હાલ ને જાઈયે ગામડે

2017-21-11--23-39-45.jpeg
દ્વારા Pinki Dalal November 22, 2017

એક જમાનો હતો , ગુજરાતી ફિલ્મો એટલે ભાભુ ઢોર ચારતાં જેવી ફિલ્મો . ચોયણી ને કળીબંધ ચુડીદાર , માથે સાફો , રંગરસિયા કલરફુલ પાઘ પહેરે , બસ એટલો જ ફેર. ગામડાની ગોરી એટલે ઘમ્મરિયાળો ઘાઘરો , લાલ બાંધણી , લહેરિયા , એમાં પણ માથે ઓઢ્યું હોય , હાથમાં બલોયા , ગાળામાં હાંસડી , પગમાં કડલાં , માથે બેડું …

હવે એ યુગ ફિલ્મોમાંથી પણ ગયો તો રિયલ લાઈફની તો શું વાત કરવી ?

પણ જો, એક દિવસ એ વાતાવરણમાં રહેવાની મોજનો વિકલ્પ મળે તો ?

ગુજરાતમાં હોય તો જાણ નથી પણ દિલ્હી પાસે એ વિકલ્પ મળે. અલબત્ત, વાસ્તવિક તો નહીં પણ વાસ્તવિકતાની એકદમ નજીક.

દિલ્હીની અમારી ટ્રીપનું સ્ટાર અટ્રેક્શન જ હતું આ પ્રતાપગઢ ફાર્મ . હોલીડે એટલે મોલ, મલ્ટીપ્લેક્સમાં મૂવી કે પછી પબ હૉપિંગ નહીં. ગામડાનો અનુભવ અને એની મઝા માત્ર એક દિવસ માટે .

જઝ્ઝર રેલવે સ્ટેશન નજીક આવેલું પ્રતાપગઢ ફાર્મ છે તો હરિયાણામાં , પણ દિલ્હીથી માત્ર બે કલાક દૂર. એક એવી જગ્યા , જે પ્રકૃતિની મનોહર સુંદરતાને પ્રાકૃતિક દ્રષ્ટિથી સુંદર બનાવે છે, દિલ્હીવાસી માટે સૌથી નજીકના પિકનીકના સ્થળમાનું એક. જે આમ તો એક વિશાળ રિસોર્ટ છે , તે પણ ઈકો ફ્રેન્ડલી .
ભારતના ગ્રામીણ સંસ્કૃતિ , જનજીવનની આબેહૂબ પ્રતિકૃતિ . ગાય, ભેંસ, ઘેંટા , ઊંટ, બતક ,એમુ જેવા પ્રાણી ને પક્ષી બાળકોને અનુભવ અને સમજ આપે છે તો મોટાઓ માટે જબરું એમ્યુઝમેન્ટ .

જોવાની ખૂબી તો એ છે કે જયારે આવા કોઈ રિસોર્ટમાં જઇયે ત્યારે ખ્યાલ આવે કે આપણે કુદરતથી , વ્યાયામભરી જિંદગીથી કેટલા જોજનો દૂર છીએ. શિનચેન ને પોકીમોન સાથે ઉછરેલી પ્રજા આશ્ચર્ય અને તેમના માતાપિતાને ગ્રામીણ ભારતમાં જીવન વિશે પૂછે છે, પણ માબાપ પણ શું કરે ? એમને ય આ વિષે ભાગ્યે જ માહિતી હોય છે. વાત કોઈ અલગ નથી. ખેતી, ગ્રામ્ય જીવન , તંદુરસ્તીભરી , વ્યાયામયુક્ત જિંદગી તો આપણે સાપને સપનામાં પણ જોઈ નથી.

પ્રતાપગઢ ફાર્મ્સનો હેતુ તે જ અનુભવ ટુરિસ્ટ સહેલાણીઓને ગ્રામ્ય રહેણીકરણીનો આસ્વાદ કરાવવાનો છે. એટલે જ અમે, પ્રતાપગઢ ફાર્મની મોજ મનવા દિલ્હી ટ્રીપ પ્લાન કરી હતી. પગમાં રોલર સ્કેટ્સ પહેર્યાં હોય તેમ દર મહિને અલગારી રખડપટ્ટી કરનાર અમારા ટ્રાવેલર ફ્રેન્ડ સુનિલ ને નીલા મહેતા વિષે અગાઉ લખી ગઈ છું. એ બે સિવાય પ્રતાપગઢ ફાર્મ અમારે માટે નવું હતું .

દેશના ગ્રામ્યજીવનથી પ્રેરિત રીતરિવાજો ખાણીપીણી અને મનોરંજન પ્રવૃત્તિઓ અમારી રાહ જોતી હતી.

ભારતની 60 ટકા વસ્તી જે રોજગાર પર નભે છે એ પ્રવૃત્તિઓ પહેલી નજરે ભલે મનોરંજક લાગે પણ એક દિવસમાં જ સમજાય કે ખેડૂતનને જગતનો તાત કેમ કહેવાય છે.
માત્ર કૃષિ જ નહીં , એ સાથે જોડાયેલી આજીવિકાની પ્રવૃત્તિ જ કેટલી મહેનત માંગી લે છે. ખેતીનું , પર્યાવરણનું અને જનજીવનનું મહત્વ જાણી શકે એટલે દિલ્હીની ઘણી સ્કૂલ બાળકો માટે વન ડે પિકનિક આયોજન કરે છે.

અમારી સફર શરુ થઇ સવારના બ્રેકફાસ્ટથી રોટલા , એની પર તાજું કાઢેલું દેશી માખણ ,તળેલાં મરચાં ને આચાર સાથે . દેશી રજવાડી ચા , ભજીયા ને છાશ અનલિમિટેડ . પેટ ફાટી જાય ને મન તર થઇ જાય ત્યાં સુધી ખાઓ ને પીઓ .

પછી વારો આવ્યો રોજિંદી પ્રવૃત્તિ જે ગામમાં સ્વાભાવિક હોય છે પણ શહેરવાસી માટે એકદમ નવો અનુભવ . ઊંટ સવારી , બેલગાડી સવારી, ટ્રેકટર સવારી તો હજી સમજ્યા પણ દરણાં દળવાનો અનુભવ , ફોટા પડાવવા પૂરતો સારો લાગે પણ દોઢ મિનિટમાં કમર ઝલાઈ જાય.

એવો જ અનુભવ માખણ વલોવવાનો, પાણી ભરવાનો , રેંટિયો કાંતવાનું ઘણું અઘરું નથી , ચપ્પા ચપ્પા ચરખા ચલે જેવું પણ વધુ મસ્તી નહીં ને વધુ મજા પણ નહીં . એમાં સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ હતું રાઇફલ શૂટિંગ . નિશાનેબાજ હોવું એટલું મુશ્કેલ પણ નથી.
હળ ચલાવવું , વાવણી , લણણી ને જેનું પ્રવૃત્તિનું નામ પણ નથી એવી બધી ખેતી વિષયક પ્રવૃત્તિમાં જલસો કરીને થાક્યા હો તો

અનલિમિટેડ ફૂડ રાહ જતું હોય. પંજાબી, ચાઈનીઝ, પાવભાજીથી લઇ થોડું ફાસ્ટ ફૂડ , અલબત્ત આપણે દિલ્હી પંજાબમાં હોઈએ તો બીજું કંઈ ખવાય ? જલસો પડે સરસોં દા સાગ ને મક્કા દી રોટી , મિર્ચી ને આચાર સાથે . ડિઝર્ટમાં જલેબી , દૂધમાં બોળીને ખાવાની . શેરડી ,મોળાં મૂળાં ખાવાની મોજ તો એટલી પડી હતી કે લાગ્યું કે રાત્રે નક્કી તબિયત બગડી જશે.

ગામના વાતાવરણમાં ડિસ્કનું આકર્ષણ પણ યુવાપેઢીને આકર્ષવા રખાયું હોય એમ લાગ્યું . એમાં પ્લે થઇ રહ્યા હતા માત્ર ને માત્ર પંજાબી પૉપ સોંગ્સ , એની પાર ઝૂમી રહેલા સ્કૂલના ભૂલકા ને ટીન એજર્સ , એ પણ જોવાનો લ્હાવો છે. વાતાવરણમાં ઉર્જા જ ઉર્જા .

મ્યુઝિક, ડાન્સ, ફન, એન્ટરટેઇનમેન્ટ , એન્ટરટેઇન્મેન્ટ એન્ડ એન્ટરટેઇન્મેન્ટ …..

એક વણમાગી સલાહ , ક્યારેય પણ દિલ્હી જવાનું થાય તો આ જલસો કરવાનો ચુકતા નહીં .

મોહક હોલીડે ગામ પર એક અનન્ય જલસાનો અનુભવ વર્ષોવર્ષ જીવંત રહેશે એ નક્કી – ચારેબાજુ હરિયાળી , શિયાળાની છડી પોકારતું ધુમ્મસ , ગારાના ભૂંગા , ઝૂંપડી અને, શાંત તળાવ , વર્ષો સુધી નહીં ભુલાય …..
2017-21-11--23-41-48.png

Advertisements

ખિચડી બારે માસ !!

ખિચડી બારે માસ !!
દ્વારા Pinki Dalal November 10, 2017
ખિચડી ક્યારે અને કઈ રીતે ભારતના તમામ લોકોની સિગ્નેચર ડિશ બની ગઈ ?
IMG-20171106-WA0022

થોડા સમય પહેલા ઉઝબેકિસ્તાન જવાનું થયું. મનમાં હતું કે ભૂખે મરી જવાશે આ દેશમાં. એ વાત તદ્દન ખોટી પણ નહીં.ઉઝબેક લોકોને અમે વેજિટેરિયન છીએ એ જાણી એટલી તો નવાઈ લગતી હતી કે, માણસ ઘાસપાંદડા પર જીવી જ કઈ રીતે શકે ?
પણ, એ બધી વાત તો ઠીક પણ સહુથી મોટી નવાઈ તો અમને લાગી , એમની કીચરી જોઈને .

હા, આપણી ખીચડી તેમની કીચરી , ફર્ક એટલો કે આપણે ત્યાં મગ , તુવેરની દાળ કે પછી છોતરાંવાળા મગની દાળનો વિકલ્પ છે એમની પાસે દાળ જેવો કોઈ વિકલ્પ નથી, બલ્કે હાથમાં આવે એ બધા કઠોળ ને શાકભાજી પડે, રાજમા , મગ સાથે મસૂર પણ અને ચિકન કે મટન પણ , જો ચિકન મટનનો વિકલ્પ ન હોય તો એને દૂધમાં પકવાય અને જે લીલા શાકભાજી ઉગે તે પણ પડે જેમ કે ગાજર, ફણસી , વટાણા, પાલક,રોકેટ (ભાજી). પણ, હા આપણી જેમ એમની પાસે બારે માસ ખીચડી ખાઈ શકવાનો વૈભવ નથી. શિયાળો એટલો જાલિમ કે પાંદડું ન ઉગે , એમનું નવરોઝ એટલે કે પારસી નવરોઝને દિવસે જ નવું વર્ષ બેસે અને વસંત બેસવાની શરૂઆત થાય ને ઘરે ઘર આ કીચરી ખીચડી મરચા રંધાય .આદુ કે પછી ઘીમાં તજ મરીના વઘારનો વિકલ્પ ન હોય, હોય માત્ર નમક ને તીખાશ જોઈએ તો ચીલી સોસ ઉપરથી નાખી લેવાનો .

આ તો થઇ ઉઝબેક ખીચડીની વાત પણ આ વાત યાદ આવી શેફ સંજીવ કપૂરે દિલ્હીમાં જે 915 કિલો ખીચડી રાંધી ને તેમાં ચમચા હલાવવા ગયેલા બાબા રામદેવ ને સાધ્વી નિરંજનને કારણે જે ફ્રન્ટ પેજ પર ગાજી તે પરથી . અને હા, ખિચડી આપણા વડાપ્રધાનની પણ પ્રિય વાનગી છે. બાબા રામદેવે તો વર્લ્ડ ફૂડ ડે પર ખીચડીને વિશ્વને ભારત તરફથી મળેલી ભેટ પણ લેખાવી .
ખિચડી વિષે કહેવું અશક્ય છે કે એ વિશ્વના ક્યા ભાગમાં ઉદભવી. ઇન્ડિયામાં હવે ખીચડી ઘર ઘરનો આહાર હોવાથી એને ઇન્ડિયન તરીકે બ્રાન્ડ કરી શકાય પણ એમાં થોડી અતિશયોક્તિ તો છે જ.

એ વાત તો નિર્વિવાદ છે કે ખિચડી એટલે ખિચડી .
તમે પંદર દિવસ મહિનો યુરોપ કે અમેરિકા ટુર પર હો ને તમને અતિશય પ્રિય એવા જાત ભાતના પાસ્તા , જુદા જુદા સોસ જોડે આરોગતા રહ્યા હો તો પણ છેલ્લે છેલ્લે યાદ આવશે ઘરના ફૂલકાં , તુવેરની દાળ ને દૂધીવડીનું શાક. આમ જોવા જઈએ તો ઇન્ડિયન લોકો ટ્રાયલ કરવામાં શૂરા છે. એ પછી થાય ફૂડ હોય કે ફોન્દ્દયુ .
ગુજરાતી ઘરમાં મેનુમાં DBRS (દાળ,ભાત, રોટલી ,શાક ) તો હોય જ. જે ખાતાં ખાતાં પીઝા કે થાઈ ફૂડ યાદ આવતું હતું , એ બધું અચાનક મિસ થવા લાગે. મનમાં થાય ક્યારે ઘરે પહોંચીયે ને મગ ખાખરા , ખીચડી કઢી , દાળભાત ખાઈએ …. મેલ કરવત મોચીના મોચી જેવું . બાય ચોઈસ પણ છેલ્લે તો ઘરની થાળીની ખોટ સાલવા લાગે ને મૉટે ભાગે લોકો ઘરે આવી પહેલું શું ખાય ? 101 ટકા ખીચડી એ પણ ફીણેલી , સાથે દહીં , કઢી , બટાટાનું શાક હોય તો ઠીક ન હોય તો ઠીક ને પાપડ . એ ખાવાથી એમ લાગે હાશ , દુનિયાનો છેડો એટલે ઘર.

જાણીને નવાઈ લાગશે કે મોદીજી , બાબા રામદેવ ને આપણે પોતે જેટલા ખીચડીપ્રેમી છીએ તેટલા જ મુઘલ બાદશાહો, સ્પેનિશ , બ્રિટિશ પણ રહ્યા છે. આઈને અકબરીના લેખક , અકબરના રાઈટ હેન્ડ એવા અબુલ ફઝલે ઝીણી ઝીણી વિગતો લખી છે તેમાં અકબરનો ખીચડીપ્રેમ છલકે છે. એમ મનાય છે , આઈને અકબરીમાં એવો ઉલ્લ્લેખ પણ છે કે છેલ્લે છેલ્લે અકબરને જૈન મુનિઓ અને હિન્દૂ બ્રાહ્મણોનો સંગ ગમવા મંડ્યો હતો અને તેથી શાકાહાર પરત્વે ઝુકાવ વધ્યો હતો , એટલે અતિ પ્રસિદ્ધ ફૂડ રાઇટર પુષ્પેશ પંતના કહેવા પ્રમાણે અકબરે ખીચડીને નામ પણ રોયલ આપ્યું હતું : લઝીઝ. લઝીઝ એટલે અતિશય સ્વાદિષ્ટ એના પરથી લઝીઝા . જેમાં શાકભાજી વધુ રહેતા .

અકબરનો ખિચડીપ્રેમ જહાંગીરમાં પણ ઉતર્યો હશે કે જે હોય તે પણ મનાય છે કે ખીચડીને લોકપ્રિયતા અપાવનાર જો કોઈ હોય તો એ જહાંગીર, આ વાતનો ઉલ્લેખ એક રશિયન વેપારીએ અથનેસીસ નિકિતિન નામના પુસ્તકમાં કર્યો છે જેમાં લખાયું છે તે પ્રમાણે જહાંગીર માટે કેસર અને સૂકા મેવાવાળી ખીચડી બનતી. અકબરથી , લગભગ 13મી સદીથી અને એ સિલસિલો ચાલતો રહ્યો , 16મી સદીમાં ફ્રેન્ચ પ્રવાસી જીન બેપ્ટિસ્ટ ટાવેર્નિયરે પોતાની ઇન્ડિયન ડાયરીમાં ખીચડી વિષે બહુ લંબાણથી વર્ણન કર્યું છે. એના કહેવા પ્રમાણે ચોખા, દાળ અને ઘી હિન્દુસ્તાનનું સાંજનું ખાણું છે .

અલબત્ત, ઔરંગઝેબ પોતાના પૂર્વજોની જેમ ‘ફૂડી’ નહોતો, જે પીરસાય તે ખાઈ લેવાનું એમ સમજનાર ઔરંગઝેબ પણ ખીચડીનો ચાહક હતો પણ એની ખીચડી ઈંડા ને માછલીવાળી રહેતી . જેનો ઉલ્લેખ આલમગીર ખીચડી તરીકે થતો રહ્યો .

એ સમયે અંગ્રેજોનો પગપેસારો થઇ ચૂક્યો હતો. ખીચડી તો અંગ્રેજોને પણ દાઢે વળગી . અંગ્રેજોએ ખીચડીનું સ્વરૂપ થોડું ફેરબદલ કરી નામ આપ્યું કેડગ્રે , જે આજે પણ બ્રિટિશ બ્રેકફાસ્ટમાં પીરસાય છે.

આપણે ત્યાં તો ખીચડીનો દબદબો અણનમ છે. યુવાન હોય કે વૃદ્ધ , ખીચડી સહુને ચાલે . હા, એનું સ્વરૂપ રાજ્ય પ્રમાણે બદલાય છે.

ગુજરાતમાં ખિચડી કઢી કે ખિચડી દૂધ કે દહીં સાથે હોય તો તમિલ લોકો ઘીથી તરબતર પૉન્ગલ ખાય. હિમાચલી ખીચડી જોઈને ઉઝબેક ખિચરી યાદ આવે, દાળ, ચોખા સાથે ચણાને રાજમા પણ નાખેને કર્ણાટકના બીસી બેલે હન્ના. ગુજરાતી લોકો બધામાં ગળપણ નાખે એક ખિચડી સિવાય પણ કર્ણાટકી બ્રાહ્મણ બીસી બેલેમાં ગોળ ને લીલું કોપરું નાખે . બંગાળમાં પણ ખીચુરી એટલી જ ચાલે પણ એ ખીચુરીને કેળના પાન પર, ફ્રાઈડ ફિશ ને ચટણી સાથે પીરસવી પડે. બંગાળમાં ચટણીનું મહત્વ મીઠાઈ કરતાં પણ વધુ એવું કલકત્તાના મિત્ર સુનિલ મહેતા પાસે જાણ્યું હતું .

એટલે ટૂંકમાં એવું કહી શકાય કે આ ખીચડીનું મૂળ તો છે સેન્ટ્રલ એશિયામાં , જ્યાંથી એ આજે ઘર ઘરની વાત થઇ ગઈ છે. પણ, મધ્ય એશિયા એટલે મુસ્લિમ પાસેથી આ ખિચડી આપણા ઘરમાં ઘૂસી આવી એવું કહેવું યોગ્ય નથી. સાડા છસો વર્ષ આ આક્રમણકારીઓની ગુલામી ને બાકીના ત્રણસો વર્ષ ગોરી ચામડીની ગુલામીના કાઢી નાખીયે તો એક જમાનામાં હિન્દુસ્તાનની સીમા હતી અફઘાનિસ્તાનથી બાંગ્લા દેશ સુધીની.

કનિષ્ક, મૌર્ય , પુલકેશી જેવી કેટલીય ડાયનેસ્ટી રાજ કરતી હતી તે કાળમાં સંસ્કૃત શબ્દ મળે છે ખીચા , એક એવી વાનગી જે ચોખા ને દાળમાંથી બનતી, એ ખીચડી, કેચરી તરીકે નામ બદલતી રહી.

આજે ભારતમાં એક પણ રાજ્ય એવું નથી જ્યાં ખીચડીની હાજરી ન હોય. હા, એ દરેક રાજ્યના લોકોના મિજાજ , ભૌગોલિક સ્થિતિ ને અનુરૂપ બને છે. જેમ કે ઉત્તરાયણ વખતે ગુજરાતમાં બનતો ખીચડો , ઉત્તરપ્રદેશમાં પણ બને પણ દાળ હોય કાળા અડદની, સાથે ચોખા ને આમળા (હા, ખાટાં લાગે, શિયાળામાં આવે તે જ ) એટલે કે એક પૌષ્ટિક ખાણું .

કાશ્મીરમાં પણ ડિસેમ્બરથી ખિચડીપાર્ટીની શરુ થાય . એ સાથે હોય એક ખાસ નોલખોલ અથાણું , હિમાચલ ,ગઢવાલ,ઉત્તરાખંડમાં શિયાળાની શરૂઆત સાથે અડદની દાળની ખીચડી બનવી શરુ થઇ જાય. કારણ એટલું જ કે પચવામાં ભારે અડદ શિયાળામાં ભારે ગુણકારી ,શરીરને પૌષ્ટિકતા સાથે ગરમી પણ આપે.

હૈદરાબાદમાં નિઝામના રાજની ખીમે કી ખીચડી રહી ગઈ છે. દાળ, ચોખા સાથે મીટ અને ખટાશવાળી એકદમ ઢીલી , સૂપ જેવી ખીચડી એ હૈદરાબાદી ખીચડી , અને બાકી હોય તેમ એમાં સાત વઘાર , હા, બરાબર કવાંચયું સાત વાર વઘાર કરવામાં આવે.
કર્ણાટકના બીસી બેલે હન્ના તો હવે ફોર્ટની ઉડીપી પણ આપે એટલે એની કોઈ નવાઈ રહી નથી , પણ એનો ઉદ્ભવ રાજઘરાનામાં એટલે માયસોરના રાજવી વાડિયારના રસોઈખાનામાં થયો હતો. પશ્ચિમ બંગાળમાં ખિચડી એક નહીં અનેક ટાઇપની મળે છે. સાદી ખીચડીને નિરામિષ ખીચડી કહે છે પણ મલાઈભૂની કીચૂરી નારિયેળના દૂધમાં પકવાય છે,એ જ રીતે દૂર્ગા પૂજામાં ખજૂર ખીચડી પણ ભોગ તરીકે ચઢાવાય છે. ખજૂર, સૂકોમેવો અને મલાઈ , આ પ્રસાદ તરીકે વહેંચાય છે,

એક ડિઝર્ટ જેવી ખીચડી હોય તો એ છે તામિલનાડુની, ખારા પોંગલની જેમ સક્કરી પોંગલ પણ હોય. જેમાં નમકને બદલે ગોળ પડે.

ખિચડીની વાત હોય તો ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન થોડા પાછળ પડે? મહારાષ્ટ્રમાં ઝૂણખા જેમ દાળખીચડી, પાલક ખીચડીનો ભારે ઠાઠ.
ગુજરાતની , કાઠિયાવાડની રામ ખીચડી ને સુરતમાં લીલવાની ખીચડી શિયાળામાં ન ખાધી તો શું ખાધું ?

જો કે સુરતમાં નોનવેજ ખીચડી ખાવાવાળો વર્ગ પણ મોટો છે. સોલા ખીચડી , મટનને ચોખા ને ક્રીમ સાથે રંધાય છે. અને હા , ઈરાનથી આવીને સવાયા ગુજરાતી બની ગયેલા પારસીના ઘરમાં તો રોજ કોલમીનો પાટિયો રંધાય , એમની સ્પેશિયલ ભરૃચી વઘારેલી ખીચડી બોમ્બે ડક મચ્છી વિના ન બને.

ખીચડી તેરે રૂપ હજાર જેવી વાત છે. ખીચડી એટલે આપણે મન થૂલી પણ જયારે ફાઈવસ્ટાર મેન્યુમાં વેન પોટ મીલ તરીકે એ કઈ રીતે બનાવાય છે તેનું આર્ટિક્યુલેટ વર્ણન વાંચી ને પુલાવ બિરયાની છોડી ખીચડી ઓર્ડર થઇ જાય એનું નામ ખીચડી મહારાણી.

ચાલ એવા મુંબઈમાં જઈએ

opera-house_2fe9a472-ff42-11e6-abb0-ce03674c2ba4
દ્વારા Pinki Dalal November 08, 2017
કાશી , લાહોર ને ઓપેરાહાઉસવાળું મુંબઈ

તાજેતરમાં જ જેમનું અવસાન થયું તે નામાંકિત ફિલ્મમેકર કૃષ્ણ શાહની વર્ષો પૂર્વે એક ફિલ્મ આવી હતી , સિનેમા સિનેમા . એમાં હિન્દી ફિલ્મોની ચડતી પડતી અને એ વિષયક માહિતી સાથે એક સીન હતો ઓપેરા હાઉસ થિયેટરનો . આજની જેમ ત્યારે મલ્ટીપ્લેક્સ કલચર તો હતું નહીં. વન સ્ક્રીન થિયેટરના યુગમાં એક જમાનાના જાજરમાન આ ઓપેરાહાઉસ થિયેટરની જે કંગાળ હાલત હતી કે અત્યારે એ જોઈને તો મનાય નહીં કે એક જમાનાના જાજરમાન યુગનો આવો સમય પણ હોય શકે. પણ, ચડતી પછી પડતી અને પડતી પછી ચડતી એ તો કુદરતી ક્રમ છે. એ જ ન્યાયે અત્યારે એ જ ઓપેરા હાઉસ ફરી એના સુવર્ણકાળના દૌરમાં આવી ચૂક્યું છે. થોડા વર્ષો જોવી પડેલી પનોતી એના રિનોવેશનમાં ધોવાઈ ચૂકી છે.
બ્રિટિશકાળ દરમ્યાન મુંબઈને મળેલા જાજરમાન સ્થાપત્યો પૈકી એક છે રોયલ ઓપેરા હાઉસ. ભારતભરમાં એક કહી શકાય એવું .જેનો શિલાન્યાસ થયો હતો 1909માં, બોમ્બે પ્રેસિડેન્સીના સમયમાં , અને માત્ર બે વર્ષમાં એનું ઉદ્ઘાટન ? ન મનાય પણ વાત થોડી જુદી છે. હવે સ્વાભાવિક છે કે નિર્માણ કાર્ય પૂરું થવું અશક્ય હતું ને 1911માં કિંગ જ્યોર્જ પાંચમા , જેને ગુજરાતીમાં પંચમ જ્યોર્જ લેખાય છે તે ભારતની મુલાકાતે આવ્યા એટલે તેમને હાથે ઉદ્ઘાટન કરાવી દેવામાં આવ્યું હતું .

ઓપેરા હાઉસનું નિર્માણકામ પૂરું થવાની તારીખ ભલે 1912ની હોય ખરેખર સંપૂર્ણપણે આકાર લેતાં બીજા થોડા વર્ષો લાગ્યા ને 1915માં ખુલ્લું મુકાયું હતું. હાલ ઓપેરા હાઉસની માલિકી માલિકી ગોંડલના રાજવી મહારાજા જ્યોતેન્દ્રસિંહજી જાડેજાની છે જે એમને એમને મહારાજ ભોજરાજ સિંહજી પાસેથી મળી .ગોંડલ મહારાજા ભોજરાજજીએ 1952માં 999 વર્ષની લીઝ પર લીધું હતું.
એ જમાનો હતો હિન્દી ફિલ્મોની ચઢતીનો, ઓપેરાનો યુગ અંગ્રેજો ગયા પછી આથમી ચૂક્યો હતો એટલે ફિલ્મો લાગવાની શરૂઆત થઇ ને એ સાથે એની પડતીની પણ.
બાકી 1900 શતક એ હતો ગાળો ઓપેરાનો જમાનો. મુંબઈમાં પણ એક ઓપેરા હાઉસ હોવું જોઈએ એવો વિચાર જો કોઈને આવ્યો હોય તો એ હતા મોરિસ બેન્ડમેન નામના એક કલાકારને, જે મૂળ અંગ્રેજ પણ કોલકોત્તાથી હતા, અને એના વિચાર સાથે સહમતી બતાવી પારસી સજ્જન ફરામજી કરકા , જે હતા કોલસા દલાલ . લોકો કહે કોલસાની દલાલીમાં હાથ કાળા , પણ ફરામજી એ તો કોલસાની દલાલી કરતા કરતા આવું મોટું સાહસ ખેડ્યું . એ માટે દુનિયાભરમાંથી શ્રેષ્ઠ આરસથી લઇ કારીગરોને બોલાવાયા .
ખરેખર તો ઓપેરા હાઉસ નામ પ્રમાણે જ ગુણ ધરાવતું હતું . ફક્ત ઓપેરા જ ભજવતી એ પણ અંગ્રેજી એટલે એને જોવા આવનાર વર્ગ હતો બ્રાઉન સાહેબો, પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલા અતિશય શ્રીમંત કુટુંબો જેમાં મોટેભાગે પારસી જ હોય. ફર્સ્ટ વર્લ્ડવૉર પછી સિનારિયો ઉપરતળે થઇ ગયો.2017-08-11--17-13-37

એમાં પણ અંગ્રેજ ઓફિસર્સની અવરજવર ઓછી થતી ગઈ ને સાથે ઓપેરા હાઉસનો દબદબો પણ. ઓપેરા હાઉસ હવે એક ધોળો હાથી પુરવાર થઇ રહ્યું હતું . એને મેઈન્ટેઈન કરવા થતા ગંજાવર ખર્ચ જેટલી તો આવક પણ નહોતી એટલે 1930થી ટોકી (બોલતી ફિલ્મો) દર્શાવવી શરુ થઇ. ઓપેરા હાઉસની લોકપ્રિયતા વધી એટલે 1935માં ફિલ્મ દેખાડી શકાય એવું રિનિવેશન કરવામાં આવ્યું . એ સમયે શહેરમાં પહેલવહેલા ફેશન શૉ પણ શરુ થયા. આમ છતાં ગંજાવર ખર્ચને પહોંચી વળવા આ બધું પૂરતું નહોતું . દિવસે દિવસે રોયલ ઓપેરા હાઉસ બિચારું ઓપેરા હાઉસ થતું ગયું .
સૌથી ખરાબ સમય હતો 1980 , કોફીનમાં છેલ્લો ખીલો , ઓપેરા હાઉસને તાળાં લાગી ગયા. જાન્યુઆરી 1991માં છેલ્લો ફિલ્મ શો અને 93માં કાઠિયાવાડ ફેશન શો થયા પછી પડદો પડી ગયો.
1993થી 2008 , ગુમનામીના અંદરમાં ગૂમ રહ્યા પછી અચાનક ઓપેરા હાઉસના ભાગ્ય જાગ્યા હોય તેમ મહારાષ્ટ્ર સરકારે ઓપેરાહાઉસને હેરિટેજ કન્ઝર્વેશન પ્રોગ્રામ હેઠળ નવનિર્માણ પ્રોજેક્ટ હાથમાં લીધો . જયારે રેસ્ટોરેશન ચાલુ થયો ત્યારે આવા ભવ્ય બિલ્ડિંગમાં એક માત્ર ચાલુ જો હોય તો એ હતી એક ચાની ટપરી .
હવે ફિનિક્સ પંખીની માફક ફરી એકવાર ઓપેરા હાઉસ તૈયાર છે , એના જાજરમાન કાયાકલ્પ સાથે સહુને આવકારવા , એનું ભાડું, એની ટિકિટો , એમાં થતા શો, આર્ટિસ્ટનું લેવલ એ એટલું હાઈ ફાઈ છે કે લાગે છે કે હવે એને વાંધો નહીં આવે.
Opera-House-1 (1)
માત્ર ટુરિસ્ટ માટે નહીં પણ મોટાભાગના મુંબઈગરાએ પણ ઓપેરા હાઉસ જોયું ન હોય શક્ય છે. ઇટાલિયન , યુરોપિયન અને આંશિકરીતે ભારતીય સ્થાપત્યશૈલી પાર આધારિત છે.

મુખ્યત્વે દેખાય છે તે છે 16મી સદીમાં લોકપ્રિય રહેલી બરોક આર્કિટેચર ડિઝાઇન ,બાકી હોય તેમ ઇટાલિયન માર્બલના સ્ટેટ્યૂ , આર્ટઇફેક્ટ્સ . યુરોપના અતિશય લોકપ્રિય એવા ઝેક ડિઝાઈનર સાંસ સોચીના યુનિક ક્રિસ્ટલ શૅન્ડેલિયર્સ , આ બધું ડેવિડ સાસૂન ફેમિલીએ ઓપેરા હાઉસ બન્યું ત્યારે ભેટ આપ્યું હતું .એ ઝુમ્મર એક સમયે ડેવિડ સાસૂનના બંગલૉમાં શોભતું હતું તે ઓપેરા હાઉસની મેઈન લોબીમાં લગાડવામાં આવ્યું હતું.આ ડેવિડ સાસૂન યહૂદી હતા, અને આજે એમના નામના કેટલાય સ્મારકો જેમ કે સાસૂન ડોક, ડેવિડ સાસૂન લાઈબ્રેરી વિગેરે મુંબઈમાં છે પણ એમનો પરિવાર અમેરિકામાં વસે છે. એક યહૂદીએ પોતાની કર્મભૂમિને જે ભેટ આપી છે તે વિષે , ડેવિડ સાસૂન તો લેખમાળા થઇ શકે.

ઓપેરાહાઉસમાં પ્રવેશતા જ ધ્યાન ખેંચે એવું એક વર્તુળાકાર અષ્ટકોણમાં છે નામાંકિત સર્જકોના ફ્રેસ્કો . કવિ, લેખક, નાટ્યકાર , કલાકાર , નવલકથાકાર જેવા નામી લોકોને ઉપર જોઈને સલામી આપવી જ પડે. મૂળ સ્ટ્રક્ચરમાં તો એ જમાનામાં સૌથી મહત્વની લેખાતી એવી 26 બાલ્કની હતી. આજે બાલ્કની છે પણ માત્ર શોભાની, એમાં પ્રવેશ વર્જિત છે. ડ્રેસ સર્કલના બોક્સ હજી છે પણ હવે જમાનો ટુ સી એન્ડ ટુ બી સીનનો છે .મોંઘીદાટ ટિકિટો લઈને ખૂણામાં ભરાઈને બેસવાનું ? એ તો દિવસો ગયા. ઓપેરા હાઉસમાં બાલ્કનીમાં જવા માટે લિફ્ટ આજે પણ નથી , પણ જો એ દાદર પરથી ઉપર જવું એક લ્હાણું છે. આર્ટ ડેકો સ્ટાઈલની કલર્ડ સ્ટોને ટાઇલ્સ ને લાકડાના પગથિયાં , પોતાનો કોલોનિયલ લૂક્સ જાળવી રહ્યા છે.

લાહોર કે કાશી માટે એમ કહેવાય કે એ નગર ન જોયા તો શું જોયું ? એવું ઓપેરા હાઉસ માટે પણ ખરું . મુંબઈ આવ્યા હો ને ઓપેરા હાઉસ ન જોયું તો તમારી વિઝીટ અધૂરી .
અને હા, અહીં એક મનગમતો મ્યુઝિકલ શૉ જોવો હોય તો ?

જાન્યુઆરી 2019માં જાહેરખબર જોતા રહેજો અને ફેસબૂક પણ. 🙂

Life is a Party …

હયુ હેફનર !! ઓળખો છો આ નામને ?
મગજ કસો એ પહેલા બીજી ઓળખાણ , પ્લે બોય મેગેઝીન યાદ છે ? આજની યુવા પેઢીને આ નામથી વિસ્મય નહીં થાય પણ ખરેખર અજાણ હોય શકે કારણ કે આજે  પોર્નોગ્રાફી આમ ચીજ થઇ ગઈ છે. ઓનલાઇન ઉપલબ્ધ અને એક સર્વે તો કહે છે કે સૌથી વધુ પોર્ન સાઈટ જોવામાં ભારતીયો નંબર ટુ પર છે. એટલે એક જમાનાના મશહૂર પોર્ન કે સોફ્ટ પોર્ન કહી શકાય એ મેગેઝીન વાંચનારા (જોનારા એમ વાંચો)મોટાભાગના લોકો આજે દાદા નાના થઇ ગયા હશે એટલે સ્વાભાવિકરીતે પ્યુરીટીયન કહી શકાય એવા , અણીશુદ્ધ હોવાનો દાવો કરનારાં પૈકીના એક , પણ ટૂંકમાં એકે જમાનામાં વર્લ્ડ ફેમસ મેગેઝીનના માલિક આજે અસલી  અપ્સરાઓના લોકમાં સિધાવ્યા  . આખી જિંદગી એક પ્લે બોયની જેમ ઉઘાડે છોગ રહેનાર વિષે કાલે તો ઘણું કઈંક લખાશે , એમની ફ્લૅમબૉયન્ટ લાઈફ સ્ટાઇલ એમની પત્ની , ગર્લફ્રેંડસ , એક જમાનામાં મુઘલ ને મહારાજાઓ રાખતા હતા એવા જનાના , હેરમની સંખ્યાને ઓવરટેક કરી જાય એટલી ગર્લફ્રેન્ડ્ઝ રાખનાર માણસને બે સલામ તો કરવી પડે જ.
એક તો જે કરવું હોય તે છાનગપતિયાં કર્યા વિના બેખૌફ કરનારને આપણે નફ્ફટ કહીયે પણ હિંમત  તો ખરી જ અને એ હિંમત માત્ર એ પૂરતી જ નહીં  .
સૌથી મહત્વની વાત સ્વતંત્ર નિર્ણય લેવાની અને એ પણ વીજગતિએ  .
હેકનરે કારકિર્દી શરુ કરી હતી એસ્ક્વાયર  નામના મેગેઝીન સાથે.  કોપીરાઇટર તરીકે કામ કરતા હતા, 1952ની વાત છે , હેકનારને 5 ડોલરનું પ્રમોશન પણ નકારાયું ત્યારે હેફનર સમસમીને બેસી રહેવાને બદલે નોકરી જ છોડી દીધી  . આ હિંમતભર્યું પગલું તો કહેવાય પણ એવું તો લખો લોકો કરે ને બીજી જોબની શોધમાં લાગી જાય, અહીં હેકનાર જૂદા પડે છે. એને થયું જે લોકો ટેલેન્ટ ન પિછાણી  શકે એમને ત્યાં નોકરી શું કરવી ? પોતાનું જ મેગેઝીન ન કરવું ?
કોઈ રાખે માને કે આમિર બાપનો દીકરો હશે. માબાપ ટીચર હતા એટલે કુટુંબની આર્થિક સ્થિતિ વિચારી શકાય, છતાં એમની જબાનમાં એવું તો શું જાદુ હશે કે નોકરી છોડ્યા પછી બે વર્ષમાં એણે  $ 600 ની બેંક લોન ઊભી કરી, અને 45 રોકાણકારોમાંથી 8,000 ડોલર ઊભા કરી નાખ્યા ,  જેમાં સૌથી વધુ માએ આપ્યા હતા. 1,000 ડોલર . એક ઇન્ટરવ્યૂમાં હયુ એ કહ્યું હતું કે મારી માએ એની   મહેનતના કમાઈથી બચાવેલી રકમ મને આપી દીધી કારણ કે એમને મારા સાહસમાં નહીં , મારામાં વિશ્વાસ હતો.
એ  પછી પ્લે બોય શરુ થયું ને  ન્યૂડ મેરીલીન મનરોનું કવરપેજ ને 50,000 કોપીનું વેચાણ  … એ બધી બહુ જાણીતી વાતો છે.
પણ, માત્ર ન્યૂડ ફોટોગ્રાફ્સને કારણે પ્લે બોયનું સેલ હતું એવું લોકો મને છે મુખ્ય કારણ હતું સમાજ જેને ન સ્વીકારે એવી વાતોને પ્લેટફોર્મ આપવું  . એમાં મોટાભાગના વાચકો એવા હોય જે જાહેર જીવનમાં એક સિદ્ધાંતવળી હોવાનો દાવો કરતા હોય કે પોતાની જાતને સીધા સરળ માનતા હોય એ લોકો પણ વાંચીને આક્રોશમય પાત્રો લખતા  . ટૂંકમાં જે આજનું પત્રકારત્વ કરે છે તેમ સનસનાટીભરી સ્ટોરીઓ પણ એ રાજકારણ કે ક્રાઇમની નહીં બલ્કે સેક્સ, સોસાયટી , સોસાયટીમાં પ્રતિબંધિત ધારાધોરણોની  . જેમ કે એ સમયે હોમો અને લિસ્બો વિષે ન ચર્ચા થઇ શકતી કે ન એ વિષે કોઈ શબ્દ છાપતું હતું  .
એક જમાનામાં હેફનર જ્યાં કામ કરતા હતા તે  એસ્ક્વાયર મેગેઝિન   વિજ્ઞાન સાહિત્યની ટૂંકી વાર્તા  ધ ક્રૂકેડ મેન ને નકારી કાઢવામાં આવી, નકારવાનું કારણ હતું એમાં આવતી હોમો સેક્સુઆલિટીની વાત. વાર્તાનું પોટ જ એ હતું કે એક આખો સમાજ સમલિંગીઓનો છે અને એમાં એક હેટ્રો માણસ આવી ચઢે છે. પછી એ સમાજ જે એની સતામણી કરે છે એ વાર્તા છાપવાના ડરથી એસ્ક્વાયર ડરી ગયું  . એ તક હ્યુ હેફનરે રોકડી કરી. હેફનર પ્લેબોયમાં તેને પ્રકાશિત કરવા સંમત થયા. કહેવાની જરૂર નથી કે પ્લે બોયની ઓફિસમાં આક્રોશભર્યા પાત્રોનો ઢગલો થઇ ગયો .  હેફનેરે ટીકા અંગે પ્રતિભાવ લખ્યો હતો જેમાં તેમણે , “હોમોસેક્સ્યુઅલ સમાજમાંહેટ્રોસેક્સ્યુઅલને સતાવવાનું ખોટું હતું, તો પછી હેટ્રો સોસાયટી સમલિંગીઓને સતાવે છે તે પણ ખોટું જ થયું ને !!
આ વાતો છે છ દાયકા પહેલાની, જયારે માત્ર ભારતમાં જ નહીં આખા વિશ્વમાં સમાજ એક ચોક્કસ ચોકઠામાં જીવતો હતો. એનું મુખ્ય કારણ એ પણ ખરું કે  ત્યારે ટીવી સેટ પારણામાં હતો.
ટીવીએ સમાજનું બંધારણ કેટલું બદલી કાઢ્યું છે એ આ વાતનો પુરાવો છે.  સોસાયટી આ માટે સજ્જ નહોતી , પ્લે બોયનો જેટલો વિરોધ થતો એનું વેચાણ વધતું  . હેકનરને કદીય પાછું ફરીને જોવું ન પડ્યું  .
હા, ઘણા બધા કેસનો સામનો કરવો પડ્યો એટલું જ નહીં એમને છેલ્લે શિકાગો , છોડવું પડ્યું પણ આખા વિશ્વમાં પ્લે બોય ફેમસ થઇ ગયું  .
હેકનર  લગભગ છેલ્લાં સમય સુધી એક્ટિવ હતા , પણ બિઝનેસ સાંભળતી હતી એમની દીકરી  . હેફનર બીઝી હતા પાર્ટીઓમાં , ટ્વીટર પર , ઇન્સ્ટાગ્રામ પર પોતાના પિક્ચર્સ ને  સામાજિક અપીલો પોસ્ટ કરવામાં  . એમની છેલ્લી ટવિટ હતી 19 ઓગસ્ટની ,અમેંરિકાને ધમરોળી ગયેલા વાવાઝોડાને કારણે થયેલાં અસરગ્રસ્તોની મદદ માટેની  .
એક ફ્રેઝ જાણીતો છે : લાઈફ ઇઝ આ પાર્ટી  … દિલે કઈંક કહ્યું , દિમાગે એને પ્લાન કર્યું ને ડેસ્ટિનીએ બાકીનું પૂરું કર્યું  . આ નહીં તો શું કહી શકાય ?
પણ, આપણા આ મિસ્ટર પ્લે બોયનું જીવનચરિત્ર ચાર લાઈનમાં આવી જાય.
My life is a party
My home is the club
I party like a rock star
Hands up ’till I drop….

શક્તિની ભક્તિ કે ભક્તિની શક્તિ ?

 

તાજેતરમાં એક મિત્રે કલકત્તાથી વૉટ્સએપ પર કલીપ મોકલી  . પ્રિ ફેસ પરથી લાગતું હતું કે બાહુબલીનો થર્ડ પાર્ટ આવતો હશે પણ એક જ ક્ષણમાં ખ્યાલ આવ્યો કે ઓહ આ તો મહિષ્કાવતીનો સેટ ખાસ દૂર્ગા પૂજા માટે ઉભો થયો છે. રૂપિયા દસ કરોડ માત્ર પંડાલમાં ખર્ચાયા છે.
http://www.amarujala.com/video/spirituality/very-expensive-durga-puja-pandal-made-in-kolkata-inspiring-by-bahubali

દુર્ગાપૂજાના ભવ્ય આયોજન નવરાત્રી શક્તિ પૂજનનો તહેવાર છે. મહારાષ્ટ્રમાં પહેલા ગણેશોત્સવનો મહિમા હતો અને છે તે હવે ગુજરાતમાં અને અન્ય રાજ્યમાં પણ વ્યાપ્ત થયો છે , ખાસ કરીને ગુજરાતમાં  . એ જ રીતે કોલકોત્તાની દેવી પૂજા છેલ્લાં કેટલાય વર્ષોથી મુંબઈમાં આવી ગઈ છે. ખાસ કરીને પશ્ચિમી પરામાં , જ્યાં જે રીતના આયોજનો થાય છે તે જોતા લાગે કે આપણે બંગાળમાં ભૂલાં  પડ્યા છે.

પવઇ દુર્ગા પૂજાનું કેન્દ્રબિંદુ છે. શરૂઆતમાં  પવઈ  બંગાળી વેલ્ફેર એસોસિએશન (PBWA ) દ્વારા પ્રયાસો શરૂ થયા પછી વર્ષોથી તેની હાજરી ઊભી થઈ છે. દર વર્ષે કઇંકને કઈંક નવા થીમ હેઠળ ભારતના સ્થાપત્ય વારસાની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે. આ વર્ષે, અરુણાચલ પ્રદેશમાં નામસાઈના પ્રસિદ્ધ ગોલ્ડન પેગોડાના કરે છે. પબ્લિશર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા સાથે મળીને આ પંડલ ‘ધ રીડર્સ ડેન’ નામના પુસ્તક તહેવારનું આયોજન કરશે. ગુરુદેવ રવીન્દ્રનાથ  ટાગોરની લોકપ્રિય નૃત્ય ‘તાશેર દેશ’ બંગાળી ફ્યુઝન રોક બેન્ડ ચંદ્રબિંદુ સાથે આયોજિત થયું હતું  .
સરનામું: હિરાનંદાની ગાર્ડન્સ, હિરાનંદાની બસ સ્ટેન્ડ નજીક, પવઈ

કદાચ સૌથી પહેલું આયોજન ચેમ્બુરમાં થયું હોવાનું ઘણા માને છે 1954 માં ચેમ્બુર દુર્ગા પૂજા એસોસિએશન ડિવોર્સ આજે પણ થાય છે  . લાલબાગ ચા રાજાની જેમ જ દર વર્ષે 1.5 લાખ ભક્તો આવે છે  પરંપરાગત પૂજા, આરતી અને ભોગ સાથે, પંડલ પાંચ દિવસ સુધીમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન પણ કરે છે. આ સ્થળ અધિકૃત બંગાળી વાનગીઓ માટે લોકપ્રિય છે. બાળકો માટે એક મનોરંજન ક્ષેત્ર પણ છે. ગ્રામીણ બંગાળના કસબીઓ દ્વારા અપાયેલી દુકાનોને  છે. એટલે ખરીદી માટે નોન બંગાળી પણ આવે છે.

ક્યાં: ચેમ્બુર હાઈ સ્કૂલ ગ્રાઉન્ડ, સ્વામી વિવેકાનંદ ચોક, ચેમ્બુર ઇસ્ટ

નોર્થ બોમ્બેમાં  સાર્બોજિન દુર્ગા સમિતિ  70 વર્ષથી  ઉજવણી કરે છે. 17 ફુટ ઊંચી છે અને મૂર્તિ બનાવવા માટેની સામગ્રીને કોલકાતાથી મંગાવી હતી.પંડલ સેલિબ્રિટીને લોકપ્રિય બનાવવા માટે લોકપ્રિય છે અને તમને મુખરજી પરિવારના સભ્યો મળશે – ખાસ કરીને કાજોલ, તનુજા અને રાની મુખર્જી . તમે જાણીતા બૉલીવુડની હસ્તીઓની પ્રદર્શન પણ જોઈ શકો છો.

ક્યાં : ટ્યૂલિપ સ્ટાર હોટેલ, વૈંકુલ્લાલ મહેતા રોડ, જુહુ

લોખંડવાલા દુર્ગા પૂજાનું આયોજન ગાયક અભિજીત ભટ્ટાચાર્ય દ્વારા કરવામાં આવે છે. આ પંડલને ‘અભિજીત પૂજો’ તરીકે ઓળખવામાં આવે છે. આ પંડાલ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભવ્ય સેટિંગ, શોપિંગ વિસ્તાર અને ફૂડ કોર્ટથી ભવ્ય છે. તહેવાર દરમિયાન દર્શન કરનાર ખાણીપીણી ને મનોરંજન માટે વધુ આવતા હોય એમ લાગે છે.
સરનામું: લોખંડવાલા કોમ્પલેક્સ , લોખંડવાલા, અંધેરી પશ્ચિમ

જે આ નવ દિવસોની પૂજા કરાવે છે તે ભંડારો પણ ચલાવે છે. પ્રસાદ લઈને જવાનો અનુરોધ સહુ કોઈને થાય છે.
આ બધામાં રસ ન હોય ને ખરેખર  આધ્યાત્મિક આરાધના કરવી હોય તો ચિન્મયાનંદ મિશન પણ બહુ ઉમદા પ્રવૃત્તિઓ કરે છે. સાદગીભરી પરંતુ વિધિવત પૂજન  .

ગુજરાતીઓની ઉજવણી બહુ જૂદી હોય છે ક્યાં નથી ખબર?
આજકાલ ધ્વનિ પ્રદૂષણને ધ્યાનમાં લઈને ઘણાં મંડળોને કલબે સાઇલન્ટ દાંડિયાનું આયોજન કર્યું હતું  ,ભલે ઘણાને હસવું આવે પણ એ એટલા લોકપ્રિય થયા કે એની વિડિઓ કલીપ દેશ પરદેશ પહોંચી ગઈ।  અટેચ કરી છે , જોજો જરૂર  .
,https://www.youtube.com/watch?v=CqM9dpfR8Ks

આ  ઉજવણીઓ તમને કેટલી ગમી કહેજો જરૂર  .

आए ठहरे और रवाना हो गए, ज़िंदगी क्या है, सफ़र की बात है।  

નવરાત્રિ શક્તિપૂજન  માટે છે. શક્તિ એટલે એ જે સર્જન ને સંહાર બંને કરી શકે છે. જન્મ આપનાર શક્તિ એક જ હોય શકે , એટલે જ એ પૂજનીય છે. સ્ત્રી પોતે કેવી શક્તિ છે એ વાતથી એ પોતે જ અજાણ છે , બાકી શક્ય છે પુરુષપ્રધાન સમાજનું નિર્માણ થાય ને જેને જન્મ આપ્યો હોય તે જ અવહેલના કરે?

એવી મંજૂરી કોણ આપે છે ? દિલ ? દિમાગ ? કે પછી સંજોગો ?
જેને ભાગ્ય કહેવાય છે એવું કઈંક ? વાત માત્ર સ્ત્રીની , શક્તિની નથી. વાત છે ઈચ્છાશક્તિની પણ , સ્ત્રી હોય કે પુરુષ સૌથી મોટું પરિબળ છે અંતરમન .
આજની વાત છે શ્રેયા પટેલની  .
શ્રેયાબેન પહોંચ્યા છે સિત્તેરની નજીક પણ જુઓ તો લાગે કે પચાસીમાં છે. એકદમ અપટુડેટ કપડાં અને એક ઘડી નવરાં  ન બેસવાની ટેવને કારણે એ હજી યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિથી કામ કરી શકે છે. મેડિકલ પ્રોબ્લેમ કોઈ નહીં , નાણાકીય સમસ્યા કોઈ નહીં, કુટુંબની લપ્પનછપ્પન જરા ય નહીં પણ છેલ્લાં થોડાં વર્ષથી કોઈક અજબ અજંપો એમને જંપવા નથી દેતો  . અકારણે રડવું આવ્યા જ કરે. રાતોની રાતો આંખ મટકું ન મારે  આ સિવાય બીજી કોઈ ફરિયાદ પણ નથી.
શ્રેયાબેનની ઉંમરની સખીઓ કહે છે કે આ સુખના ચાળા કહેવાય , બસ કર હવે !!
આ સખીઓ પાછી બે પાંચ દિવસે મળતી નહીં , દૂર બેસીને સ્કાઇપ પર વાત કરતી  .
હા, શ્રેયાબેન અમેરિકાવાસી છે. આ તો થયું એમનું વર્તમાન બેકગ્રાઉન્ડ. એનાથી કોઈને જડનો તાગ ક્યાંથી મળે ?
જાતકમાઈની ફાઈવ બેડરૂમ વિલામાં સાવ એકલા રહેતા શ્રેયાબેન અઠવાડિયામાં ત્રણેક દિવસ તો લાંઘણ ખેંચી નાખે , વીકએન્ડમાં દીકરો વહુ મળવા આવે કે પોતે એમને ત્યાં જાય ત્યારે બધું ગાયબ થઇ જાય. દીકરાને થયું મા એકલી છે એટલે આમ થતું હશે , મોટી પોસ્ટ પર નોકરી કરતો દીકરો માને પોતાને ઘરે લઇ ગયો , બેચાર દિવસ ઠીક વીત્યા ફરી એ જ  શરુ.
કાઉન્સિલિંગ પછી લાગ્યું કે મા ઇન્ડિયામાં રહેતા દીકરાને ત્યાં જશે તો ફર્ક પડશે પણ એ જ સ્ટોરી  .
શ્રેયાબેનને અંદરોઅંદર કશુંક કોરી રહ્યું છે એનો ખ્યાલ એમને પોતાને આવે છે ખરો પણ અન્ય માટે એ એક પ્રશ્ન છે.
શ્રેયાની ઉંમર હતી માંડ અઢાર વર્ષની , મુંબઈની ખ્યાતનામ કોલેજમાં ભણતાં ત્યારે મૂરતિયા જોવાની શરૂઆત થઇ ચૂકેલી  .
પિતા મોટા બિઝનેસમેન , ભાઈ એન્જીન્યરીંગ ભણતો હતો, માબાપને બે જ સ્વપ્ન હતા, એક દીકરો અમેરિકા સેટલ થાય ને શ્રેયા સારે ઠેકાણે પરણી જાય.  દાયકાઓ પહેલાનું મુંબઈ , આજના કોઈ ગામ જેવું જ, એમાં પણ જ્ઞાતિનું મહત્વ બહુ ભારે . જૈન છોકરી પટેલમાં ન પરણી શકે , વાણિયાનો દીકરો અન્ય જ્ઞાતિની છોકરી ન લાવે  .
શ્રેયાનું કુટુંબ પટેલ  . આપવાલેવાનું ભારે , એથી ભારે માબાપની નજર.
ચડતું લોહી હોય ને શું ન થાય ?
પટેલ કુટુંબની પાડોશમાં નવું કોઈ રહેવા આવ્યું. ગોરો ચિટ્ટો , ઊંચો  છોકરો , શ્રેયા ભણતી હતી તે જ કોલેજમાં એડમિશન  લીધું હતું. ગુજરાતના કોઈક જમીનદારનો છોકરો , બાપે ફ્લેટ હાયર કરીને છોકરાને ભણવા મોકલેલો  .
પોતાના ગામમાં કુટુંબનો કે જમીનદારીનો વટ હશે કે જે હોય તે પણ છોકરા અમરીશના માથામાં ધુમાડો ભારે . વાત કરવામાં કોઈ  વિવેક નહીં, મોટાં નાનાંનો ઉમ્મરભેદ નહીં  . જીભ કાતર જેવી . સિગરેટ પીને ઠૂંઠા સીધા ફગાવે, જે બિલ્ડિંગના કંપાઉન્ડમાં પડે , આ વાત પર શ્રેયાના પિતા સાથે  બોલચાલ થઇ ગઈ.  કોઈ ઉંમરની શરમ નહીં, વાત એટલી વણસી કે એકમેક સામે એકમાત્ર સ્મિત આપવાનો વ્યવહાર હતો તે પણ તૂટી ગયો.!
એમ કહેવાય પહેલો સગો પાડોશી , પણ આ બે પાડોશી વચ્ચે તો લાઠીએ માર્યા વેર. કોઈ એકબીજાની સામે ન જુએ.એવામાં શ્રેયાના ભાઈ કુમારની નોકરી પાકી થઇ અમેરિકામાં , સહુ ખુશખુશાલ. માબાપે આખા બિલ્ડિંગમાં , સગાવ્હાલા મિત્રોને મીઠાઈ વહેંચી, એક ઘર સિવાય, હા, અમરીશને ત્યાં નહીં. આ પંચાવન વર્ષ પહેલાની વાત છે એટલે માહોલ અંદાજી શકાય. કુમાર ગયો અમેરિકા ને હવે તૈયારી શ્રેયાની, બીકોમ થઇ ગઈ હતી, એ જમાનામાં દીકરીને આટલું ભણાવનાર પિતા ને કોઈ મુરતિયો પસંદ જ ન આવે. કોઈ દેખાવમાં નબળો હોય , કોઈકનું ભણતર ઓછું હોય , કોઈ સાથે જન્માક્ષર ન મળે ને બાકી હોય તેમ આર્થિકરીતે સધ્ધર ન હોય.
પહેલા તોરમાં ના ભણનાર માબાપને હવે ચિંતા થવા લાગી  . પટેલસાહેબને તો અતિશય  . એ ચિંતામાં ને ચિંતામાં એટેક આવ્યો. સમર વેકેશનનો સમય,  ઘણાં બધાં વેકેશનને કારણે બહારગામ ગયેલા ને અચાનક રાતે કટોકટી ઉભી થઇ. શ્રેયા એકલે હાથે પરિસ્થિતિ મેનેજ કરવા મથી  રહી હતી ને ડોરબેલ વાગી , સામે અમરીશ ઉભેલો.
ખરે સમયે મદદ કરે તે ખરો મિત્ર , પટેલસાહેબને ગમ્યું તો નહીં પણ ચલાવી  લીધું  . પહેલા વિવેકપૂર્ણ વાત પછી કોઈક ખાવાપીવાની ચીજોની ભેટ , ક્યારે અમરિશની અવરજવર વધી ગઈ ખ્યાલ જ ન આવ્યો  .
ખ્યાલ આવ્યો ત્યારે મોડું થઇ ચૂક્યું હતું  . શ્રેયા રઢ પકડીને બેઠી કે લગ્ન તો અમરીશ સાથે જ કરીશ  .પટેલ સાહેબ તો સડાક  . જેટલી દીકરી વ્હાલી એટલી જ વ્હાલી પોતાની ઈજ્જત, અને સૌથી વધુ ચિંતા દહેશતની. ખબર નહીં પણ આ કશુંક ખોટું થઇ રહ્યું છે એવો અવાજ અંદરથી ઉઠ્યા જ કરતો હતો. શ્રેયાને ખૂબ સમજાવી , ન્યાત જાત માટે નહીં પણ અમરિશના સ્વભાવ માટે  .આ જે દેખાય  છે તે એ  છે નહીં  . લગ્ન તો હરગીઝ નહીં કરવા દઉં .
હવે મુરતિયા જોવાતા હતા યુદ્ધના ધોરણે , અમેરિકાથી ભાઈ કહેતો કે હું સેટલ થઇ ગયો છું શ્રેયાને અહીં જ મોકલી દો બાકી બધું થઇ રહેશે  .
ફિલ્મી સ્ટોરીમાં થાય છે એમ શ્રેયા માથે રાત ઓઢીને ભાગી અમરીશ જોડે, મંદિરમાં લગ્ન કરી ને ગુજરાતમાં ગામ ભેગાં. પહોંચ્યા પછી રડતાં રડતા આશીર્વાદ માંગતો  ટ્રન્ક કોલ કર્યો  .
પટેલ સાહેબને એટેક ન આવ્યો કારણ કે મનમાં આશંકા તો હતી જ, એ જ થયું જેનો ડર હતો , પણ રોષ આસમાને હતો.
‘ હવે તું ગઈ જ છે તો સુખી રહેજે , પણ  જયારે હું નહીં હોઉં ત્યારે તને આ બાપના શબ્દ યાદ આવશે કે , આ માણસ મને દુઃખી કરવા તને પરણ્યો છે. આ નિર્ણય તારો  હતો એટલે હવે જે થાય તે પણ તું જ ભોગવજે કારણ કે અમારે માટે તું દીકરી રહી જ નથી. ‘ પટેલસાહેબે તો શ્રેયાની માને પણ ફોન ન આપ્યો  .
લગ્નની રાતે જ આ કેવી ભેટ ? શ્રેયાએ સજળ આંખે અમરિશને પૂછ્યું હતું  .
‘ભેટ તો હજી મળવાની બાકી છે ને !!’ અમરીશે હસીને કહ્યું ને શ્રેયાના ગાલ પર ચમચમતો તમાચો પડ્યો  .
આભી થઇ ગઈ  શ્રેયા  . પપ્પાના બોલ પથ્થરની લકીરની જેમ  થઈને ગાલ પર સોળ થઈને ઊપસ્યા હતા.
રોજ બેસુમાર ઢોરમાર મારતો પતિ  ને રાતે પ્રેમી અમરીશ , પહેલું બાળક પેટમાં હતું ને છતાં જે માર મારતો એ તો અમરિશના માબાપથી પણ નહોતો જોવાતો , આખરે અમરિશના માબાપ મુંબઈ આવી શ્રેયાને મૂકી ગયા. માંસ હાડકા પર ચોંટી ગયું હોય એવી સુકલકડી કાયા ને પેટમાં બાળક  . છતાંય માબાપે સ્વીકારી લીધી દીકરીને , શરત એટલી કે ફરી એ દિશા તરફ નહીં જોવાનું  . શ્રેયાએ રડતાં રડતાં પિતાની શરત માન્ય રાખવી પડી . પણ , ફરી એ જ પ્રકરણ  .પુત્ર જન્મ્યો એટલે અમરીશ એના માબાપ સાથે આવી પહોંચ્યો. ફરી એ જ માફી , એ જ રોકકળ , એ જ વચનો , એ જ જૂઠાણાં  . વધુમાં વચમાં પડ્યા અમરિશના માબાપ, છોકરાઓ ભૂલ કરે તો સુધારવાનો મોકો આપવો જોઈએ ને  … એવું બધું   . શ્રેયાના ખોળામાં એક બાજુ નવજાત શિશુ ને બીજી તરફ આ.
તે વખતે તો શ્રેયાની  માએ વાત સાચવી લીધી , બાળક ત્રણ મહિનાનું થાય ત્યાં સુધી તો વળાવવાની વાત જ નહોતી , ત્રણ મહિના કદાચ શ્રેયાની જિંદગીમાં સપના જેવા વીત્યા . અમરિશની સાચે ભૂલ થઇ હશે, આખરે દારૂનું નામ તો સૌથી બદનામ છે. જે માણસ પોતાના માબાપ ને ઇષ્ટદેવને સ્પર્શીને દારૂને હાથ ન લગાડવાની પ્રતિજ્ઞા કરે એ ખોટો કઈ રીતે હોય ?
એ જ થયું જે પટેલ સાહેબને ડરાવતું હતું  . શ્રેયાને ફરી જવું હતું સાસરે. એક વધુ મોકો લગ્નજીવનને આપવો હતો. અમરિશને આપવો હતો.
સાસરે ગયેલી શ્રેયાના છ મહિના વિના તકલીફે પસાર થયા , હવે તો અમરીશ દારૂ પણ નહોતો પીતો ને વર્તન પણ સલૂકાઇથી કરતો  .
ને ફરી એકવાર બિહામણી રાત આવી ગઈ , અમરીશ પર ભૂત સવાર થઇ ગયું , તારા ડોસાએ મને સહુની સામે ખખડાવી નાખેલો  ….ને લાકડી લઈને પીટાઈ શરુ  .
સાસુસસરા બહારગામ ગયેલા ને જે શરૂ થયું , દારૂ નહોતો પીતો એટલે એક વાત સ્પષ્ટ થઇ ગઈ કે આ દારૂ નહીં વૈમનસ્ય  હતું , જેને માટે શ્રેયા જોડે લગ્ન કર્યા હતા. પટેલસાહેબ પર વેર લેવાનો આથી બહેતરીન રસ્તો શું હોય શકે ?
શ્રેયા જેમતેમ ભાગી , છ મહિનાનો દીકરાને લેવા પણ ન રોકાઈ.
જેમતેમ ઘરે પહોંચી ત્યારે એના હાલ જોઈને માબાપ ઝાટકો ખાઈ ગયા. પટેલસાહેબ સન્ન થઇ ગયા. અમરિશનો ન કોઈ ફોન આવ્યો ન એના માબાપ , પણ હવે દીકરાની ચિંતા કરવા પહેલા બીજી ચિંતા આવી પડી. શ્રેયા ફરી પ્રેગનેન્ટ  હતી.  કદાચ અમરીશ ને એનું કુટુંબ માનતું હશે  કે હવે જઈને જશે ક્યાં?
ખરેખર વાત ભારે ગૂંચવાઈ ચૂકી હતી. અમરીશ ન ડિવોર્સ આપવા તૈયાર હતો ન બાળકને સોંપવા. એને હજી એ ખબર નહોતી કે શ્રેયા ફરીવાર મા બનાવાની છે  . તંગ વાતાવરણની ધાર વધુ ન જીરવી શકતા હોય તેમ પટેલ સાહેબને મેસિવ એટેક આવ્યો ને કાયમ માટે આંખ મીંચી દીધી  .
પતિના નિધન માટે જવાબદાર શ્રેયાને લેખાઈ અને માએ  મૌનવ્રત લઇ લીધું . નોધારા હોવું એટલે શું એ શ્રેયાની સ્થિતિ જોયા પછી સમજાય.
એક તરફ હતું છ મહિનાનું બાળક , જે મા વિના ઉછરી રહ્યું હતું , બીજી તરફ હતું ગર્ભસ્થ શિશુ એને પિતાના નામની જરૂર હતી. પણ દિમાગમાં અમરિશના નામ સાથે લાલ લાઈટ ઝબૂકતી હતી ખતરાની  . હવે સાસુ સસરાની મધ્યસ્થી પર હવે વિશ્વાસ નહોતો  .
પ્રશ્ન હતો, ફેંસલો દિલથી લેવો કે  દિમાગથી ?
ક્યાંક કોઈ આશાનું કિરણ હોય તો એ હતો કુમાર, શ્રેયાનો ભાઈ. સુશિક્ષિત ભાઈએ બેનની વ્યથા સમજી  શકતો હતો . પાસે કોઈ વિકલ્પ તો હતા નહીં , પોતાની પાસે અમેરિકા બોલાવી  લેવા એ જ એક માત્ર વિકલ્પ ને પછી શરુ થઇ એક સંઘર્ષકથા.
બાળકને જન્મ આપવાથી લઈ અમેરિકા પહોંચવાની , ત્યાં ભાઈભાભી પર નિર્ભર રહીને પોતાના પગ પર ઉભા થવાની , ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કલાકો નોકરી કર્યા  પછી ઘરકામ ને બાળકને ભણાવવાની  . એક અને માત્ર એક ધ્યેય બાળકને સારામાં સારું ભણતર આપવું. આખી જિંદગી પરવશતામાં ગઈ છે , ઉત્તરાર્ધ એવો ન જાય.
અને શ્રેયાની પ્રાથર્ના ફળી છે. આજે એનો દીકરો અમેરિકામાં નામાંકિત ગણાય તેવી કંપનીનો સીઈઓ છે.
અને જે પાછળ છૂટી ગયો તે ? પહેલો દીકરો ?
પહેલો દીકરો જે પિતા પાસે ઉછર્યો છે તે ડોક્ટર છે. આજે પણ ગુજરાતમાં જ રહે છે.
અમરીશે પાછલી જિંદગીમાં પોતાની ભૂલ સમજાઈ હોય કે ગમે તેમ પણ શ્રેયાને મળવા ખૂબ પ્રયત્ન કર્યા હતા પણ શ્રેયા કદી ન માની  . પિતાને ગુમાવવાનું દુઃખ, બાળકને છોડીને ભાગી જવા માટેની ગુનાહિત લાગણી , ભાઈભાભીની રહેમનજરમાંથી ઉતરી  જવાનો ડર કે માતા ફરી મૌનવ્રત લઇ કે તેની દહેશત  …. શ્રેયા કદી ન મળી અમરિશને , ન એની એક વાત સાંભળી , ન મળી એના દીકરાને જ્યાં સુધી અમરીશ જીવિત હતો. ન શ્રેયા એ બીજા લગ્ન  માટે વિચાર્યું ન અમરીશે  .
થોડા વર્ષ પહેલા અમરીશે દુનિયામાંથી વિદાય લીધી , એ પછી મા દીકરાનું મિલન થયું , છ મહિને છોડી દીધેલા દીકરાને શ્રેયા  મળી ત્યારે ડોક્ટર દીકરાની ઉંમર હતી પિસ્તાલીસ વર્ષની  .
આજે શ્રેયાના બંને દીકરા એકદમ વેલસેટ છે.  અમેરિકામાં મામાની મદદથી ભણેલા દીકરાએ તો મામાના નામે ઘણી સખાવતો પણ કરી છે. શ્રેયાને દુઃખ તો કોઈ નથી પણ ઊંડે ઊંડે  એક રંજ ધારદાર પથ્થરની જેમ ચૂભી જાય છે. : પોતે અમરિશને ક્યારેય નહીં મળવાનો ફેંસલો લીધો તે યોગ્ય હતો ?
દુન્યવી દ્રષ્ટિએ આજે શ્રેયા પાસે દુઃખી થવાનું કોઈ કારણ નથી , પણ આજે પણ આખી જિંદગી એકાકી રહીને   ગાળવી પડી એ માટે દિલ જવાબદાર છે કે દિમાગથી લીધેલા ફેંસલા એ શ્રેયાને હજી સમજાતું નથી.
आए ठहरे और रवाना हो गए, ज़िंदगी क्या है, सफ़र की बात है।

વો ઉન દિનોં કી બાત હૈ

એ સાલ હતી 1980, મહિનો જૂન. મુંબઈમાં કાયદેસર રહેવાસી બનવાની પ્રોસિજર થઇ ચૂકી હતી. એટલે કે સગાઇ થઇ હતી મારી  . સુરતની કોલેજમાં ફર્સ્ટ યર ભણતી છોકરી માટે અચાનક મુંબઈમાં , તે પણ એક ચોક્કસ સમાજમાં સેટ થવું એટલું અઘરું છે એ મને કોઈ પૂછે. જો કે સમય બદલાઈ ચૂક્યો છે , હવે તો ગુજરાતના છોકરા છોકરીઓ ફાંકડું અંગ્રેજી બોલી શકે છે પણ એ સમયે એટલે કે આજથી પાંત્રીસ વર્ષ પૂર્વે સ્થિતિ બહુ જૂદી હતી.Lonavalamh


એ વખતે મને કહેવામાં આવ્યું કે રમાકાન્ત જઈ  આવ્યા કે નહીં ?

ન સમજાયું એટલે  ફોડ પડ્યો લોન્ગ ડ્રાઈવ , મ્યુઝિક ને બટાટાવડાને ન્યાય આપીને પાછા ફરવાનું , બીજું શું ?

એટલે કે રમાકાન્ત કોડ હતો રોમેન્ટિક લોન્ગ ડ્રાઈવેનો. 

આજે એ વાત યાદ આવી ટીવી પર ચાલતી એક ફ્લેશબેક પિરિયડ સીરિયલને જોઈને  . 

ત્યારે ફિયાટ કારમાં એસીની બદલે ડેશબોર્ડ પર એક ભૂરી પ્લાસ્ટિકની પાંખવાળો પાંખો ફરતો રહેતો ને શું એનો અવાજ ,કાર સ્ટીરીઓમાંથી વહેતા લતાજીને પણ ન ગાંઠે  .એની વે , એ સરખામણી ફરી કોઈ વાર પણ આજે ઝિલમિલ વરસાદમાં યાદ આવી ગયા એક સમયના મોસ્ટ ફેમસ બટાટાવાળા, એ પણ અહીં તહીંનાં  નહીં, ખાપોલીના રમાકાન્તના  . મુંબઈના ભદ્ર સમાજના લોકો પહેલા વરસાદની ઉજવણી જ કરે રમાકાન્ત પર જઈને  . એટલે કે જૂન મહિનો હોય , સરસ ઝરમર કે સાંબેલાધાર વરસાદ હોય , ને લોન્ગ ડ્રાઈવ પર જવાનું  . લોનાવાલા ખંડાલામાં બંગલો ધરાવનાર રોકાય જાય ને જેને પાછા ફરવું હોય તે ખપોલી પર રમાકાન્તના બટાટાવડા ખાઈને પાછા ફરે. 

આ શક્ય એટલે બનતું કારણકે ત્યારે એક્સપ્રેસ હાઇવે નહોતા, ન તો હતી આ મોંઘી વિદેશી કાર. 

ફિયાટ કે એમ્બેસેડર, કે એક ભયંકર કદરૂપી એવી ડુક્કર જેવી જ કાર એનું નામ યાદ નથી આવતું કે પછી લેન્ડમાસ્ટર (એક બીજી હાથી જેવી કાર) અને એક નાના માણસોની મર્સીડીઝ એકદમ સ્ટાઈલિશ હૅરલ્ડ તે પણ ઓપન , ફિલ્મમાં હીરો ગાયન સામાન્યરીતે આ જ કારમાં ગાતા હોવાનું યાદ તો હશે જ.

આ મહાફૅમસ બટાટાવડા ક્યારથી વેચાતા હશે એનો કોઈ ઇતિહાસ નથી સચવાયો પણ અમારી આગલું જનરેશન પણ ત્યાં જતું હતું એ વાત પણ ખરી. 

એક નાનકડી બટાટાવાળાની લારી હતી. તે મુંબઈ-પુણે હાઇવે પર સ્થાનિક અને પ્રવાસી લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની. બટાટાવડાં ખરેખર બેનમૂન પણ આટલા લોકપ્રિય થવાનું કારણ બીજું  પણ હતું. એ વખતે લોનાવલા ખંડાલા જવા ઘાટ ચડવાનો આવે. હવે થયેલા એક્સપ્રેસ વેઝએ પુરાણ ઘાટનો ભય મિટાવી દીધો છે. બાકી તે સમયના વાહનો મુંબઈથી ખોપોલી પહોંચે પછી સીધા ઘાટ ચઢે તો થઇ રહ્યું. ઘાટ  પહેલા  પડે. એન્જીન ને રેસ્ટ આપવો પડે, પાણી ઓઇલ ચેક કરવા પડે એમાં કલાક તો જાય. એ કલાક કરવું શું ?  1936 થી 1950 સુધીના સમયગાળા દરમિયાન બોર-ઘાટ વિભાગમાં કોઈ પણ ટ્રાફિકને મંજૂરી ન હતી. સાંજે ખોપોલી  સુધી પહોંચતા તમામ વાહનોએ ફરજીયાત રાત રોકાઈ જવું પડતું. ફાયદો હતો બટાટાવડાંની નાનકડી હોટલને . જે ખરેખર તો સવારે દંતમંજન ને તમાકુ પણ આપતી ને નહાવાનું પાણી પણ, નાસ્તામાં ગરમ ગરમ બટાટાવડા ને મસાલા ચા.પછી તો બધું વિસરાયું , ખાસ કરીને 70ના દાયકા પછી , પણ બટાટાવડાંની ખ્યાતિ અણનમ રહી.2017-20-9--17-57-07

છેલ્લા થોડા વર્ષોમાં નકશો એકદમ બદલાઈ ગયો , હવે ખંડાલા લોનાવાલા માટે ડાયરેક્ટ બાયપાસ છે. ખોપોલી રસ્તામાં જ નથી. એવા સમયે રમાકાન્તના બટાટાવડા નવી પેઢી માટે અજાણી ચીજ છે. 


સમયની સાથે જેમ રસ્તા ને ભૂગોળ બદલાય એમ રમાકાન્ત હવે હોટેલ સ્વરૂપે છે. હવે ત્યાં મળે છે મલ્ટી ક્યુઝિન વરાઈટીઝ , ઈડલી વડા ડોસા તો સમજ્યા પણ ચાઈનીઝ , પંજાબી , કોન્ટિનેન્ટલ ફૂડ પણ. પણ, રમાકાન્ત જવું હોય તો ત્યાં બટાટાવડા ને જ ન્યાય આપવો પડે. 

કોઈ આટલા બધા વખાણ કરે તો એમના ગ્રાહક કોણ હશે એવી કુતુહલતા થાય ને ?

રમાકાંતના કાયમી ગ્રાહકોના નામ જાણવાથી સમજાશે  . યશવંતરાય ચવ્હાણ , કાકાસાહેબ ગાડગીલ, બી. કે બિરલા , રાજ કપૂર, રમેશ ને સીમા દેવ, નરગીસ , હૃદયનાથ મંગેશકર , લતા મંગેશકર, આશા ભોંસલે, બી ડી ગરવારે , વસંતદાદા પાટીલ, શરદ પાવર , બાળાસાહેબ ઠાકરે ,મનોહર જોશી ને આ ઉપરાંત તો લિસ્ટ બહુ લાબું છે પણ અહીં સમાવવું શક્ય નથી. khan

તો હવે ખ્યાલ આવ્યો કે રમાકાન્ત ને ખાપોલીના બટાટાવડાં શા માટે  અવિસ્મરણીય છે ?