મુંબઈ મેરી જાન : ગઝની આવ્યો જ ન હોત તો ?

આપણે ફિલમેકર્સને કોસવામાં શૂરા છીએ. એમાં પણ ખાસ તો ઐતિહાસિક કે પછી કોઈક મહાન ક્લાસિક કૃતિ પર આધારિત ફિલ્મોમાં લેવાતી છૂટછાટ તો કોઈ હિસાબે માન્ય નથી હોતી. જોવાની ખૂબી તો એ છે કે આપણી માહિતી સાથે બંધબેસે તો જ એ ઇતિહાસ સાચો બાકી નહીં એવું જડત્વ પણ ખરું. પણ, મહાન ઇતિહાસકારોની માહિતી ખોટી હોય શકે એ સ્વીકારવી રહી.

એક ઉદાહરણ છે રાજા ભીમદેવ સોલંકી , એમના વિષે લખાયેલી વિગતો અને માહિતી માની લેવા ચાહિયે તો પણ એમનું જન્મવર્ષ આપણને વિચાર કરતાં મૂકી દે.

એ હકીકત છે કે મુંબઈ ભીમદેવનું નિવાસસ્થાન રહ્યું , પણ કયા ભીમદેવ ? ભીમદેવ પહેલા વિષે ઇતિહાસ લેખે છે.

ઘંટારવ માટે ઉપયોગમાં લેવાતી 200 મણની સોનાની સાંકળ (1 મણ = 20 કિલોગ્રામ ), કિંમતી રત્નો , સોનાચાંદીની મૂર્તિઓ ,રત્નજડિત આભૂષણો. આ વિગતો સર્વવિદિત છે પણ હવે એમાં પણ મતમતાંતર થઇ રહ્યા છે. એક મત એવો છે કે ગઝનીને કોઈ ખજાનો સોમનાથમાંથી હાંસલ થયો નહોતો એટલે એને ગુસ્સામાં મંદિરનો ખાત્મો બોલાવી દીધો

સાલ ઈ.સ 1025, જાન્યુઆરી મહિનો. મહંમદ ગઝનીએ આક્રમણ કર્યું હતું ગુજરાતના હાર્દ એવા સંસ્કૃતિધામ સોમનાથ મંદિર પર.મંદિરનો અઢળક ખજાનો ગઝનીના મોઢામાં લાળ લાવ્યો હશે એ હકીકત છે. લૂંટના આશયથી જ આવેલા ગઝનીએ લૂંટફાટ તો ચલાવી પણ સાથે લોકોને વટલાવ્યા. 30,000 ઊંટના કાફલા ને લાવલશ્કર સાથે આવેલા આ લૂંટારુનો સામનો કરવાને બદલે લોકો સોમનાથ પોતે જ ચમત્કાર કરશે એવી આશામાં હાથ પર હાથ જોડી બેઠા રહ્યા .somnath_statue

આ વાત પર્શિયન વિદ્વાન ફિલોસોફર પ્રવાસી અલ બિરુનીએ પોતાના સંસ્મરણોમાં ઉલ્લેખી છે. વધુમાં એ નોંધે છે કે સોમનાથના મંદિરમાં ભારે રક્તપાત સર્જાયો હતો.અંદાજે પચાસ હજારથી વધુ હિંદુઓને રહેંસી નાખ્યા હતા. સામે પક્ષે ગઝનીની છાવણીમાં પણ ખુવારીનો આંક ઓછો નહોતો.

ગઝનીનો સામનો કરી રહેલા રાજા ભીમદેવ પાસે હવે એક જ વિકલ્પ બાકી રહેતો હતો , ભાગી છૂટવાનો. ગઝની જયારે લૂંટમાં મસ્ત હતો ત્યારે ભીમદેવ સોલંકી પોતાના પાટનગર અણહિલવાડ પાટણ ન જતાં દાહોદ ગોધરા (અત્યારના ) રાજપીપળા , ડાંગનું વન વટાવી મુંબઈના વગડાઉ ટાપુ પર પહોંચી ગયા. તેમની સાથે હતા બચી ગયેલા સૈનિકો , પુરોહિતો અને પાટણના પ્રભુ લોકો(જે હવે પાઠારે પ્રભુ તરીકે જાણીતા છે , અને એટલી હદે મહારાષ્ટ્રીયન છે કે ગુજરાતીનો અંશ ન દેખાય, પહેલું એરોપ્લેન આવિષ્કાર કરનાર રાઈટ બંધુ નહીં આ પાઠારે પ્રભુ હતા , એ વાત પછી ક્યારેક).

લૂંટ દરમિયાન ગઝનીને જે ખજાનો મળ્યો તેની આછેરી નોંધ ઇતિહાસે લીધી છે. ઘંટારવ માટે ઉપયોગમાં લેવાતી 200 મણની સોનાની સાંકળ (1 મણ = 20 કિલોગ્રામ ), કિંમતી રત્નો , સોનાચાંદીની મૂર્તિઓ ,રત્નજડિત આભૂષણો. આ વિગતો સર્વવિદિત છે પણ હવે એમાં પણ મતમતાંતર થઇ રહ્યા છે. એક મત એવો છે કે ગઝનીને કોઈ ખજાનો સોમનાથમાંથી હાંસલ થયો નહોતો એટલે એને ગુસ્સામાં મંદિરનો ખાત્મો બોલાવી દીધો અને એટલું જ નહીં 400 જેટલી કન્યાને બંદી બનાવી સાથે લઇ ગયો હતો.

આ વાતમાં વજન એટલે લાગતું નથી કારણ કે જો ખજાનો ન મળ્યો હોત તો ગઝની આમ ધામા નાખીને બેસી ના રહ્યો હોતે . મુસ્લિમ લેખકોએ પોતે જ ગઝનીના પ્રેમની વાતો આલેખી છે તે પ્રમાણે ગઝની પોતાના એક ગુલામનો પ્રેમી હતો (યસ, હોમોસેક્શ્યુઅલ) અને એ જમાનામાં એ ખાસ કરીને સેન્ટ્રલ એશિયામાં નવી નવાઈની વાત નહોતી. ગુલામનો ગુલામ શબ્દપ્રયોગ ત્યારથી જ અસ્તિત્વમાં આવ્યો.

આ લખનાર અન્ય કોઈ નહીં અને મુસ્લિમ લેખકો જ છે જેમના અંદાજ પ્રમાણે એ ગઝનીએ લૂંટેલી સંપત્તિની કિંમત એ વખતે થતી હતી વીસ લાખ દીનાર.

લૂંટ પછી ગઝની ભાગી ન ગયો. એ ધામો નાખીને પડ્યો તો રહ્યો ને ત્યાં મસ્જિદ બનાવી, એને લોકોને પોતાના નામ પરથી મોહમદીન બનાવ્યા. મુંબઇનો પ્રામાણિક તવારીખ આલેખનાર ઇતિહાસકાર ગાર્સીયા દાકુન્હા ‘ઓરિજીન ઓફ બોમ્બે ‘માં નોંધે છે કે મુંબઈને મંદિરો, મહેલો, ન્યાયાલયોની સંસ્કૃતિ જો મળી હોય તો તેનું શ્રેય જાય છે રાજા ભીમદેવને .

ઇતિહાસકારોમાં આજે પણ વિવાદસ્પદ ચરિત્ર આ રાજા ભીમદેવનું છે.
મરાઠી મહાકાવ્યો પ્રમાણે આ બિમ્બાદેવ (ભીમદેવ) દક્ષિણના દેવગિરિથી આવેલા શાસક હતા ત્યારે પર્શિયન અને મુસ્લિમ ઇતિહાસકાર બામ્બાશાહ એટલે કે ગુજરાતના ભીમદેવ સોલંકીને માને છે.

આ બંને વાત ગળે ઉતારવી મુશ્કેલ છે. દેવગિરિના બિમ્બાદેવ 13મી સદીમાં આવે છે , ગુજરાતના ભીમદેવ 11મી સદીમાં , એટલે વધુ નિકટ છે પરંતુ એક સમસ્યા ત્યાં છે કે તો પછી જયારે ગઝનીએ સોમનાથની લૂંટ કરી ત્યારે એમની ઉંમર હશે ચાર વર્ષ. એક જ શક્યતા હોય શકે કે ભીમદેવના જન્મવર્ષમાં કોઈક ભૂલ હોય કે પછી નાના ભીમદેવે આ ટાપુ પર એક દાયકો વટાવી રાજદંડ હાથમાં લીધો હોય.

એલિફન્ટાની આ બૌદ્ધ ગુફાઓ કાળથી પર છે. એ કેટલી જૂની છે તેનો નિર્ણય થઇ શક્યો નથી.

અલબત્ત , ગુજરાતથી આવેલા ભીમદેવની થિયરી વધુ સચોટ એટલે લાગે છે કે એમની સાથે આવેલા લોકો હવે પૂરેપૂરા મહારાષ્ટ્રીયન છે છતાં એમની કુળદેવીને માને છે , એ કુળદેવી જે પાટણના પરિવારના કુળદેવી છે.

રાજા ભીમદેવે સમગ્ર મુંબઈના ( તે વખતે એને મુંબઈ નામ મળ્યું નહોતું ) સાત ટાપુની ઉપર કબ્જો જમાવવાને બદલે માત્ર ઉત્તરના ટાપુ પર જ આધિપત્ય જમાવ્યું અને રાજધાની સ્થાપી મહિકાવતી , એટલે કે આજનું માહિમ .

ભીમદેવના આગમન પૂર્વે મુંબઈની ઓળખ હતી તાડી અને વાડીથી .ભીમદેવે પોતાની સાથે લાવેલા હાથીના કાફલા માટે એક શેલ્ટર નિર્માણ કર્યું . માતંગ એટલે હાથી અને હાથીનું નિવાસસ્થાન એટલે માતંગાલય , એતળે કે આજનું માટુંગા .

ભીમદેવે સહુ પ્રથમવાર ન્યાયાલય સ્થાપ્યા , જે આજે અપભ્રંશ થઈને લેખાય છે નાયગાંવ.

જ્યાં એક સમયે માત્ર આમલી ચીંચ , તાડ , બાવળ અને ખેરના ઝાડનું સામ્રાજ્ય હતું એ હવે મહેલો, બગીચા ન્યાયાલય ને રસ્તાવાળું નગર બની રહ્યું હતું .

(મુંબઈ આવનાર પાટાણે પ્રભુ પાઠારે પ્રભુ બની ગયા , તેમના કુળદેવી આજે પણ મુંબઈમાં જાણીતા વિસ્તારનું નામ છે … એ વિષે વાતો હવે પછી )

જલસાઘર છે આ આઈનામહેલ

bhuj_aina_mahal_001
કચ્છની મુલાકાતે હો તો ભુજ તો યાદી પર હોવાનું જ .. ભુજમાં જોવાલાયક સ્થળમાં બહુ ગાજેલો વિજયવિલાસ પેલેસ તો ખરો જ . બહુ ગાજેલો એટલે કહ્યું કે આમિર ખાનની લગાન અને હમ દિલ દે ચુકે સનમના થોડા શોટ્સ અહીં ફિલ્માવાયા હતા. ખરેખર તો મહેલની જેવી જાળવણી થવી જોઈએ એવી તો હરગીઝ થઇ નથી. એમાં પણ 2001માં આવેલા કચ્છના ભૂકંપે તો હાલત વધુ ખરાબ કરી હશે એવું ધરી લેવું પડે. વિજય વિલાસ પેલેસમાં બીજો માળ રાજવી દ્વારા હજી વપરાશમાં લેવાતો હોવાથી મુલાકાતી માટે બંધ છે. પણ સૌથી વરવી હાલત તો સામે રહેલા પ્રાગ મહેલની છે. ભૂકંપે એની હાલત એટલી દયનીય કરી નાખી છે કે એ મુલાકાતી માટે બંધ કરી દેવાયો છે.
જોવા જેવી લિજ્જત તો વિજયવિલાસ પહેલાના આઈના મહેલની છે. એકવાર સમયનો અભાવ હોય તો પણ આઈના મહેલ ચૂકવા જેવો નથી. મોટાભાગના સહેલાણી એનું કદ અને બાહરી દેખાવ જોઈને અંદર જવાની તસ્દી લેતા નથી. એ લોકોને ખબર નથી કે એમને શું જોવાનું ગુમાવ્યું છે. 18મી સદીમાં બનેલો મહેલ ખરેખર તો ઈન્ડો વેસ્ટર્ન શૈલીનો ફ્યુઝન છે. પરંતુ ડોક્યુમેન્ટેશન પ્રમાણે 1761માં નિર્માણ થયેલો આ મહેલ કોઈ વિદેશી આર્કિટેક્ટે નથી બાંધ્યો બલ્કે ત્યારના રાજવી રાવ લખપતજીએ કોઈ વિદેશી આર્કિટેક્ટને રોકીને નહીં બલ્કે સ્થાનિક મિસ્ત્રી કહેવાય તેવા રામસિંહ માલમને જવાબદારી સોંપી હતી.01_1443940886
280 વર્ષ જૂનો મહેલ ખરેખર ભવ્ય છે. સાચૂકલો આઈના મહેલ , જ્યું જુઓ ત્યાં સોને રસાયેલાં આઈનાથી લઇ કારીગીરીનો સ્પર્શ છે. મહારાજાનો શયનખંડ સહેલાણી માટે ખુલ્લો છે. લો લેવલ પલંગના નક્કર સોનાના પાયા સૌથી મોટું જોણું સમજાય છે, પણ ખરેખર તો જોવા જેવી વાત કલારસિકતાના પૂરાવાઓની છે.
રાજવી ખરેખરા અર્થમાં કલારસિક હશે એનો પુરાવો આપવા છે નિર્માણ થયેલો એક ખાસ સંગીત વિભાગ . વચ્ચે રાજા અને વાદ્યકારો, નર્તકી માટેની જગ્યા અને એની ચારે તરફ ફુવારા જે અમને મળેલી માહિતી પ્રમાણે આજે પણ વર્કિંગ કન્ડિશનમાં છે.

દિવાલો આઈનામઢી હોય એટલી ઓળખ પૂરતી નથી , જ્યાં જુઓ ત્યાં ઓરિજિનલ સ્ટેઇન્ડ ગ્લાસ , રંગીન કાચનો ઉપયોગ થયો છે. આરસપહાણની કાલા કારીગીરી પર મોટાભાગના આઈના ગોલ્ડપ્લેટેડને હવે સમયના ઘસરકા લાગ્યા જરૂર છે પણ પ્લેટિંગ સોનાનું હોવાથી એમની ખૂબસૂરતી થોડી ઝાંખી પડી છે જરૂર છે પણ ગરિમાપૂર્ણ રહી છે. આયનામહલના થીમ પ્રમાણે આખા વાતાવરણને ઉજાસથી ભરી દેવા માટે માત્રને માત્ર એક દીપક કે મીણબત્તી જરૂરી બનતી . એક દીવાના પ્રકાશથી આખો મહેલ ઉજાસથી ભરાઈ જાય તે એંગલમાં અરીસા ગોઠવાયા છે. રાજાની સવારી નીકળતી હશે તે સોનાની હાથાવાળી બગી અને આ ઉપરાંત નીચે તે જમાનાની રાજવી વૈભવનું પ્રતીક લેખાતી તે પિરોજી અને ગળી જેવા નીલા રંગની ડિઝાઈનવાળી હેન્ડમેઈડ મોઝેક ટાઇલ્સ, અહીં એક આડવાત આ બંને રાજવી રંગ રહ્યા છે , ખાસ કરીને પશ્ચિમ વિશ્વમાં , એમની બનાવવાની કિંમત અતિશય ઊંચી હોવાથી શબ્દ આવ્યો રોયલ ફેમિલી માટે શબ્દ વપરાતો બ્લુ બ્લડ .
કલાપ્રેમી વાતાવરણમાં રંગીની ભરવા બેહદ સુંદર પેઈન્ટિંગ્સ અને ફોટોગ્રાફ્સ છે દેશી વિદેશી રમણીઓના . અમારું ધ્યાન ખેંચાયું બાજીરાવની મસ્તાનીના ચિત્રથી . એટલે મસ્તાની રાજવીની મહેમાન હશે કે ત્યાં પરફોર્મ કરવા આવી હશે તેવી સ્પષ્ટતા નીચે લખાયેલી માહિતીએ કરવાને બદલે અમને વધુ ગૂંચવી દીધા . કોઈક રમણીઓના નામ સાથે nymph શબ્દ ઉલ્લેખાયો છે. આ તો થયું એક માત્ર નિરીક્ષણ , તારતમ્ય દરેકનું અલગ હોય શકે.
જૂના વાદ્ય અને નાની નાની વિગતો પણ રસ ધરાવનાર માટે ખરેખર જલસાઘર છે આ આઈનામહેલ .

આંખે  ઊતરી દિલમાં વસી જાય એવી અગાશી 

દુનિયાભરમાં ફરનારા પ્રવાસીઓ માત્ર સ્થળ, સંસ્કૃતિ કે ખાણીપીણીના પ્રેમમાં પડી  જાય એ  સ્વાભાવિક વાત લાગે. પણ આજના સમયમાં હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં થીમનો વારો આવ્યો છે. 

ફાઇવસ્ટાર હોટેલથી હટકે એવી હોટલ એટલે ‘અગાશીએ’. 

કોઈ અમદાવાદી કે સરેરાશ  ગુજરાતમાં એ વિશે ન જાણતા ન હોય તેવી શક્યતા નથી. કારણ છે ત્યાં મળતી ગુજરાતી વાનગીઓ. એક  સમયે  માત્ર રેસ્ટોરન્ટ હતી  હવે 38 રુમ ધરાવતી  બુટીક હોટલ છે. 

અમદાવાદના ટેક્સટાઇલ ક્ષેત્રે ડંકા પાડનાર મંગળદાસ ગિરધરદાસે ઈ. સ 1924માં હવેલી નિર્માણ કરાવી હતી એ હેરિટેજ હોટલમાં પરિવર્તિત કરી છે. 

મોઝેક ટાઇટલ્સ થઈ લઈ ફ્રેસ્કો, એન્ટીક આટૅ ઈફેક્ટસ  અને કંઇ કેટલું. 

જ્યાં શબ્દો ન્યાય ન કરી શકે ત્યાં વહારે આવે કેમેરા. 

ફોટો ગેલેરી જૈ એ સમયમાં ન લઈ  જાય તો જરા નવાઈ…. 

મળ્યા છો આ ફ્લાઈંગ બાબાને ?

flying baba

એમ કહેવાય છે કે સાધુ તો ચલતા ભલા. આજના સમયને અનુરૂપ કહેવત બદલીને કહેવી હોય તો કહેવું પડે : સાધુ તો ઉડતા ભલા…

તમે ક્યારેક એરપોર્ટ પર હો અને વિના કોઈ સામાન, શિષ્યોના રસાલા વિના હાથમાં એક નાની પોટલી સાથે શ્વેત વસ્ત્રોમાં પ્રવાસ કરતાં બાબાને જુઓ તો ઓળખી જજો કે આ છે પેલા ફ્લાઈંગ મહાત્મા .
આવું નામ જાણીને હેરત પામ્યા હો તો જાણવું જરૂરી છે કે એમનું સંન્યસ્ત જીવનનું નામ છે બાબા અનંતદાસજી પણ એ નામે ભાગ્યે જ કોઈ એમને ઓળખે છે. બલકે ફલાઈંગ મહાત્મા કહો તો ભારતભરના એરપોર્ટ પરના કર્મચારી એમને જાણે છે , ને હા, મજાની વાત તો એ છે કે આ ઉપનામ એમને એરપોર્ટના કર્મચારીઓએ જ આપ્યું છે.

આજે દિલ્હી , કાલે મુંબઈ , પરમ દિવસે કોલકોત્તા તો એ પછીના દિવસે ચેન્નાઈ …. દરરોજ જેનો દિવસ નવા મહાનગર , શહેર, ગામમાં ઉગે છે આ બાબા ઘૂમેશ્વરના.
થોડા સમય પહેલા અમારી મુલાકાત થઇ હતી રિષિકેશમાં પરમાર્થ નિકેતનમાં . ત્યારે જાણવા મળ્યું એમના આ અવનવા પ્રણ વિષે . એક શહેરમાં એક રાતથી વધુ રાતવાસો ન કરવો એ એમનો નિયમ છે.

ન એમનો કોઈ આશ્રમ છે , ન શિષ્ય , ન કોઈ સમાન સરંજામ . એમની ચીજવસ્તુની યાદી બનાવો તો પાણી પીવા માટે એક પ્યાલો અને અંગ પર પહેરેલાં એક જોડ પહેરેલા વસ્ત્ર સિવાય બીજું કંઈ જ નહીં . એક બગલથેલામાં આખેઆખું વિશ્વ લઈને ફરતાં આ બાબા સાથે એક સફેદ કપડાની થેલી જરૂર રાખે છે. એમાં હોય પાસપોર્ટ ને મોબાઈલ .

પાસપોર્ટ એટલે એક બે નહીં , દેશવિદેશના વિઝાને કારણે પાસપોર્ટબુકની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જાય છે.
એમનો નિયમ છે એક શહેરમાં એક રાતનો, આ નિયમ વિદેશમાં એક રાત પ્રતિ દેશ પ્રમાણે લાગુ પડે છે. અમેરિકા ગયા હોય તો ત્યાં માત્ર ને માત્ર એક રાત પછી અમેરિકાથી એક્ઝીટ , લંડન હોય કે જર્મની , વિદેશમાં માત્ર એક રાત એ નિયમ આધીન છે.
જોવાની ખૂબી તો એ છે કે લંડનની હાડ થીજાવી દેનારી ઠંડી હોય કે દિલ્હીની બળબળતી બપોર એમના પરિવેશમાં ન તો કોઈ ઉની સ્વેટર ઉમેરાય છે ન સુતરાઉ કાપડના વસ્ત્ર બદલાય છે. જે વસ્ત્ર પહેર્યું તે બીજે દિવસે ધોઈ સુકવીને ફરી એ જ ધારણ કરવું એ પણ નિયમમાં શામેલ છે. હવાઈ મુસાફરી હોય કે ટ્રેનની , લંડનની સડક હોય કે હરિદ્વારની ગલીઓ , કોઈ ફર્ક નહીં .
વધુ કોઈ સરંજામ તો ન હોય એ સમજાય એવી વાત છે , પણ એક જોડ વસ્ત્ર નહીં ? એ પ્રશ્નના ઉત્તરમાં છે અપરિગ્રહ .
‘સહુ કોઈ ઉપદેશ તો અપરિગ્રહ માટે જ આપે છે , પણ ખરી કસોટી એને જીવનમાં ઉતારવાની વાત આવે ત્યારે થાય છે. ‘ બાબા અનંતદાસ કહે છે.

ચમચમતી બીએમડબ્લ્યુ કે મર્સિડીઝમાં ફરનાર સન્યાસીઓથી તદ્દન નોખી વાત તો ખરી ને !

એક વાર સંન્યસ્ત જીવન સ્વીકારાય પછી પૂર્વાશ્રમનું સ્મરણ નિષેધ લેખાય છે. એ અનુલક્ષીને ચાલનાર અનંતદાસજી પૂર્વાશ્રમ તો નથી વાગોળતાં પણ નાની ઉંમરમાં દીક્ષિત થઇ ગયેલા એવું કહેવામાં એમને વાંધો નથી, મૂળ તો છે મથુરાના આશ્રમના , પણ હવે ત્યાં પણ નથી રહેતા .પોતાના આશ્રમને વિસરી ચૂક્યા છે , અને વાત રહી દીક્ષિત કરનાર ગુરુની.

‘ ગુરુ પરત્વેની આસક્તિ જ આ ભ્રમણ માટે કારણભૂત બની. ‘ અનંતદાસજી પોતાની આ ભ્રમણયાત્રા શરુ થવા પાછળનું કારણ સ્પષ્ટ કરે છે. : મથુરામાં આવેલા આશ્રમમાં વર્ષો સુધી ગુરુની સેવામાં આશ્રમજીવન ગાળ્યું . દીક્ષા તો બહુ નાની ઉંમરમાં થઇ હતી. મા,બાપ,સખા જે ગણો તે ગુરુ જ સર્વસ્વ હતા ને એક દિવસ એ ગુરુ દેહત્યાગ કરી ગયા, જેના સાનિધ્યમાં જીવન વ્યતીત થઇ રહ્યું હતું એમના જવાથી સર્જાયેલો શૂન્યવકાશ જીરવવો દોહ્યલો હતો. ગુરુની વિદાય એટલી અકારી થઇ પડી કે હ્ય ગુરુની યાદી ભરી હોય તે આશ્રમમાં રહેવું દુષ્કર થઇ પડ્યું . અપરિગ્રહનું વ્રત તો હતું જ અને એટલા માટે નવા આશ્રમ કે ચેલાઓ બનાવી નવો સંસાર નહોતો માંડવો એટલે પહેરેલે કપડે જ નીકળી પડવું જ ઉચિત હતું .
અલબત્ત , આજે હવે આશ્રમ તો યાદ નથી આવતો પણ ગુરુ સાંભરી આવે છે ખરા. એટલે જયારે જયારે મન થાય ત્યારે મથુરાના એ આશ્રમમાં જઈને એક રાતવાસો કરી લઉં છું ને ને બીજે દિવસે ફરી ભ્રમણ માટે બહાર.

કદાચ આ એક નવાઈ પમાડે એવી વાત એ પણ ખરી કે આ એકમેવ બાબા જોયા , જેમને ન તો મંદિરોમાં ઝાઝો રસ છે , ન કર્મકાંડવાળી ભક્તિમાં કે , ક્રિયા કાંડવાળી પૂજા , આસન , અર્ચનામાં.
એમની ભક્તિ સીમિત છે માત્ર સત્સંગ અને સંગીત પૂરતી ને જીવનમંત્ર છે પ્રસન્નતા .

સત્સંગ , સંગીત ને પ્રસન્નતા જ્યાં મળે ત્યાં એક દિવસ ગુજારીને આગળ નદીની જેમ વહી જવું એ સિધ્ધાંત. સત્સંગ કરવા માટે એ ક્યાંય પણ પહોંચી જાય. મોરારી બાપુની રામકથામાં એ અચૂક જોવા મળે છે. એ પછી રિષિકેશમાં હોય કે નાશિકમાં કે પછી કેન્યામાં કે વોશિંગટનમાં .
ચરણ રુકે ત્યાં કાશીને ન્યાયે દિવસભર સત્સંગમાં રહ્યા પછી રાતવાસો કોઈ ધર્મશાળામાં , ભાવિકોને ત્યાં અને હા, જરૂર પડે તો હોટલમાં પણ. કોઈ નિયમ ને બંધનોની મોહતાજી વિના .
ભગવાન દત્તાત્રેયને જેમ ચોવીસ ગુરુ હતા તેમ બાબા ફ્લાઈંગ ફ્લાઈંગ બાબાના ગુરુ છે સર્પ . સાપ પોતાનું દર બનાવી લે કે પછી કોઈ ત્યજાયેલી જગ્યાને પોતાનું ઘર માની લે તેમ આ બાબા રાતવાસો કરે એ જગ્યાને પોતાની માની લે છે.

આટલી વાત હેરત પમાડવા પૂરતી ન હોય તો વધુ એક વાત છે તેમના સંગીતપ્રેમની .
લતા મંગેશકર અને મુકેશ , રફી એમના પ્રિય તો ખરા જ એટલી હદે કે ભજનકીર્તન ને બદલે રેડીઓ એમનો સાથી હોય છે. જ્યાં જાય ત્યાં મોબાઈલ ફોનમાં રહેલો રેડીઓ એમની સંગીતભક્તિ .

ટ્રેન , બસ , પ્રાઇવેટ કાર, એર ટ્રાવેલ કરતાં આ બાબાના ભક્તગણમાં એક અતિ જાણીતી એર લાઈન કંપનીના માલિક પણ શામેલ છે.
એટલે એમને બાબાને તકલીફ ન થાય એટલે વર્ષમાં 400 મુસાફરી કરી શકે એવી સવલતવાળું સ્પેશીયલ કાર્ડ આપ્યું છે. એક એરપોર્ટ પર અમને કર્મચારીએ જણાવ્યું કે અમે તો એમને એરલાઈન્સના માલિકના જમાઈ કહી સંબોધીએ છીએ , ને જોવાની વાત એ છે કે બાબા પોતે એ વાત પર હસે પણ ખરાં !

જીવનમાં આપણે ઘણીવાર એવી વ્યક્તિઓને વિભૂતિઓને મળીયે કે એમને મળીને લાગે કે એમના જીવનનો ધ્યેય શું હશે ?
અમારા ઘણાં પ્રયત્ન પછી પણ બાબા અનંતદાસજી પાસે એ ઉત્તર તો ન મળ્યો પણ એમને જોઇને લાગ્યું કે કદાચ નિરુદ્દેશે શબ્દની સાર્થકતા આ લોકો જ સિદ્ધ કરી શકે.
એ જ એમની ફિલોસોફી હશે : હું તો બસ ફરવા આવ્યો છું , નિરુદ્દેશે ….નિરુદ્દેશે ….

કર્ટસી : ચિત્રલેખા , ફોટો કર્ટસી : દીપક ધૂરી

રેડ એલર્ટ : પાણી માટે પાણીપત

pani 1

હોળી નજીક આવે એટલે સોશિયલ મીડિયા પર મિત્રો બે ભાગમાં વહેંચાય જાય.
એક તરફ પાણીબચાવ , વૃક્ષબચાવની અપીલ કરતાં સંવેદનશીલ મિત્રો ને બીજી તરફ એક દિવસ પાણી વાપરવાથી કયામત આવી જવાની છે ? આ બધું વિદેશી મીડિયાના મગજની પેદાશ છે એમ કરીને આક્રમક થઈને પચાસે પહોંચ્યા હોય તો પણ પાંચ વર્ષના બાળકની જેમ વર્તતાં લોકો .

એમાં પણ આ વખતે હોળીના થોડા દિવસ પૂર્વે જ એક અતિશય બોલકી તસ્વીર વોટ્સએપના માધ્યમથી ફરતી થઇ. એક વિશાળ કુવાને ફરતે જામેલું સ્ત્રી પુરુષ , અબાલ વૃદ્ધનું ટોળું , જેમના હાથમાં છે લાંબા લાંબા દોરડા ને ખાલી ઘડા. એ જોઇને ભલભલાની આંખમાં કસર ઉતરી આવે. પીવાના પાણી જેમને નસીબ નથી થતાં એ લોકોની હાલત જોઇને પાણીના વેડફાટવાળી હોળી રાક્ષસી આનંદ લાગે. સ્વાભાવિક છે કે પર્યાવરણ માટે સજાગ , રંગથી હોળી ન રમનાર લોકોને પણ પાનો ચઢે ને એ પાણીના વેડફાટ અને હોળી પ્રગટાવવા કાપી નખાતા ઝાડ માટે બોલ્યા વિના ન રહી શકે.આ વર્ષે વાત માત્ર હોળીની નહોતી , ઇન્ડિયન નશાની રહી છે. એટલે કે ક્રિકેટ ,આઈ પી એલ , ચર્ચા એ રહી કે જિંદગી વધુ મહત્વની કે ખેલનો નશો ?
મહારષ્ટ્રમાં લગભગ તમામ જગ્યાએ પાણીને માટે રોજની હોળી છે પણ ક્રિકેટની રમત માટે પીચ પર છાંટવા તો પાણી જોઈએ જ … શું કરવું ?
પણ , સૌથી દુર્ભાગ્યપૂર્ણ વાત તો એ છે કે વિચારવાની આ વાતો બાલીશ મગજના લોકો ધર્મ અને કોમના મુદ્દા સાથે જોડી દે છે.
સહુ કોઈ જાણે છે કે પાણી માટે પાણીપત ખેલાય એવા દિવસો દૂર નથી છતાં આ વિષે સૌથી મોટી જાગૃતિ ફેલાવવાનું કામ જે પ્રચાર માધ્યમો જ કરી શકે , એ બચારા સ્ટાર અને સેલિબ્રિટીઓની રંગરેલીયા કવર કરવામાં મશગૂલ હોય છે..
એ વાત જૂદી છે કે છાશવારે સામાજિક સંસ્થાઓ એ વિષે પોતાની ક્ષમતા પ્રમાણે જાગૃતિ ફેલાવવાના પ્રયત્નો કરે રાખે છે.

એવી જ કોઈક વાત દિલ્હીમાં બની.
એમ કહો કે એક તમાશો થઇ ગયો. પર્યાવરણ માટે કામ કરતી જાણીતી સંસ્થા ગ્રીનપીસ દ્વારા એક પ્રતીકાત્મક પ્રદર્શન એ થયું કે પોલીસની હાજરીમાં સો જેટલા માટલામાં પાણી ભરી એને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સામે સેફ કસ્ટડીમાં રાખવાનો અનુરોધ થયો. એમનો ઉદ્દેશ હતો ક્લાઈમેટ ચેન્જ વિષે જાગૃતિ ફેલાવવાનો અને જાહેર જનતાને આ વાત કેવા ગંભીર પરિણામ લાવી શકે છે તે કહેવાનો પણ વાત ગમે એટલી વેધક હોય પણ આ પ્રકારના ગતકડાંને કારણે એક તમાશો બનીને રહી ગઈ. બાકી ઉનાળો બેઠો નથી ને પીવાના પાણીનો મુદ્દો ચગે નહીં એ શક્ય જ નથી.
માત્ર બે ચાર નહીં મોટાભાગના પર્યાવરણ વિદ્વાનો માને છે કે એવો દિવસ દૂર નથી કે મોટા શહેરોમાં પણ રોજ નહાવું એ એક લક્ઝરી લેખાશે . દિલ્હી ને મુંબઈ જેવા શહેરોની વાત કરીએ તો અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જરૂર કરતા 60% ઓછો પૂરવઠો મળે છે . વાત માત્ર મોટા શહેરો કે મહાનગરોની જ નથી. ઉત્તર પ્રદેશ , પંજાબ , હરિયાણા ,હિમાચલ પ્રદેશ , છત્તીસગઢ ને ગુજરાત આમાં શામેલ છે. એનો અર્થ એ નથી કે બીજા રાજ્યોને આ સમસ્યા નથી. બલકે ઘણા તો વિષમ કહી શકાય એવા પરિમાણમાં છે.
મહારાષ્ટ્ર તો એમાં સૌથી મોખરે છે.

હવે તો મહારાષ્ટ્રનો ખેડૂત અને આત્મહત્યા એકમેકના સમાનર્થી શબ્દ જેવા થઇ ગયા છે.

થોડા દિવસ પહેલા જ મંત્રાલયની સામે એક યુવાન ખેડૂતે ઝેર ગટગટાવી લીધું . તરતને તરત સારવાર આપવામાં આવી છતાં એ ન જ બચી શક્યો . મહારાષ્ટ્રમાં ખાસ કરીને લગભગ તમામ ગામડામાં આ જ વાત છે, પાણીના વેડફાટ કરનાર લોકોએ મહારાષ્ટ્રના ગામમાં જઈ આ યુવાન વિધવા ને કુપોષિત બાળકોને જોવા જોઈએ . દર થોડા દિવસે ખેડૂતોની આત્મહત્યા હવે લોકોના પેટના પાણી પણ હલાવી નથી શકતી . એ સમાચાર તો વાંચ્યા વિના જ પાનું ફેરવાય જાય છે .પણ અન્ય મીડિયામાં આ સમાચારો બોલકા રહે છે.

આમ પણ સમર સ્પેશીયલ વિશેષાંકોની આપણને નવાઈ નથી. કેરીના રસની વિવિધ વાનગીઓ કે પછી ઉનાળામાં કેવો મેકઅપ કરવો એ સિવાયના વિચાર કરવા જેવું કોઈને સૂઝતું નથી. મોટા શહેરોમાં પણ પાણીની સમસ્યા સામનો કરતા હોવા છતાં શહેરીજનોનું વૈચારિક દારિદ્રય એટલું ભયંકર છે તેની આ એક નિશાની છે.

આ વર્ષે ગરમીએ મઝા મૂકી એ સાથે ઇન્ડિયાના સમર સ્પેશિયલ ઈશ્યુની ગરમી નેશનલ ને ઇન્ટરનેશનલ મીડિયામાં જામી રહી છે.
એમાં પછી ઓપન મેગેઝીન હોય કે લંડનના ગાર્ડિયન , ડેઈલી મિરર કે પછી અલ ઝઝીરા , એવા ઈશ્યુમાંની એક સ્ટોરી .

જો કે આ તો એક સ્ટોરી છે પણ હકીકત તો એ છે કે મહારાષ્ટ્રમાં લગભગ તમામ ગામોમાં જ્યો કુવાના તળ ઊંડા ઉતરી ગયા છે ત્યાં આ વાત ચાલે છે , ક્યાંક ઉઘાડેચોક તો ક્યાંક ઢાંકીઢબૂરીને …

મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત દેંગમાલ વિસ્તારમાં એક ખેડૂતે ત્રણ પત્નીઓ રાખી છે. પણ, એક દરજ્જો માત્ર એક પત્નીને પ્રાપ્ત થયો છે, જયારે બાકીની બે પાણીવાળી બાઇ તરીકે ઓળખાય છે.
સખારામ નામના આ ખેડૂતને છ બાળકો પણ છે, પરંતુ આ છ બાળકો માત્ર પહેલી પત્ની તુકી દ્વારા જ થયાં છે. કારણ ?
કારણ કે બાકીને બે પત્નીઓ માત્ર પાણી લાવવા માટે પરણ્યો છે.
લાગ્યોને આંચકો ?
આ આજની વાસ્તવિકતા છે. પાણી માટે પત્ની …
સખારામ મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તાર વિદર્ભના દેંગમાલ ગામમાં રહે છે.
દેંગમાલનાં ઘરમાં વર્ષોથી આ પ્રથા પ્રચલિત છે, જેને પંચાયતે પણ માન્યતા આપી છે. તેનું કારણ છે પાણીની ગંભીર સમસ્યા. ગામમાં કયાંય નળ નથી. એટલા માટે આ પત્નીઓ ત્રણ કિ.મી. દૂર પગે ચાલીને પાણી લાવે છે અને એટલા માટે તે પાણીવાળી બાઇ તરીકે ઓળખાય છે. બીજી અને ત્રીજી પત્ની એ જ સ્ત્રી બની છે, જેના પતિનું કાં તો મૃત્યુ થયું હોય અથવા તો પતિએ તેને તરછોડી દીધી હોય. એટલે સખારામ કંઇ એક માત્ર નથી જેને આ પાણી માટે લગ્ન કર્યા હોય!!

ગામમાં છોકરીના જન્મ પર ખુશાલી મનાવવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે પાણી ભરવા માટે કોઇ આવી ગયું. જોકે ગામની મહિલાઓ બિચારી ભારે આશાવાદી છે , અમને આશા છે કે ભલે આઝાદીના સાડા છ દાયકા સુધી પીવાના પાણીના નળ ન આવ્યા પણ હવે તો આવશે જ ને. કંઈ નહીં તો જયારે તેમની દીકરીઓ મોટી થશે ત્યાં સુધીમાં ગામમાં નળ આવી ગયા હશે ને !!.

સખારામ ભગત ગામનો સૌથી નાનો ખેડૂત છે. તેના ઘરે દરરોજ ૧૦૦ લિટર પાણીનો વપરાશ થાય છે અનેક ચક્કરો કાપ્યા બાદ આટલું પાણી ઉપલબ્ધ બને છે. પ્રથમ પત્ની લગ્ન બાદ તુરત ગર્ભવતી થતાં પાણી લાવી શકતી નહોતી એટલા માટે બીજી પત્ની લાવવામાં આવી. તેની ઉંંમર થોડી મોટી હતી. થોડા દિવસ બાદ તે પણ પાણી લાવવા અસમર્થ બની ગઇ એટલે સખારામે ત્રીજાં લગ્ન કર્યાં. ત્રીજી પત્ની માત્ર ર૬ વર્ષની હતી. તેના પતિનું મૃત્યુ થયું હતું ને બે ટંક ખાવાની સમસ્યા હતી એટલે એ દુખિયારી પાણીવાળી પત્ની બનવા તૈયાર થઇ ગઈ.

હવે પ્રથમ પત્ની બાળકો સંભાળે છે, બીજી ઘરનાં કામકાજ કરે છે અને ત્રીજી ઘર માટે દૂર જઇને પાણી લાવે છે. સખારામની ત્રણેય પત્નીઓ એક જ ઘરમાં રહે છે. પ્રથમ પત્નીની જવાબદારી છે કે તે બાકીની બંનેનો ખ્યાલ રાખે, જોકે ઘણી વાર ઝઘડા પણ થાય છે. આ પત્નીઓ પણ બીજી અને ત્રીજી પત્ની બનીને ખુશ છે.

આ સ્ટોરી છે આઝાદી પછી ઇન્ડિયાએ કરેલા વિકાસની ગાથા.
આઝાદીના દાયકાઓ પછી પણ પીવાના પાણી , શૌચાલય અને તબીબી સારવારની સુવિધા હોવી સામાન્ય નાગરિક માટે આકાશના તારા જેવી અલભ્ય લાગે …
જ્યાં લેટેસ્ટ સ્માર્ટ ફોન વેચાતાં હોય , અડધા કલાકમાં પીઝા ડિલીવર થતો હોય ત્યાં પાણી માટે આ સમાજ વ્યવસ્થા ?
માન્યું કે આ પરિસ્થિતિ માટે જવાબદાર રાજકારણીઓ છે પણ એમાં એક અદના નાગરિકને પોતાની નૈતિક ફરજ શું હોય શકે તરીકે વિચાર પણ ન આવે એને શું કહી શકાય ?

છેલ્લે છેલ્લે :

રાત ભારી મગર ગુજર કે રહેગી જરૂર
દિન કડા થા મગર ગુજર કે રહા.

Food for Soul !

thandai-9

વિચાર તો એવો થયેલો કે આ હોળી પર ભંગ બરસે એવો પ્રોગ્રામ કરવો. એટલે કે નશાબાજી કે ધમાલ નહીં પણ બહુ પ્રખ્યાત એવી લખનૌ, બનારસની ભાંગની ગોળી કેમ આટલી વખણાય છે એ તો જોવું જ. એમાં પડી ગૂંચ. બ્રસેલ્સના ધડાકાની ગૂંજ આખા વિશ્વમાં એવી પડી કે ચેકિંગ કડક થઇ ગયું એમાં ભંગની ગોળી ઓગળી ગઈ.
ભાંગ હોય તો જ હોળી ઉજવાય એવું નોર્થ ઇન્ડિયન મિત્રો ભલે માને પણ લખનૌની પંડિત રાજાની ભાંગ – ઠંડાઈ બનાવવાનો પ્રયત્ન કરવામાં પણ લિજ્જત છે દોસ્તો ..

રેડીમેડ ઠંડાઈ તો બધે મળે , એમાં પણ ગુરુજી ઠંડાઈ જો આઉટ ઓફ સ્ટોક થઇ ગઈ હોય ને પછી કોઈ જ વિકલ્પ ન રહે તો જીવ બાળવા ને બદલે થોડી મહેનત કરી નાખવી , રંગ જરૂર લાવે છે ….ગેરંટી છે.

ઠંડાઈ
સામગ્રી :
1 1/2 લિટર દૂધ (ફૂલ ફેટવાળું )
25 બદામ
25 કાજૂ
25 પીસ્તા
3 ચમચી મગજતરી
3 ચમચી ખસખસ
કેસર 1 1/2 વાટકી ખાંડ
10 એલચી
તજ બે સ્ટીક
10 મરી
2 ચમચી કાચી વરીયાળી
ગુલાબજળ
દેશી ગુલાબની પાંખડી (ભૂલેશ્વર કે પછી દાદર ફૂલબજારમાં મળશે)
રીત :
કાજુ ,બદામ , પીસ્તા ,મગજતરી ,ખસખસ ને ચાર કલાક પાણીમાં પલાળી રાખવા. બદામના ફોતરાં કાઢી તમામ ચીજ થોડું દૂધ લઇ મિક્સરમાં પેસ્ટ થાય એમ પીસી લેવું .
દૂધ ઉકાળવા મુકવું . કેસર તથા તજ અને મરીનો ભૂકો કરી ઉકળતા દૂધમાં મિક્સ કરવા . ઉભરો આવી જાય પછી બે ત્રણ મિનીટ પછી પેસ્ટ ઉમેરવી હળવે તાપે ઉકળવા દેવું , લગભગ પાંચ થી સાત મિનીટ . છેલ્લે ખાંડ ઉમેરવી અને બે મિનીટ રાખી ઉતારી ઠંડુ પડે પછી ચીલ કરવા ફ્રીજમાં મૂકી દેવી .
પીરસતી વખતે કેસરના તંત , ગુલાબ પાંખડી અને પિસ્તાથી ડેકોરેટ કરો.
એકદમ સરળ તો છે પણ એટલી પળોજણ ન વહોરવી હોય તો ગ્રોસરી સ્ટોરમાંથી ગુરુજીની ઠંડાઈ લઇ આવો.
આમ કે આમ ગુટલીઓં કે દામ.

મિશન રોટી બેંક

ધારો કે તમારે ઘરે પાર્ટીનું આયોજન થયું છે.

મહેમાનોની સંખ્યામાં પાંચ દસ વધુ ગણીને તમે એ પ્રમાણે ખાણીપીણીનો બંદોબસ્ત કર્યો છે.

દરેક આદર્શ યજમાન કરે તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું હોવાથી આવેલાં મહેમાનોની ગણતરી ઉપરાંત વધુ જોગવાઈ રાખી છે. હવે સમસ્યા ત્યાં જ છે. મહેમાનો ભલે નિર્ધારિત હોય પણ રાંધેલા ધાન વધે જ , એટલે મહેમાનો એક એક કરીને વિદાય લે ત્યારે એમને ટેક અવે જેવું સોહામણું નામ ધરી વધેલું ફૂડ પેક કરી આપવાનું મિશન ચાલે .

મહેમાનોઓને રસ પડે તે ખાણીપીણીની ચીજો તો ઉપડી જાય જેમ કે મિઠાઈ , ફરસાણ કે ડીઝર્ટ પણ રાંધ્યા ધાન રઝળે તેનું કરવું શું ?

એમાં પણ આખો જલસો પતે પછી મહેમાનોની સરભરા અને દિવસભર થાકીને ઠૂસ થઇ ગયેલી ગૃહિણીના માથે એક મહાઅભિયાન બાકી હોય , વધેલી રસોઈનું કરવું શું ? અને ત્યારે તો ખાસ કે એમાં પણ ઘરમાં જમ્બો સાઈઝનું ફ્રીજ ન હોય …

આ સમસ્યા તો કોઈ પણ ગૃહિણી કે યજમાનની હોય શકે પણ મુંબઈના ડબ્બાવાળાઓએ એનો પણ હલ શોધી કાઢ્યો છે. જેનાથી એક પંથ દો કાજવાળી વાત શક્ય બને. એક તો વધેલું ધાન ગટરભેગું થવાને બદલે કોઈકને મોઢે જાય. સાથે સાથે ગૃહિણીની ચિંતા પણ ઓછી થઇ જાય.
_R6H1954

જો પ્રશ્ન થતો હોય કે આ મુંબઈના ડબ્બાવાળા કોણ છે ? તો જાણવું જરૂરી છે કે એની ઓળખાણ કોઈને ન કરાવવાની હોય. થોડાં સમય પહેલા આવેલી ઈરફાન ખાનવાળી લંચબોક્સ ફિલ્મ જોઈ હોય તો એ છે આ ડબ્બાવાળા , જો કે ફિલ્મમાં કરે છે એવા છબરડા લાખે એક થાય છે.

મુંબઈની ખાસિયતનો એક અનન્ય ભાગ હોય તો એ છે મુંબઈના ડબ્બાવાળા . એમના વિના તમે મુંબઈનું ચિત્ર પૂરું ન કરી શકો. આ ડબ્બાવાળા એટલે પાંચ હજાર મહેનતકશ મરાઠી માણુસ, જે ટ્રેન અને સાઈકલ પર મુંબઈની ઓફિસોમાં લગભગ બે લાખ લોકોને ઘરનું જમણ પહોંચાડવાનું કામ કરે છે. એમને ન મુંબઈનો ધોધમાર વરસાદ નડે ,  ન તાપ તડકો , ન ટાઢ. એ લોકોની નિયમિતતા માટે ફોર્બ્સ મેગેઝીને સિકસ સિગ્મા રેટિંગ આપ્યું હતું .

કારણ છે તેમની વિતરણ વ્યવસ્થા . મુંબઈની ભૌગોલિક પરિસ્થિતિથી સહુ કોઈ જ્ઞાત છે. એક મગરમચ્છ જેવી લાંબી પૂંછ ધરાવતી નગરીમાં એક્વાર કામે નીકળ્યા પછી બપોરે જમવા કિક મારીને ઘરે ન પહોંચી જવાય. ઘરને ઓફિસ વચ્ચે અંતર હોય કલાક થી દોઢ કલાકનું , કોઈક પણ ઓફિસ જનાર માણસ માટે ટ્રેનમાં શ્વાસ ન લેવાય એવી ભીડમાં ધક્કા ખાતાં ખાતાં ટીફીન લઈને જવાની વાત અશક્ય છે .

ભીડની જ વાત શું કરવી ? આજથી સવાસો વર્ષ પહેલા ટ્રેનો ખાલીખમ દોડતી હશે ત્યારે પણ વહેલી સવારે સાથે ટિફિન લઈને કામધંધે લઇ જવાની વાત બનતી નહોતી લાગી ત્યારે 1890માં મહાદેવ બચ્ચે નામના એક ભાઈને લોકોને ઘરનું ખાવાનું મળે એટલે ડબ્બા સર્વિસ ચાલુ કરવાનો વિચાર આવ્યો હતો. એક નાનું અમસ્તું સંગઠન , જેમાં માત્ર 100 ટીફીન પહોંચાડતા. સમય સાથે વ્યાપ વધ્યો અને આજે સંખ્યા પહોંચી છે બે લાખ ટીફીન પર.

જોવાની ખૂબી તો એ છે કે આ આખી વ્યવ્સ્થા જે રીતે ગોઠવાઈ છે તે જાણે કે કોઈ મેનેજમેન્ટ માસ્ટરે રચી હોય એમ લાગે.

આખી આ પ્રક્રિયામાં એટલે કે પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી ટીફીન પહોંચાડવાની ક્રિયા કલર , નંબર ને કોડથી કરવામાં આવે છે. વિતરણ વ્યવસ્થા એટલી અનોખી છે કે એ માટે મેનેજમેન્ટ સ્ટડીઝમાં એમની વિતરણ વ્યવસ્થાને સ્ટડી કરવા માટે સ્થાન અપાયું હતું. રોજના બે લાખ ડબ્બાની હેરફેર થાય તેમાં ભૂલનું પ્રમાણ એટલે કે એક નો ડબ્બો બીજાને મળવો , (લંચબોક્સ મૂવી ફરીવાર જોઈ લેજો ) એ 10 લાખે માત્ર 9 વાર બને છે.
ડબ્બાવાળાઓની આ ચોક્કસાઈભરી વિશેષતા વિષે વાંચીને પ્રિન્સ ચાર્લ્સ આ ડબ્બાવાળાની સેવાથી એટલા પ્રભાવિત થયા હતા કે 2005માં એ મુંબઈની મુલાકાતે આવ્યા ત્યારે એમના વિશલીસ્ટ પર હતી ડબ્બાવાળાની મુલાકાત. પ્રિન્સ ચાર્લ્સે ડબ્બાવાળાના અસોસિએશન સાથે આ હેરતભરી સિસ્ટમ સમજવાનો પ્રયાસ હતો પણ પછી થોડા જ સમયમાં પ્રિન્સ ચાર્લ્સ કમીલિયા પાર્કર સાથેના લગ્ન કરી રહ્યા હતા એમાં આ ડબ્બાવાળાઓને તેમાં આમન્ત્ર્યા પણ હતા. કહેવાની જરૂર છે કે આ શિવાજીના વંશજો બ્રિટનની વહુરાણી માટે શાલુ ( સેલું ) લઈને પહોંચ્યા હતા.dabawala-big.jpgdabbawala_0914-9

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પણ ડબ્બાવાલાની યુનિક વિતરણ વ્યવસ્થા પર ચેપ્ટર ભણાવાય છે. એ જાણીને વર્જિન એરલાઈન્સના રિચર્ડ બ્રેન્સન પણ આ ડબ્બાવાળાઓની મુલાકાત લેવાનું ચૂક્યા નથી. પણ આ તો થઇ જાણીતી વાતો. જે ડબ્બાવાળાઓ પોતાની સેવા માટે જગમશહૂર છે એ સેવાને હવે થોડા વર્ષોથી ઘસારો લાગી રહ્યો છે, એનું કારણ બીજું કંઈ નહીં પણ બદલાઈ રહેલો યુગ છે. પેઢી દર પેઢી ચાલતા રહેલા આ કામમાં નવી ભણેલી જનરેશનને રસ ન હોય સમજી શકાય એવી વાત છે.

અલબત્ત , આજકાલ આ ડબ્બાવાળાઓ બીજા એક કારણસર ન્યુઝમાં છે.

એ છે એમનું નવું મિશન રોટી બેંક .
આપણે સહુએ એ જ હશે કે જયારે જયારે કોઈ લગ્ન સમારંભમાં જઈએ કે પછી પાર્ટીમાં ત્યાં થતો ખાણીપીણીનો બગાડ આંખમાં કસર લાવી દે. પોતે પણ પ્લેટમાં ઠાંસી ઠાંસીને ભર્યું હોય પછી એમ જ બગાડ કરીને પ્લેટ બીનમાં મૂકતા અફસોસ પણ ભારે થાય. જો કે હવે સમજુ લોકો પ્લેટ ભરવાની ગુસ્તાખી કરતા નથી છતાં પાર્ટી કે લગ્નપ્રસંગે ખાવાનો બગાડ ન થાય એ શક્ય નથી.

ડબ્બાવાળાભાઈઓને એક નવતર આઈડિયા સુઝ્યો કે આ પ્રકારના શુભ પ્રસંગોમાં વધતું ખાવાનું જો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે તો કેવું ? અને એ વિચાર સાથે શરુ થયું એક અભિયાન રોટી બેંક .

જે કામ એનજીઓ કે સામાજિક સંસ્થા કરે એવું કામ આ ડબ્બાવાળા ભાઈઓએ માથે ઉપાડી લીધું. ઘર , ઓફીસ કે પછી શુભ પ્રસંગોએ આવેલું ખાવાનું જો તમે એમને ફોન કરો તો એ લોકો આવીને ખાવાનું લઇ જઈ જરૂરિયાતમંદ સુધી પહોંચાડી દેશે .

આમ તો ડબ્બાવાળાઓ 125 વર્ષથી લોકોને ટીફીન પહોંચાડે છે પણ આ અનૂઠી સેવાથી વધુ લોકોને રાહત આપશે.

ઘણી બધી હોટેલ અને રેસ્ટોરન્ટ પણ વાસી ખાવાનું નથી રાખતા. ડબ્બાવાળાની આ યોજના સાથે ઘણીબધી હોટલ ને રેસ્ટોરાં તો જોડાયા છે પણ 30 જેટલાં કેટરર્સ અને વેડિંગ પ્લાનર્સ જોડાઈ ચુક્યા છે. મુંબઈ વાહતુક મંડળના નામ હેઠળ ચાલતી આ યોજનાને સામાન્ય લોકો દ્વારા પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. જેને પહોંચી વળવા અત્યારે તો 400 જેટલા ડબ્બાવાળાઓ સ્વૈછિક રીતે જોડાયા છે જેમને એક રીંગ કરવાથી રાતે જ ખાવાનું લઇ જાય છે.
આ પ્રયોગને હજી ગણતરીના દિવસ થયા છે પણ એને મળેલો પ્રતિસાદ જબરદસ્ત છે.

જો કોઈ મર્યાદા હોય તો તે છે ડબ્બાવાળા નેટવર્ક . આટલું ઉમદા કામ માત્ર ને માત્ર મુંબઈમાં થાય છે કારણકે ડબ્બાવાળા કલ્ચર માત્રને માત્ર મુંબઈમાં છે. એમને પોતાનું આ કામ અન્ય શહેરમાં શરુ થાય એવી ખ્વાહીશ તો છે પણ એ માટે એમની પાસે મેનપાવર કે નેટવર્ક નથી. જરૂરીયાતમંદ લોકોની ભૂખ ઠારતી યોજના હજી હમણાં જ શરુ થઇ છે ને એને રોજના સો સવાસો કોલ મળવા લાગ્યા છે. એમને બહારગામથી પણ હવે આ સેવા માટે કોલ આવે છે. એ માત્ર અન્ય સામાજિક સંસ્થાઓને અનુરોધ કરી શકે છે. બાકી વાત રહી મુંબઈની , ત્યાં તો આ સેવા જોરમાં ચાલી નીકળી છે.

મિશન રોટીબેંક , ભૂખની થાળીમાં ખુશી પીરસવાનો આ એક સામાન્ય અદના માણસનો પ્રયાસ કેટલો ઉમદા છે એ વિષે કંઈ કહેવાની જરૂર છે ખરી ?

છેલ્લે છેલ્લે : સાંઈ ઇતના દીજિયે , જામે કુટુંબ સમાય
મૈં ભી ભૂખા ના રહું , સાધુ ભૂખા ન જાય.

~કબીર