બહોત દેર કર દી આપને !!

image

વાત ખાપ પંચાયત જેવી તાલિબાની પ્રથાની હોય કે પછી ને નાત જાત , ધર્મ ને સંપ્રદાય અલગ  હોય ને તેમાં થતાં પ્રેમલગ્નોને કારણે વડીલોની તાનાશાહી વેઠતાં યુવાન હૈયાઓની  … એવું લાગે કે પાંચ દાયકા પૂર્વે પરિસ્થિતિ હતી એમાં ક્યાં કોઈ પરિવર્તન જ આવ્યું છે ?
પણ , છ  દાયકા પૂર્વે કોઈ પ્રેમલગ્ન માટે જીદે ચઢે અને એ પણ કે યુવક યુવતી દૂરના સગામાં થતાં હોય તો ?
એ યુગલે સમાજની કેવી અવહેલના જોવી પડે એ માત્ર વિચારી લેવાનું રહે.
વાત છે આજથી છ દાયકા પહેલા ઘટેલી પરીકથાની ,  એ અનોખી પ્રેમકહાણીનું સ્મરણ કરું છું અને તે  સમયના સમાજ , સગાંવહાલા ને માહોલની એક કલ્પના કરું ત્યારે  મારી નજર સામે એક મૂવી ચાલવા માંડે છે.

પરીકથાના મૂળ પાત્ર  નામે મીનાક્ષી ઝવેરી , અને એના સપનાનો સાથી  સુરેન્દ્ર સરૈયા  .
બંનેની નાત તો એક જ , પણ સમસ્યા જૂદી થઇ, છોકરી દૂરની માસી થાય છોકરાની , હવે એ પ્રણયમાં  લગ્નગાંઠ કઈ રીતે બંધાઈ  શકે ?
પણ મને તો અહીં એક માત્ર  એક જ સંબંધ દેખાયો  , અનકન્ડીશનલ લવનો. અપેક્ષાવિહીન પ્રેમ સંભવી શકે ? ?

વિના કોઈ અપેક્ષાએ એક મેકને કોઈ આટલું ચાહી શકે ? સામેનું પાત્ર લાંબુ જીવવાનું ન હોય , સંતાનસુખ આપવાનું ન હોય , ઘરના વ્યવહાર સંભાળવામાં પણ મુશ્કેલી પડી શકે એવી પરિસ્થિતિ હોય તો આ તમામ સંજોગો જાણ્યા પછી પણ તિરાડ પડેલા ક્રિસ્ટલ બોલને કોઈ દાયકાઓ સુધી જતનથી સાચવે એને પ્રેમ ન કહેવાય તો શું કહેવાય ?

વાત એવી હતી  કે  મીનાક્ષી  માત્ર બાર વર્ષની હતી ત્યારે રૂમેટીઝમ ફીવરમાં સપડાઈ ગઈ. એને કારણે  હૃદયનો એક વાલ્વ  ફેઈલ થઇ ગયો. સુરેન્દ્રની  ઉંમર હશે સોળ કે સત્તર વર્ષની  . રોજ ખબર અંતર પૂછવા આવે ને એ કાળજી ક્યારે પરિણયમાં ફેરવાઈ ગઈ બંનેને ખબર જ ન પડી. પછી વારો આવ્યો કુટુંબીઓનો સામનો કરવાનો  .
છોકરાના માબાપની વાત ખોટી નહોતી , એમને ખબર હતી કે એક વાલ્વ ગુમાવી ચુકેલી છોકરી લાંબુ જીવવાની નહોતી , ડોકટરે જ ગણીને વીસ વર્ષ આપ્યા હતા. ને જો એ થોડું વધુ પણ જીવી જાય તો બાળક આપી શકવાની નહોતી  . સામાન્ય  હિંદુ કુટુંબમાં હોય તેવો સનાતન  ડર એ જ કે એકના એક પુત્રને ઘરે પારણું ન બંધાય તે તો કેવો શ્રાપ ? ને આ બધું જાણીને પણ આવી છોકરીને પરણવાની જીદ કરનાર એમનો દીકરો સુરીન તો ઘેલો જ કહેવાય ને !!

છોકરીના  ઘરમાં પણ પરિસ્થિતિ ખાસ જૂદી નહીં, સમાજ શું કહેશે ? લોકો શું કહેશે ?

આ બધી પરિસ્થિતિ વછે પણ  એ બંને બધાંની ઉપરવટ જઈને  લગ્ન કરીને જ રહ્યા  .
માબાપ સાથે તો રહેવાનું નહોતું , બંને દૂર જઈને વસ્યા , સંસાર શરુ થયો.
આજકાલ હ્રદયરોગ સંબંધી જે જાગૃતિ છે એ વખતે નહોતી  . એમાં પણ આ તો વિશેષ રીતે હેન્ડલ વિથ કેરનો કેસ હતો.  ફેમિલી  ડોકટરે તો પહેલેથી લાલ ઝંડી બતાવી કહેલું , કાચનું  વાસણ સમજીને સંસાર માંડજે , કારણ કે આ  નોર્મલ સંસાર નહીં હોય , વિચારી લેજે ,દીકરા  …
ન એ સંતાનસુખ આપી શકશે , ન એ ઘરના રોજબરોજના કામ કરી શકશે  …
શુભચિંતકો , માબાપ , મિત્રો તમામની સલાહની ઉપરવટ જઈને સંસાર માંડ્યો એમ કહી શકાય  .
જેની જીવનરેખા માત્ર વીસ વર્ષની હતી તે મીનાક્ષી જયારે બોતેર વર્ષે  પૌત્રો ,દોહિત્રોની  દાદી થઈને લીલી વાડી મૂકી વિદાય લઇ રહી હતી ત્યારે એની પાસે પોતાના  ડૂબતાં  શ્વાસને જોઇને રડમસ થઇ ગયેલા પતિ ને સંતાનને કહેવાના શબ્દો પણ ઝાઝા નહોતા : બાવન વર્ષ બોનસની જિંદગી જીવી છું , એનો હરખ કરવાનો હોય કે આમ આંસુ વહાવવાના હોય ?

આ કથા પણ એરિક સીગલની લવ સ્ટોરી  જેવી જ જીવંત , પણ એ ઈશ્વરકૃપાથી લાંબી ચાલી  .

આ કહાણીમાં ન તો કોઈ અતિશયોક્તિ છે ન કોઈ કલ્પના, કારણ કે આ છે વાત મારા માબાપની  .
ઘણાં એવું પણ કહે છે કે મારા પપ્પાએ જો કાચના વાસણની જેમ ન સાચવી હોત તો મમ્મીના નસીબમાં બોનસમાં મળેલા વર્ષ લખાયા ન હોત !!
પણ, મને એવું નથી લાગતું  .
મારી મા નામે મીનાક્ષી સરૈયા , એનું હૃદય શારીરિકરીતે કદાચ નબળું હશે પણ એનામાં હામ જુઓ તો સો ભાયડાને ભાંગી નાખે એવી.

એવું કહેવાનું કારણ એટલું જ કે પોતાના કાચા પડેલાં હૃદયની પરિસ્થતિથી સંપૂર્ણપણે વાકેફ હોવા છતાં ત્રણ ત્રણ બાળકોની મા બનવું , અને એ પણ પપ્પાની એક વાત કાને ધરાર ન  ધરી ને પોતાની મરજીથી  …
માત્ર સંતતિ હોવી જોઈએ કે નહીં એ મુદ્દે જ નહીં , લગભગ તમામ ક્ષેત્રે મમ્મીનું વર્ચસ્વ  . ખાસ કરીને સંતાનો માટે તો એનું જ ધાર્યું થાય.

એવું નથી કે  મા ને દીકરી વચ્ચે કોઈ દિવસ સમસ્યા જ નથી ઉભી થતી. દુનિયાની સૌ મા જાણે છે કે સૌથી વધુ સમસ્યા વાંસની જેમ વધતી દીકરી સાથે જ થવાની  .
દીકરી જયારે નાની હોય ત્યારે એને માબાપ સરમુખત્યાર જ લાગે જે મને હમેશા લાગતું  . કારણ એ કે મને યાદ છે  ક્યાં ક્યા  કપડાં પહેરવાથી લઈને કઈ ફિલ્મ જોવી ને કઈ ન જોવી,  મિત્ર કોને રાખવા કોને ન રાખવા  એના પર પણ વીટો મમ્મીનો રહે.
હા , પણ કેમ ન રહે ? એ વાત બાળકો ખુદ માબાપ બને ત્યારે સમજી શકે છે. જેમ આજે મને સમજાય છે.
બાળપણનો સમય જ ખરેખર તો ચારિત્ર્ય ઘડતરનો હોય છે. એ સમયે જો સાવધાની ન વર્તાય તો કુમળાં માનસમાં અનાયાસે રોપાયેલું બીજ કોઈ કાંટાળું વૃક્ષ બની જાય કહેવાય નહીં  .
મને યાદ છે કે હું બીજા ધોરણમાં હોઈશ  . એક દિવસ ક્લાસમાં મને  રૂમાલ મળ્યો. કોઈ વિદ્યાર્થીની ભૂલી ગઈ હશે. મેં ઊંચકીને બેગમાં નાખી દીધો  . સુંદર મજાનો રૂમાલ , સફેદ દૂધ જેવો ને ઉપર ભરેલું લાલ ગુલાબ, ને છોગામાં લેસ પણ હતી. સાચું કહું તો મન લોભાઈ ગયેલું  .
એ રૂમાલ ધોવામાં ગયો એટલે મમ્મીની નજરમાંથી છટકી શકે?
પ્રશ્ન થયો :આ રૂમાલ ક્યાંથી લાવી ?
‘એં એં  , એ તો મને ક્લાસમાં મળ્યો હતો….’ જીભ ઝલાઈ ગયેલી એટલું બોલતા  તો  …
‘તો એને ઘરે કેમ લાવી ? ‘ મમ્મીના અવાજમાં કોઈ સખ્તાઈ નહોતી પણ મને લાગેલી  .
‘જેનો હશે તેને ધોઈને આપી દઈશ…..’મારી પાસે જવાબ નહોતો એટલે મને સુઝ્યો  એવો જવાબ આપ્યો  .
કહેવાની જરૂર નહોતી કે મમ્મી આરપાર જોઈ શકતી હતી.
કદાચ હાથે રહીને મને વધુ ક્ષોભિત કરવા પૂછ્યું, : કેમ ? તું ધોબણ છે ? તું શું કામ કોઈના રૂમાલ ધુએ?
આંખમાં બોર બોર જેવા આંસુ આવી ગયેલા એટલે મમ્મીએ શાંતિથી કહ્યું કે જો આ વસ્તુ તારી નથી તે ખબર છે , બરાબર ? અને તે છતાં તું એ લઇ આવી એ ચોરી જ કહેવાય  .
હું ને ચોર ?? , એ વાત સાંભળીને જોરથી રડી પડાયેલું એટલે મમ્મીએ કહ્યું એમાં ગંગાજમના વહેવડાવવાની જરૂર નથી. કાલે સ્કૂલના લોસ્ટ એન્ડ ફાઉન્ડમાં જમા કરાવી આવજે, ને યાદ રહે બીજી વાર આવી હરકત ભૂલથી પણ ન થવા પામે  …

કોણ કહે પારકી મા જ કાન વીંધે ? મમ્મી તો વારે વારે વીંધી નાખે એના વેણથી  .

આજે લાગે છે કે એમાં કંઈ ખોટું પણ નહોતું , મા તો સહુથી પહેલો શિક્ષક હોય ને !! નીતિ શિક્ષણના ક્લાસ  ઘરમાંથી જ શરુ થાય એમ જ કહેવાય છે ?
સંતાન  સંસ્કારી  હોય એવું તો કયા માબાપ ન ઈચ્છે ? એટલે સેન્સરશિપ તો લદાવાની જ  .. એમાં પણ દીકરીઓ યુવાનીમાં પગલું માંડી રહી હોય ત્યારે તો ખાસ.
પણ, માની ચિંતાઓ તો લાગે છે દીકરીના જન્મથી શરુ થઇ જાય છે.

મને યાદ છે મારી માને જો કોઈ સૌથી મોટી ચિંતા હોય તો એ કે એની દીકરીઓ ક્યાંક કોઈ ગમે તેને જીવનસાથી તરીકે પસંદ ન કરી લે !
એક તો આયુની ડોર ટૂંકી હોવાનો ખ્યાલ અને દીકરીની મા એટલે એ ડર  સ્વાભાવિક હતો.
માધ્યમિક સ્કૂલમાં આવ્યા , સ્કૂલ કો એડ હતી. છોકરા છોકરી સાથે ભણે એટલે સ્વાભાવિક છે કે દોસ્તી પણ થાય.
એક દિવસ કલાસમેટનો ફોન આવ્યો. ત્યારે તો કોઈ રીએક્શન ન આવ્યું પણ થયું એવું કે આ મિત્ર  ટાઈફોઈડમાં પટકાયેલો એટલે રોજ નોટ્સ લેવા ફોન કરે.
મારી મમ્મીની મૂંઝવણ વધી ગઈ :  કેમ ? તું જ ક્લાસમાં ટોપર છે ? બીજા કોઈને એ નોટ્સ માટે ફોન કેમ ન કરે?
બોલો , છે ને લાજવાબ લોજીક ?

મમ્મીએ એનો પણ રામબાણ ઉકેલ શોધી નાખ્યો  , પપ્પાને ફોન કરીને કહી દીધું કે કાલ સુધીમાં ઘરમાં ફોનનું એક્સ્ટેન્શન લાગી જવું જોઈએ  . એ જમાનામાં આ પ્રેક્ટીસ એકદમ ઇન  હતી.નંબર એક પણ ટેલિફોનના ડબલાં બે કે ત્રણ લઇ શકાય  . જેની પરથી લાઈન પર થઇ રહેલી વાત સંભળાય  .
બીજે દિવસે જ લાઈનમેન આવીને બીજું એક કાળું ડબલું બેસાડી ગયો.
મધર રાજી રાજી  : લો કરો જેટલી વાત કરવી હોય તેની સાથે, શરત એટલી કે હું એ સાંભળીશ .

અમારી નારાજગીનો પાર નહીં પણ સામે મમ્મીની દલીલ એટલી કે કેમ કંઈ ખાનગી છે તે છુપાઈને વાત કરવી પડે ? જો નથી તો પછી વાંધો શેનો છે? ડરે એ જેના પેટમાં પાપ હોય….

‘પપ્પા , મમ્મીને કંઇક કહો ને !! ‘ એવી દલીલ રીજેક્ટ જ થાય. હોમ ડિપાર્ટમેન્ટમાં કોઈનું કંઈ ન ચાલે  .

જો કે ઘરમાં મમ્મીનું જ બધું ચાલે એવી માન્યતાનો મોક્ષ પણ થઇ ગયેલો  .
થયું એવું કે સુરતમાં એક ગરબા ગ્રુપ ચાલતું હતું  . શુભ પ્રસંગે , સગાઇ , લગ્નપ્રસંગે આ ગરબામંડળ લગ્નગીત અને ગરબા માટે નિમંત્રવામાં આવે. શુદ્ધ દેશી , એમાં કોઈ આઈટમ નંબર ન હોય,  સારા ઘરની બહેનો દ્વારા માત્ર ને માત્ર સંગીતને નૃત્યકળાને વાચા આપવા જ  ચાલે  . એની ખ્યાતિ પણ ખાસ્સી ફેલાયેલી  . આમ તો લગભગ બધી બહેનો પરિણીત ને ત્રીસીની આસપાસ પણ  હવે આ સંસ્થામાં અમારા જેવા ટીન એજર્સ પણ ખરા. એક દિવસ આ સંસ્થાને કોઈ ગુજરાતી ફિલ્મ માટે અપ્રોચ કરાયો  . હું ભૂલતી ન હોઉં તો એ ફિલ્મ હતી ચંદુ જમાદાર  . ફિલ્મમાં અમારે એક ગરબો પરફોર્મ કરવાનો છે એ જાણીને અમે ખુશ ખુશ. ઘરે આવીને મમ્મીને વાત કરી તો એને પણ આનંદ તો થયેલો. રાત્રે પપ્પા ઘરે આવ્યા ને વાત કરી  . પપ્પાનું મોઢું ઉતરી ગયું  . : થોડી છૂટ  શું આપી એટલે આ ફિલ્મનું ફિતૂર કાઢ્યું ??

ન માની શકાય એવી વાત લાગે પણ સાવ સાચી છે  . ફિલ્મના નામથી જ પપ્પાનું બ્લડ પ્રેશર વધી ગયું, જાણે કે મને કોઈ હિરોઈનનો રોલ ઓફર થયો હોય !!
કેટલું સમજાવ્યા કે આમાં તો ચહેરો ય નહીં દેખાય, પણ ના એટલે ના. એ બધું નાટકચેટક કરવું હોય તો ગરબાગ્રુપમાં પણ  હવેથી નહીં જવાનું…અમારા મનમાં તો એમ કે મમ્મીની હા હોય એટલે સુપ્રીમ કોર્ટનો ફેંસલો એમાં પછી કોઈ પણ છટકબારી નીકળશે , મમ્મી યેનકેન કરીને પપ્પાને સમજાવી લેશે. પણ , ના. બધી આશાઓ પર ઠંડુ પાણી રેડાઈ ગયું  . એકવાર પપ્પા ના કહે પછી એમની ના ઉપરવટ જવાય જ નહીં એ મમ્મીના શબ્દો  .

અત્યારે જયારે આ વાતનો વિચાર કરું છું ત્યારે મને સમજાય  છે એમના  સોનેરી દામ્પત્યજીવનની રૂપેરી ચાવી શું હતી !! બંનેના મત અલગ ભલે હોય પણ સાચો મત જેનો હોય તેને બીજાએ માન આપવું જ રહ્યું એ એમનો વણલખ્યો જીવનમંત્ર હતો.
આ બધો સમય હતો નાનપણનો. યુવાન થયા પછી બધી  મમ્મીની ટકોર દખલગીરી જેવી લાગતી થઇ. પણ બહુ પાછળથી એની યથાર્થતા સમજાતી ગયેલી  .

મમ્મી જયારે એકવાર ખૂબ માંદી પડી અને કાર્ડિઓલોજીસ્ટે હાથ ઉપર કરી દીધા ત્યારે હું  ત્રીસીમાં પ્રવેશી  રહી હતી પણ મારાથી ઉંમરમાં ઘણો નાનો ભાઈ અપરિણીત હતો. સુરતમાં ભટ્ટની હોસ્પિટલનો એ સીન મને હજી તાજો છે. હું અને મમ્મી એકલા  હતા.મમ્મી કહે , મને કોઈ ચિંતા  તો મારા દીકરાની છે. હું જાઉં ને તારા પપ્પાને બીજીવાર પરણવું હોય તો કોઈ વાંધો ન કરશો પણ પહેલા તારા ભાઈને પરણાવી દેજે  .પછી  તો મમ્મી મોતને હાથતાળી આપી સાજી થઇ ઘરે પણ આવી. એ સાજી થઇ  મને એક જ  કારણ લાગે છે , નાના ભાઈને સેટ કરવો  બાકી હતો. એ જિજિવિષા એને જીવાડી ગઈ.

મમ્મી માત્ર પોતાના સંતાનો માટે જ ચિંતિત રહે એવું નહોતું  . કોઈ જરૂરિયાતમંદના ઘરમાં દર મહિને રેશન પહોંચી જાય કે પછી ગરીબ વિદ્યાર્થીઓની ફી કે પુસ્તકના ખર્ચ ઉઠાવી લે એવું બધું ઘણું કરતી એની કોઈને જાણ નહોતી, પપ્પાને પણ નહીં, કદાચ બહુ મોડેથી થઇ હોય તો ખબર નહીં . મારી નવાઈનો પાર નહોતો કે જયારે એના શોક સભામાં આ વાત મને જાણવા મળી એ જ વ્યક્તિઓ દ્વારા, જે અમારા સહુ માટે અજાણ હતી.
મારા માટે ખરેખર ભારે આશ્ચર્યની વાત હતી એ. વારતહેવારે દાનસખાવત કરીને અખબારમાં ફોટાં છપાવવા આવી જનારાઓની જમાતથી મમ્મી કેટલી અલગ, બિલકુલ નોખી  હતી  .

પોતાના વાજાં વગાડવા , વધુ બોલવું એના સ્વભાવમાં નહોતું કદાચ, એટલે જે એને કર્યું તેની  જાણ આ બીજી વ્યક્તિઓએ કરી ત્યારે થઇ , તે પણ એની ફાઈનલ એક્ઝીટ પછી.

જો કે , કોઈક મતમતાંતર એવા ગાઢ થઇ જામી બેઠેલા કે મને મમ્મી જે પણ કંઈ કરતી એમાં વાંધો જ પડી જતો. એકવાર એને શાંતિથી કહેલું કે ઘણીવાર સામેના માણસે એ કામ શું કામ કર્યું હશે એવી વિગતમાં ઊંડા ઉતરવાનો પ્રયાસ કરીએ તો જ સમજાય  .  બાકી , જો કોઈ વિના કહે સમજે તો સારું , ન સમજે તો પણ શું ફર્ક પડે ?
હા, મેં ક્યારેય સમજવાનો પ્રયાસ ન કર્યો  . શું ફરક પડતો હતો?
પણ , ફરક પડ્યો ,  જયારે હું એના શુઝ્માં પગ મૂકીને પરિસ્થિતિ જોવા સક્ષમ બની  ….
અને જયારે મારે ખરેખર માફી માંગવી હતી ત્યારે તો મમ્મી આ દુનિયામાં નહોતી  રહી.

કહેવત તો છે દેર આયે દુરસ્ત આયે  … સમજ્યા ત્યાંથી નવી શરૂઆત ,પણ એવું હંમેશા ક્યાં બની જ શકે છે ?

આ બધું યાદ આવે છે ત્યારે ક્યાંક વાંચેલી એક કહાનીનું શીર્ષક મને યાદ આવ્યા કરે છે : બહોત દેર કર દી આપને !!
સાચે જ , બહુ મોડું કરી દીધું તને સમજવામાં મમ્મી  ….

6 thoughts on “બહોત દેર કર દી આપને !!

  1. દરેક સંતાનોને એમના મા-બાપના પેંગડામાં પગ નાખવાનો વારો આવે છે ત્યારે જ એમને સમજાય છે કે એ પગરખા મા-બાપને ક્યાં અને કેટલા ડંખ્યા હશે અને એ સમયે જાગ્યા ત્યારે સવારના બદલે ખુબ મોડી રાત થઈ ગઈ હોય છે ને?

    નાજુક હ્રદયની પ્રેમકથા સંવેદનશીલ તો હોઇ શકે પણ આટલી બળકટ પણ હોઇ શકે!

    Like

  2. 52 બોનસ વર્ષ, કારણ ફક્ત પ્રેમ💕, સંતોષ, કે જેને પ્રેમ કર્યો તેની સાથે લગ્ન કર્યા. આગળ લખ્યું નથી પણ Vice versa is equally true. Right?

    Like

Leave a comment