લગ્નસંસ્થાની નીચે છે સેટ થયો છે ટાઈમબોમ્બ

20140107-092433.jpg

માની લો કે તમારા 12 વર્ષના લગ્નજીવન પછી અચાનક તમારી પત્ની કહે કે એ કોઈ એકસ વ્યક્તિના પ્રેમમાં છે અને એ તે વ્યક્તિ જોડે જ બાકીની જિંદગી વિતાવવા માંગે છે તો એક પતિ તરીકે કેતમારો પ્રતિભાવ શું હોય શકે ?

માની લો તમે ભારે ઉદારમતવાદી છો. સામેની વ્યક્તિના સ્વાતંત્ર્યની કદર પણ કરો છો એટલે એને રોકવા પણ નથી માંગતા પણ જો એ કહે કે એ એમનેમ જવા નથી માંગતી પણ છૂટાછેડા લઇ તમારી મિલકતમાં અને ભરણપોષણની તગડી રકમ પણ ચાહે છે તો તમારું રીએક્શન શું હોય શકે?

તમારા રિએક્શનની ચર્ચા પછી પણ આજે વાત કરવી છે સ્ત્રીહૃદયની પાષાણતાની। જે સામાન્યરીતે ક્યારેય થતી નથી। સ્ત્રી એટલે અબળા,બિચારી કે પછી સહનશીલ એ વ્યાખ્યા આજે પણ છે તેની ના નહીં પણ આજકાલ જે ક્રૂરતા સ્ત્રીઓ આચરી શકે છે તેના કિસ્સા જોયા પછી લાગે છે સ્ત્રીઓ હવે આ ક્ષેત્રે એટલે કે વ્યભિચાર, વિશ્વાસઘાત અને દયાવિહીન બનવામાં પુરુષોની બરાબરી કરી શકે છે. થોડા સમય પહેલા અહીં મન વુમન કોલમમાં પ્રગટ થયેલા એક લેખ માટે વાચકો , મિત્રોના પ્રતિભાવનો એટલો જબ્બર જુમલો થયો કે મને એ વાત ખરેખર વિચારતા કરી ગઈ કે ઉજળું એટલું દૂધજ હોય એ વાત હરહમેશ સાચી ન હોય.

એ વાત સાચી કે સ્ત્રીના બલિદાન , ત્યાગ, સહિષ્ણુતા હમેશ અસામાન્ય રહી છે પણ એ ન ભૂલવું જોઈએ કે સિક્કાની પણ બે બાજુ હોય છે.
આજકાલ તો કાયદા પણ દિનબદિન સ્ત્રીઓની તરફેણમાં આવી રહ્યા છે જે ઉપરછલ્લી રીતે બહુ સારી લાગે તેવી વાત છે પણ ખરેખર તો સમાજને તહસનહસ કરી નાખે એવી કોઈ આંધીના એંધાણ આપે છે.જે સંખ્યાબંધ પત્રો આવ્યા છે તેમાંના તમામની છણાવટ કરવી શક્ય નથી પણ થોડાં કિસ્સાઓ ખરેખર ચિંતિત કરે એવા છે કારણ કે આ કેસ સ્ટોરીઓ આવતીકાલની સમાજરચના પર એક અછડતો પ્રકાશ નાખે છે.

મોટાભાગે એવું જોવા મળતું કે પતિના લફરાંથી ત્રસ્ત સ્ત્રીઓ ઘર ત્યાગતી , સંબંધ તોડતી કે પછી સ્થિતિ ન કહેવાય કે ન સહેવાય જેવી થઇ જાય તો જીવનનો અંત લાવવા આત્મહત્યાનો માર્ગ લેતી . હવે પરિસ્થિતિ બદલાઈ છે . હવે એમાં પણ સ્ત્રી આગળ આવી રહી છે , એટલી હદે કે કોઈક કિસ્સામાં પુરુષ આત્મહત્યા કરવા મજબૂર થઇ જાય. માનવામાં ન આવે પણ હકીકત છે . તાજેતરમાં જ એક આવો બનાવ બન્યો કે જે સભ્ય સમાજને વિચારવા પર મજબૂર કરી દે કે આખરે સ્વતંત્રતાને નામે જોઈએ છે શું?
માની ઈચ્છાને આધીન થઈને માનસીએ લગ્ન તો કર્યા પણ એ રોષનો ભોગ બન્યો પતિ જય. માનસીને પ્રેમ હતો પોતાના મેનેજર સાથે . એટલે લગ્ન પછી માનસીનું મિશન હતું છૂટાછેડા . તેની તમામ હરકત જ એવી હતી કે જાય ત્રાસીને એને ફારગતી આપી દે . મૂર્ખ પતિ પત્નીના ઈરાદા સમજવામાં તો ભૂલ કરી જ પછી બાકી રહ્યું હોય તેમ બીજી ભૂલ કરી પત્ની સુધરીને પછી આવી જશે એવાં દીવાસ્વપ્ન જોવાની . પત્ની પછી આવે એ વાત દૂર રહી પણ એણે ખુલ્લેઆમ પોતાના પ્રેમીને ત્યાં રાતવાસાની રમત આદરી , અને આ બેઈજ્જતી ન સહેવાતાં જયે પત્નીને સંબોધી વિડીઓરેકોર્ડિંગ કરી આત્મહત્યા કરી. ૨૭ વર્ષના આ નવયુવાનની આત્મહત્યા વિડીઓ રેકોર્ડીંગને કારણે અખબારોમાં ચગી પણ આવા તો કેટલાંય કિસ્સા હશે જેની માનસિક ક્રૂરતાની હદ પ્રકાશમાં આવ્યા વિના જ ગુમનામીમાં વહી જતી હશે .

એક કિસ્સો છે સૌરભ અને વૈશાલીનો ( આ તમામ કિસ્સાઓ સાચા છે માત્ર તેમની ગોપનીયતા જાળવવા નામ બદલ્યા છે ). બંને અતિશય શ્રીમંત કુટુંબમાંથી આવે છે. એમની જ્ઞાતિમાં હજી પણ અરેંજ મેરેજની પ્રથા સર્વમાન્ય છે અને મોટાભાગના યુવાનોને એ સામે કોઈ વિરોધ પણ નથી. બંનેના રંગેચંગે લગ્ન થયા. કુટુંબ શ્રીમંત એટલે દીકરાવહુને પ્રાઈવસી રહે માટે માબાપે પોતાના જ બિલ્ડીંગમાં બીજો ફ્લેટ લઇ આપેલો। જાણે પરીકથાના લગ્ન। લગ્નના 6 વર્ષ દરમિયાન બે બાળકો પણ થઇ ગયા. ફેમિલી બિઝનેસ વિશાલ એટલે સૌરભને વારંવાર વિદેશ જવું પડે. સૌરભ ઉદાર , પત્નીને સાથે લઇ જાય પણ બાળકો સ્કૂલ જતા થઇ ગયા એટલે વૈશાલી અને બાળકોની આ ટ્રીપ અટકી પડી છતાં તે એકલી પડી ન જાય બોર ન થાય માટે કંપની આપવાની ભલામણ પણ મિત્રોને કરતો જાય.

હવે કહાનીમાં ટ્વિસ્ટ જુઓ. આ યુગલના પરમ મિત્ર હતા અભય ને તેની પત્ની અવની। એક સુખી દંપતિ , સૌરભ અને અભય સ્કૂલથી સાથે ને સાથે , જેને બધા એકમેકના સુખે દુખે ઉભા રહેવાવાળા, લંગોટિયા મિત્ર કહો તો ચાલે। . સૌરભ પોતાના બિઝનેસમાં વ્યસ્ત ને મિત્રની પત્ની પોતાનાં ઘરગૃહસ્થી અને નાનકડાં વ્યવસાયમાં। પરિણામ આવ્યું જેની કલ્પના ન આવી શકે। વૈશાલી ને અભયની નજદીકિયા વધી। સૌરભ ઊંઘતો રહ્યો એ વિદેશ હોય ત્યારે અભય મોડી રાતે તેના બેડરૂમમાં જ પાર્ક થઇ જતો. જોવાની ખૂબી તો એ કે સૌરભના માતા પિતા સામેના જ ફ્લેટમાં રહેતા તો પણ વૈશાલીને ના ડર નડતો ન શરમ અડતી। છાનું ને છપનું કઈ થાય નહિ એમ જ કહેવાય છે?

એક દિવસ બાંધેલી મુઠ્ઠી ખુલી ગઈ. એકદમ કન્ઝર્વેટીવ ફેમિલી ઘા ખાઈ ગયું પણ છતાં બે બાળકોના ભવિષ્ય માટે જો વૈશાલી બધું ભૂલીને નવેસરથી શરૂઆત કરવા માંગતી હોય તો મનેકમને તૈયાર થયું। આ દરમિયાન વૈશાલી બાળકો લઇ પિયર ચાલી ગઈ અને સૌરભ અને તેના ફેમિલી સામે માનસિક અને શારીરિક હિંસા અને દહેજની માંગણીની ફરિયાદ કરી દીધી।
સમાજમાં બદબોઈ થવાના ડરથી સૌરભના કુટુંબે વહુની વ્યભિચારી કરતૂતો પર પરદો નાખી રાખ્યો અને વૈશાલીએ કુટુંબને સરેઆમ બદનામ કર્યું। આજે પરિસ્થિતિ એવી છે કે વૈશાલી પોતાની માંગ પૂરી થવા છતાં સૌરભ સાથે રહેવા રાજી નથી. આ માંગ શું હતી? સૌરભ પોતાના માતા પિતા સાથે સંબંધ ન રાખે। દાદા દાદી પોતાના પૌત્ર પૌત્રીનો ચહેરો ન જોઈ શકે। ..આમ છતાં વૈશાલી પોતાની આડોડાઈ પર અફર રહી. સૌરભના માતાપિતા સામે દહેજની માંગ અને માનસિક ક્રૂરતાની ફરિયાદ તો પછી ના જ લઉં. આવું કરવાનું કારણ શું? કારણ એ હતું કે વૈશાલીને પતિ પાસે પાછા ફરવું જ નહોતું। માબાપની લાજ રાખવા પાછું પતિ પાસે કમને આવવું પડ્યું તેનો આક્રોશ પતિ પર, તેના માબાપ પર ને સંતાનો પર. આખરે થવાનું હતું તે થયું છે। ડિવોર્સ ફાઈલ થયા છે પણ જોવાની વાત એ છે કે વ્યભિચાર માટે પતિને છોડી દેવા તૈયાર સ્ત્રીએ કરોડો રૂપિયા સેટલમેન્ટ માટે માગ્યા છે. ને હજી કોઈએ અભયની પત્ની અવનીનો તો કોઈ વિચાર જ કર્યો નથી. કારણકે અવની ન તો લડાકુ છે ન બની શકવાની છે. એટલે અભય પોતાની ગભરુ પત્નીને છોડી દેવા તૈયાર છે અને એ ન માને તો એ અને વૈશાલી લીવ ઇન કરવા પણ તૈયાર છે.

જો આ કિસ્સો વાંચી નવાઈ લાગી હોય તો લગાડવા જેવી નથી કારણકે આવા બેસુમાર કિસ્સાઓથી કોર્ટ ઉભરાય છે।

35 વર્ષના મંથને મોડી ઉંમર સુધી લગ્ન ન કાર્ય કારણકે તેની પાસે પોતાનું ઘર જ નહોતું। રાતદિવસ જોયા વિના મહેનત કરીને માંડ બેપાંદડે થયો કે લોન પર એક બેડરૂમનો ફ્લેટ લીધો પછી જ લગ્ન કર્યા। પહેલા થોડો સમય ઠીકઠાક ચાલ્યું , લગ્નના છ મહિનામાં જ લાડીએ પોત પ્રકાશ્યું। ડિવોર્સ માટે કોઈ કારણ તો હોય પણ એ પણ નહોતું , કારણમાં કહેવાયું, એકબીજા સાથે રહેવું જ શક્ય નથી કારણ કે સ્વભાવ, રુચિ , ગમાઅણગમા કશું મેચ જ નથી થતું। વેરી ગુડ. પણ પછી શું? એટલે ડિવોર્સ માટે થનારા સેટલમેન્ટમાં અડધો ફ્લેટ તેને મળે, કારણ કે એ અબળાને જવા માટે કોઈ જગ્યા જ નથી. એટલે કે છ મહિનાના લગ્નજીવન પહેલા આ બહેન રસ્તા પર રહેતી હશે? મંથનનો ગુનો એટલો જ કે એ પોતાની માલિકીના ઘરમાં રહેતો હતો.
આવા કેટકેટલાંય કિસ્સાઓ છે. મંથનની પોતાની મહેનત અને જાસૂસી સેવા દ્વારા જાણ થઇ કે આ બહેન તો પહેલા બે પતિઓને આમ જ ઠગીને આવેલા હતા. એટલું જ નહીં પહેલીવારનો બકરો તગડો હતો કોઈ લેડી ડોકટરનો દીકરો। એ ડોક્ટરનું પોતાનું નર્સિંગ હોમ પણ હતું એમનો કોઈ વાંકગુનો નહતો છતાં ગામફજેતો ના થાય એટલે લાખો રૂપિયા આપી સેટલમેન્ટ કર્યું હતું। જેમને મેળાપ કરાવ્યો તે મેરેજ બ્યુરો અને મધ્યસ્થી કરનાર બેન તો હશે તમારા નસીબ કહી છૂટી પડ્યાં।

આ તો માત્ર બે કિસ્સા છે આજકાલ જ્યાં નજર કરો આવા છમકલા નજરે ચડશે અને એમાં બાકી હોય તેમ સ્ત્રી શશક્તિકરણને નામે એવા કાયદા લાવવાની યોજનાઓ છે કે એ જાણ્યા પછી હિંદુ છોકરાઓ પરણતાં જ ડરે। આ કાયદા માત્ર હિંદુ લગ્ન માટે જ છે એટલે દીકરીઓના માવતર કદાચ હરખપદુડા થઇ કૂદશે પણ દીકરીની સાથે દીકરો હોય તો બે છલાંગ મારતા પહેલા કાયદાની બારીકાઇ સમજવા જેવી છે. તમામ શક્યતા છે કે આ કાયદો દીકરીઓને લાભ કરતા નુકસાન વધુ કરશે।

જયારે જયારે વાત સ્ત્રીઓની થાય છે ત્યારે એમને બહુધા બિચારી, અબળા , નિર્દોષ જ ચીતરાય છે. આજે પણ ભારતીય કાયદા પ્રમાણે વ્યભિચાર કરનાર સ્ત્રીને માટે કોઈ સજા નથી. સજા તેની સાથે વ્યભિચાર કરનાર પુરુષને થાય છે તે પણ એ સ્ત્રી જો કોઈની પરિણીતા હોય તો…. આ કેવી વાત છે?
આજે જયારે સ્ત્રીઓને નોકરીમાં , શિક્ષણમાં , મિલકતમાં સમાન હક્ક જોઈએ છે તો શું મેચ્યોર્ડ સ્ત્રી જયારે લગ્ન બહારના સંબધો વિકસાવે તો એને કોઈ સજા નહીં?
સ્ત્રી પોતાના પતિના ઘરડાં માબાપને જુનું ફર્નિચર સમજી ફેંકી દેવાની જીદ પકડે અને પતિ ન માને તો કોર્ટના દ્વાર ખખડાવી કઈ રુએ હક્ક માંગે?

હકીકત એ પણ છે કે વધતા જતા શિક્ષણના વ્યાપ સાથે સ્ત્રીઓના બેઝિક સ્વભાવમાં , માનસિક અને ભાવાત્મક બંધારણમાં ભારે ઉપરતળે થઇ છે. જરૂરી છે આ તમામ પરિબળો ને ધ્યાનમાં લઇ કાયદાઓ એવા આવે જેથી બેઉમાંથી એકેય બિચારું ન રહે નાં કોઈ દાદાગીરીથી ફાવી જાય.

આજની લગ્નસંસ્થાની નીચે એક ટાઇમબોમ્બ ટીક ટીક થઇ રહ્યો છે….. અને એનો અવાજ માત્ર જે નજીક છે તેને જ સંભળાય રહ્યો છે.

છેલ્લે છેલ્લે:
લગ્ન એટલે ઉતાવળાં નિર્ણય માટે મળતી જનમટીપ।

4 thoughts on “લગ્નસંસ્થાની નીચે છે સેટ થયો છે ટાઈમબોમ્બ

  1. વાર્તા, નહીં. તદ્દન સત્યવાત…..છ વ્યક્તિનું કુટુંબ. પતિ પત્ની, વિધવામાં અને મેન્ટલી રિટાર્ડેડમાં. એલ દીકરો અને એક નાની દીકરી. એક નાનું ઘર વસાવ્યું. પતિ મિનિમમ પગારે કામ કરે. પત્નીને સારી સરકારી જોબ મળી. આ અમેરિકાની જ વાત છે. ૧૭ વર્ષના લગ્ન બાદ સ્પેનિસ સહકાર્ય કર્તા સાથે પત્નીનુ ઈલ્લુ ઈલ્લુ શરૂ થયું. પત્નીની નફ્ફટાઈ..(હી ઈઝ બેટર સેક્સ પાર્ટનર ધેન યુ.) નાના ઘર પર મોટી લોન લઈ મોટું ઘર લેવાયું બધું પત્નીના નામ પર. પતિ, વિધવા સાસુ અને રિટાર્ડેડ દિયરને ઘર બહાર કઢાયા. ડિવૉર્સ…મિનિમમ વૅજીસ પર કામ કરતો ભૂતપૂર્વ પતિ તન તોડી, ઓવરટાઈમ કરી માં-ભાઈનું પોષણ કરે છે. એક બેડના એપાર્ટમેન્ટમાં રહે છે. બે બાળકોને ચાઈલ્ડ સપોર્ટ આપે છે. એના ચાઈલ્ડ સપોર્ટમાંથી સ્પેનિસ પ્રેમીથી થયેલું નવું બાળક પણ મોટું થાય છે….

    Like

  2. પીન્કીબેન, સરસ લેખ અને સુંદર વિશ્લેષણ,
    મારા જ મિત્રવર્તુળ મ છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ કિસ્સા બન્યા છે કે જેમાં છોકરીઓએ એમના વરને વગર કારણે હેરાનગતિમાં મૂકી દીધા છે, બે કેસમાં તો લગ્ન પછી તરત જ લગ્ન ફોક કર્યાં છે, એમ કરવામાં કોઈ કારણ બતાવ્યા નથી અને પૂછવા જતા આખા કુટુંબ પર લાંછન લગાવવાની વાત કરી છે અને એક કેસમાં તો લાખો રૂપિયા પણ માંગ્યા છે, શરમ તો ત્યાં આવે કે તેઓ ખુબ સારા અને સમૃદ્ધ કુટુંબ ની પુત્રીઓ છે, કદાચ હવા બદલાઈ ગઈ છે, હવે દીકરી ને મારકણી ગાય કહેવાનો વારો આવી ગયો હોય એમ લાગ છે,

    Like

Leave a comment