એક ખામોશી હૈ સુનતી હૈ કહા કરતી હૈ

વર્સેટાઈલ કવિ,ગીતકાર, ફિલ્મમેકરની   82મી બર્થડે . જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયા , ટીવી , એન્ટરટેઇનમેન્ટ સ્લોટ્સ ને પેજીસ પર છવાયેલા રહ્યા સંપૂર્ણ સિંહ કાલરા  . 

અલબત્ત જૂના જોગીઓ એમને એ નામથી પરિચિત હોય તો ખબર નહીં પણ નવી પેઢીને  જાણકારી આપી રેડીઓ જોકીઓએ  . ગુલઝાર એટલે ગુલઝાર, ખરેખર તો  એમના નામની આગળ ન  શ્રી લાગે ન પાછળ જી લાગે  . એ
 બધા  તકલ્લુફની મોહતાજી એમને નથી ભોગવવી પડતી  . 

एक ख़ामोशी है, सुनती है, कहा करती है
न ये बुझती है, न रुकती है, न ठहरी है कहीं
नूर की बूँद है सदियों से बहा करती है
सिर्फ एहसास है दूर से महसूस करो 

प्यार को प्यार ही रहने दो कोई नाम न दो …

આ લખનાર કવિ લગ્નજીવનમાં બંધાય તે પણ એક જાજરમાન , પ્રતિભાવાન તે સમયે ટોચ પર હોય તેવી અભિનેત્રી સાથે એ પ્રેમને શું નામ અપાય ?
સામાન્ય પ્રણયકથાઓમાં વાત હોય ધામધૂમથી લગ્ન કર્યા ને ખાધું પીધું ને રાજ કર્યું પણ આ કહાનીકારો ભૂલી જાય છે એક વાત કે બંને પક્ષે જો વિચક્ષણ પ્રતિભા હોય તો  ખાધું પીધું ને રાજ કર્યું ન થાય , તારાજ કર્યું  એવી સ્ટોરી બને જે રાખી ગુલઝારના જીવનમાં બની.

રાખી ને ગુલઝાર પરણ્યા ત્યારે 1973 દરમિયાન ઘણી બધી સેલિબ શાદીઓ થઇ હતી , રાજેશ ડિમ્પલ સૌથી પહેલા , પછી અમિતાભ ને જયા ને એ જ સમયે રાખી ને ગુલઝારના પણ.
બંને કારકિર્દીની ટોચ પર , બધું હતું ને એવું તો શું થઇ ગયું કે બોસ્કી (મેઘના)ના જન્મ પછી બધું છિન્ન થઇ ગયું ?
કાલે દિવસભર ચાલતા રહેલા એકથી એક સુંદર ગીત સાંભળતા આ વિચાર આવ્યો ને તે સાથે વીતેલા સમયના ખૂબ જાણીતા ફિલ્મ પત્રકારે એક વાતનું  સ્મરણ થયું  .

 આજે જે ચાલે છે તે PR ક્લાસવાળા ફિલ્મી  જર્નાલિસ્ટની જમાતથી જોજનો દૂર , જેને એક સાહજિકતાથી વાત કરી હતી. એવું તો શું બને કે બે અદભુત વ્યક્તિઓ , એકમેકને ફ્રેન્ડ , ફિલોસોફર ને ગાઈડ માનીને સાથે ચાલવાનું નક્કી કરે ને એન્ટ્રી સાથે જ એક્ઝીટ થઇ જાય ?

પત્રકારમિત્રના કહેવા પ્રમાણે રાખીએ પોતે ફિલ્મમાં કામ નહીં કરે એવી ગુલઝારની ઈચ્છાને માં આપી ને  ક્ષેત્રસંન્યાસ લેવાનું નક્કી કર્યું હતું અને ફિલ્મો સાઈન કરવી બંધ કરી હતી પણ એક બનાવે બંનેની મેરિડ લાઈફ પર પાણી ફેરવી દીધું  . રાખી પોતાના પૂર્વ લગ્નજીવનમાં દાઝી હતી એટલે ચોક્કસપણે ઇચ્છતી હોય કે એ ભૂલો ફરી ન દોહરાવાય અને ગુલઝાર પણ એક ટોચની મુસ્લિમ , પરિણીત અભિનત્રીના પ્રેમમાં હતા અને ભારે કશમકશમાંથી પસાર થયેલા એટલે બંને પોતપોતાની રીતે સજાગ પણ હશે.
લગ્નજીવન શરુ તો થયું પરીકથાની જેમ  , ગુલઝારની રચના એ સંવેદહનશીલતાનો પરિચય આપવા પૂરતી છે.

રાખી ફુરસદમાં હતી. નવી ફિલ્મો ગુલઝારની મંજૂરી વિના સ્વીકારવાની નહોતી, આ નિર્ણય ખુદ રાખીએ કરેલો.એ વખતે આંધીનું શૂટિંગ કાશ્મીરમાં ચાલતું હતું  . જેના ગીતો આજે પણ અવિસ્મરણીય છે.
રાખી ને ગુલઝાર કાશ્મીર ગયા ત્યાં સંજીવ કુમાર ને સુચિત્રા સેન પહોંચી ગયા હતા.
ગુલઝારની આ ફિલ્મના ડિરેક્ટર , ગીતકાર, સ્ક્રીન પ્લે રાઇટર એ પોતે હતા, બધા મોરચે એક ને માત્ર એક.
કાશ્મીર પહોંચ્યા ત્યાં સુધી વાત ઠીક હતી પણ એક રાતે ગરબડ થઇ ગઈ.
સંજીવ કુમાર વધુ પી ગયા ને રાજાપાઠમાં આવી ગયા. સુચિત્રા સેને ઉઠીને ચાલતી પકડી  . સંજીવ કુમારે સુચિત્રા સેનનો હાથ ઝાલી લીધો ને ન જવા માટે અનુરોધ કર્યો  . બંને વચ્ચે રીતસરની એવી ખેંચતાણ થઇ કે ગુલઝારે વચ્ચે પડવું પડ્યું  .
ત્યાં સુધી રાખી ચૂપચાપ તમાશો જોતી રહી.આખરે સંજીવ કુમારને યેનકેનરીતે સમજાવી ગુલઝાર સુચિત્રા સેનને તેમના રૂમ સુધી મૂકી આવ્યા  . જે આખો  બનાવ બન્યો હતો તે માટે સુચિત્રા સેનને સમજાવટ માટે થોડીવાર રોકાયા હતા. પણ, નીચે આવ્યા ત્યાં સુધીમાં રાખીના મગજ પર બેંગાલ ટાઇગ્રેસ સવાર થઇ ચૂકી હતી. હાજર રહેલા લોકોની હાજરીમાં જ એને ગુલઝારને પૂછ્યું કે સુચિત્રા સેનને તમારે રૂમ સુધી મુકવા જવાની જરૂર શું હતી ? પતિપત્નીના બેડરૂમમાં થતી વાત ને તમાશો  તમામ લોકોની સામે જ થઇ ગયો.
રાખીને સમજાવવા વાળવાનો પ્રયાસ ગુલઝારે કરી જોયો હતો પણ વાત વણસી ગઈ.

કહી સાંભળેલી વાત પ્રમાણે ગુલઝારના માથા પર પંજાબ સિંહ ને રાખીને માથા પર બેંગાલ વાઘણ સવાર થયેલા હતા. પરિણામ એ આવ્યું કે બીજા દિવસે યુનિટે જોયું કે પતિપત્ની વચ્ચે શું થયું હશે એની ગવાહી રાખીનો ચહેરો આપતો હતો.

એ વખતે યશ ચોપરા કાશ્મીરમાં હતા, લોકેશન ફાઇનલ કરવા આવ્યા હતા. ફિલ્મ હતી  કભી કભી. જેને માટે રાખીનો અપ્રોચ કર્યો હતો ને રાખીએ ના પાડી હતી. રાખીએ  સૌથી  પહેલું કામ કર્યું યશ ચોપરાને સંપર્ક કરવાનું , કભી કભી સાઈન કરી લીધી. ગુલઝારને પૂછયા વિના  . જે અપમાન હડહડતું લાગ્યું હતું ગુલઝારને , સામે જવાબ રૂપે ગુલઝારે મૌસમ માટે રાખીને લેવાની બદલે શર્મિલા ટાગોરને લીધી  .

મેઘના માટે થઈને પતિપત્નીએ કાયદેસર છૂટાછેડાં ન લીધા પણ ફરી ક્યારેય ભેગા ન થયા.
ન તો કોઈ  જાહેર નિવેદનો થયા ન થઇ ન કોઈ મિત્રો  દ્વારા અપ્રત્યક્ષ વાતચીત. રાખીએ તો એવું ભેદી મૌન સાધી લીધું કે એ વિષે ક્યારેય કોઈ વાત ન થઇ.

ગુલઝારે પણ એવો જ કોઈ અભિગમ અપનાવ્યો હતો પણ એકવાર ક્યાંક રાખી વિષે  ‘ The longest short story of my life ‘ ઉલ્લેખીને લખ્યું હતું :

शहर की बिजली गई बंद कमरे में बहोत देर तलक कुछ भी दिखाई न दिया
तुम गयी थी जिस दिन उस रोज़ भी ऐसा ही हुआ था

Culture hub of Mumbai

જાહેર રજા હોય, તમને પાક્કી ખાતરી હોય કે કોઈ મોલમાં પાર્કિંગ  કે રેસ્ટોરન્ટમાં જગ્યા મળવાની નથી , તો શું કરી શકાય ?

ફ્રેન્ડ્ઝને ઘરે બોલાવીને પાર્ટી કે તેમને ત્યાં ધામા પણ એ વિકલ્પ પણ ન હોય તો ?

તો મુંબઈગરા ખાસ કરીંને સોબો પીપલ (સાઉથ બોમ્બેના લોકો માટે પરામાં રહેતાં મિત્રો કટાક્ષમાં આ શબ્દ વાપરે છે) માટે એક વિકલ્પ છે. ઓછી જાણીતી રેસ્ટોરન્ટમાં લંચ ને પછી કોલાબા કોઝ વે પર લટાર  .

સામાન્ય આ કામ તો ચાલુ દિવસે પણ બિલકુલ થઇ શકે પરંતુ કોલાબા કોઝ વે આમ દિવસોમાં ટીનએજર્સનું મક્કા હોય છે. વિદેશી સહેલાણી અને કોલેજકન્યાઓથી ઉભરાતું, ચાલવાની જગ્યા મળે ન તો કોઈ નાની કાફે કે રેસ્ટોરન્ટમાં ક્યાંથી મળે?

એનું કારણ છે કોઝવે પર આવેલું પાર વિનાનું શોપિંગ આકર્ષણ. જેને આપણે જંક જ્વેલરી લેખીએ તેવી તમામ આઈટમ. મેટલ, કાચના મણકા, દોરા ધાગા સુતળીમાંથી બનેલી ફેન્સી ફેશનેબલ , ને તે પણ નહિવત દામમાં  ,એવું જ કપડાં સાથે  પણ. અફકોર્સ , ત્રણવાર પહેરીને ફેંકી દો તો પણ પોષાય એટલા સસ્તાં , એક્સપોર્ટ માટે બનેલાં, વિદેશમાં ચુસ્ત કવોલિટી કંટ્રોલમાં નાપાસ થયેલા ટનબંધ કપડાં આ રોડસાઈડ માર્કેટ પર ખડકાય. મેટલ , સ્ટોન્સ , પ્લાસ્ટિકના મોતી , સેમી પ્રેશિયસ સ્ટોન્સ , વ્હાઇટ , ગોલ્ડન મેટલ , ઓક્સીડાઈઝ ઈફેક્ટવાળી જ્વેલરી ને આ કિંમતમાં સૌ સસ્તાં કપડાં , જો ગ્રેટ ડ્રેસિંગ   સેન્સ હોય તો ઝારા કે આમ્રપાલી જોડે હરીફાઈમાં ઉતરે  .

જો કે કોઈપણ મુંબઈગરા માટે આ બધી વાત અજાણી નથી.

એક સમય હતો , લગભગ 60 ને 70 નો દાયકો જયારે મુંબઈનું અલ્ટીમેટ ફેશન ડેસ્ટિનેશન કોલાબા હતું , જ્યાં ફિલ્મોની હીરોઇનો ખુદ ખરીદી કરવા આવતી હતી. કોલાબાનો એ ગોલ્ડન ટાઈમ તો ક્યારનો અસ્ત થઇ ચુક્યો છે. હવે એ ચીપ શોપિંગમાં લોખંડવાલા , ફેશન સ્ટ્રીટ , લિંકિંગ રોડ સાથે હરીફાઈ કરે છે, હાંફે છે ને ફરી ઉભું થાય છે.

શોપિંગ વિષે લખવા કરતાં ફોટોગ્રાફ્સ વધુ ન્યાય આપી શકે પણ વાત તો કરવી હતી આ કોલાબા કોઝવેની.

19મી સદીનો ઉદય થઇ રહ્યો હતો , ત્યારે મુંબઈના સાત ટાપુ જોડવાની પ્રક્રિયા પૂર્ણરૂપે આકાર લઇ ચુકી નહોતી . મુંબઈ મેઇનલેન્ડ એટલે કે વરલી ,પરેલ, મઝગાંવ , માહિમ વચ્ચે રેક્લેમેશનનું કામ ચાલુ હતું ક્યાંક ક્યાંક પૂરું પણ થઇ ચૂક્યું હતું. મુંબઈમાં રોજગારીની તક વિકસવા માંડી હતી એટલે વસ્તીવધારો થઇ રહ્યો હતો ને તેવે વખતે જે બે છેલ્લા આઇલેન્ડ જોડાયા તે આ કુલાબા ને ઓલ્ડ વુમન્સ આઇલેન્ડ. આ વિષે તેના અસ્તિત્વ ને ભરણીની વાતો તો પછી ક્યારેક પણ આજે તો તવારીખની નહીં માત્ર ખાણીપીણી ને શોપિંગની વાત છે.

કોલાબાની ગણના આજે પણ કલચરલ હબ તરીકે થાય છે. મુંબઈ શું હતું એનો એક ચિતાર જોવો હોય તો ફોર્ટ અને કોલાબામાં પગપાળા ફરવું જોઈએ. વિએના , જર્મનીમાં છે તેવા ઓર્નામેન્ટલ બિલ્ડીંગ્સ ભારતમાં અન્ય કોઈ શહેરમાં બચ્યા નથી જેવા આ વિસ્તારમાં જળવાયા છે. રીગલ સિનેમા હોય કે સહકારી ભંડાર આવ્યું છે તે બિલ્ડીંગ, એની સામેના બિલ્ડીંગ.

સૌથી ખાસ હોય તો એ છે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ જેને હવે છત્રપતિ શિવાજી સંગ્રહાલય તરીકે ઓળખવામાં આવે છે પણ લોકોની જીભ પર જૂનું નામ પહેલા આવે. હોટેલ તાજમહાલ , મુંબઈ યુનિવર્સીટી , બોમ્બે હાઈકોર્ટ (આ કોલાબાની પાસે છે પણ વોકિંગ ડિસ્ટન્સ પર) આ તમામ પાર અલાયદા પીસ લખી શકાય એમ છે એ ફરી ક્યારેક. તાજ ઈન્ડો સાર્સનીક સ્થાપત્યનો બેનમૂન નમૂનો છે. મ્યુઝિયમ પણ એ જ શૈલી પર છે પણ એમાં ક્યાંક ક્યાંક મુઘલ આર્ટ ડોકાય છે..

 આર્ટ ડેકો સ્ટાઇલનું રીગલ સિનેમા હોય કે પછી તાજ મહાલ હોટેલ જે ગેટ વે ઓફ ઇન્ડિયા નિર્માણ થયાના 23 વર્ષ પૂર્વે બંધાઈ ગઈ હતી ભારતીય માટે સૌથી પહેલી હોટેલ, પણ એ પહેલા હતી હોટલ  વોટસન  .એની કહાની તો જેટલી રોચક છે તેટલી દયનીય , એ કોલાબાથી ખાસ દૂર  નથી પણ ગણતરી કાલા ઘોડા વિસ્તારમાં થાય. નેશનલ મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટમાં વર્ષના ગમે એ સમયે કોઈને કોઈ પ્રદર્શન ચાલતાં હોય છે. worth visiting કહેવાય એવા.

આજના કોલાબાની વાત થતી હોય ત્યારે એક ન વિસરાય એવી કાફેની વાત તો આવે જ.

કાફે લિઓપોલ્ડ જ્યાં 26/11માં ટેરર અટેક થયો હતો. લિઓપોલ્ડને  આમ પણ વાચનરસિયાઓ જાણે છે , બહુચર્ચિત નોવેલ શાંતારામને કારણે  . 1871માં બનેલી આ ઈરાની કાફે હાજી ધમધોકાર ચાલે છે તેનું મુખ્ય કારણ ફોરેનર્સ તો ખરા પણ ટેરર એટેક અને શાંતારામે એને એવી તો પબ્લિસિટી આપી છે કે હવે ઇન્ડિયન ટુરિસ્ટ પણ એક જોવાના સ્થળ તરીકે વિઝિટ કરે છે. વળી પછી ઈરાની કાફે એટલે સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા  . એવી તો ઘણી કાફે છે. કાફે મોન્ડેગર , કાફે ચર્ચિલ.

1838માં નિર્માણ થયેલું મુંબઈનું કદાચ સૌથી જૂનું ચર્ચ સેન્ટ જ્હોન ઇવાન્ગેલિસ્ટ જેને મુંબઈગરા અફઘાન ચર્ચ તરીકે જાણે છે થોડા અંતરે છે.

વિદેશી માટે સૌથી મોટું જોણું અને હિંદુઓ નાક દબાવીને ભાગી છોટે એવી એક જગ્યા છે સાસૂન ડોકની ફિશ માર્કેટ  .

મુંબઈની કદાચ સૌથી મોટી , જૂની માર્કેટ છે. ન મનાય એવી વાત છે પણ કેટલાય ટુરિસ્ટ એ જોવા જાય છે.

આ તો કોલાબાનું ટ્રેલર છે. પિક્ચર તો ત્યાં પગ મુકો પછી શરુ થાય છે.

આજકાલ પૌરાણિક , ઐતિહાસિક સિરિયલોનો યુગ શરુ રહયો છે. સાસ બહુના ઝગડા દાયકા સુધી સહન કાર્ય પછી ઇતિહાસ જોવામાં રુચિ થઇ ત્યાં તો ઇતિહાસમાં તોડમરોડ શરુ થઇ ગઈ. પોએટિક લિબર્ટીને નામે   . હવે એ વાત હજારો વર્ષ પહેલાના ઇતિહાસનું રૂપ લઈને સામે આવી છે. જોવાની  ખૂબી એ રહેશે આ વિષે આપણી પાસે ક્રોસ ચેક કરવા , આપણી કુતુહલતા સંતોષવા માટે પણ સાચા સંદર્ભ ગ્રંથ નથી.

એક જમાનો હતો જયારે એમ કહેવાતું કે હિન્દી ફિલ્મોમાં હિરોઈન મોકલવાનો ઈજારો સાઉથનો છે ને હીરો , હીરો તો પંજાબ કે ઉત્તર ભારતથી જ હોય. પૃથ્વી રાજ કપૂર ,રાજ કપૂર, દેવ આનંદ , દિલીપ કુમાર, રાજેન્દ્ર કુમાર  થી શરૂ કરીને રાજેશ ખન્ના , વિનોદ ખન્ના , શશી રિશી જે બોર્ન  એન્ડ બ્રોટ અપ ભલે મુંબઈમાં થયા હોય પણ મૂળ ઉત્તરભારતના, ત્યાંથી લઈને  શાહરુખ , સલમાન ,અક્ષય  …. યાદી બહુ લાંબી છે. હા, કોઈક અપવાદ હોય શકે જેમ કે મહાનાયક અમિતાભ બચ્ચન કોલકોત્તા, આમિર ખાન મુંબઈ ચા પોરગા  પણ મૂળ તાપસો તો પછી નવી ચર્ચાને સ્થાન મળે.

આ વાત અકારણે જ ધ્યાનમાં આવી. થોડા દિવસ પહેલા change,org  foundation પર થયેલી એક અપીલને કારણે.
સામાન્યરીતે આ માધ્યમનો ઉપયોગ   બળકટ મુદ્દા પર જાહેર પિટિશન સાઈન થાય છે, જેમ કે ગૌસેવા , કતલખાના , પ્રાણીઓ પરત્વે ક્રૂરતા અટકાવવાથી લઈને સિંગલ સ્ત્રીને એકોમોડેશન કેમ ન મળી શકે એવા ઈશ્યુ પર.
આ વખતે જે મુદ્દા માટે મેઈલ મળી એ ચકિત કરી ગઈ . એ હતી હાલ ચાલી રહેલી સિરિયલ આરંભનું પ્રસારણ બંધ કરવાની . ત્યાં સુધી તો એ સિરિયલ ખાસ ધ્યાનથી જોઈ પણ નહોતી  . એમાં ઉલ્લેખાયેલા મુદ્દા પરથી ખ્યાલ આવ્યો  સ્ટોરીલાઇનનો, જેમાં વાત  આર્ય અને દ્રવિડ લોકો વચ્ચે સદીઓ પૂર્વે થયેલા સંઘર્ષની છે.  સ્ટોરીલાઇન પ્રમાણે અહીં રાજ દ્રવિડો કરે છે ને આર્ય ભટકતા ભટકતા કોઈ સારા, શાંતિથી વસી શકાય એવા પ્રદેશની શોધમાં આવી ચડે છે. અને પછી આરંભ બે સંસ્કૃતિ વચ્ચેના સંઘર્ષનો. વાત તો છે બાહુબલી જેવી, થ્રિલર કમ હિસ્ટ્રી (કાલ્પનિક) ,પણ એમાં સ્ટારકાસ્ટ જોઈને ખ્યાલ આવ્યો કે હીરો લોગ કેમ ઊંચા , પડછંદ ,ગોરા હોય છે. રજનીકાંત , મોહનલાલ ગમે એવી ફેન કલબ ધરાવે પણ વિશ્વના કોઈ પણ દેશમાં જાવ જે કામ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ કર્યું છે એ જોઈને માનવું પડે કે આ લોકો ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તો છે જ.
હીરો લોગની સરખામણી એટલે કરવી પડી કારણકે સામાન્યરીતે આપણાં બોલીવુડમાં ટોલ , ફેર એન્ડ હેન્ડસમનો ચાલ છે. જયારે હિરોઈન શ્યામલી હોય તો ચાલે પણ નાજુક , શાર્પ ફીચર્સવાળી હોવી જરૂરી છે. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે પણ વર્ષો સુધી વૈજયંતિમાલા , હેમામાલિની , રેખા, શ્રીદેવી  …
એવી જ કોઈક સ્ટોરીલાઇન પર આ સિરિયલ આધારિત છે. પિટિશનરે પિટિશન ફાઈલ એટલે કરી હતી કે જે વાત બની જ નથી તે કાલ્પનિક , કપોળ કલ્પિત સ્ટોરી ને કારણે  ક્યાંક બે સંસ્કૃતિ જે વચ્ચે હવે કોઈ ભેદ જ નથી રહ્યો તે ફરી કોઈ સંઘર્ષમાં ન અટવાઈ જાય.
અલબત્ત, આ આખા વિષય પર પાર વિનાની ચર્ચા વાંચવા મળશે, જે વાંચ્યા પછી પણ કોઈ એક મત પર આવવું ભારે  મુશ્કેલ છે.
જો બાહુબલિના લેખક કે.વી  વિજયેન્દ્ર પ્રસાદે  એમ જ તો નહિ લખ્યું હોય , સાચી કે ખોટી કોઈક થિયરી તો વાસ્તવિકતાની નજીક હશે જે સદીઓ પૂર્વે વિસરાઈ ચૂકી છે.જે વિષે જાણકારી ન હોય પણ પુરાણા તમિલ ગ્રંથોમાં ક્યાંક જળવાઈ રહી હોય એવું પણ બને ને!!
એક થિયરી એમ કહે છે 150 વર્ષ પૂર્વે ચાલાક અંગ્રેજોએ આપણને આપણા જ દેશમાં પરદેશી બનાવવા આ થિયરીનું તૂત મનમાં નાખ્યું કે આર્ય બહારથી આવ્યા હતા. એમને શિક્ષણમાં આ બીજ નાખ્યું ,હકીકતે મૅક્સમુલર એ થિયરીનો અસ્વીકાર  કર્યો હતો. પણ , કદાચ આપણામાં જ કોઈક ખોટ કે દક્ષિણ ભારતીય લોકો ઉત્તર ભારતના લોકોને હજી આઉટસાઇડર મને છે. ખુલ્લેઆમ નહીં પણ મનમાં ક્યાંક ખૂણે આ બીજ ધરબાયેલું છે. વર્ષો પૂર્વે એક તમિલ મિત્રે એક આડવાત તરીકે ઉલ્લેખ કરેલો કે ,દ્રવિડનો અર્થ જ થાય છે દ્રવ પાસે રહેનાર, એટલે કે પાણી,દરિયા પાસે રહેનાર  . શ્રીલંકામાં રહેનાર વર્ગ પણ દ્રવિડ લેખાય છે ને જાવા સુમાત્રામાં સ્થાયી થયેલી આ પ્રજાતિ આજે પણ ત્યાં હિન્દૂ નહીં દ્રવિડ લેખાય છે.
એક મોટો વર્ગ મને છે કે આર્ય ઈ.સ પૂર્વે લગભગ 1500 થી 5000 વર્ષ પૂર્વે આવ્યા હતા. હકીકતે છેલ્લાં 15000 વર્ષથી કોઈ એ પ્રકારની હિજરત , માઈગ્રેશન ઇતિહાસે નોંધી નથી. એક થિયરી પ્રમાણે આ જો થયું હોય તો તેનો ગાળો 30,000 વર્ષ પૂર્વેનો હોવો જોઈએ, આ એક થિયરી છે જેને રસ હોય તે એની પર સંશોધન કરી શકે છે. આ વિષે પુષ્કળ પુસ્તકો લખાયા છે અને એ ઓનલાઇન બુક સ્ટોરમાં મળી શકે છે. એટલે વાંચવા પહેલા

આર્યના નામે કે ધર્મને નામે  લડવા ઝગડવા ધસી આવવું નહીં  .

આર્ય શબ્દનો અર્થ છે પ્રગતિશીલ. પ્રાચીન આર્ય ધર્મમાં પ્રાકૃતિક દેવ પૂજાતાં હતા, જેને  આજે આપણે માત્ર હિન્દૂ જ નહીં ,પારસી અને ગ્રીક લોકો પૂજે છે. જે અંગે ઋગ્વેદમાં લખાયું છે તેને મળતી વાતો અવેસ્તામાં પણ છે ને ઇલિયાડ ને ઓડીસીમાં પણ , એના પરથી એક થિયરી એવી છે કે 5000 વર્ષ પૂર્વે ઈરાન અને ગ્રીસથી લોકો આવીને સરસ્વતી , સિંધુના કિનારે સ્થાયી થયા.  નદીના કિનારે સંસ્કૃતિનો ઉદ્ભવ સામાન્ય વાત છે. સિંધુ પરથી અસ્તિત્વમાં આવ્યો શબ્દ હિન્દૂ.
અંગ્રેજીમાં જેને ઇન્ડસ વેલી સિવિલાઈઝેશન કહેવાય છે એનો વિસ્તાર જોવાથી પિક્ચર વધુ આસાન થઇ જાય.

આપણા માટે ઈન્ડસની શાખાઓ tributaries  : દ્રાસ, સુરુ (કારગિલ)એટલે શતલજ , બિયાસ, ચેનાબ, જેલમ , રાબી , ઝંસ્કાર જે પંજાબ કાશ્મીર પૂરતી છે.
આ નદીની શાખાઓ અને એની પાર વિસ્તરેલી સંસ્કૃતિ વિષે જાણવા પૂર્વે એનો વિસ્તાર જાણી લેવો જોઈએ  . એમ જ થોડું  કહેવાય છે કે નદીના મૂળ ને સંન્યાસીના કૂળ પૂછવા નહીં?
 લો શેંગે ઝાંમ્બો (તિબેટ) જે સિંધુનું મૂળ લેખાય છે.  હુંઝા, શ્યોક (ગિલગિટ, વિવાદાસ્પદ ઇન્ડિયન , પાક લેન્ડ), પંજનાદ (પાકિસ્તાન), કાબુલ (હિન્દૂ કુશ પર્વતમાળા, અફઘાનિસ્તાન ),  ગોમલ (પાક- અફઘાનિસ્તાન ), સુરુ ઝનોબ,સ્વાત (ખૈબર પાસ , બલુચિસ્તાન,પાકિસ્તાન), ગિલગિટ (ઉત્તર પાકિસ્તાન), સોન (પંજાબ પાકિસ્તાન) , કુનાર (અફઘાનિસ્તાન) , કુર્રમ (અફઘાનિસ્તાન).
આ નદીઓના ફળદ્રુપ વિસ્તારની લાલચ આર્યોને ખેંચી લાવી એમ મનાય છે. જે આ બહુ ચર્ચિત સિરિયલનો થીમ છે. વાસ્તવિકતા સત્ય કરતાં કંઈ ગણી વધુ હેરતકારી હોય શકે છે. એ વાત જુદી છે કે હવે આર્યને બહારના તત્વ કહેનારને સહુ કોઈ વખોડી કાઢે , અને એ પુરવાર કરવું માત્ર અઘરું નહીં અશક્ય પણ છે છતાં મનાય છે કે આર્ય ઈરાન , યુનાન , રોમ ને જર્મનીથી આવ્યા હતા.ખાસ કરીને ઈરાન જેમાં પિતૃ (ઈરાની ઉચ્ચાર પિત્રો)ની પૂજા થી લઇ અતિથિઓનો આદર સત્કાર શામેલ છે. જૈન , બૌદ્ધ ધર્મ નવા હતા, એમને પોતાના સિદ્ધાંતોને અલગ રીતે આ પ્રણાલીમાં જોડી લીધા  .

મહર્ષિ અરવિંદે ક્યાંક કહ્યું હતું કે આર્યો બહારથી આવ્યા હતા, જેની સંભાવના યુરેશિયા (આજનું)હોય શકે. પણ આ બધી થિયરીઓને હવે નકારી દેવામાં આવી છે. તે છતાં વિવાદ એવી ચીજ છે જે સમયાંતરે માથું ઊંચક્યા કરે છે , અને શું કામ નહીં ?

 પૌરાણિક ગ્રંથો, કહાની ને ઋગ્વેદને ટાંકીને ઘણાં વિદ્વાનોએ એવા ઉલ્લેખ કાર્ય છે કે આયોના આક્રમણ પછી દ્રવિડ પ્રજા દક્ષિણ અને પૂર્વ એશિયા તરફ  ખસી ગઈ. આર્યોએ હિમાલય , વિંધ્ય વચ્ચે આર્યાવર્ત (ઉત્તર ભારત)માં કબ્જો કર્યો હતો.જે આર્યોની આદિ ભૂમિ મનાય છે.

આ વિવાદનું બીજ ક્યાંક તો જરૂર છે.આર્ય પ્રજાતિ માટે વિદ્વાનોમાં ભારે વાદવિવાદ છે. એમ મનાય છે કે એક જ ભાષા બોલનાર એક જ સ્થાને રહેનાર લોકો દુનિયાના વિવિધ  પ્રાંતમાં ગયા  જેમાંથી એક જૂથ મધ્ય એશિયા ને કાશ્મીર સુધી આવ્યું , અલબત્ત ભારતીય સાહિત્ય , પ્રાચીન ગ્રંથમાં એ વિષે કોઈ અછડતો ઉલ્લેખ પણ મળતો નથી. પણ એવું માનવાને કારણ છે કે એ વાતો દક્ષિણ ભારતીય સાહિત્યમાં ક્યાંક વણાઈ હોવી જોઈએ.

આગ વિના ધૂમાડો તો ક્યાંથી હોય ?

Comments

કેન્સરના એન્ટી ડોટ્સ, ઓરી ,માતાજી?

શ્રાવણની મસાલેદાર પ્રસાદી

સુરતની ઘણી બધી ખાસિયતો છે પણ એક બેનમૂન છે ખાજાની , એવું બને નહીં કે વરસાદ જામ્યો હોય ને  એક જન્મજાત સુરતીના ઘરે ખાજા આવ્યા ન હોય. વરસાદમાં ભજીયાની જ્યાફત તો સૌ માણે પણ સુરતીઓ સ્વાદ ને ખાનપાનમાં એક મુઠ્ઠી ઉંચેરા એટલી વાત તો સ્વીકારવી પડે. શિયાળામાં વસાણા, પોંક , ઊંધિયું , ઉંબાડિયું  હવે વર્લ્ડકલાસ થઇ ચૂક્યા છે. મિઠાઈઓ તો બંગાળી હોય કે સુરતી એને કોઈ સરહદ ન નડે , એ પછી ઘારી હોય કે ઘેબર , એની વાત કરવી છે પણ પછી ક્યારેક આજે તો માત્ર ખાજાંપુરાણ કારણ કે આ સરસિયા ખાજાં માત્ર ને માત્ર શ્રાવણ અને વરસાદ દરમિયાન જ મળે ને ખાઈ શકાય  . એનું કારણ છે એમાં રહેલાં મરીનું પ્રમાણ  .આજથી એક સદી પૂર્વે લોકોની ખાણીપીણી ઋતુ મુજબ  રહેતી હતી.  જેમ ભારતમાં ઋતુ  પ્રમાણે આહાર ખવાતો હતો એ જ ચાલ  પશ્ચિમી જગતમાં પણ છે.હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ચોમાસામાં ફ્રોઝન કેરીનો રસ કે પછી ભર ઉનાળે ફોન્ડ્યુ ,આજની તાસીર છે.

અલબત્ત , ખાજાં ચોમાસામાં જ ખવાય છે પણ એમ મનાય છે કે એ ઉનાળો જવાની તૈયારીમાં હોય ત્યારે કેરીના રસ સાથે પણ ખવાતા રહ્યા છે.ખાજાનો અર્થ જ છે ખાઈ જા, એક સંદર્ભ પ્રમાણે આ ખાજા સુરતની સ્પેશિયાલિટી તરીકે ક્યારથી પંકાતી થઇ એ વિશેનો ચોક્કસ સમયની જાણ નથી, પણ એમ મનાય છે કે લગભગ 1882ની આસપાસનો ગાળો , તે વખતે અષાઢ મહિનામાં ઘોડદોડ એટલે કે રેસનું આયોજન થતું (જેને કારણે ઘોડદોડ રોડ અસ્તિત્વમાં આવ્યો) આ મહિનાના ચાર વીક એન્ડ પર રેસ યોજાતી જે ખરેખર તો ઘોડદોડ રોડ પર નહીં બલ્કે અઠવા લાઇન્સ પોલીસ ચોકીથી શરુ થઇ ડુમસ પર આવેલા લંગર પર પૂરી થતી.
એવું મનાય છે કે થોડાં કૃષ્ણભક્ત સંપ્રદાયના લોકો આ ખાજા બનાવીને સાથે લાવતા ને તે રેસ પૂર્વે કે પછી અન્ય સાથે વહેંચીને ખાતા હતા. વિના કોઈ કારણે જ આ એક સેલિબ્રેશન કાયમનું થઇ ગયું  . એ માટે સાસરવાસી દીકરીના પરિવારને પણ આમન્ત્રણ મળતું , એ આખો રિવાજ ક્યારે ખાજાં ,રસ ને મલાઇની મિજલસમાં ફેરવાઈ ગયો ખબર જ નથી.
જો કે કેટલાંક ખાજાં સૌરાષ્ટ્રની દેણ માને છે પણ એ વાતમાં ખાસ વજૂદ એટલે ન લાગે કારણકે સૌરાષ્ટ્રવાસીઓનું આગમન થયું 60ના દાયકામાં, યાર્ન ને  ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં નોકરીની તક વધી  તે પછી જયારે તીખાં ,મરીવાળા ,ઉપરથી લીંબુ નીચોવીને ખાજા ખાવાનો રિવાજ તો લગભગ એક સૈકાથી ચાલી આવે છે. હકીકતે મેંદામાંથી આ બનાવટ ટર્કીશ મીઠાઈ બકલાવાને વધુ મળતી આવે છે. બકલાવા સ્વાદમાં મીઠાં હોય છે ને ખાજાં આંખમાં પાણી આવી જાય એટલા તીખાં  પણ બંનેની બનાવટ સરખી છે. મેંદામાંથી બનતી આ વાનગી બે જૂદા સ્વરૂપે પેશ થાય છે જાણે વિરુદ્ધ સ્વભાવ ધરાવતી જોડિયા બહેનો . ત્રણસો વર્ષ દરમિયાન રહેલા મુઘલ શાશન દરમિયાન ખાણીપીણીની , ભાષાની, સંસ્કૃતિની કેટલી બધી ભેળસેળ થઇ હશે તેનું એક ઉદાહરણ આ ખાજા આપે છે.

સુરતી લાલાઓને મૂળ તો એક કારણ જોઈએ ઉજવણીનું ,મૂળ ઉદ્દેશ તો વરસાદમાં મિજલસનો હતો. સમય સાથે ઘોડદોડ ઇતિહાસસ બની ગઈ. સુરત શહેર વધીને ડુમસ સુધી વિસ્તરી ગયું હવે આ બધી મિજલસ તો નથી થતી પણ દર વરસાદમાં કરોડો રૂપિયાના ખાજાં ખવાઈ જાય છે.

આ સરસિયા ખાજાં ચોમાસાથી શિયાળા સુધી મળે છે પણ ખાવાની મજા વરસાદમાં છે. એની રીત તો યુ ટ્યુબ પર મળી જશે ,ને એ બધી લપ ન કરવી હોય તો સુરતમાં વસતા કોઈ મિત્રને ફોન લગાવો , એ વધુ સુગમ રહેશે  .

તમે ફિટ છો?? Really ?

કોઈ જયારે આપણને ખરી ઉંમર કરતા ઘણાં યુવાન ધારી  લે ત્યારે જે આનંદ આવે તે આનંદ તો દીકરીના મિની સ્કર્ટ પહેરીને પણ ન આવે.

ચહેરાનો મેકઅપ , ટૂંકા કપડાં , દોડધામ, પાર્ટીને સોશિયલ સર્કલમાં ઉઠબેસ અભી તો મૈં જવાન હું ફીલ કરાવવા પૂરતા છે પણ હકીકત કઈંક ઔર જ હોય. ચહેરાની કરચલી , આંખના કાળા કુંડાળા મેકઅપ નીચે આસાનીથી છૂપાવી શકાય પણ જયારે પગના અંગૂઠાને અડી ન શકાય ત્યારે મનોમન તો સમજાય જાય આખી વાત.

અલબત્ત, ઉંમર થાય કે માંદગી પછી ચાલવા આવનાર લોકો ઓછા હોય, બલ્કે ફિટનેસ માટે સજાગ લોકો માટે વૉક રોજની પૂજાપાઠ જેટલો જ મહત્વનો છે.

ઇવનિંગ વોકરની પણ અજબ દુનિયા છે. એકબીજાને ઓળખાતાં ન હોય છતાં રોજ સામસામે થઇ જતાં ચહેરાં જાણીતા થઇ જાય. નામ ખબર ન હોય પણ ચહેરાની ઓળખને કારણે સામસામે થઇ જવાથી અડધા સેન્ટિમીટરનું સ્માઈલ આપી પોતાની રફ્તારમાં ગૂમ.સિરિયસ વોક કરનાર લોકો એ સમય દરમિયાન વાત કરવાનું ટાળે છે કારણ કે સ્પીડ ઓછી થઇ જાય , એટલે કેલેરી ઓછી બળે.મોટાભાગના લોકો ફોર્ટી પ્લસ હોય.

યુવાનિયાના ટોળાઓ ની વાત જ ન કરવી રહી. સેલ્ફીમગ્ન લોકોને હાજી કોઈ કસરતની જરૂર પણ ન વર્તાતી હોય એટલે ચાલે.

વાત છે કઈ ઉંમરે કેવી એક્સરસાઇઝ કરવી  .

સામાન્યરીતે 30 પછી અચાનક ખ્યાલ આવે કે વજન વધી ગયું છે. ચાલવાનું શરુ કરો.જિમમાં જાવ.

આ ગાળો 30થી 45 સુધી જ ચાલે, મોટાભાગના લોકો 45 પાર કરે એટલે જિમિંગ છોડી સીધોસાદો વૉક પસંદ કરે.આ પર્સનલ અવલોકન છે. એમાં અપવાદ બિલકુલ હોય શકે.

પણ, એકમાત્ર ચાલવું એ પૂરતું છે?

જો કોઈ કહે હા, તો જવાબ ખોટો નથી અધૂરો છે.

એકવાર ચાલીસી ટચ કર્યા પછી સ્નાયુઓ , હાડકાં બરડ થતાં જાય છે તેમ રીફ્લેકસીસ પણ મંદ પડે છે.

આજકાલ ઘણાં જીમમાં આ ટેસ્ટ પણ થાય છે. મોંઘાદાટ જીમમાં ન જવું હોય તો એ ઘરે પોતાની મેળે કરી લેવાની ,ફિટનેસનું બેરોમીટર ચેક થઇ જશે.

40s :હોર્મોનલ અસંતુલન , ખાસ કરીને બહેનો માટે થાઇરોઇડની સમસ્યા , ક્યાં હાઇપો કે પછી હાઇપર, મોટાભાગની સ્ત્રીઓના બરણી જેવો આકાર થઇ જવાનું મૂળ કારણ આ ગ્રંથિ છે.  મેટાબોલિઝ્મ મંદ પડે. ખોરાક પચે નહીં એટલે ચરબીમાં પરિવર્તિત થઇ કમર પર , નિતંબ પર જામે ને ભાઈઓ છ મહિનાની પ્રેગનેન્સી હોય એવું પેટ ધરાવતા થઇ જાય. ખરેખર આ બેડોળ આકાર તમારા માટે કેટલો ખતરનાક છે એ  દર્શાવતું બેરોમીટર છે.  તમે કયા મોડ પર ઉભા છો એ જાણવું હોય તો  એ જાણવાનો ને એનું નિરાકરણ કરવાનો કોઈ સહેલો સટ ઉપાય ખરો ?

આજકાલ વેસ્ટર્ન વર્લ્ડમાં ચરબી ઉતારવાની કૃત્રિમ રીતોની બદલે ફરી જૂની પદ્ધતિ પર ધ્યાન કેન્દ્રિત થયું છે.

સ્ટેપ ટેસ્ટ:

એક જગ્યા પર ઉભા રહીને , સ્પોટ પર જ ,જમીનથી 12 ઇંચ એટલે કે 1 ફુટ જેટલો પગ ઊંચો કરી ફરી નીચે લઇ આવવાનો, સ્કૂલમાં કરતા હતા ને એમ જ ,દહીને બાયે , દહીને બાયે , એક , દો એક દો  … ( બે પગ સાથે ન કરતા , નહીં તો કાલે અમારી ખેર નહીં રહે.)

થોડીવાર વૉર્મિંગ અપ થાય પછી હાથ પણ સાથે ઉપરનીચે કરવાના શરુ કરી દેવાના.પૂરી નિષ્ઠાથી. હવે કસોટીની પળ આવશે  . એક પગ પર ત્રણ મિનિટ ઉભા રહેવાનું છે. બીજો પગ હાથથી ઝાલી રાખજો  .

પોતાની સાથે ચીટિંગ કરવાથી નુકશાન બીજા કોઈને નથી થવાનું .બહુ થોડા લોકો આ કરી શકે છે. જો કરી શકો તો તમે ફિટ છો. બાકી ધ્યાન આપો એ સિગ્નલ મળી ગયું છે.

હવે તમને આ વાંચીને હસવું આવ્યું હોય ને આખી વાત જોક જેવી  લાગી હોય તો પહેલા અજમાવી જોજો  . કોની જોડે જોક થઇ રહ્યો છે જણાઈ જશે. ત્રણ મિનિટના અંતે નાડી ને ધબકારા માપશો ત્યારે ખ્યાલ આવે કે તમે કેટલા ફિટ છો. 40થી 60 વચ્ચેના સ્ત્રી પુરુષમાં પુરુષ માટે 90થી 95ને સ્ત્રીઓ માટે  95થી 100 સામાન્ય છે.

ટેસ્ટ ઇઝીને સિમ્પલ છે. એ તમારી ફિટનેસ , સંતુલન એક મિનિટમાં કહી દેશે  .

50s: સીટ & રાઇઝ ( ઉઠ-બેસ)

વનપ્રવેશ થઇ ચૂક્યો હોય પણ દિલ હૈ કી માનતા નહીં જેવી સ્થિતિ હોય તો પહેલા તો હાડકાની સ્થિતિ તપાસવી જરૂરી છે. એ ઉપરાંત  આ ઉંમરમાં સૌથી મોટી સમસ્યા છે પ્રેશર, શ્યુગર ને ઓસ્ટીઓપોરોસીસની . એમાં હળવી કસરત મદદ કરી શકે છે.  અમેરિકન હાર્ટ એસોસિયેશન દ્વારા થયેલી એક ટેસ્ટ  કહે છે કે રોજ માત્ર 30થી 45 મિનિટની એક્સરસાઇઝ તમને નિરોગી રાખી શકે છે.ખાસ કરીને બ્લડ પ્રેશર ને શ્યુગર. જે લોકો નિયમિત ચાલતા હોય , કસરત કરતા હોય તે લોકોમાં ( 100 એ પાંચમાં )આ સમસ્યા  જોવા મળે છે.

હવે પચાસે પહોંચ્યા પછી કેટલા ફિટ છે એ જાણવું છે ? 

ઉઠક બેઠક ટેસ્ટ: યાદ છે સ્કૂલમાં શિક્ષારૂપે આ ઉઠબેસ મળતી હતી. ટીચર ભલા હોય તો 25 ને કાટ હોય તો પૂરી 100.આ ટેસ્ટ 50 પહોંચ્યા હો તો તમારા માટે, શરત એટલી ન કોઈ સપોર્ટ લેવાનો ન મદદ લેવાની  .

માત્ર નીચે બેસવાનું અને ઉભા થવાનું  .પોતાના હાથ , હથેળી, ઘૂંટણનો સહારો લેવો નહીં, અન્યથા આઉટ.દસ ઉઠબેસ કરવાની છે. મોટાભાગના લોકો દસ તો ઠીક ચાર પણ કરી શકતા નથી. દસ વધુ લાગે તો લક્ષ્ય આઠનું રાખવું.હા, આર્થરાઇટિસ કે ઘૂંટણની તકલીફ ધરાવનારે અખતરો પણ કરવો નહીં.

આ બે અખતરા કર્યા પછી લાગે કે આ આપણા વશની વાત નથી તો જે ઈલાજ કોઈ ન બતાવે અમે કહીએ  .

તમારા ફોનમાં હેલ્થ એપ લગાવી દો , મોટાભાગના સ્માર્ટફોનમાં હોય જ છે , જો ન હોય તો એમાં પેડોમિટર ઓન કરી દો. રોજના 10,000 પગલાં ચાલવા એ સેટ કરી દો , જેમાં એટલીસ્ટ 4000 પગલાં હેલ્થી

હોવા જોઈએ (એટલે કે પાનને ગલ્લે કે સોડા પીવા ગયા ,શાક લેવા ગયા કે સાડીના સેલમાં ગયા તે પગલાં કાઉન્ટ થાય પણ હેલ્ધી સ્ટેપ ન કહેવાય ) .

તો હવે ટેસ્ટ લઇ જુઓ પોતાની, તમે કેટલા ફિટ છો!!


નોંધ : અહીં લખેલી વાત પોતાના ફિઝિશિયન સાથે મળીને પૂછીને કરવી, આ વાત નામાંકિત  ફિટનેસ ટ્રેનર પાસેથી જાણી અને માત્ર શેર કરી છે.  

મુંબઈ મેરી જાન : બમ્બૈયા વારાણસીને ગ્રહણ લાગ્યું છે બેહાલીનું

રાજા ભીમદેવને યશકલગી પહેરાવાય છે મુંબઈમાં સભ્યતા સંસ્કૃતિ જનજીવન વિકસાવવા માટે પણ હકીકત તો એ છે કે ઇતિહાસ તો ઈ.સ પૂર્વે ત્રીજી સદી એટલે કે 2300 વર્ષ પૂર્વે આ ટાપુ પર સંસ્કૃતિ વિકસી હોવાનું લખે છે. સમય હતો સમ્રાટ અશોકનો, મૌર્ય સામ્રાજ્યનો. એ વખતે આ ટાપુઓ પર હિન્દૂ અને બૌદ્ધ સંસ્કૃતિ વિકસી હતી. ખાસ કરીને બૌદ્ધ  ભિક્ષુઓ ધર્મપ્રચાર માટે ફરતા એટલે નિવાસ માટે જે વિહારનું નિર્માણ કરતાં તે માટેની મગધસમ્રાટ અશોકે આપી હતી તેના પુરાવા આજે પણ છે. જ

બોરીવલીની કાન્હેરી કેવ્સ , અંધેરીમાં મહાકાલી ગુફાઓ આજે પણ અડીખમ છે. જેની વાત ફરી કોઈવાર  .

મૌર્ય સામ્રાજ્યના અસ્ત પછી આ ટાપુઓ સાતવાહન રાજનો ભાગ બની રહ્યા અને ત્યાં સોપારા બંદર (આજનું નાલા સોપારા)વિકસ્યું હતું તેવું મનાય છે. સોપારાથી સીધો વહાણવ્યવહાર રોમ સુધી ચાલતો હતો. આ વાત છે ઈ.સ પૂર્વેની . આ ઉલ્લેખ વિખ્યાત ટ્રાવેલર ટોલોમીએ કર્યો છે, હેપ્તનેશિયા તરીકે. એ પછી ટાપુઓએ બહુ ચડતી પડતી જોઈ. સતવાહનની પડતી પછી પશ્ચિમ મહારાષ્ટ્રના અભીર વિદર્ભના વક્તકાસ લોકોએ રાજ જમાવ્યું. પછી સમય આવ્યો કલાચૂરી શાસનનો. પાંચમી સદીમાં એ લોકો સર્વેસર્વા હતા આ નોંધનાર છે એક ગ્રીક વ્યાપારી કોસ્મોસ જેને જોગેશ્વરી ને  કલ્યાણ વિષે પણ ભારે વિગતવાર લખ્યું છે.

આજે પણ દેશ વિદેશના ટુરિસ્ટનું આકર્ષણ છે તે એલિફન્ટાની ગુફા છઠ્ઠી સદીમાં નિર્માણ થઇ હશે એમ મનાય છે.

આ જ સમય હતો ખ્રિસ્તી ધર્મના પગપેસારાનો. બદામી( દક્ષિણ ભારત)ના  ચાલુક્ય રાજાઓને હરાવીને કર્ણાટકના પુલકેશી રાજા  દ્વિતીયે એ ઈ.સ 610માં આ ટાપુ કબ્જે કર્યા. એ પણ લાબું ન ચાલ્યું ને  કોંકણના શિલહાર રાજવીઓએ  સૌથી લાબું રાજ કર્યું એમ કહી શકાય. ઈ.સ 810થી લગભગ ઈ.સ 1260 સુધી  .

ઈ.સ 1860ની આ તસ્વીર વાકલેશ્વર , બાણગંગામાં વસી ગયેલી વસ્તીનો પુરાવો આપે છે પણ જે યુગની આ વાત છે ત્યારે વાલકેશ્વર એક ઘનઘોર વનપ્રદેશ હતો.

ખરી રસપ્રદ વાત હવે આવે છે , બાણગંગા તળાવ માટે લોકવાયકા રામનિર્મિત વાલ્કેશ્વર મંદિરની વાત કરે છે. એ પ્રમાણે તો રામ ભગવાને પોતાના પિતા દશરથનું શ્રાદ્ધ બાણગંગા પર કર્યું હતું  . આથી વધુ પુરાણી વાયકા છે પરશુરામજીની  ,અલબત્ત એને તો કોઈ પ્રમાણ મળતું નથી માત્ર લોકવાયકા સ્વરૂપે જ આ બે કહાની કહેવાતી રહી છે. બીજી વાયકા એવી છે કે એકવીસ વાર પૃથ્વીને ક્ષત્રિયવિહીન કાર્ય પછી પરશુરામ મંદરાચલ પર્વત પર જઈને વસ્યા હતા.મંદરાચલ મહારાષ્ટ્રની દક્ષિણમાં આવેલો પર્વત હતો , ત્યાંથી છોડેલું બાણ એક તળાવનું નિર્માણ કરી ગયું એટલે નામ પડ્યું બાણગંગા, આ વાતની પૃષ્ટિ કરતુ પરશુરામનું મંદિર આજે પણ ત્યાં છે..

બીજી વાયકા રામ સાથે જોડાયેલી છે.

સીતાજીનું હરણ થયું ને એમની શોધમાં રામ લક્ષ્મણ ભટકી રહ્યા હતા, ત્યારે બંને આ વિસ્તારમાં પહોંચ્યા  .રામનો નિયમ હતો શિવલિંગની પૂજા પછી જ અન્નજળ ગ્રહણ કરવાનો.બાણગંગાના કિનારે રામે રેતી એટલે કે વાલુમાંથી શિવલિંગ નિર્માણ કર્યું અને પૂજન કરી સ્થાપ્યું એટલે નામ પડ્યું વાલુકાઈશ્વર , અપભ્રંશ શબ્દ આવ્યો વાલકેશ્વર  , એક બાજુ પરશુરામે બાણ ચલાવી તળાવ સર્જવાની કથા છે તો બીજી તરફ રામે પૂજા માટે મીઠા પાણીની વ્યવસ્થા કરવા બાણ માર્યું હતું , જેનાથી મીઠા પાણીને સરવાણી ફૂટી નીકળી ને સરોવર રચાયું  .

એવી વાયકા છે કે રામ ભગવાને પિતા દશરથનું શ્રાદ્ધકર્મ અહીં કર્યું હતું એટલું જ નહીં , રોજ પૂજાનો નિયમ હોવાથી રેતીમાંથી શિવલિંગ સર્જીને પૂજા કરી હતી તેથી વાલુ એટલે કે રેતીમાંથી સર્જિત હોવાથી વાલકેશ્વર  નામ અસ્તિત્વમાં આવ્યું  .

મુંબઈ પાર લગભગ 400 વર્ષ શાસન કરનાર સિલ્હાર રાજાઓએ ત્યાં મંદિરનું નિર્માણ કર્યું હતું  , જેનો નાશ પોર્ટુગીઝ લોકો દ્વારા કરાયો હતો.

મંદિરનું નિર્માણ ફરીથી ઈ.સ 1715માં થયું છે. સૌથી મહત્વની વાત છે સરોવરના પાણીની. એમ મનાય છે કે ત્રેતાયુગમાં અસ્તિત્વમાં આવનાર આ તળાવમાં પાણી ક્યારેય ખૂટતું નથી. દસ ઇંચનો વ્યાસ ધરાવતા પાણીના સ્તોત્રમાંથી પાણી આવે જ રાખે છે અને બીજા છેડે થી સમુદ્રમાં ભળી જાય તેવી વ્યવસ્થા છે.

 ઈ.સ બારમી સદીમાં નિર્માણ થયું છે એવી વાત ઇટાલિયન પ્રવાસી માર્કો પોલોએ નોંધી છે. શક્ય છે લોકવાયકા સાચી પણ હોય અને એ જગ્યાનો જીર્ણોદ્ધાર રાજવીએ કરાવ્યો હોય.

સમયની સાથે વસ્તીવધારા અને ગંદકીથી તળાવ મુક્ત રહી શક્યું નથી.ખાસ કરીને શ્રાદ્ધ ક્રિયા અને ધાર્મિક વિધિઓ પ્રદૂષિત  થવા માટેનું મુખ્ય કારણ છે.

અલબત્ત, બાણગંગા સાફ કરવાનું અભિયાન ચાલતું જ રહે છે.  જોવાની વાત તો એ છે કે આજે જ  નહીં, સો વર્ષ પૂર્વે  ઈ.સ 1882માં પણ આ તળાવના શુદ્ધિકરણની ઝુંબેશ ચલાવવી પડી હતી.

સ્થાનિક લોકોના પ્રયાસ ઉપરાંત હેરિટેજ કમિટીના પ્રયાસો આ હિસ્ટોરિકલ તળાવને બચાવવામાં સફળ રહ્યા છે.  આશા રાખીએ ભવિષ્યમાં પણ સફળ રહે.

એક સમયે જ્યાં ગીચ વનરાજી હતી ત્યાં આજે કોન્ક્રીટ જંગલનું સામ્રાજ્ય છે. બાણગંગા તળાવ સદીઓ જોઈ હોવાની ગવાહી આપે છે.

અલબત્ત , આજે આ તળાવ અને મંદિરની મુલાકાત હતાશા ઉપજાવે એવી છે. ઇન્ડિયામાં પોતાના વરસ, સંસ્કૃતિના બણગાં ફૂંકનારાઓ પોતાની પાસે જે છે એને જાળવી પણ ન શકે તે કેવી લાપરવાહી ને આળસ?

https://www.youtube.com/watch?v=4TdZ50JAZWY