા ?

ઘડીભર માટે તો થયું કે પોતે આ યુવકો પાસે જઈને વિઝીટર્સ પાસ માંગી અંદર જઈ રાજને જોઈ આવે પણ એવી હિંમત એકઠી ન  કરી શકી માધવી  . એણે  ચૂપચાપ એક તરફ ઉભા રહેવું જ યોગ્ય માન્યું  . દિમાગે તો એમાં પણ ઠપકો આપી દીધો હતો. ઘેલી ન બન , આ એ જ માણસ હતો જે પોતાને પેટમાં બાળકીઓ હતી ત્યારે મઝધારે છોડીને ભાગી ગયો હતો , પોતાની સફળતાના શોર્ટકટ ચૂકી ન જવાય એ માટે  …

માધવીએ આસપાસ નજર દોડાવી. વિઝીટીંગ અવર્સ પૂરાં થવામાં ખાસ વાર નહોતી  . લોબી ખાલી થઇ રહી હતી છતાં માધવન માટે રોકાયેલાં
બંને પોતાના બોસની ચિંતામાં હતા , લોબીમાં વિઝીટર્સ માટે રખાયેલી ચેર ખાલી પડી કે માધવી ત્યાં ગોઠવાઈ ગઈ. હવે એમની વાતો વધુ સાફ રીતે સંભળાઈ રહી હતી.
‘નસીબ  …. બીજું કંઈ નહીં …. રાજેશ ‘ માધવીએ જોયું કે બંનેમાં થોડો વધુ યુવાન લાગતો માણસ વધુ નાસીપાસ થયો હોય તેમ ઉદાસ નજર ઢાળીને ઉભો હતો.

‘હાસ્તો , બીજું શું  ? તમે માનો શમ્મીભાઈ , પણ મને એમને દીકરાની જેમ રાખ્યો , ભણાવ્યો  …. બાકી હું તો અનાથ ન જાણે કઈ ગલીમાં ભટકતો હોત!!
માધવી ધ્યાનથી સાંભળી રહી.

‘સાચી વાત., બાકી આ માણસે તો સહુ કોઈને તાર્યાં છે , પણ નસીબ જ એવું કે એ જેને ફૂલ આપે તે એમને બદલામાં  કાંટા જ આપે . રાજેશ , આપણે તો આખી જિંદગી એમને જોયા છે , નામ દામ શોહરત બધું પણ દિલનો ખૂણો ખાલીખમ  . અરે યાર !! સફળતાનો નશો પણ તો જ ચઢે જો એને કોઈ સાથે વહેંચી શકાય  ….’ શમ્મી પોતાના બોસના પ્રેમવિહોણાં ભાગ્ય પર વસવસો કરી રહ્યો હતો.

‘ મેડમે આવું નહોતું કરવું જોઈતું  …. સરની આ હાલત  ….’ રાજેશનો અવાજ ગળગળો હતો.

‘અરે ના રે  …ભડ માણસ છે, એમ મેડમને કારણે તૂટી ન પડે પણ હા, એમના આ સંક્રાતિકાળમાં જે કંઈ થઇ રહ્યું છે….. ‘શમ્મી સાંત્વન આપતો હોય તેમ બોલ્યો  .: સરને મન જો કોઈ નશો હોય તો તે છે એનું કામ. જો બધું સીધું પાંસરું પત્યું હોય ને પેલી નખરાળીએ આમ પજવ્યા ન હોત તો સરની આ હાલત ન હોત , બે ફિલ્મ શું કરી માથામાં રાઈ ભરાઈ ગઈ ,  આજે  લીધી ન હોત તો સરને આમ સ્ટ્રોક થોડો આવ્યો હોત?

સન્ન રહી ગઈ માધવી  . આ બે વ્યક્તિઓ ક્યાંક રિયાની વાત તો નહોતા કરી રહ્યા ?
સ્ટ્રોક આવવાનું કારણ રિયા હતી ? કઈ રીતે?

ક્રમશ:
pinkidalal@gmailcom

gujarati, Novel

વેર-વિરાસત 44

image

નવા બનેલા હાઈરાઈઝ બિલ્ડીંગના બાવીસમાં ફ્લોરના ફ્લેટની વિશાળ બાલ્કનીમાં ઉભા ઉભા સેતુમાધવન નીચે તાકી રહ્યો હતો.  અચાનક આવેલા ભૂકંપે એની બની બનાવેલી સૃષ્ટિને રાખના ઢેરમાં બદલી નાખી હતી. એક રાતમાં  દુનિયા ઉપરતળે થઇ ચૂકી હતી. માધવને ચહેરા પર સ્વસ્થતાનો નકાબ  લગીરે હટવા નહોતો દીધો પણ વર્ષો સુધી જેને પોતાનું માની લીધું હતું એ ઘર છોડવાનું આવ્યું ત્યારે રંજ તો પારાવાર થયો હતો.

‘ … એ ઘર મારું ક્યારેય હતું જ નહીં તો એનો હરખ શોક શું કરવાનો ? ‘ માધવન એકની એક વાત વારંવાર શમ્મીને કહી ચૂક્યો હતો. છેલ્લે તો શમ્મીની નજરમાં રહેલી સહાનુભૂતિને પારખી જઈ ચૂપ થઇ જવું પડ્યું : હવે તો આ દીવા જેવું સ્પષ્ટ થઇ રહ્યું છે કે શમ્મીને કહીને ખરેખર તો એ પોતાના જ મનને તો નહોતો સાંત્વન આપી રહ્યો હતો.

હકીકત સાફ હતી.   મધુરિમાએ ફોડેલા બોમ્બથી માધવનને હચમચાવી દીધો હતો.  હતપ્રભ રહી ગયો હતો એ .  આખી જિંદગી જે છોકરીને માધવન રઈસ પિતાની બદદિમાગ,  મૂર્ખ , જીદ્દી સંતાન માનતો રહ્યો એ એવી અબૂધ પણ નહોતી , એને એક એક પગલું સાવધાનીથી લીધું હતું, જાણે જીવ પર આવી જઈને શતરંજ ખેલી રહી હોય. એની છેલ્લી ચાલે  માધવનને ઊંઘતો ઝડપી લીધો હતો.
મધુરિમા સાથે કરેલ લગ્ન માત્ર ને માત્ર એક સમજૂતી હતી , જિંદગીમાં સફળતાના આસમાનને  સ્પર્શવા સીધો  શોર્ટકટ , પણ એ ગોઠવણ ધારી હતી એવી સહજ તો ક્યારેય ન રહી હતી. માધવીને દગો આપવાની ગુનાહિત લાગણી તો મનને કોસતી જ રહેતી પણ સાથે સાથે મધુરિમાની નાદાનિયતે દિલમાં ક્યારેય સુખ જેવી અનુભૂતિ નહોતી થવા દીધી  .
વર્ષો વીતતાં ગયા એમ હૃદયમાં વારંવાર ચૂભાઈ જતી આરની ધાર પણ બધિર થઇ ચૂકી હતી.
શરીરનું કોઈ અંગ નિષ્ક્રિય થઈ જાય ત્યારે એના વિના જીવવાની આદત પડી જાય   એવી જ કોઈક વાત બની હતી. જિંદગીનો પૂર્વાર્ધ તો પૂરો થતો હતો પણ , જિંદગીના ઉત્તરાર્ધે આટલું મોટું તોફાન આવશે ને સાથે બધું ઘસડી લઇ જશે એની કલ્પના તો કોઈ દુસ્વપ્ન તરીકે પણ નહોતી આવી.

માધવનનું મન કોઈ અજાણ ખારાશથી ભરાતું ગયું,   જિંદગીના અઢી દાયકા જ્યાં  વિતાવ્યા એ વ્હીસ્પરીંગ પામ્ઝ વિલા થોડે દૂર નજરે ચઢતી હતી. વિલામાં રહેલા પોતાના બેડરૂમમાંથી દેખાતાં સમુદ્રને બદલે બાવીસમા ફ્લોર પરથી આકાશ અને સમંદરની અફાટ સીમા નજરે ચઢતી હતી જે મનમાં રહી રહી ને ચચરાટ જન્માવી જતી હતી.
મધુરિમાએ તો એક જ ક્ષણમાં અઢી દાયકાનો સંબંધ ઝાટકીને તોડી નાખ્યો હતો. એ પણ કોઈજાતની પીડા કે રંજ વિના  . એને તો એ પણ વિચાર ન  આવ્યો હશે કે માધવન  અચાનક છાપરું ક્યાં શોધશે ? જો શમ્મી ન હોત તો ? માધવનને એ વિચાર સાથે જ હળવી કંપારી છૂટી ગઈ. માધવનને  આવી ગયો છેલ્લો સંવાદ , મધુરિમા આટલી ક્રૂર થઇ શકે ?

‘ તને ડિવોર્સ જોઈએ છે એટલે ? તું મને છોડીને ક્યાં  જઈ રહી છે  ?? ‘ એટલું બોલતાં તો માધવનને લાગ્યું હતું કે એ કપરું ચઢાણ ચડી રહ્યો હતો.
‘ મેં ક્યાં એવું કહ્યું ? ‘ મધુરિમા સહેજ મલકીને  બોલી હતી.
‘તો પછી ?’
‘તો પછી એ જ માધવન કે મને ડિવોર્સ જોઈએ છે. ‘ મધુરિમાનો અવાજ નીચો પણ હતો ને સ્વસ્થ પણ , છતાં એમાં જે ધાર હતી તે તો હજી માધવનને છરકો કરીને જવાની હતી..: અને હા , તારી સ્પષ્ટતા ખાતર કહું છું કે મારે તો ક્યાંય જવાનો પ્રશ્ન જ નથી ને  ?  જવું તો તારે  પડશે ને ? લગ્ન પછી ડોક્ટર કોઠારી અહીં શિફ્ટ થશે ને !! ‘

ઝટકો ખાઈ ગયો હતો માધવન , ઓહ , મન તો સદંતર વિસરી જ ગયું હતો કે એ આટલા વર્ષો ઘરજમાઈ હતો. એ મધુરિમાએ સિફતપૂર્વક યાદ કરાવી દીધું હતું  .
‘શું ? ‘ માધવનનો  અવાજ બેસી ગયો હોય એમ બોદો થઇ ગયો  : હવે આ ઉંમરે આ દિવસ જોવાનો હતો ?
‘ને એની પત્ની ? એ જાણે છે આ બધું ? ‘ માધવનના અવાજમાં રોષથી વધુ હતાશા હતી , ડૂબતો માણસ તરણું ઝાલવા માથે એવી.
જવાબમાં મધુરિમા માત્ર સ્મિત કરતી રહી પણ ડોક્ટર કોઠારીએ  હવે પોતે મેદાનમાં ઝુકાવવું હોય તેમ ગળું ખોંખાર્યું  .
‘ હા , શક્ય છે તમને તો યાદ ન હોય પણ મારી પત્ની કૃતિકા કેન્સર સામે લડતાં લડતા  બે વર્ષ પહેલા  હારી ગઈ….’
ડોક્ટર કોઠારી વધુ કંઇક બોલે એ પહેલા મધુરિમાએ તેમની વાત આંતરી  :  મેં જોયા છે  ડોક્ટર કોઠારીને એક ડોક્ટર તરીકે ને પતિ તરીકે પણ . ને હા માધવન , હું તને એ કહેવું તો ભૂલી જ ગઈ  …. મધુરિમા બોલતાં બોલતાં માધવન અને ડોકટર કોઠારીની સામે વારાફરતી નજર કરી રહી.
‘ અમારી વચ્ચે જે કંઇક થયું ને ,  તે ડોક્ટર કોઠારીના વાઈફ કૃતિકાના જવા પછી , બાકી તને ખબર છે ને  કે મને પત્નીની પીઠ પાછળ રમત રમનાર માણસથી કેટલી નફરત છે ? ડોક્ટર કોઠારી એ જમાતના હોત તો એમની સામે મેં જોયું સુધ્ધાં ન હોત. તું સમજી શકે છે ને એ વાત  તો ? ‘
મધુરિમાએ છેલ્લું વાક્ય હોઠ વંકાવી ને પૂરું કર્યું , છેલ્લે છેલ્લે પણ કાચપેપર ઘસવાનું નહોતી ચૂકી  .
હવે કોઈ અર્થ જ નહોતો સરતો , ન કોઈ કલહ ન સંધિ , ન કોઈ મનામણાં  …. આ બધી વાતોને ક્યાંય કોઈ સ્થાન ન હતું  .

હવે ન તો કોઈ મધ્યસ્થીની જરૂર હતી , ન કોઈ વકીલોની  . વંટોળ પૂરા જોરથી આવ્યો હતો એ માધવનની દુનિયા તબાહ કરીને જ જંપવાનો હતો.

બે દિવસમાં જ પોતાનો સમાન પેક કરી નાખવાનો આદેશ રાજેશને આપી ને  માધવને ઉપડી ગયો હતો પોતાના ગામ, વર્ષોથી દીકરાની રાહ જોઈ રહેલી માને મળવા  . પિતાના શ્વાસ તો  વ્યસ્ત દીકરાની રાહ જોતાં જોતાં ખૂટી પડ્યા હતા , છતાંય દીકરાને ફુરસદ નહોતી મળી. પિતા તો જીવતાં હતા ત્યાં સુધી મળવા માટે તલસી રહ્યા હતા પણ અર્થી આપવા પણ સમયસર નહોતો પહોચી શક્યો. કરમાયેલાં સંબંધ પર જે કામ ઉપરાછાપરી નિષ્ફળ ફિલ્મો ન કરી શકી તે કામ મધુરિમાની ઉપેક્ષાએ કર્યું હતું  .
નાગરકોઇલ નામના નાનકડા ગામમાં વસતી મા એને અચાનક જ યાદ આવી હતી. બધું પડતું મૂકીને માધવન નીકળી પડ્યો હતો , કદાચ માના આશીર્વાદ કોઈ ચમત્કાર સર્જી જાય.

શમ્મીએ યુધ્ધને ધોરણે ફ્લેટ શોધવાનું અભિયાન ચલાવ્યું હતું ને નસીબજોગે નજીકમાં જ મનને ગમે એવો ફ્લેટ ભાડે મળી ગયો હતો. વ્હીસ્પરીંગ પામ્સની બિલકુલ નજીકમાં.
માને મળીને મુંબઈ પાછા ફરેલાં માધવનની દુનિયા ગણતરીના દિવસોમાં ફરી ગઈ હતી. બે અઠવાડિયા પછી માધવન પોતાના નવા ફ્લેટ પર પહોંચ્યો ત્યારે એનો જરૂરી અસબાબ ગોઠવાઈ ચૂક્યો હતો.
નવી જગ્યા , નવું વાતાવરણ તો ઠીક હતું પણ માધવનનું મન એટલું તો ઘવાયું હતું કે પહેલા થોડા દિવસ તો બાલ્કનીમાં ઉભા રહીને નીચે નજરે પડતી વિલા સામે તાકી રહેવા સિવાય કશું સૂઝતું નહોતું.

બધું ગોઠવાતું જતું હતું ધીરે ધીરે , પોતાને પણ જાણ ન થાય તે રીતે આઘાત પણ  આબાદ રીતે જીરવાઈ ગયો હતો.
માધવને સંતોષનો એક શ્વાસ લીધો . મનમાં રહી રહીને એક જ વાક્ય ઘૂમરાયા કરતું રહ્યું  :લાઈફ ઈઝ અ પેકેજ ડીલ  .
માધવી  હમેશા કહેતી હતી એ ફિલોસોફી  આ નવા ફ્લેટમાં તો જાણે  ચોવીસે કલાક પડઘાતી રહેતી .
માધવી  એ નામ યાદ આવવાની સાથે જ  મનમાં કશુંક ચૂભાયું  . ક્યારેય ન યાદ આવતી માધવી આ બનાવ પછી રોજ જ યાદ આવતી હતી.
પહેલીવાર માધવનને પોતાની સ્વાર્થી મનોવૃત્તિ માટે શરમ અને પસ્તાવો અનુભવાયો  . પોતે માધવીને જે અવસ્થામાં છોડી ને નીકળી ગયો એ હાલાત તો આ કરતાં કેટલાંય બદતર હશે !! એ કઈ રીતે જીવી હશે  ? કેવી પરિસ્થિતિમાં જીવી હશે ? એ વિચારથી માધવનના અંગ ઠંડા પડી જતાં લાગ્યા . એક સ્ત્રી , એકલી અને તે પણ પેટમાં એનું સંતાન લઈને ક્યાં ક્યાં રઝળી હશે ? એના હિટલરમિજાજી ફાધરે શું કર્યું હશે ? માધવન વિચારહીન નજરોથી ક્ષિતિજ નિહાળતો રહ્યો  .
મધુ , હું ગુનેગાર છું તારો , ને કદાચ એટલે મોડે મોડે પણ કુદરતે સજા દંડસહિત વસૂલવા ધાર્યું લાગે છે  …

‘સર, આમ ક્યાં સુધી ચાલશે ? આમ તો બધું શીડ્યુલ પ્રમાણે જ છે , તો પછી  …’ સવારની પહોરમાં  શમ્મી કંપની આપવા ચા પીવાને બહાને  આવી જતા શમ્મીએ માધવનને ખલેલ પાડી . બાલ્કનીમાં પડેલી ચેર એને જાતે  ખેંચી લીધી ને માધવનના આદેશની રાહ જોયા વિના સામે બેસી ગયો.
શમ્મીએ  પ્રપોઝ્ડ  ફિલ્મ પર કામ કરવાનું શરુ કરી દીધું હતું. એને માટે મુખ્ય ભૂમિકા માટે રિયા હતી અને સૌથી સારી વાત એ હતી કે એની પાસે હાથ પર સમય હતો. એ બીજી કોઈ કમર્શિયલ ફિલ્મ સાઈન કરે એ પહેલા તો કામ પૂરું કરવાનું હતું .
‘હા શમ્મી , હું પણ આજે એ જ વિચારતો હતો. બલકે હું તો વિચારતો હતો કે હવે તો બમણી ઝડપે કામ કરવું પડશે  ….’
‘એની ચિંતા ન કરશો , તમે કહો એટલી વાર.’ શમ્મી પાસે પ્લાન ઓફ એક્શન પણ રેડી હતો.
એ પછીના દિવસોમાં માધવનના ડીપ્રેશનનો ભુક્કો બોલી ગયો. એકવાર કામમાં પરોવાયા પછી માધવનને ન દિવસનો ખ્યાલ રહેતો ન રાતનો , ભૂખ તરસ જાણે સ્પર્શતાં સુધ્ધાં નહીં  . રાજેશ પડછાયાની જેમ અડીખમ સાથે ને સાથે રહેતો  . માધવન કામમાં પરોવાય પછી ખાવાપીવાનું વિસરી જાય એ વાતથી સહુ વિદિત હતા પણ જે રીતે પરિસ્થિતિએ આકાર લીધો હતો એવા સંજોગોમાં બ્લડ પ્રેશરનું ધ્યાન રાખવું પણ તો જરૂરી હતું ને !! 
બાફના પણ ખુશ હતા. પહેલીવાર એવું બન્યું હતું ક એ પોતાની શરતે માધવનને એ માનવી શક્યા હતા. બાફનાએ તો માત્ર પચાસ ટકા રોકાણ કર્યું હતું ને છતાં મલાઈદાર ટેરીટરીમાં વિતરણના હક્ક લઇ લેવામાં સફળ થયા હતા. બાકીના  રોકાણ  માટે માધવને પોતાના જોર પર ઉભા કરેલા નાણાં લગાવ્યા હતા. 
હવે કોઈ પર્યાય જ નહોતો  . આ ફિલ્મ એને તારવા કે ડૂબાડવા સમર્થ હતી. માધવન તો એ રીતે મચી પડ્યો હતો જાણે એની પહેલી ફિલ્મ હોય. આ એક ફિલ્મ પર હવે એનું  ભાવિ ત્રાજવે તોળાઈ રહ્યું હતું એની જાણ ભલે સહુને ન હોય પણ અંદરના વર્તુળમાં તો હતી જ ને !!

રિયા મુખ્ય ભૂમિકામાં હતી..  ફિલ્મ ફ્લોર પર જઈ રહી હતી , એક લક્ષ્ય સાથે  .
‘શમ્મી , ફિલ્મ માત્ર ચાર મહિનામાં પૂરી કરવાની છે,વોટ્સોએવર  …..ખ્યાલ છે ને ?’
‘જી સર , તો જ આપણે રિસ્ક તો કવર કરી જ શકશું પણ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલી શકીશું ને ! અને સર એ વખતે સોઢી એન્ડ સનના મોઢા જોવા જેવા  હશે  !’ શમ્મીને ટકોરાબંધ ખાતરી હતી.
‘ હમમ  … ‘ માધવને એ વિષે ખાસ પ્રતિસાદ ન આપ્યો  . એના મનમાં પડેલી ગૂંચ સુલઝાવવા પ્રયત્ન કરતો હોય એમ એ વિચારતો રહ્યો  .
‘શમ્મી , રિયા કોન્ટ્રેક્ટમાં લખેલી શરતો તો પૂરી કરે એવી છે કે પછી ?’
માધવનના મનમાં ચાલી રહેલી ગડમથલ ન સમજે તે શમ્મી નહોતો  .
‘સર , તમારા મનમાં રહી રહીને રિયા વિષે ચિંતા જાગ્યા કરે છે , સાચું ને ? કે એ કરણની વાતમાં આવીને ક્યાંક છેલ્લે ના ન ભણી દે  ….’
માધવનના મનને એ જ પ્રશ્ન મુંઝવી રહ્યો હતો પણ એને જવાબ ન આપ્યો  .
‘ હું સમજી શકું છું સર પણ મારો વિશ્વાસ રાખો , હું ખાતરીસહિત કહું છું કે રિયા એમ કરણની વાતમાં આવી જઈ દોરવાઈ જાય એ વાત જરા વધુ પડતી છે.
‘કેમ ? એ તો બંને એકમેકની અતિ નિકટ છે ને !!’
‘વેલ , હતા હવે નથી.  ….’ શમ્મી જરા લુચ્ચું સ્મિત ફરકાવીને બોલ્યો  .
માધવન આશ્ચર્યથી શમ્મી સામે જોતો રહી ગયો : શું થઇ ગયું ?  બ્રેક અપ ? કેમ ?
‘સાચું કારણ તો કોઈને ખબર નથી  …’ શમ્મીએ ખભા ઉલાળ્યા  . પછી અચાનક ગંભીર થઇ ગયો : કોને ખબર ફિલ્મ પ્રમોટ કરવા જ ત્યારે  એ બધી વાતો ચગાવી હોય  ….
‘ શક્ય છે , હવે તો સમય જ એવો છે ને , એવરીથિંગ ફોર સેલ  ….’
‘એવું તો કંઇ નહીં , પહેલા પણ ક્યાં આવું નહોતું થતું ? હા, પહેલા સિરિયસ ચિટીંગ થતી ને હવે ગણતરીપૂર્વકની , માર્કેટિંગ સ્ટ્રેટેજી  … ‘ શમ્મી બોલ્યો હતો એકદમ સ્વાભાવિકપણે પણ માધવનને લાગ્યું કે ક્યાંક શમ્મી મહેણું તો નહોતો મારતો ને ? એને ત્રાંસી નજરે શમ્મી તરફ જોયું  . ચાના કપમાંથી ચૂસકી લઇ રહેલા શમ્મીનું ધ્યાન  તો પોતાના કામના પેપર પર કેન્દ્રિત થયું હતું
એ પછી દિવસો પાંખ લગાડીને ઉડી ગયા. માધવનની જિંદગીની સેકન્ડ ઇનિંગની શરૂઆત થઇ ચૂકી હતી અને તેના ભાગરૂપે હતો આ ડ્રીમ પ્રોજેક્ટ  . શૂટિંગ પૂર જોરમાં હતું ને માધવન માટે સહુથી મોટી ધરપતની વાત એ હતી કે રિયા સહિત મોટાભાગના કલાકારો સમયના પાબંદ હતા. વ્યાજે લીધેલાં ફાઈનાન્સ પર  ચડતું વ્યાજનું મીટર ક્યારેક માધવનને ફિકર કરાવી જતું પણ એ ચિંતા ગણતરીની પળમાં શમ્મી દૂર કરી નાખતો હતો. આખરે નિયત સમયમર્યાદામાં જો પ્રોજેક્ટ પૂરો થઇ શકે તો એ વાત જમા પાસું કહેવાય  .
બીજ રોપાઈ ગયું  હતું , વરસાદ ધારણા પ્રમાણે વરસી રહ્યો હતો અને ફસલ તૈયાર થવાની રાહ જોવાની હતી.
* * * * *
‘મમ , તમે પાછા ક્યારે આવશો ? ‘ એરપોર્ટ પર મૂકવા આવેલી રોમા મમ્મીના જવાથી થોડી વિહ્વળ થઇ ચૂકી હતી.
‘ અરે હા , પણ પછી ત્યારે આવું ને જયારે તું જવા દે…..’ માધવીએ હસીને હથેળી  રોમાના ચહેરા પર પસારી ચૂમી લીધી  .
‘તારા કરતાં આ રિયા કેવી સમજદાર છે એ જો  , ન એની ફિલ્મના પ્રીમિયરમાં ગઈ ન એની નવી ફિલ્મ વિષે કોઈ ઝાઝી પૂછપરછ કરી છતાંય એને કોઈ વાતે ઓછું આવે છે ? ને તું જો કેવી  નાની નાની વાતોમાં જીદ કરે છે ….’
‘હમમ રોમા , શી ઈઝ રાઈટ  ….’ ડ્રાઈવ કરી રહેલા મીરોએ બાજુમાં બેઠેલી રોમાનો હાથ થપથપાવ્યો ને રીયર વ્યુ મિરરમાંથી માધવી સામે જોયું  .
‘પ્રોબ્લેમ એ છે મોમ કે તમારી ડોટર હજી મોટી જ નથી થઇ. ‘
‘ઓહો મીરો , પ્લીઝ  … મમ  … મને ખોટી ન સમજો , પણ મને જરા ડર લાગે છે. પણ એની વે , જવા દો  … ‘

રોમાની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળ્યા પછી રિયા અને માધવી સીધા ઉપડ્યા હતા પેરીસ , ક્યાંક રોમા કોઈક તકલીફમાં કે અવિચારીપણે ખોટું કદમ ન ભરી બેસે  , પણ એ તમામ ચિંતાઓને તો રુખસદ મીરોને જોતાં જ મળી ગઈ હતી.   રિયાએ તો પોતાના પ્રીમિયરને કારણે મુંબઈ પાછા ફરવા સિવાય કોઈ છૂટકો નહોતો પણ માધવી રોમાની પાસે થોડો સમય રોકાઈ જવાનું મન ટાળી ન શકી. રોમાની તો ઈચ્છા હતી કે બાળક જન્મે પછી જ માધવી ઇન્ડિયા જાય પણ એ શક્ય નહોતું  . માધવીને મળેલા વિઝીટર્સ વિઝાની ત્રણ મહિનાની અવધિ પતવા આડે ગણતરીના દિવસો રહ્યા હતા. એ પહેલા હવે ઇન્ડિયા જવા માટે માધવી આકળી થઇ ગઈ હતી.
‘એવું હશે તો તારી ડિલિવરી સમયે હું હોઈશ સાથે ને !!’ ઉતરી ગયેલો  રોમાનો ચહેરો માધવીને થોડો ઉચાટ કરાવી ગયો.
‘ મમ , હવે આડે દિવસો કેટલા બાકી છે ? શું જશો પછી પંદર વીસ દિવસમાં પાછું આવવું પડે તો આવી શકવાના છો ? ‘
રોમાના પ્રશ્ને માધવીને ચૂપ કરી દીધી હતી. એની વાત તો સાચી હતી. ડિલિવરીનો સમય નજીક હતો પણ ત્યાં આરતી માસી પણ ઊંચાનીચા થઇ રહ્યા હતા. એમને હવે આશ્રમ સાદ દેતો હતો. કુસુમની મદદે તો જવું જ પડશે એવો મક્કમ નિર્ધાર કરીને માધવી મુંબઈ પાછી ફરે એની રાહ જોઈ રહ્યા હતા.

મુંબઈ એરપોર્ટ પર ઉતરતાંની સાથે ખારી ગરમ બદબૂભરી લહેરખી માધવી ને સ્પર્શી ગઈ.ત્રણ મહિના પેરિસમાં ગાળ્યા પછી પહેલીવાર ખ્યાલ આવ્યો કે મુંબઈની હવા ખરી ને ગરમ તો છે જ પણ એમાં કોઈક વિચિત્ર વાસ પણ ભળેલી હોય છે..
ગરમ હવા , રસ્તા પર ઉભરાતું માનવમહેરામણ , કાર્બન મોનોક્સાઈડ છોડીને વાતાવરણને ઝેરી બનાવી રહેલા વાહનોની ભીડ  … ને આખરે હોમ સ્વીટ હોમ.
આરતી માસી સવારથી જ તૈયારીમાં ગૂંથાયેલા હતા. માધવીને ભાવતી વાનગી બનાવવાની તો ખરી પણ એથી વિશેષ મહત્વની વાત હતી પોતાના સામાનના પેકિંગની  .
ન જાણે આ વખતે આશ્રમમાં કેટલા દિવસ રહેવું પડે ? મહિનો તો પાકો જ પણ , કદાચ  ….
માધવી ઘરે આવી પછી તો પેરીસની વાતો ખૂટતી જ નહોતી  . રોમા , મીરો , આવનાર બાળક , મીરોનું એક્ઝીબીશન  …
‘અરે માસી આ બધું તો ઠીક છે પણ આ રિયા છે ક્યાં ? સાડા નવ થવા આવ્યા …’ રાત્રે જમવાના સમયે પણ રિયા નજરે ન ચઢી એટલે માધવીએ પૂછવું પડ્યું  .
માસી એક ક્ષણ માટે સ્થિર દ્રષ્ટિએ માધવીને તાકી રહ્યા  : એને તને કંઈ કહ્યું નથી ?
‘શું ? મને શું કહે ? માસી , આજે જ તો હજી આવું છું , તમારી સામે તો જ છું…..’
‘ઓહ હં , પણ ફોન પર પણ ન કહ્યું ?’ આરતી માસી પોતે જ કોઈ અવઢવમાં લાગ્યા માધવીને  .
‘શું છે ? વાત શું છે માસી ?? એને તો મને કંઈ નથી કહ્યું પણ તમે કહેશો  કે થયું શું છે ? માધવીનો અવાજ જરા ચીડથી ઉંચો થયો.
‘મધુ , શાંત પડ , એને તને નથી કહ્યું એટલે એના મનમાં  …?’
‘માસી , પ્લીઝ હવે જે કહેવાનું હોય તે કહી નાખો  …’ માધવીની અધીરાઈ માઝા મૂકી રહી હતી.
‘મધુ , રિયા સેતુમાધવનની ફિલ્મ કરે છે હમણાં  ….’
‘વોટ ?? ‘  બારસો વોટનો શોક લાગ્યો હોય તેમ માધવીના હાથમાં રહેલી ચમચી પડી ગઈ. : ને તમે આ મને અત્યારે કહો છો ?
‘એ કહેતી હતી કે મમ રોમા સાથે ક્વોલીટી ટાઈમ માણે છે , એટલે હું મારી રીતે કહીશ  …’
‘પણ માસી , એને નથી ખબર સેતુમાધવન  કોણ છે પણ તમે તો મને જાણ કરી શક્યા હોત કે નહીં ??’ માધવીને માસી પર થોડો રોષ આવી ગયો.
આરતી નિષ્પલક માધવીને જોતી રહી. હવે એને કેમ કરીને જણાવવું કે આર ,સેતુમાધવન એટલે કે રાજા જ પોતાનો પિતા છે એ રાઝ રિયા જાણી ચૂકી  છે….

ક્રમશઃ

gujarati, Novel

વેર વિરાસત 43

image

‘ગુડ મોર્નિંગ બાફનાજી  ….’ સવારની પહોરમાં ખુલ્લા પગે ભીની લોન પર ચાલવાના નિયમ જાળવી લીધા પછી માધવને સૌથી પહેલું કામ ફાઈનાન્સર બાફનાને ફોન લાગવાનું કર્યું  .
આખી રાત પડખાં ફેરવવામાં જ વીતી હતી છતાં નિર્ણય લેવો જરૂરી હતો. એકવાર નિર્ણય લેવાઈ ગયો પછી મનને રાહત લાગી રહી હતી.

‘ અરે બોલો બોલો માધવનજી  …સુનાઈયે , કૈસે યાદ કિયા ? ‘
‘ બાફનાજી , જો તમને યાદ હોય તો થોડો સમય પહેલાં આપણે એક વાત કરી હતી. તમે ત્યારે  રસ તો ઘણો દાખવ્યો  હતો….’
‘હા હા , બિલકુલ યાદ છે  …. પણ , પછી કોઈ કારણવશ એ પ્રોજેક્ટ તમે જ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધેલો  … બરાબર ને ? ‘
‘રાઈટ  …. ‘ માધવન ભારપૂર્વક બોલ્યો : ચાલો એટલું સારું છે કે બાફનાને એ વાત યાદ છે ,ફરી એકડે એકથી સમજાવવાની કવાયતમાંથી મુક્તિ તો ખરી.’
‘પણ મેં સાંભળ્યું હતું કે તમે તો એકદમ કમર્શિયલ ફિલ્મ કરી રહ્યા છો ? , એ માટે ફાઈનાન્સર પણ તૈયાર છે !! ‘
બાફનાનો ઈશારો લલિત સોઢી તરફ હતો એ સમજતાં માધવનને વાર ન લાગી  .
‘બાફના જી , તમે તો જાણો છો , આ ઇન્ડસ્ટ્રીના સમીકરણ   ….’ માધવને વાત ઘૂમાવી દીધી .
એના મગજ પર ફરી રાતની વાત તાજી થઇ ગઈ. મધરાત સુધી ચાલેલી વાતચીતમાં બાપદીકરા સોઢીઓનો સૂર એકદમ સ્પષ્ટ હતો. જો હિરોઈનપ્રધાન  થઇ જવાની હોય તો શા માટે રોકાણ કરવું ? સોઢી કાબેલ બિઝનેસમેન હતો. એનો  મકસદ સીધો હતો , દીકરાની કારકિર્દી માટે ફિલ્મમાં પૈસા રોકવા હતા, કોઈ  ડિરેક્ટરનું સપનું સાકાર કરવા માટે નહીં  .

‘પણ માધવનજી  , તમે થોડા મોડાં પડ્યા , એક બિગ બજેટ ફિલ્મ માટે મેં કમીટ કરી નાખ્યું છે ને તમે તો જાણો છો કે હવે ટેરીટરી માર્ક કર્યા વિના કોઈ રોકાણ કરતું નથી. ‘ બાફનાએ ખાસ રસ ન દાખવવો હોય તેમ ઠંડુ પાણી રેડ્યું.
હમેશ પડખે રહેનાર બાફના આવું કહી રહ્યો હતો ? એની વાત  સાંભળીને  માધવનને ઘડીભર તો લાગ્યું કે એના પગ હેઠળની જમીન સરકી ગઈ છે. હવે  સાવધાનીથી મામલો સંભાળ્યા  વિના છૂટકો નહોતો  .
આખરે નક્કી થયું કે આંશિક રોકાણ બાફના જરૂર કરશે પણ થોડુંઘણું  તો માધવને મેનેજ કરવાનું રહેશે  . એ વિષે વધુ વાતચીત પછીથી કરી લેવાશે  .
ફોન મુકીને માધવને રાહતનો શ્વાસ લીધો  .
આખરે ઘવાયેલા સ્વમાન પર થોડી મલમપટ્ટી થઇ હોય તેવી  રાહત લાગી રહી હતી.  મનોમન ગણતરી કરી લીધી  . ચારે ખૂણેથી મામલો બાંધ્યો હોય તો આ ફિલ્મ રળી જ આપવાની હતી તે વાત પણ નક્કી હતી. આ એક ફિલ્મ પર અવલંબતું હતું પોતાનું આર્થિક અને ભાવાત્મક સ્વમાન  .

ફરી એકવાર પોતે શું દાવ પર લગાવી શકે છે તેની ગણતરી માધવને મનોમન કરી લીધી  . મધુરિમા હજી યુએસમાં હતી એને વિશ્વાસમાં લીધા વિના છૂટકો પણ નહોતો .
મધુરિમા યાદ શું આવી એ જ સમયે ફોનની રીંગ વાગી  . સામે છેડે ડોક્ટર કોઠારી હતા. મધુરિમાની સારવાર માટે સાથે ગયા હતા પણ આમ અચાનક ફોન ? માધવનના મગજમાં ખતરાની ઘંટડી વાગી રહી. : ક્યાંક મધુરિમાની હાલત વધુ બગડી હશે ?
‘ હલો  ડોક્ટર  , કેમ અચાનક ફોન કરવો પડ્યો ? બધું બરાબર તો છે ? ત્યાં તો મધરાત થવા આવી હશે ને !! ‘
‘ મિ. માધવન , કમાલ છો તમે તો ? અરે , જરૂરી થોડું છે કે બેડ ન્યુઝ મધરાતે જ અપાય ? ગુડ ન્યુઝ પણ તો આપી જ શકાય ને ? ‘
‘ઓહ આઈ સી  …. શું છે ગુડ ન્યુઝ  ? સંભળાવો  …’
‘ન્યુઝ એ છે કે મધુરિમાનો પ્રોગ્રેસ ખૂબ સારો છે , ધાર્યાં કરતાં ઘણો સારો  , એટલે બસ ઇન્ડિયા આવીએ છીએ  …. ‘
‘ઓહ  …’ માધવનના મોઢે નીકળી ગયેલા ઉદગારનો અર્થ ન સમજી શકે એવો ભોટ ડોક્ટર કોઠારી નહોતા  . એની નજર સામે બેઠેલી મધુરિમા પર સ્થિર થઇ ને ફરી  વાતચીતનો દૌર  સંભાળી લીધો .
‘ખરેખર તો મધુરિમા તમને સરપ્રાઈઝ આપવા ચાહતી હતી પણ મેં એને કહ્યું  કે  ….’
માધવનના દાંત પીસાયા , એટલે આમ કહીને આ ડોકટરનો બચ્ચો શું સાબિત કરવા માંગતો હતો ? એમ જ ને કે  મનમાની કરવામાં માહેર મધુરિમા એનું જ કહ્યું સાંભળે  છે ?

ખરેખર તો માધવન સન્ન રહી ગયો હતો આ ગુડ ન્યુઝ સાંભળીને. ડોક્ટર કોઠારીની વાતનો પ્રતિસાદ શું આપવો એ પણ ન સમજાયું  .

ટૂંક સમયમાં ફરી મધુરિમા અહીં હશે , સામે  … એ વાત માધવનના કાળજામાં ફાંસની જેમ ચૂભાઈ. ફોન પર તો એને યેનકેન સમજાવી દેવાતે પણ સામે આવી ગઈ  ને ફાઈનાન્સની વાતો સાંભળીને ફરી એનું મગજ છટક્યું તો ? માધવનને તાજી થઇ આવી મધુરિમાની બેફામ વાણી , એને નોકરચાકરોની હાજરીની પણ ક્યારેય કોઈ શરમ નડતી નહીં , એમાં પણ પોતાના પિતાએ ખરીદેલો જમાઈ કહીને ટાણાં મારવામાં એને અનેરી લિજ્જત આવતી હોય એવું લાગતું  . માધવનનું મન ખારાશથી ભરાઈ ગયું .

એક પગલું ખોટું ને ખોટો આખો દાખલો , જિંદગી માટે કહેવાતી આ વાત કેટલી સાચી પૂરવાર થઇ રહી હતી. મધુરિમા સાથેનું લગ્નજીવન માધવીના સપનાની રાખ પર ચણાયેલો હવાઈ કિલ્લો હતું એ તો ટૂંક સમયમાં જ સમજાઈ ગયેલું પણ દિલની વાત સમજવા મગજ તૈયાર જ નહોતું ને ?

‘ગુડ મોર્નિંગ સર, મને બોલાવ્યો ? ‘ વિચારમાં ગરકાવ માધવનને ખલેલ પડી શમ્મીએ  .
‘ઓહ શમ્મી , આવ આવ, બેસ..શું લઈશ ?’ માધવને શમ્મીને ચાની ટ્રે તરફ સંજ્ઞા કરી  …
‘થેન્ક્સ સર, ઘરેથી જ આવ્યો  , મને રાજેશે ફોન કરીને કહ્યું સર મળવા માંગે છે , એટલે  …’ શમ્મી સામે પડેલી ચેર પર ગોઠવાયો  .

‘હા , મેં  કહ્યું હતું   … જો ને શમ્મી  ….’ માધવન શબ્દો ગોઠવી રહ્યો : આખી રાત વિચાર્યું , મને સોઢીની વાત ગળે નથી ઉતરતી  . બાપદીકરો જે વર્તન કરતાં હતા એ જોઇને મારું મન પાછું પડી ગયું . લાઈફ તો પેકેજ ડિલ છે શમ્મી, કોઈકવાર અપ કોઈવાર ડાઉન , પણ આ સોઢી બાપદીકરો તો એવી રીતે વર્તી રહ્યા હતા જાણે મને ખરીદી લીધો હોય  … તું જ કહે હું કંઈ ખોટું સમજ્યો ?’

‘હમ્મ  …’ શમ્મીએ હોંકારો પુરાવતો હોય તેમ માથું ધુણાવ્યું  : મને  આ વાત ખટકી  તો હતી જ , પણ હું ચૂપ રહ્યો  …. મને થયું કે કદાચ આ બધા પછી પણ તમે એમની સાથે કામ કરવાનું મન બનાવી લીધું લાગે છે !!
શમ્મીની વાત સાંભળી રહેલા માધવને સિગારનો  એક ઊંડો કશ ખેંચ્યો અને થોડીવાર વિચારમાં ગરકાવ હોય એમ ચૂપ રહ્યો  .
‘ તેં  સાંભળ્યું નથી  કે સિંહ કદીય ઘાસ નથી ખાતો ?’ સ્વગત બોલી રહ્યો હોય તેવા દબાયેલા સ્વરે માધવન બોલ્યો ,ને હળવેકથી ઉમેર્યું  : શમ્મી , એક વાત તો નિશ્ચિત છે , હું આ લોકોની શરત પર ફિલ્મ કરવા કરતા તો નિવૃત્તિ લઇ લેવી પસંદ કરું   ….

‘એટલે ? તો પછી હવે ??? ‘ શમ્મી વાત સાંભળીને ચમક્યો  હોય તેમ લાગ્યું  .

‘એટલે શું ? હજી હું જીવું છું શમ્મી, મારામાં રહેલો સર્જક કોઈના હાથે રહેંસાઈ જાય એવું મોત હું જ માંગું ?’

‘પણ સર, તો પછી વિકલ્પ શું ?’

‘એ જ પ્રશ્ન આખી રાત હું મારી જાતને પૂછતો રહ્યો  , ને એનો ઉત્તર મળી ગયો…’ માધવને પૂરી થવા આવેલી સિગાર એશ ટ્રેમાં બુઝાવી દીધી, ને ટટ્ટાર થઇ બેઠો, એને શમ્મીની આંખોમાં જોઇને પૂછ્યું  :  ઓછી કશ્મકશ જોઈ છે જિંદગીમાં  ?આટલી ફિલ્મો કરી , આટલીવાર ફાઈનાન્સ જાતે જ ઉભું કર્યું હતું ને ? આ વખતે પણ એમ જ કરીશું   …

‘પણ સર, એ સમય જુદો હતો ને  …આજે  ….’ શમ્મી આગળ વધુ ન બોલ્યો  . માધવનને ફરી નિષ્ફળતાનો એ ગાળો યાદ કરાવવાનો અર્થ નહોતો  .

‘ને આજે સમય જુદો છે  …. મારું નામ એનો જાદુ ગુમાવી બેઠું છે , એમ જ કહેવા માંગે છે ને તું પણ  ?’

‘ના ના , એવું કહેવાનો આશય નહોતો મારો પણ  …’ શમ્મી જરા થોથવાયો , પણ સાચી વાત છૂપાવવાનો પણ આ સમય ન હતો.

‘મારું એવું માનવું છે કે અત્યારે એક હિટ સાથે કમબેક કરવાનો સમય છે , તમે પણ મારી સાથે સહમત થશો એટલે એ વાત સાચી કે સોઢી ફાધર એન્ડ સન જરા તોરીલાં ભલે રહ્યા પણ  …’

‘ના શમ્મી , તો ત્યાં જ તું ભીંત ભૂલે છે….’ માધવન એના જૂના આક્રમક મિજાજમાં આવતો લાગ્યો : જે ઘડીએ આ સોઢીઓની વાતમાં આવીને એમની મરજી પ્રમાણે ફિલ્મ બનાવીશ ,  ને જો  ફ્લોપ ગઈ તો એ નિષ્ફળતા એમને કપાળે નહીં મારે માથે લખાશે  . એવા સંજોગમાં એમની સાથે એમની મરજીથી ફિલ્મ બનાવવી એ હારાકીરી હશે…’

‘તો પછી તો  ….’  શમ્મીનો અવાજ થોડો પોકળ થઇ ગયો.

‘તો પછી એ કે ફિલ્મ તો બનાવવી જ , પણ આપણે આપણી રીતે જ , જેમ પહેલા પ્લાન કરી હતી તેમ  ….એ મેં રાતે જ વિચારી લીધું હતું અને બાકી હોય તેમ સવારે બાફના સાથે વાત પણ કરી લીધી છે. ‘ માધવને એક નજર ગાર્ડનમાંથી નજરે ચઢી રહેલી  આલીશાન વિલા વ્હીસ્પરીંગ પામ પર નાખી લીધી  . જરૂર પડે તો  ….

‘અરે , વાહ એ હુઈ ના બાત !! ‘ શમ્મીનો ચહેરો મલકી ઉઠ્યો : તો એટલે તમે મને સવારમાં બોલાવી લીધો  ..

‘હા, સાચું સમજ્યો તું   …. આ બધી વાત તો થઇ પડશે , હવે તું પેલી મહેરવાળી વાત કરતો હતો ને , એને ગીયર અપ કર. ગમે એમ કરીને રિયાને સાઈન કરવી પડશે  . એને સામેથી ફીલર મોકલ્યું છે એનો એક અર્થ એ પણ છે કે રિયા પાસે સ્ટારડમ છે પણ એને મિનીંગફૂલ રોલ કરવામાં રસ છે, એ કદાચ સ્ટાર જેવી કિંમત ન માંગે  , પણ મને ફક્ત એક ચિંતા છે  …. માધવનના ચહેરા પર ચિંતાની લકીર અંકાઈ રહી.

‘શેની ચિંતા ? ‘ શમ્મીને નવાઈ લાગી  .
‘ કરણ સાથેની ઘનિષ્ટતાની. ક્યાંક એવું ન બને કે એ ના પાડે તો ફરી પછી નવેસરથી નવી વાત માંડવી પડશે  …’

‘આઈ ડોન્ટ થીંક સો , સર, એની ચિંતા કરવા જેવી નથી. મહેર જે રીતે મને કહી રહી હતી અને પછી તમારી સાથે જે ડેવલપમેન્ટ થયું એ પરથી હું એવા અંદાજ પર આવ્યો છું કે  કરણ ને રિયા વચ્ચે ઉભી કરાયેલી નજદીકી કદાચ ફિલ્મ પ્રોમોશનનો એક ભાગ પણ હોય શકે ને ? હવે આ ટ્રેન્ડની ક્યાં કોઈ નવાઈ રહી છે ? હું આજે જ એ મામલો ક્લીયર કરી નાખું છું એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ જાય. શું કહો છો ? ‘ શમ્મીએ પૂછ્યું  .
જવાબમાં માધવને માત્ર ડોકું ધુણાવ્યું  . જેનો અર્થ શમ્મીએ પોતાની રીતે મૂલવી ઉભો થયો. : તો હું રિયાવાળી વાત પતાવી લઉં છું.
શમ્મીને નજરથી ઓઝલ થતો માધવન જોઈ રહ્યો  .
કોઈક અજ્ઞાત ડર માધવનને ઘેરી વળતો લાગ્યો. જો રિયા ના પાડે તો ફરી પ્રોજેક્ટ ખાડામાં  … માધવને રિયા સિવાય આ રોલમાં અન્ય કોણ ફીટ થઇ શકે છે એ  વિષે વિચારવા માંડ્યું   . મનમાં કોઈ સંતોષકારક નામ ન આવ્યું  .માધવનને લાગ્યું કે અચાનક જ એનું શરીર ઠંડુ પડી રહ્યું છે. પગ પર  તો જાણે પથ્થર બાંધી દીધા હોય એટલાં ભારેખમ થઇ ગયા હતા. શરીરે પરસેવો વળી રહ્યો હતો. ઉભા થવાનો પ્રયાસ કરી રહેલા માધવને ચેરનો સહારો લઇ બેસી જવું પડ્યું  . બે ચાર ક્ષણો એમ જ વીતી ગઈ અને સ્વસ્થતા ફરી પછી આવી.

થોડો આરામ કરીને માધવન ઓફિસમાં પહોંચ્યો ત્યારે શમ્મીનો મલકાતો ચહેરો ઘણું બધું કહી દેતો હતો.

‘શું વાત છે ? સિંહ કે શિયાળ ?’
‘અરે સર, સિંહ જ હોય ને !! પહેલું કામ મેં રિયાને ફોન કરી નાખવાનું કર્યું  , મહેરને વચ્ચે રાખ્યા વિના ડાયરેક્ટ ડાયલિંગ શું કામ ન કરવું ? ને કામ થઇ ગયું  ….’
‘ અચ્છા ? ‘ માધવનને ઘડીભર થઇ રહેલા ડેવલપમેન્ટ પર શંકા થઇ આવી.
‘હા સર, મેં સાંજે મિટીંગ  પણ ગોઠવી દીધી છે. વાત પરથી એવું લાગ્યું કે રિયા મેડમ આપણાં  કરતાં વધુ રસ ધરાવે છે. મહેરે ફિલ્ડવર્ક જોરદાર કર્યું લાગે છે  …’
માધવનના ચહેરા પર એક ફિક્કું સ્મિત આવી ગયું  . જો આમ જ બધા પાસાં પડ્યા તો પોબાર  .
એ પછીના થોડાં દિવસો તો સારાં વીત્યા, પરંતુ રેશમી મોજામાં પાંચશેરી જેવો ભાર તોળાતો રહ્યો  .
દિવસો વીતી ગયા. બાફનાએ રાખીને માધવનને ચિંતામુક્ત કરી દીધો હતો પણ એક શરતે , દર વખતે જે વ્યાજદર હોય તેના કરતાં વધુ દરે.
‘બાફનાજી, વીસ ટકા તો સમજ્યા પણ સત્તાવીસ ટકા વ્યાજ ? એ જરા મારી નાખે એવો રેટ નથી લાગતો ?’
જવાબમાં બાફના લુચ્ચું હસ્યો : અરે માધવન જી , તમને આપેલા વચન માટે મેં બજારમાંથી હૂંડી ઉઠાવી છે. મને ખ્યાલ છે આપણાં જૂના સંબધો પણ બજારનો તો ખ્યાલ  તમને પણ હશે જ ને !!

પહેલીવાર કોઈક અજબ ગમગીની ઘેરી રહી હોય એવું લાગતું હતું  . નાસીપાસ થવાના પ્રસંગો તો ઘણાં જિંદગીમાં આવ્યા  હતા. એ વાત જૂદી હતી કે મહેરાના આલીશાન બેનર અને એની જંગી મિલકતોને કારણે આર્થિક સંકડામણ ક્યારેય જોવી નહોતી પડી પણ છતાંય છેલ્લાં થોડાં સમયથી મળેલી નિષ્ફળતાએ જિંદગીના એ સબક શીખવ્યા હતા જેના કારણે ન સમજાય તેવો અજંપો ઘર કરી જતો રહ્યો  .
પરંતુ સમય હવે આ પાર કે પેલે પારનો હતો.
દરિયા પર રેલાતી ચાંદની જે એક સમયે મનમાં શીતળતા આપી જતી આજકાલ દઝાડતી હોય એવું લાગતું.
ક્યાંક પાસાં સવળાં ન પડે તો ? એ વિચાર સાથે જ માધવનના રોમરોમ એક ઠંડી ધ્રુજારી ફરી વળતી  .
હજી તો મધુરિમા ઇન્ડિયા આવી નહોતી , આ વખતે તો એને પણ વિશ્વાસમાં લેવી જરૂરી બની જવાનું હતું  .
વધુ વિચારવું ન હોય તેમ માધવને સાઈડ ડ્રોઅરમાં રાખેલી સ્લીપિંગ પિલ લઈને પાણીનો એક ઘૂંટ ભર્યો  . મનની શાંતિ માટે એક જ શરણું હતું નિદ્રાદેવીનું  . આખરે આવનારી કાલ નિર્મિત નિયતિ સાથે જ પડવાની છે તો એની ચિંતામાં આજ શું કામ ખરાબ કરવી ?
ત્રણ રેસ્ટીલ લીધા પછી પણ ન આંખો ઘેરવા લાગી ન મનમાં જામેલા વાદળ દૂર થયા. અસલામતીનું કાળું ઘટ્ટ આવરણ વારે વારે મન પર સવાર થઇ ડરાવતું રહ્યું  . મનના છાને ખૂણે થઇ રહેલા  ચચરાટનું  કારણ પણ મળી ગયું  . બાફનાએ કરેલી રમત કદાચ આ ચચરાટનું મૂળ કારણ હતી. અને વાત રહી અસલામતીની , મધુરિમા ગણતરીના દિવસોમાં ઘરે આવી રહી હતી , એ કારણ હતું મનમાં જાગેલી અસલામતીનું  .

એવી લાગણી થઇ રહી હતી જેનો અનુભવ ક્યારેય કર્યો નહોતો  . એની તીણી ધાર મનને કેવું કોરી નાખી શકે એની પ્રતીતિ આ સમયમાં થતી અનુભવાઈ હતી અને ત્યારે રહી રહીને યાદ આવતી રહી  માધવીની  . પોતે અત્યારે જે અનુભવી રહ્યો છે તે પેટમાં રહેલા બાળક સાથે માધવીએ કઈ રીતે સહ્યું હશે ?   શું વાંક હતો એનો કે એને આવી ઉપેક્ષાનો ભોગ બનવું પડ્યું ? ને તે પણ કેવા સમયે ? જયારે એ પોતાના બાળકની મા બનવાની હતી.. શું થયું હશે એ બાળકનું ? માધવીનું ? …પોતે જે એની સાથે કર્યું એની માફી માંગી લેવાનો વિચાર તો કેટલીયવાર આવ્યો હતો. પણ મન પાછું પડી જતું રહ્યું  . એમાં પણ ખબર પડી કે માધવીનું નામ તો કળાજગતમાં ગિની જેવું છે એ પછી તો એની સામે જવાની રહી સહી હિંમત પણ ઓગળી ગઈ હતી.
માધવનને લાગ્યું કે અચાનક જ એનું શરીર ઠંડુ પડી રહ્યું છે. પગ પર  તો જાણે પથ્થર બાંધી દીધા હોય એટલાં ભારેખમ થઇ ગયા હતા. શરીરે પરસેવો વળી રહ્યો હતો. ઉભા થવાનો પ્રયાસ કરી રહેલા માધવને ચેરનો સહારો લઇ બેસી જવું પડ્યું  . બે ચાર ક્ષણો એમ જ વીતી ગઈ અને સ્વસ્થતા ફરી પછી આવી.
આવું કેમ થયું એનું કારણ તો માધવનને પણ ન સમજાયું પણ એ દિવસે ઓફિસ જવાની બદલે ઘરે રહી આરામ કરવાનો નિર્ણય પોતાને જ ભારે અકારો લાગ્યો હતો.

********************************

‘હાય ગુડમોર્નિંગ  ……’ સવારની પહોરમાં મધુરિમાનો અવાજ સાંભળીને માધવનની આંખો  સફાળી ખૂલી ગઈ. સામે રહેલી વોલકલોક અગિયારનો સુમાર દર્શાવતી હતી.
‘ઓહ , તું ક્યારે આવી ? ‘  બેઠાં થવાનો પ્રયત્ન કરતાં માધવને પૂછ્યું , એના અવાજમાં આશ્ચર્ય હતું  .
‘ રાત્રે , મધરાતે તારી ઊંઘ ક્યાં બગાડવી એટલે તને જગાડવો મુનાસીબ ન લાગ્યું  . ‘ મધુરિમાના અવાજમાં , વર્તનમાં ગજબની શાંતિ અને શાલીનતા હતી. ખરેખર અમેરિકાની ટ્રીટમેન્ટ વર્તાઈ તો રહી હતી. નહીતર સામાન્ય સંજોગોમાં આ જ મધુરિમા વાતની શરૂઆત કટુવચનોથી કરી ચૂકી હોત.
‘અગિયાર વાગવા આવ્યા ને તું રૂમમાંથી બહાર ન આવ્યો એટલે મને થયું કે જઈને જોવા દે , તબિયત તો બરાબર છે ને ? ‘
‘ તબિયત ને વળી શું થવાનું હતું પણ…. ‘ આગળ ન બોલતા માધવને વાક્ય અધૂરું મૂકી દીધું  .
બેડ સામે ઉભેલી મધુરિમાએ બારી પાસે જઈને કર્ટન્સ ખોલી નાખ્યા , એ સાથે જ થઇ રહેલા મધ્યાહ્નના સૂર્યપ્રકાશે રૂમ ભરી દીધો  .
માધવનને હવે મધુરિમાને સ્પષ્ટપણે જોઈ શક્યો .

ઉંચી, પાતળી મધુરિમા વિના કોઈ મેકઅપ સુંદર દેખાઈ  . એના રુક્ષ , કરમાયેલા ચહેરા પર થોડી ચરબી જામી હોય તેમ ગાલ ભરાયા હતા ને એના પર છવાયેલી રતાશ  .. આંખો નીચે હમેશા છવાયેલા રહેતા કાળાં કુંડાળા અને હમેશા ઘેનભરી આંખોને બદલે ચમકદાર નજર ને દમામદાર ચહેરો જુદી જ વાત કરતો હતો.
‘આર યુ શ્યોર યુ આર ઓકે ? ‘ મધુરિમાના અવાજમાં નરમાશ તો હતી પણ સાથે હળવી ચિંતા પણ હોવાનું માધવન અનુભવી રહ્યો  .
‘અરે હા હા  … કેમ એમ પૂછે છે ?’
‘ના આ તો રાજેશ કહેતો હતો કે તું આખો દિવસ સૂતો રહ્યો એટલે પૂછવું પડ્યું  ….’
‘ના ના એવી કોઈ વાત નથી…. હું હમણાં ફ્રેશનઅપ થઈને આવ્યો સમજ…’ માધવને બેડ પરથી ઉઠીને સ્લીપર્સ પહેરવા માંડ્યા  .
‘ઓકે , હું રાહ જોઉં છું  ….’ હળવું હસીને મધુરિમા બહાર નીકળી ગઈ.
વિના કારણે મન પર છવાયેલી ઉદાસીના ભૂખરા રંગની ઉપર ગુલાબી રંગની સેર ફરી વળી.
શાવર લઇ રહેલા માધવનને રહી રહીને વિચાર આવતો રહ્યો , માધુરીની મેન્ટલ હેલ્થ સારી થઇ છે ? કે પછી બુઝાતા દીપકની  જ્યોત છેલ્લીવાર પૂર્ણતાથી જલવાનો જે પ્રયત્ન કરે એવી કોઈ વાત થઇ રહી છે ?
તૈયાર થઈને માધવન બહાર આવ્યો ત્યારે મધુરિમા ટેબલ સેટ કરી રહી હતી.
‘વોટ અ સરપ્રાઈઝ !! ‘ માધવનના ચહેરા પર સ્મિત આવી ગયું  . એને વિશ્વાસ નહોતો આવી રહ્યો પોતાની કિસ્મત પર.
આ એજ મધુરિમા હતી જેના ચહેરા પર કદી સ્મિત જોયું નહોતું , માધવનને પીરસવાની વાત તો બાજુ પર , બંને કદી સાથે જમ્યા હોય એવું પણ યાદ નહોતું  . એ મધુરિમામાં આટલું પરિવર્તન ?
‘ સાચું કહું , મને હજી વિશ્વાસ નથી થતો કે તું  …..  ‘ માધવન આગળ બોલે એ પહેલા જ મધુરિમાએ એને અટકાવ્યો  .
‘વિશ્વાસ નથી થતો ને કે આ હું જ છું ? ‘ મધુરિમા સ્મિત કરી રહી હતી.
માધવન અવાચક થઇ ગયો હતો એનું આ રૂપ જોઇને , હસી ને બોલવાની વાત દૂર રહી છેલ્લાં કેટલાય સમયથી મધુરિમા એની સામે જોવાનું પણ ટાળતી હતી. એ મધુરિમા આટલો બદલાવ?
‘જે હોય તે પણ મારે ડોક્ટર કોઠારીને થેન્ક્સ કહેવું પડે…..’માધવન જરા હળવાશ અનુભવી રહ્યો હતો.
‘હા , તે કહેજે ને , હમણાં આવી જ રહ્યા છે.’
મધુરિમા વાત કરી રહી હતી પણ એનું ધ્યાન ટેબલ પર ગોઠવાયેલાં નેપકીન્સ પર હતું  . ઈસ્ત્રીટાઈટ નેપકીન્સની ગડી એને ફરી ચીવટથી કરીને પાછો મૂક્યો। 
‘ ડોક્ટર અત્યારે ? આ ટાઈમે ? કેમ ?’  માધવનના આશ્ચર્યનો પાર નહોતો  .
મધુરિમા જવાબ આપે એ પહેલા જ ડોક્ટર કોઠારી મેઈન ડોરથી પ્રવેશતાં દેખાયા , એ સાથે જ એમને આવકાર આપવા મધુરિમા ઝડપભેર આગળ વધી ગઈ.
ઔપચારિકતા પતાવ્યા પછી ડાઈનીંગ ટેબલ પર ગોઠવતાં ડોક્ટર કોઠારીએ માધવન સામે સ્મિત કર્યું :
‘તમને આ મૂડમાં જોયા પછી મને જરા રાહત લાગી , સાચું કહું તો મને હતું ન જાણે તમે કઈ રીતે રીએક્ટ કરશો !!’ ડોક્ટર કોઠારીએ બોલતી વખતે એક નજર મધુરિમા તરફ નાખી લીધી  .
‘વોટ ડુ યુ મીન ડોક્ટર ? હું કંઈ સમજ્યો નહીં  …’ માધવન પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
‘મધુરી, એટલે તેં કહ્યું નથી ? ‘ ડોક્ટર કોઠારીએ મધુરિમા સામે જોયું  .
‘ના , સમય જ ક્યાં મળ્યો  … પણ એમાં શું ? હવે કહી દઉં  …..’ મધુરિમાના અવાજમાં લોઢું કાપી નાખે એવી ઠંડક હતી.
‘ બાય ધ વે , મને ડિવોર્સ જોઈએ છે  …. હું ને ડોક્ટર કોઠારી લગ્ન કરવા માંગીએ છીએ.’ મધુરિમાએ માધવનની આંખમાં નજર મેળવી કહ્યું  .
માધવનના શરીરમાં એક લખલખું ફરી વળ્યું ,એના હાથમાં રહેલો પાણીનો ગ્લાસ છૂટી જતાં માંડ બચ્યો.

ક્રમશઃ
pinkidalal@gmail.com