સિમ્પલી ધી બેસ્ટ : બાલી

pinki2

ઓહ , બાલી ? નો વે …. એ તો ઓવર હાઈપ્ડ ડેસ્ટીનેશન છે , આપણું ગોવા એ વિદેશી બાલી . બાલીની ટ્રીપ કરતાં પૂર્વે એવો અભિપ્રાય મળેલો , જો કે એ વિષે બીજો વિચાર કરવાની જરૂર જ ન લાગેલી કારણ હતું મન પર સવાર એવી એલીઝાબેથ ગીલ્બર્ટની બુક ઈટ , પ્રે એન્ડ લવ, અને બાકી હતું તેમ એ પરથી ઉતરેલી ફિલ્મમાં જુલિયા રોબર્ટની સાઈકલ સવારી એ પણ લહેરાતાં ડાંગરના ખેતરોની હારોહાર ….

તે વખતે તો માત્ર એ બેચાર વસ્તુઓમાં જ જીવ ભરાયો હતો પણ ખબર નહીં કે બાલી પહોંચ્યા પછી મનના કોઈક અલગ જ કમાડ ખુલી જશે. બાલી એટલે જાણે પ્રકૃતિનું સ્મિત અને એ પણ સાહજિક જે હવે દુનિયામાં ભાગ્યે જ જોવા મળે છે.

જ્યાં જુઓ ત્યાં હરિયાળી , શાંતિ , કળા , આસ્થાનો અદભૂત સંગમ .

જો કોઈવાર બાલીની મુલાકાત લેવાનો યોગ બને તો તમારું ધ્યાન ખેંચશે બાલીનીઝ ટેમ્પલ અને આવાસ, બાલીનીઝ આર્કીટેકચર , અલંકારિક બારી બારણાં , છજ્જા ,છાપરાં …. એકેક ચીજ પીસ ઓફ આર્ટ એમ કહી શકાય .

ઘર કે દુકાનના પ્રવેશદ્વાર પાસે જ નાનકડું એક મંદિર. ટીપીકલ મંદિર જેવું નહીં, માત્ર એક નાનકડો સ્તંભ ને તેના પર નાનું અમસ્તું બોક્સ, જેના નાનાં નાનાં કમાડ કે પછી પીળા રંગના રેશમી કપડાં, તે પણ બંધ.

એથી વિશેષ એક ચીજ નોટીસ થયા વિના નહીં રહે અને તે દરેક ઘર કે દુકાન સામે રહેલી નાની બાસ્કેટ , જેમાં હશે પાંચ જાતના રંગબેરંગી ફૂલ અને ચોખામાંથી બનાવેલી આપણા ‘ખીચું’ જેવી આઈટમ. મને નવાઈ એ લગતી રહી કે સવારે જુઓ કે સાંજે ભરબપોરે પણ એ બાસ્કેટના ફૂલ તાજાં ને તાજાં , ગરમી તો હતી જ , પેલી રાઈસકેક જેવી મીઠાઈ કે જે હોય તે એ પણ તાજી જ લાગે . આ કેવું ?

અમે જયારે બાલીમાં હતા ત્યારે નેપી ડે આવી રહ્યો હતો. બાલીનો સૌથી મોટો દિવસ, આપની દિવાળી જેવો કદાચ . જેમ મહારાષ્ટ્રમાં ગુડી પડવા ને , સિંધીઓની ચેતી ચાંદ, કેરાલામાં ઉગાદી તે જ દિવસે બાલીનીઝ નવું વર્ષ નેપી . ત્રણ દિવસ ઉત્સવ જેવું વાતાવરણ પણ થોડું હટ કે. આપણી જેમ શોરબકોર , હલ્લાગુલ્લા આ પ્રજાની પ્રકૃત્તિમાં જ નથી. શાંત સોબર પ્રજા ને તેમના ઉત્સવ, રીતીરીવાજો પણ એવા જ શાંત , શાલીન .

અમારા ડ્રાઈવર કમ ગાઇડ ગુસ્તીને પૂછવા પર ખબર પડી કે આ બાસ્કેટને નેપી ડે કે ન્યુ યર સાથે કંઈ ન લાગે વળગે . એ તો બારે માસ સવાર બપોર ને સાંજે જોવા મળે.

કેમ ? એનું શું કારણ ? અમારા આશ્ચર્યનો મોક્ષ કરતા કહે : આપણે એકલાં થોડાં છીએ? આપણી આસપાસ ન દેખી શકાય એવા ભગવાન ને આત્માઓ પણ વસે છે ને , તેમને ભોગ ધરાવવો પડે ને…

balinese-offering-baskets-mark-sellers

આ બાસ્કેટ એટલે ‘કનંગ સારી’ . તેરા તુઝ કો અર્પણની રીતે , ફૂલ નહીં ને ફૂલપાંખડી . જેમને આપણને આ બધું આપ્યું છે તેમને દિવસમાં ત્રણવાર યાદ કરી ચઢાવો મુકવો એ ધર્મ . આ આખી વાત સમજીને છક્ક થઇ જવાય . સામાન્યરીતે હિંદુઓ માનતા રાખે છે , મારું આ કામ થશે તો આમ કરીશ , આ થશે તો આ કરીશ .. આ પ્રજા કંઇક જુદી જ . કોઈ પણ પ્રકારની એવી શરતો ને પૂર્વશરત વિના દરરોજ દિવસમાં ત્રણવાર એક ચોક્કસ સમયે ભગવાનનો ભાગ કાઢવાની વાત.

pinki3

આ બાલીનીઝ પ્રજાના મુખ્ય ત્રણ ભગવાન, બ્રહ્મા વિષ્ણુ મહેશ . બાલી ભલે ઇન્ડોનેશિયા જેવા મુસ્લિમ રાષ્ટ્રનો ભાગ પણ છે શતપ્રતિશત અણનમ હિંદુ અને એટલે હિંદુ ધર્મ પાળે છે. થોડી ગેરસમજ ત્યાં છે કે હા, એ વાત સાચી એ હિંદુ પ્રાધાન્ય ખરું પણ આપણે ત્યાં છે તેવું હિન્દુત્વ નથી. ન ત્યાં પંડાઓની દાદાગીરી છે ન ભગવાનના વચેટિયાઓ છે. બે વાત ખરેખર ગમી ગઈ. એક તો આજે બાલીમાં હિંદુ વસ્તી છે 80 ટકા. બાકીના 20 માં મુસ્લિમ ને થોડા ખ્રિસ્તી પણ ખરા. છતાં કોઈ પણ જાતનો તણાવ કે મનમુટાવ હજી સુધી તો નથી. જે મંદિરો જુઓ તે બ્રહ્મા વિષ્ણુ કે મહેશ ત્રણમાંથી એકના કે પછી સહિયારા હોય. પણ તે છતાં આપણે ત્યાં મંદિરોમાં થતી વિધિઓના અતિરેક, ગંદકી , ઘોંઘાટ જેવું કંઈ જ નહીં .
religious offering to the Hindu religion gods on the island of Bali, Indonesia.

આ ઉપરાંત આ પ્રજાના સાચા દેવ છે સૂર્ય , ચંદ્ર , તારા, વનસ્પતિ, જીવસૃષ્ટિ , દરિયા, ઝરણાં ,નદીતળાવ , પવન સહુ કોઈ પૂજનીય . એટલે કે પ્રકૃતિ એ જ ધર્મ.બાલીનીઝ હિંદુ માને છે એનીમીઝમમાં . એટલું જ નહીં એ લોકો માને છે કે મનુષ્ય ઉપરાંત પશુ પક્ષી કીટક જળચર સહુ કોઈની આ ભૂમિ છે , ત્યાં સુધી કે યક્ષ વ્યંતર કે પછી મૃત પૂર્વજો પણ હમેશ સુક્ષ્મ સ્વરૂપે ..હયાત જ હોય છે , અને આ જ બધા પરિબળો માનવજાતની રક્ષા કરે છે.

pinki 1

bali_6

તેમની થિયરી પ્રમાણે દેવ અને સારા જીવ રહે છે પહાડીઓ પર ને રાક્ષસો દરિયામાં,અને હા,કર્મની થીયરી તો ખરી જ. કર્મ પ્રમાણે મરણ , જનમ અને પુનર્જન્મ પણ.

bali-house

બાલીમાં લગભગ તમામ મકાનો એ પછી ઘર હોય કે ઓફિસ વાસ્તુના સિધ્ધાંત પર નિર્માણ થયેલા દેખાયા .
સામાન્યરીતે ઘરમાં કિચન અને ટોઇલેટ હોય તે બાલીનીઝ વાસ્તુમાં અસ્વીકાર્ય છે. આધુનિકતાને સ્વીકારીને હજી બાથરૂમ ટોઇલેટ બેડરૂમ સાથે હોય શકે પણ જ્યાં આ બધી પ્રવૃત્તિઓ હોય ત્યાં કિચન ન હોય શકે. એ તો ન બેડરૂમ સાથે હોય શકે ન લીવીંગ રૂમ સાથે , કિચન અને ડાઈનીંગ જુદા, એ જ રીતે ઘરનું દેવ સ્થાનમ ઘરના પ્રવેશદ્વાર પાસે અલાયદું, ભગવાનને ભક્ત એક સાથે એક છાપરા નીચે ન રહે … સામાન્ય રીતે મોટાભાગની વિલા કે ઘર એટ્રીયમ કહેવાય એ રીતે ડીઝાઇન થયેલા હોય છે. મૂળ વાત એક જમીનના ટુકડા પર વચ્ચેનો ભાગ ખુલ્લો ,લીલોછમ્મ અને આજુબાજુ બેડરૂમ્સ , કિચન અને વર્ક પ્લેસ . એ પછી કોઈ વૈભવશાળી વિલા હોય કે નાનાં પેઇન્ટર કે કાષ્ઠ કારીગરી કરનાર કલાકારનું ઘર.

પ્રજાના માનસ પર આ તમામ પરિબળની અસર ચોક્કસપણે હશે એમાં તો શંકા નહીં . અમને આખી ટ્રીપ દરમ્યાન સમ ખાવા પૂરતો એવો અનુભવ ન થયો કે અમે ઠગાયા , જીભાજોડી કરવી પડી કે બુકિંગ કરતી વખતે બતાવેલું કંઇક ને નીકળ્યું કંઈક , કોઈ એવો અનુભવ નહીં . આટલી પ્રમાણિક , શાંત , ઉદારદિલ પ્રજા મેં મારા આટલાં વર્ષોના પ્રવાસ દરમિયાન જોઈ નથી.

શાંત શાલીન પ્રજા અમીર નથી. પણ એમના ઘરનો વૈભવ ભલભલા અમીરોની ચકાચકને ઝાંખો પડી નાખે એવો છે, અને એ છે તેમની કલાત્મકતા .

બાલી ઘર હોય કે મંદિર, પેલેસ હોય કે શોપ , એના બારી બારણાં , કલર સ્કીમ મંત્રમુગ્ધ કરી દે ….

આ પ્રજા પાસેથી સમજાયું કે બ્રહ્માંડમાં હાર્મની રહે તો પ્રકૃતિનું સંતુલન ઠીક રહે. ઘર હોય કે મંદિર, દુકાન હોય કે સમુદ્રકિનારો , ચોખ્ખાઈ ને શાંતિ એ જ તેમની પ્રાર્થના ને એ જ તેમની યાચના .

આ વાત માત્ર વાંચવાથી નહીં સમજાય , એને માટે તો બોસ, બાલીની ટીકીટ જ બૂક કરવી પડે ….

હવે પછી ક્યારેક વાત બાલીના સુપર્બ સેમીન્યાક , ઉબુડ અને સિનિક એવા તનહ લોટ અને ઉલુવાટુની ….

3 thoughts on “સિમ્પલી ધી બેસ્ટ : બાલી

Leave a comment