શક્તિની ભક્તિ કે ભક્તિની શક્તિ ?

 

તાજેતરમાં એક મિત્રે કલકત્તાથી વૉટ્સએપ પર કલીપ મોકલી  . પ્રિ ફેસ પરથી લાગતું હતું કે બાહુબલીનો થર્ડ પાર્ટ આવતો હશે પણ એક જ ક્ષણમાં ખ્યાલ આવ્યો કે ઓહ આ તો મહિષ્કાવતીનો સેટ ખાસ દૂર્ગા પૂજા માટે ઉભો થયો છે. રૂપિયા દસ કરોડ માત્ર પંડાલમાં ખર્ચાયા છે.
http://www.amarujala.com/video/spirituality/very-expensive-durga-puja-pandal-made-in-kolkata-inspiring-by-bahubali

દુર્ગાપૂજાના ભવ્ય આયોજન નવરાત્રી શક્તિ પૂજનનો તહેવાર છે. મહારાષ્ટ્રમાં પહેલા ગણેશોત્સવનો મહિમા હતો અને છે તે હવે ગુજરાતમાં અને અન્ય રાજ્યમાં પણ વ્યાપ્ત થયો છે , ખાસ કરીને ગુજરાતમાં  . એ જ રીતે કોલકોત્તાની દેવી પૂજા છેલ્લાં કેટલાય વર્ષોથી મુંબઈમાં આવી ગઈ છે. ખાસ કરીને પશ્ચિમી પરામાં , જ્યાં જે રીતના આયોજનો થાય છે તે જોતા લાગે કે આપણે બંગાળમાં ભૂલાં  પડ્યા છે.

પવઇ દુર્ગા પૂજાનું કેન્દ્રબિંદુ છે. શરૂઆતમાં  પવઈ  બંગાળી વેલ્ફેર એસોસિએશન (PBWA ) દ્વારા પ્રયાસો શરૂ થયા પછી વર્ષોથી તેની હાજરી ઊભી થઈ છે. દર વર્ષે કઇંકને કઈંક નવા થીમ હેઠળ ભારતના સ્થાપત્ય વારસાની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે. આ વર્ષે, અરુણાચલ પ્રદેશમાં નામસાઈના પ્રસિદ્ધ ગોલ્ડન પેગોડાના કરે છે. પબ્લિશર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા સાથે મળીને આ પંડલ ‘ધ રીડર્સ ડેન’ નામના પુસ્તક તહેવારનું આયોજન કરશે. ગુરુદેવ રવીન્દ્રનાથ  ટાગોરની લોકપ્રિય નૃત્ય ‘તાશેર દેશ’ બંગાળી ફ્યુઝન રોક બેન્ડ ચંદ્રબિંદુ સાથે આયોજિત થયું હતું  .
સરનામું: હિરાનંદાની ગાર્ડન્સ, હિરાનંદાની બસ સ્ટેન્ડ નજીક, પવઈ

કદાચ સૌથી પહેલું આયોજન ચેમ્બુરમાં થયું હોવાનું ઘણા માને છે 1954 માં ચેમ્બુર દુર્ગા પૂજા એસોસિએશન ડિવોર્સ આજે પણ થાય છે  . લાલબાગ ચા રાજાની જેમ જ દર વર્ષે 1.5 લાખ ભક્તો આવે છે  પરંપરાગત પૂજા, આરતી અને ભોગ સાથે, પંડલ પાંચ દિવસ સુધીમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન પણ કરે છે. આ સ્થળ અધિકૃત બંગાળી વાનગીઓ માટે લોકપ્રિય છે. બાળકો માટે એક મનોરંજન ક્ષેત્ર પણ છે. ગ્રામીણ બંગાળના કસબીઓ દ્વારા અપાયેલી દુકાનોને  છે. એટલે ખરીદી માટે નોન બંગાળી પણ આવે છે.

ક્યાં: ચેમ્બુર હાઈ સ્કૂલ ગ્રાઉન્ડ, સ્વામી વિવેકાનંદ ચોક, ચેમ્બુર ઇસ્ટ

નોર્થ બોમ્બેમાં  સાર્બોજિન દુર્ગા સમિતિ  70 વર્ષથી  ઉજવણી કરે છે. 17 ફુટ ઊંચી છે અને મૂર્તિ બનાવવા માટેની સામગ્રીને કોલકાતાથી મંગાવી હતી.પંડલ સેલિબ્રિટીને લોકપ્રિય બનાવવા માટે લોકપ્રિય છે અને તમને મુખરજી પરિવારના સભ્યો મળશે – ખાસ કરીને કાજોલ, તનુજા અને રાની મુખર્જી . તમે જાણીતા બૉલીવુડની હસ્તીઓની પ્રદર્શન પણ જોઈ શકો છો.

ક્યાં : ટ્યૂલિપ સ્ટાર હોટેલ, વૈંકુલ્લાલ મહેતા રોડ, જુહુ

લોખંડવાલા દુર્ગા પૂજાનું આયોજન ગાયક અભિજીત ભટ્ટાચાર્ય દ્વારા કરવામાં આવે છે. આ પંડલને ‘અભિજીત પૂજો’ તરીકે ઓળખવામાં આવે છે. આ પંડાલ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભવ્ય સેટિંગ, શોપિંગ વિસ્તાર અને ફૂડ કોર્ટથી ભવ્ય છે. તહેવાર દરમિયાન દર્શન કરનાર ખાણીપીણી ને મનોરંજન માટે વધુ આવતા હોય એમ લાગે છે.
સરનામું: લોખંડવાલા કોમ્પલેક્સ , લોખંડવાલા, અંધેરી પશ્ચિમ

જે આ નવ દિવસોની પૂજા કરાવે છે તે ભંડારો પણ ચલાવે છે. પ્રસાદ લઈને જવાનો અનુરોધ સહુ કોઈને થાય છે.
આ બધામાં રસ ન હોય ને ખરેખર  આધ્યાત્મિક આરાધના કરવી હોય તો ચિન્મયાનંદ મિશન પણ બહુ ઉમદા પ્રવૃત્તિઓ કરે છે. સાદગીભરી પરંતુ વિધિવત પૂજન  .

ગુજરાતીઓની ઉજવણી બહુ જૂદી હોય છે ક્યાં નથી ખબર?
આજકાલ ધ્વનિ પ્રદૂષણને ધ્યાનમાં લઈને ઘણાં મંડળોને કલબે સાઇલન્ટ દાંડિયાનું આયોજન કર્યું હતું  ,ભલે ઘણાને હસવું આવે પણ એ એટલા લોકપ્રિય થયા કે એની વિડિઓ કલીપ દેશ પરદેશ પહોંચી ગઈ।  અટેચ કરી છે , જોજો જરૂર  .
,https://www.youtube.com/watch?v=CqM9dpfR8Ks

આ  ઉજવણીઓ તમને કેટલી ગમી કહેજો જરૂર  .

લીઝ તો પૂરી થશે 700 વર્ષ પછી પણ કલ હમ હો ન હો

 
સી લિંક પરથી જમ્પ મારીને આત્મહત્યાના બનાવો બનવા લાગ્યા ત્યારથી મુંબઈ પોલીસ સજાગ થઇ ગઈ ને હવે આખો સીલિંક સર્વેલન્સ હેઠળ છે એટલે આત્મહત્યાના બનાવો ઘટી ગયા છે જેને માટે જવાબદાર સમય સંજોગ ને સમાજને લેખાય છે. આવી બધી વાતો સાંભળીને ક્યારેક ત્રાસ પણ થાય , કે ભાઈ જે થઇ રહ્યું છે તે અત્યારના સમયે જ થઇ રહ્યું છે ? પહેલા થયું જ નહોતું ?
ભ્રુણહત્યા હોય કે લગ્નેતર સંબંધો કે પછી આત્મહત્યા સત્યુગમાં ,  મહાભારતના સમયે પણ થતા હતા ને આજે પણ થાય છે , એમાંથી ન તો 16મી સદી બાકાત છે ન 21મી સદી રહેશે  .
એમ કહેવાય કે જે વસ્તુ ને રોજ જોતાં મળતાં હો એની કિંમત ઘટી જાય।  એવું જ કૈંક છે રાજબાઇ ટાવર સાથે  . લંડનમાં હોંશે હોંશે બિગ બેન ટાવર જોનારને ખબર સુધ્ધાં નથી હોતી કે આપણો રાજબાઇ ટાવર બિગ બેનની પ્રતિકૃતિ છે. ન માનવું હોય તો જાતે જઈને જોઈ લેજો  .મુંબઈના વિકાસના તબક્કા તારીખ પ્રમાણે જોઈએ તો રાજાબાઈ ટાવર તો ઘણો મોડો નિર્માણ થયો છે. એ પહેલા તો શહેરને પાણી પૂરું પાડનાર તળાવ (જે આજે પણ મુંબઈગરાની પાણીની જરૂરિયાત પોષે છે ) લઇ , રસ્તાઓ, પોર્ટ ટ્રસ્ટ , શેરબજાર ને બળવાની પહેલી ચિનગારી પણ ચંપાઈ ચુકી હતી. મુંબઈ શિક્ષણધામ બન્યું એ પહેલા તો અત્યારે જેમ છે તેમ જ ઇંગ્લેન્ડ ભણવા જવા સ્ટીમરમાં જવાની હોડ ચાલતી હતી. મુંબઈના પ્રથમ ગવર્નર હતા મિસ્ટર વિલિયમ હોર્નબી , એ પણ અતિશય રસપ્રદ ઇતિહાસ છે એ વિષે વાત ફરી ક્યારેક પણ મુંબઈને બીજા ગવર્નર  મળ્યા જિરાલ્ડ ઑન્જીયર , એમના નામે પણ ઘણી સિદ્ધિઓ લખાય છે. મુંબઈ મહાનગર થવા જ સર્જાયું છે એવા શબ્દો એમને ભાખ્યા હતા એવા રેકોર્ડ્ઝ આજે છે.
મુંબઈ શહેર બની ચૂક્યું હતું , એનો દબદબો કઈંક અલગ હતો જાણે મીની લંડન પણ ઇન્ડિયન સમસ્યા સહિતનું મુંબઈ શિક્ષણધામ વિના રહે એ કેમ ચાલે ? મુંબઈ યુનિવર્સીટીને માન્યતા મળી ઈ.સ 1857માં, જે સાલમાં બળવો થયો એ જ સાલ. પણ, યુનિવર્સીટીનું કોઈ મકાન જ નહીં  . એ માટે ફંડ્ઝ જ નહીં  .  સરકાર પાસે પૈસા નહીં ને લોકો તો મુંબઈમાં બે પાંદડે થતાં આવી રહ્યા હતા, એમની પાસે ક્યાંથી હોય? પણ, એ સમયે મુંબઈમાં ચાર જ્ઞાતિઓનો દબદબો હતો , ભાટિયા, પારસી , જૈન ને ખોજા. અને આ દબદબા પાછળનું કારણ એ કોમના શેઠિયાઓએ કરેલું કામ.
કાવસજી જહાંગીર રેડીમની
પ્રેમચંદ રાયચંદ સુરતના , દશા ઓશવાળ જૈન , એમને નાની ઉંમરમાં મુંબઈ આવી વેપારમાં કાઠું કાઢ્યું , કોટન કિંગ લેખાતા પ્રેમચંદ રોયચંદને રૂ (કોટન)એ તાર્યા ને માર્યા પણ એવું કહી શકાય  .
યુનિવર્સીટી બને એને મકાન મળે એનો વિસ્તાર વધે , કાર્યક્ષેત્ર વધે માટે બે શ્રેષ્ઠિઓ આગળ આવ્યા એક નવસારીના કાવસજી જહાંગીર રેડીમની ને બીજા તે મૂળ સુરતના પણ મુંબઈ આવીને કોટન કિંગ બનેલા પ્રેમચંદ રાયચંદ (રોયચંદ ઉચ્ચાર અંગ્રેજોનો છે)
આ બે મહારથીની ઓળખ આપવી જરૂરી છે.
રેડીમની સરનેમ વાંચીને નવાઈ લાગી ને ? એ સરનેમ કોઈન કરેલી એટલે કે ઉપનામ તરીકે અપાયેલી છે , બાકી કાવસજીની મૂળ અટક તો હવે વિસરાઈ ગઈ છે. આ રેડીમની નામ મળ્યું એમના હાથ પર રહેલી રોકડી ને કારણે  . એવું બને જ નહિ  કે કોઈ પણ સમયે એમની પાસે રોકડા ન હોય રેડી મની એની ટાઈમ , એટલે નામ પડ્યું રેડીમની  .નવસારીથી એક ક્લર્ક તરીકે કામ કરવા આવેલા કાવસજીનો વ્યાપાર હતો ઓપિયમનો , અફીણનું નામ સાંભળીને ઉભા થઇ જવાની જરૂર નથી, એ વખતે આ કાયદેસર ચાલતો હતો. કાવસજીએ એમાં સામ્રાજ્ય ખડું કર્યું હતું ને માત્ર મુંબઈ નહીં લંડનની યુનિવર્સીટી ઓફ એડિનબર્ગને પણ તારી હતી. આજે પણ ત્યાં કાવસજીનું સ્ટેચ્યુ છે. લંડન જાવ ને આ યુનિવર્સીટીની મુલાકાત લો તો જોજો જરૂર  .
પ્રેમચંદ રાયચંદ સુરતના , દશા ઓશવાળ જૈન , એમને નાની ઉંમરમાં મુંબઈ આવી વેપારમાં કાઠું કાઢ્યું , કોટન કિંગ લેખાતા પ્રેમચંદ રોયચંદને રૂ (કોટન)એ તાર્યા ને માર્યા પણ એવું કહી શકાય  . શેરબજારના સૌથી પહેલા સ્કેમ વિષે વાત કરીશું ત્યારે એ વાત , અત્યારે તો યુનિવર્સીટીના મકાન અને રાજાબાઈ ટાવરની  .
રેડીમનીએ તો આ જરૂરિયાત સમજીને 1863માં રૂપિયા એક લાખનું દાન આપી દીધું હતું  .પ્રેમચંદ રાયચંદે રૂપિયા બે લાખ આપ્યા એમની  માંગ હતી કે ક્લોક ટાવરને પોતાની માતા રાજાબાઈનું નામ અપાય  .
 મુંબઈ યુનિવર્સીટીને માન્યતા મળી ઈ.સ 1857માં પણ મકાન જ નહોતું  .
જોવાની ખૂબી એ છે કે દાન અપાઈ ગયું , સરકાર અંગ્રેજોની પણ તેમની કાર્યશૈલી બાબુશાહીવાળી , આ બાબુઓની જમાત ઉભી કરનાર જ અંગ્રેજ  . પ્રેમચંદ રાયચંદ જૈન વાણીયા  ને રેડીમની પારસી બાવા  . ટેમ્પરામેન્ટ માં આસમાન જમીનનો ફર્ક , એક વર્ષ સુધી કામ આગળ ન ચાલ્યું એટલે રેડીમનીએ તો યુનિવર્સીટીના રજિસ્ટ્રારને કડક નોટિસ જ મારી કે મેં આપેલા એક લાખ રૂપિયા તમે કામમાં વાપર્યા નથીને આગળ થાય એવી સંભાવના જણાતી નથી એટલે મને મારા લાખ રૂપિયા પાછા કરો , પણ પૂરા 5% વ્યાજ સાથે  .આ સાથે અંગ્રેજ સરકારની ઊંઘ ઉડી ગઈ ને હડબડાટમાં પાયો નાખવાનું કામ શરુ કર્યું  .
રમૂજ પમાડે એવી વાત તો એ છે કે જ્યાં યુનિવર્સીટીનો શિલાન્યાસ થયો ત્યાં યુનિવર્સીટી નથી ત્યાં આજે હાઈ કોર્ટ ને પબ્લિક વર્કસની ઓફિસ ઉભી છે. રેડીમનીની રાતી આંખ જોઈને સમજાવટથી , તો પણ પાંચ વર્ષે બાજુના પ્લોટમાં યુનિવર્સીટીને લીઝ પાર અપાયો શરત એટલી કે આજુબાજુમાં કોઈ કમર્શિયલ બિલ્ડીંગ ન આવવું જોઈએ  .
લીઝ કેટલા વર્ષની ?
પૂરાં 999 વર્ષની  . એટલે કે આ લીઝ પૂરી થવાનું વર્ષ છે ઈ.સ 2876. પણ જે થયું તે, દેર આયેં દુરસ્ત આયે ના ન્યાયે એક અદભૂત કળાકારીગીરીનો નમૂનો અવતર્યો જેના આર્કિટેક્ટ હતા સર જ્યોર્જ ગિલબર્ટ સ્કોટ , એમના નામની બોલબાલા હતી ગોથિક આર્કિટેક્ચર સ્ટાઇલિસ્ટ તરીકે  . આજે એમના નામની ગિલબર્ટ લેન અસ્તિત્વમાં છે. એટલું જ નહીં અંધેરીની મોસ્ટ ફેમસ ગિલબર્ટ હિલ પણ , એ ગિલબર્ટ હિલ વિશ્વભરમાં પ્રખ્યાત છે , શા માટે એ વિષે પણ વાત કરીશું ક્યારેક  .
રાજાબાઈ  ટાવર લંડનમાં બિગ  બેન પર મોડેલ થયો છે.  શિલાન્યાસ થયો 1 માર્ચ 1869 ના રોજ  અને બાંધકામ માત્ર નવ વર્ષના ગાળામાં નવેમ્બર 1878 માં પૂર્ણ થયું હતું.
બાંધકામની કુલ કિંમત રૂ 5,50,000 હતી, 280 ફુટ ઊંચો એટલે કે લગભગ 28 માળનો ટાવર જયારે બંધાયો ત્યારે એક જોણું હતો.  તે સમયે  મુંબઇ શહેરમાં સૌથી ઊંચું માળખું હતું. એમાંથી દર થોડા ચાર કલાકે ત્રણ  ધૂન ગુંજતી હતી એક હતી Rule Britannia બીજી હતી God save the king અને ત્રીજી Home sweet home . એ ઉપરાંત અન્ય 13  સિમ્ફની પણ ગુંજતી રહેતી આજે હવે દર કલાકે ઘંટ વાગે છે.
રાજાબાઈ ટાવરની બ્યુટી શું છે એ જોવા એકવાર સમય કાઢીને જવું જોઈએ , બહારથી જુઓ તો મન પ્રસન્ન થઇ જાય. થોડા જ સમયમાં આ ટાવર બદનામ થઇ ગયો પ્રેમીઓની આત્મહત્યા માટે  . વર્ષો સુધી આ ટાવરના ઉપરી લેવલ સુધી જવાતું હતું પણ આત્મહત્યાના સિલસિલાને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખતા હવે એ પ્રતિબંધિત વિસ્તાર છે.
એમાંથી દર થોડા ચાર કલાકે ત્રણ  ધૂન ગુંજતી હતી એક હતી Rule Britannia બીજી હતી God save the king અને ત્રીજી Home sweet home . એ ઉપરાંત અન્ય 13  સિમ્ફની પણ ગુંજતી રહેતી આજે હવે દર કલાકે ઘંટ વાગે છે.
આ ટાવરનું નિર્માણ  વેનેશિયન અને ગોથિક શૈલી પર છે . લોકલ મળતાં  કુર્લા પથ્થરમાંથી બનેલ છે. સૌથી ઉત્તમ છે તેની નાની નાની રંગીન કાચની વિંડોઝ જેમાં હવે રોશની ભાગ્યે જ હોય છે. રિયલ સ્ટેઇન્ડ ગ્લાસ વર્ક જોવું હોય તો સાઉથ મુંબઈમાં આવેલા જૂના ચર્ચ , સિનેગોગની મુલાકાત લેવી રહી.
લીઝ તો પૂરી થશે 700 વર્ષ પછી પણ કલ હમ હો ન હો , જોઈ લેજો જરૂર  .

કરિયાવર હોય તો આવો !!

મુંબઇકરે વરુણદેવનો ઉગ્ર મિજાજ ફરી એકવાર સહેવો પડ્યો . ગઈકાલે એક તરફ હાલાકી મઝા મૂકી રહી હતી ત્યારે બીજી તરફ મુંબઈકર એક થઈને એ સામે ઝઝૂમી રહ્યા હતા. સ્પિરિટ ઓફ બોમ્બે કે મુંબઈ ફર્સ્ટ એવું બધું કહેવાય અને સાર્થક પણ થાય છતાં જયારે જયારે આ પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે ઠેરના ઠેર.

સુરતની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રેસિડન્ટ જ્યોર્જ ઓક્સડેન, જેઓ માનતા હતા કે માહિમ પછીનો વિસ્તાર માનવ વસ્તી માટે છે જ નહીં

સરકાર ને પાલિકા પર માછલાં ધોવામાં કસર ન છૂટે , જો કે એમની નિષ્ક્રિયતા સર્વોપરી ખરી પણ 24 કલાકમાં 315 mm વરસાદ કોઈ અમેરિકન શહેરમાં પણ પડે તો ત્યાં પણ આ જ હાલત થાય.

આપણે ત્યાં આ થયું એના એક દિવસ અગાઉ અમેરિકાના હ્યુસ્ટનમાં બોટ ફરતી હતી. ત્યાં વસતાં ઇન્ડિયન મિત્રોએ અમે સેફ છીએ સેફ છીએના એટલા મેસેજ મોકલાવ પડ્યા કે દિવસમાં ત્રણ ચાર વાર બેટરી ચાર્જ કરવી પડી. કોઈનો વાંક તો શું કાઢવો ? પાલિકા જો પોતાનું કામ યોગ્ય રીતે કરે કે નાગરિકો પોતાની યુઝ એન્ડ થ્રોની ગંદી માનસિકતામાંથી બહાર આવે તો હાલાકી તો આવે પણ પરિસ્થિતિ આટલી ખરાબ ન થાય.

કાલે એક એક સોશિયલ મીડિયા ને ટીવી ચેનલો પર આ જ સૂર હતો. એમાં કોઈ નવાઈની વાત નથી. નવાઈની વાત એ છે કે આપણી પર ત્રણ શતક રાજ કરી ગયેલા અંગ્રેજોએ આપણા કરતા વધુ બોમ્બેને ઓળખ્યું હતું . કઈ રીતે એ જાણવું હોય તો બોમ બિયા એટલે કે બોમ્બે , મુંબઈની તવારીખ જોવી પડે.

23 ડિસેમ્બર ઈ.સ. 1534 ના રોજ થયેલી સંધિ મુજબ મુંબઈ સહિતનો વસઈ પ્રદેશ સાષ્ટિ પ્રદેશ (અત્યારનું ઉત્તર મુંબઈ NOBO ) અને ગુજરાતનું દીવ પોર્ટુગીઝને સોંપવામાં આવ્યા .

અંગ્રેજો પહેલા જો કોઈ પશ્ચિમી પ્રજા આવી હોય તો તે હતા પોર્ટુગીઝ , એ વાત તો સહુ જાણે છે. ઈ.સ 1499માં વાસ્કો ડી ગામા ઇન્ડિયા આવી પહોંચ્યો હતો પણ ખરેખર જો ધાડાં ઉતરી આવ્યા હોય તો તે વર્ષ હતું ઈ.સ 1508. એ વખતે મુઘલ હુમાયુએ ગુજરાતના રાજવી બહાદુર શાહ પર આક્રમણ કરેલું . ખીલજી હોય કેશિવાજી , સુરતની વ્યૂહાત્મક ભૌગોલિક પોઝિશન સહુને મોઢામાં લાળ લાવી દેતી હતી. એમાં પણ સુરત , બંદર તરીકે પંકાતું . હજ કરવા જવાનો દરિયાઈ માર્ગ સુરતથી હતો. બહાદુરશાહ ને હુમાયુ વચ્ચે જે ઘર્ષણ થયું એમાં બહાદુરશાહે ગભરાઈને મદદ માંગી પોર્ટુગીઝની .ત્યાં સુધી પોર્ટુગીઝ માત્રને માત્ર વેપાર સુધી પોતાનું કામ સીમિત રાખતા હતા. અલબત્ત, આ વેપાર હતો મારી મસાલાનો જેમાં વધતી જતી સ્પર્ધામાં ફ્રેન્ચ ઉતરી ચૂક્યા હતા. એટલે પોતાનો પગપેસારો મજબૂત કરવા પોર્ટુગીઝ વાઇસરોય દા કુન્હા કોઈ તજવીજમાં હતા ને સામેથી પતાસું આવ્યું . બહાદુરશાહ મદદ માંગવા આવ્યો .

મદદ તો કરવાની જ હતી પણ એમ જ નહીં . વાઇસરોય નુનો દા કુન્હાએ મદદની કિંમત દમ મારીને લીધી .એ પ્રમાણે એક સંધિ થઇ.

23 ડિસેમ્બર ઈ.સ. 1534 ના રોજ થયેલી સંધિ મુજબ મુંબઈ સહિતનો વસઈ પ્રદેશ સાષ્ટિ પ્રદેશ (અત્યારનું ઉત્તર મુંબઈ NOBO ) અને ગુજરાતનું દીવ પોર્ટુગીઝને સોંપવામાં આવ્યા .બહાદુરશાહે કેટલા અરમાનથી વસઈનો કિલ્લો બાંધ્યો હતો એ પોર્ટુગીઝને સોંપી દેવો પડ્યો .એક જ વર્ષમાં પોર્ટુગલથી ઝનૂની પાદરીઓના ટોળાં ઉતરી આવ્યા ને મોટે પાયે ધર્માંતરણ શરુ થઇ ગયું . એક અંદાજ પ્રમાણે લગભગ 10,000 લોકોનું ધર્માંતરણ કરી ખ્રિસ્તી બનાવાયા જે આજે એન્ગ્લો ઇન્ડિયન તરીકે ઓળખાય છે. પણ એથી મહત્વની વાત હતી કે પોર્તુગીઝને સુરત કરતા વધુ વિકાસની તક આ વેરાન પડેલા સાત ટાપુમાં દેખાઈ ગઈ. જેની કિંમત કોઈને ક્યારેય નહોતી સમજાઈ .

વસઈનો કિલ્લો કબ્જે કર્યા પછી એમને બાંદ્રા, મહીં , વર્સોવાના ખાડી વિસ્તારોની આસપાસ ગોદામ બાંધવા માંડ્યા . મુંબઈ પર પરોક્ષરીતે રાજ કરવા મુકાદમ રાખ્યા જેઓ વઝદર તરીકે ઓળખાતા, વઝદર /ગઝદર .

સાથે સાથે સ્થાનિક લોકો સાથે રોટી બેટી વ્યવહાર શરુ કર્યો એટલે કે એન્ગ્લો ઇન્ડિયન પ્રજાનો વધારો .વસઈ પાટનગર હતું ને જેસ્યુટ પાદરીઓ આપણા બાબાઓની જેમ ડેરા ખોલીને બેસી ગયા. દાદર, શીવરી ,સાયં , પરેલ, અંધેરી ને બાંદ્રા . બધે ડેરા હતા જો એની કોઈ બચી ગયેલી નિશાની જોવી હોય તો આજે પણ બાંદ્રામાં અડીખમ ઉભેલું સેન્ટ એન્ડ્રુઝ ચર્ચ .

કોઈ બચી ગયેલી નિશાની જોવી હોય તો આજે પણ બાંદ્રામાં અડીખમ ઉભેલું સેન્ટ એન્ડ્રુઝ ચર્ચ .

બોમ બિયાનો જન્મ :

આજનું મુંબઈ , કાલનું બોમ્બે અને ભુલાયેલું બોમ બિયા . સુવર્ણકાળ ચાલી રહ્યો હતો પોર્ટુગીઝનો , જે મુઘલો હિંદુઓ પાસે જજિયા વેરો વસૂલતાં એમને પણ કોઈ માથાનું મળ્યું , એમને પણ હજ જવા કર પોર્ટુગીઝને ચૂકવવો પડતો હતો. સાત ટાપુઓ બરાબર ફાલ્યા હતા એટલે એનું નામકરણ થયું બૉમ બિયા , એટલે કે સારો ઉપસાગર . 138 વર્ષ સુધી પોર્ટુગીઝ રાજ કરતા રહ્યા વિના કોઈ રુકાવટ પણ હવે એની તકદીર બીજે જોડાવાની હતી. બૉમ બિયાથી હજારો માઈલ દૂર આવેલા સ્પેનનો મોટો ફાળો છે આ તવારીખમાં મોડ લાવવા માટે .

સત્તરમી સદીમાં સ્પેને પોર્ટુગલને પાયમાલ કરી દીધું .પોર્ટુગલે લાચારીથી ઇંગ્લેન્ડના કિંગ ચાર્લ્સ (દ્વિતીય)ની મદદ માંગવી પડી . મદદનો અર્થ થાય છે સોદો , બહાદુરશાહને મદદ કરવા સામે પોર્ટુગીઝે બોમ્બીયા વસાવી લીધું હતું ને ઇંગ્લેન્ડના કિંગ ચાર્લ્સને બદલામાં મળી પોર્ટુગલના રાજવી અલફાન્સો બ્રગેન્ઝાની દીકરી કેથરીન ને જબરદસ્ત કરિયાવર . રાજવી કુટુંબોમાં થતા લગ્ન એક પ્રકારની રાજનીતિ જ હોય છે એ તો સર્વસિદ્ધ વાત છે.

લગ્નના કરાર થયા 23 જૂન ,ઈ.સ.1661માં ને લગ્ન થયા 31 મે ,ઈ.સ 1662માં. રાજકુમારી કેથરીન જે કરિયાવર લાવી તેમાં અપાયા હતા આ સાત ટાપુઓ પણ.

આખા સાત ટાપુની વાર્ષિક લીઝ હતી 10 પાઉન્ડ :

ઈ.સ 1668માં કિંગ ચાર્લ્સએ આ ટાપુઓને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને લીઝ પર આપી દીધા, વાર્ષિક લીઝ 10 પાઉન્ડ . એ વખતે અંગ્રેજોનું આગમન ઇન્ડિયામાં હતું જ પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું હેડ ક્વાર્ટર હતું સુરત , જ્યાં મુઘલ ને પોર્ટુગીઝ સાથે સતત સંઘર્ષ ચાલતો રહેતો . હવે તો પોર્ટુગીઝની કોઈ સમસ્યા નહોતી પણ સુરત બંદરનું બારું બુરાતું જતું હતું, તોતિંગ જહાજ લંગરી શકાય એવી શક્યતા રહી નહોતી . એ અંગ્રેજોને મુંબઈમાં દેખાઈ .

16મી સાડી સુધી અંગ્રેજોને પણ વેપાર સિવાય કોઈ ચીજમાં રસ નહોતો પણ અંગ્રેજોના ધ્યાનમાં એક વાત આવી ગઈ હતી કે આખું હિન્દુસ્તાન ટુકડાઓમાં વહેંચાયેલું છે. કુદરતની મબલક મહેર, ભૌગોલિક પરિસ્થિતિ અને કુદરતી સંપત્તિ એનો જેવો ફાયદો લઇ શકાય એ કોઈના ધ્યાનમાં પણ નહોતું , તો એ ફાયદો રોકડો શું કામ ન કરવો ?

ઈ.સ 1611, મછલીપટ્ટનમ સૌથી પહેલું વિકાસકેન્દ્ર હતું

ઇતિહાસ નોંધે છે તે પ્રમાણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ગ્રાફ તેજીથી ઉપર ચઢ્યો હોય તો તે ટોમસ રોના આગમન પછી.સુરત, ભરૂચ, આગ્રા, અમદાવાદમાં થાણાં નાખી દીધા હતા પણ નવી વ્યૂહરચના હતી દરિયાકિનારેના વિસ્તારો વિકસાવવાની , બારું સારું હોય એ ધ્યાનમાં રાખી ત્યાં વસ્તી ઉભી કરવી એવી વ્યૂહરચના ઘડાઈ . એ સાથે શરુ થઇ આગેકૂચ. શરૂઆત થઇ મછલીપટ્ટનમથી. ઈ.સ 1611 માં મછલીપટ્ટનમ , 1631 બાલાસોર, મદ્રાસ 1639 , હુગલી કલકત્તા, 1651 ને છેલ્લે આવ્યો વારો મુંબઇનો ઈ.સ 1669.

સૌથી છેલ્લો વારો મુંબઇનો આવ્યો જેનો દબદબો છેવટ સુધી બની રહ્યો .

બૉમ બિયા બન્યું બોમ્બે , પણ અંગ્રેજો એક વાત નોંધી કે જ્યાં પોર્ટુગીઝ થાણાં હતા એના કરતાં બહેતર વિકલ્પ દક્ષિણ મુંબઈમાં છે. ઊંડા બારાથી લઈને ઉંચી જમીન . નોર્થ મુંબઈ ખરેખર વસવાટને લાયક જ નહોતું લાગ્યું અંગ્રેજોને .

બોમ્બેને એક નવી ઓળખ મળી વિક્ટોરિયન ગોથિક મેન્શનથી લઇ પીવાના પાણીના કુવા, તળાવ , દમામદાર ઓફિસ બિલ્ડીંગ ને નવા ડોકયાર્ડ મળવાના હતા.

એ વખતે ગવર્નર હતા સુરતની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રેસિડન્ટ જ્યોર્જ ઓક્સડેન, જેઓ માનતા હતા કે મહીં પછીનો વિસ્તાર માનવ વસ્તી માટે છે જ નહીં .

અને શરુ થયો એક નવો અધ્યાય બોમ્બેનો.

એની રાઈડ પણ લઈશું અહીં જ , મૌજે દરિયામાં જ ….

Culture hub of Mumbai

જાહેર રજા હોય, તમને પાક્કી ખાતરી હોય કે કોઈ મોલમાં પાર્કિંગ  કે રેસ્ટોરન્ટમાં જગ્યા મળવાની નથી , તો શું કરી શકાય ?

ફ્રેન્ડ્ઝને ઘરે બોલાવીને પાર્ટી કે તેમને ત્યાં ધામા પણ એ વિકલ્પ પણ ન હોય તો ?

તો મુંબઈગરા ખાસ કરીંને સોબો પીપલ (સાઉથ બોમ્બેના લોકો માટે પરામાં રહેતાં મિત્રો કટાક્ષમાં આ શબ્દ વાપરે છે) માટે એક વિકલ્પ છે. ઓછી જાણીતી રેસ્ટોરન્ટમાં લંચ ને પછી કોલાબા કોઝ વે પર લટાર  .

સામાન્ય આ કામ તો ચાલુ દિવસે પણ બિલકુલ થઇ શકે પરંતુ કોલાબા કોઝ વે આમ દિવસોમાં ટીનએજર્સનું મક્કા હોય છે. વિદેશી સહેલાણી અને કોલેજકન્યાઓથી ઉભરાતું, ચાલવાની જગ્યા મળે ન તો કોઈ નાની કાફે કે રેસ્ટોરન્ટમાં ક્યાંથી મળે?

એનું કારણ છે કોઝવે પર આવેલું પાર વિનાનું શોપિંગ આકર્ષણ. જેને આપણે જંક જ્વેલરી લેખીએ તેવી તમામ આઈટમ. મેટલ, કાચના મણકા, દોરા ધાગા સુતળીમાંથી બનેલી ફેન્સી ફેશનેબલ , ને તે પણ નહિવત દામમાં  ,એવું જ કપડાં સાથે  પણ. અફકોર્સ , ત્રણવાર પહેરીને ફેંકી દો તો પણ પોષાય એટલા સસ્તાં , એક્સપોર્ટ માટે બનેલાં, વિદેશમાં ચુસ્ત કવોલિટી કંટ્રોલમાં નાપાસ થયેલા ટનબંધ કપડાં આ રોડસાઈડ માર્કેટ પર ખડકાય. મેટલ , સ્ટોન્સ , પ્લાસ્ટિકના મોતી , સેમી પ્રેશિયસ સ્ટોન્સ , વ્હાઇટ , ગોલ્ડન મેટલ , ઓક્સીડાઈઝ ઈફેક્ટવાળી જ્વેલરી ને આ કિંમતમાં સૌ સસ્તાં કપડાં , જો ગ્રેટ ડ્રેસિંગ   સેન્સ હોય તો ઝારા કે આમ્રપાલી જોડે હરીફાઈમાં ઉતરે  .

જો કે કોઈપણ મુંબઈગરા માટે આ બધી વાત અજાણી નથી.

એક સમય હતો , લગભગ 60 ને 70 નો દાયકો જયારે મુંબઈનું અલ્ટીમેટ ફેશન ડેસ્ટિનેશન કોલાબા હતું , જ્યાં ફિલ્મોની હીરોઇનો ખુદ ખરીદી કરવા આવતી હતી. કોલાબાનો એ ગોલ્ડન ટાઈમ તો ક્યારનો અસ્ત થઇ ચુક્યો છે. હવે એ ચીપ શોપિંગમાં લોખંડવાલા , ફેશન સ્ટ્રીટ , લિંકિંગ રોડ સાથે હરીફાઈ કરે છે, હાંફે છે ને ફરી ઉભું થાય છે.

શોપિંગ વિષે લખવા કરતાં ફોટોગ્રાફ્સ વધુ ન્યાય આપી શકે પણ વાત તો કરવી હતી આ કોલાબા કોઝવેની.

19મી સદીનો ઉદય થઇ રહ્યો હતો , ત્યારે મુંબઈના સાત ટાપુ જોડવાની પ્રક્રિયા પૂર્ણરૂપે આકાર લઇ ચુકી નહોતી . મુંબઈ મેઇનલેન્ડ એટલે કે વરલી ,પરેલ, મઝગાંવ , માહિમ વચ્ચે રેક્લેમેશનનું કામ ચાલુ હતું ક્યાંક ક્યાંક પૂરું પણ થઇ ચૂક્યું હતું. મુંબઈમાં રોજગારીની તક વિકસવા માંડી હતી એટલે વસ્તીવધારો થઇ રહ્યો હતો ને તેવે વખતે જે બે છેલ્લા આઇલેન્ડ જોડાયા તે આ કુલાબા ને ઓલ્ડ વુમન્સ આઇલેન્ડ. આ વિષે તેના અસ્તિત્વ ને ભરણીની વાતો તો પછી ક્યારેક પણ આજે તો તવારીખની નહીં માત્ર ખાણીપીણી ને શોપિંગની વાત છે.

કોલાબાની ગણના આજે પણ કલચરલ હબ તરીકે થાય છે. મુંબઈ શું હતું એનો એક ચિતાર જોવો હોય તો ફોર્ટ અને કોલાબામાં પગપાળા ફરવું જોઈએ. વિએના , જર્મનીમાં છે તેવા ઓર્નામેન્ટલ બિલ્ડીંગ્સ ભારતમાં અન્ય કોઈ શહેરમાં બચ્યા નથી જેવા આ વિસ્તારમાં જળવાયા છે. રીગલ સિનેમા હોય કે સહકારી ભંડાર આવ્યું છે તે બિલ્ડીંગ, એની સામેના બિલ્ડીંગ.

સૌથી ખાસ હોય તો એ છે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ જેને હવે છત્રપતિ શિવાજી સંગ્રહાલય તરીકે ઓળખવામાં આવે છે પણ લોકોની જીભ પર જૂનું નામ પહેલા આવે. હોટેલ તાજમહાલ , મુંબઈ યુનિવર્સીટી , બોમ્બે હાઈકોર્ટ (આ કોલાબાની પાસે છે પણ વોકિંગ ડિસ્ટન્સ પર) આ તમામ પાર અલાયદા પીસ લખી શકાય એમ છે એ ફરી ક્યારેક. તાજ ઈન્ડો સાર્સનીક સ્થાપત્યનો બેનમૂન નમૂનો છે. મ્યુઝિયમ પણ એ જ શૈલી પર છે પણ એમાં ક્યાંક ક્યાંક મુઘલ આર્ટ ડોકાય છે..

 આર્ટ ડેકો સ્ટાઇલનું રીગલ સિનેમા હોય કે પછી તાજ મહાલ હોટેલ જે ગેટ વે ઓફ ઇન્ડિયા નિર્માણ થયાના 23 વર્ષ પૂર્વે બંધાઈ ગઈ હતી ભારતીય માટે સૌથી પહેલી હોટેલ, પણ એ પહેલા હતી હોટલ  વોટસન  .એની કહાની તો જેટલી રોચક છે તેટલી દયનીય , એ કોલાબાથી ખાસ દૂર  નથી પણ ગણતરી કાલા ઘોડા વિસ્તારમાં થાય. નેશનલ મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટમાં વર્ષના ગમે એ સમયે કોઈને કોઈ પ્રદર્શન ચાલતાં હોય છે. worth visiting કહેવાય એવા.

આજના કોલાબાની વાત થતી હોય ત્યારે એક ન વિસરાય એવી કાફેની વાત તો આવે જ.

કાફે લિઓપોલ્ડ જ્યાં 26/11માં ટેરર અટેક થયો હતો. લિઓપોલ્ડને  આમ પણ વાચનરસિયાઓ જાણે છે , બહુચર્ચિત નોવેલ શાંતારામને કારણે  . 1871માં બનેલી આ ઈરાની કાફે હાજી ધમધોકાર ચાલે છે તેનું મુખ્ય કારણ ફોરેનર્સ તો ખરા પણ ટેરર એટેક અને શાંતારામે એને એવી તો પબ્લિસિટી આપી છે કે હવે ઇન્ડિયન ટુરિસ્ટ પણ એક જોવાના સ્થળ તરીકે વિઝિટ કરે છે. વળી પછી ઈરાની કાફે એટલે સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા  . એવી તો ઘણી કાફે છે. કાફે મોન્ડેગર , કાફે ચર્ચિલ.

1838માં નિર્માણ થયેલું મુંબઈનું કદાચ સૌથી જૂનું ચર્ચ સેન્ટ જ્હોન ઇવાન્ગેલિસ્ટ જેને મુંબઈગરા અફઘાન ચર્ચ તરીકે જાણે છે થોડા અંતરે છે.

વિદેશી માટે સૌથી મોટું જોણું અને હિંદુઓ નાક દબાવીને ભાગી છોટે એવી એક જગ્યા છે સાસૂન ડોકની ફિશ માર્કેટ  .

મુંબઈની કદાચ સૌથી મોટી , જૂની માર્કેટ છે. ન મનાય એવી વાત છે પણ કેટલાય ટુરિસ્ટ એ જોવા જાય છે.

આ તો કોલાબાનું ટ્રેલર છે. પિક્ચર તો ત્યાં પગ મુકો પછી શરુ થાય છે.

મુંબઈ મેરી જાન : બમ્બૈયા વારાણસીને ગ્રહણ લાગ્યું છે બેહાલીનું

રાજા ભીમદેવને યશકલગી પહેરાવાય છે મુંબઈમાં સભ્યતા સંસ્કૃતિ જનજીવન વિકસાવવા માટે પણ હકીકત તો એ છે કે ઇતિહાસ તો ઈ.સ પૂર્વે ત્રીજી સદી એટલે કે 2300 વર્ષ પૂર્વે આ ટાપુ પર સંસ્કૃતિ વિકસી હોવાનું લખે છે. સમય હતો સમ્રાટ અશોકનો, મૌર્ય સામ્રાજ્યનો. એ વખતે આ ટાપુઓ પર હિન્દૂ અને બૌદ્ધ સંસ્કૃતિ વિકસી હતી. ખાસ કરીને બૌદ્ધ  ભિક્ષુઓ ધર્મપ્રચાર માટે ફરતા એટલે નિવાસ માટે જે વિહારનું નિર્માણ કરતાં તે માટેની મગધસમ્રાટ અશોકે આપી હતી તેના પુરાવા આજે પણ છે. જ

બોરીવલીની કાન્હેરી કેવ્સ , અંધેરીમાં મહાકાલી ગુફાઓ આજે પણ અડીખમ છે. જેની વાત ફરી કોઈવાર  .

મૌર્ય સામ્રાજ્યના અસ્ત પછી આ ટાપુઓ સાતવાહન રાજનો ભાગ બની રહ્યા અને ત્યાં સોપારા બંદર (આજનું નાલા સોપારા)વિકસ્યું હતું તેવું મનાય છે. સોપારાથી સીધો વહાણવ્યવહાર રોમ સુધી ચાલતો હતો. આ વાત છે ઈ.સ પૂર્વેની . આ ઉલ્લેખ વિખ્યાત ટ્રાવેલર ટોલોમીએ કર્યો છે, હેપ્તનેશિયા તરીકે. એ પછી ટાપુઓએ બહુ ચડતી પડતી જોઈ. સતવાહનની પડતી પછી પશ્ચિમ મહારાષ્ટ્રના અભીર વિદર્ભના વક્તકાસ લોકોએ રાજ જમાવ્યું. પછી સમય આવ્યો કલાચૂરી શાસનનો. પાંચમી સદીમાં એ લોકો સર્વેસર્વા હતા આ નોંધનાર છે એક ગ્રીક વ્યાપારી કોસ્મોસ જેને જોગેશ્વરી ને  કલ્યાણ વિષે પણ ભારે વિગતવાર લખ્યું છે.

આજે પણ દેશ વિદેશના ટુરિસ્ટનું આકર્ષણ છે તે એલિફન્ટાની ગુફા છઠ્ઠી સદીમાં નિર્માણ થઇ હશે એમ મનાય છે.

આ જ સમય હતો ખ્રિસ્તી ધર્મના પગપેસારાનો. બદામી( દક્ષિણ ભારત)ના  ચાલુક્ય રાજાઓને હરાવીને કર્ણાટકના પુલકેશી રાજા  દ્વિતીયે એ ઈ.સ 610માં આ ટાપુ કબ્જે કર્યા. એ પણ લાબું ન ચાલ્યું ને  કોંકણના શિલહાર રાજવીઓએ  સૌથી લાબું રાજ કર્યું એમ કહી શકાય. ઈ.સ 810થી લગભગ ઈ.સ 1260 સુધી  .

ઈ.સ 1860ની આ તસ્વીર વાકલેશ્વર , બાણગંગામાં વસી ગયેલી વસ્તીનો પુરાવો આપે છે પણ જે યુગની આ વાત છે ત્યારે વાલકેશ્વર એક ઘનઘોર વનપ્રદેશ હતો.

ખરી રસપ્રદ વાત હવે આવે છે , બાણગંગા તળાવ માટે લોકવાયકા રામનિર્મિત વાલ્કેશ્વર મંદિરની વાત કરે છે. એ પ્રમાણે તો રામ ભગવાને પોતાના પિતા દશરથનું શ્રાદ્ધ બાણગંગા પર કર્યું હતું  . આથી વધુ પુરાણી વાયકા છે પરશુરામજીની  ,અલબત્ત એને તો કોઈ પ્રમાણ મળતું નથી માત્ર લોકવાયકા સ્વરૂપે જ આ બે કહાની કહેવાતી રહી છે. બીજી વાયકા એવી છે કે એકવીસ વાર પૃથ્વીને ક્ષત્રિયવિહીન કાર્ય પછી પરશુરામ મંદરાચલ પર્વત પર જઈને વસ્યા હતા.મંદરાચલ મહારાષ્ટ્રની દક્ષિણમાં આવેલો પર્વત હતો , ત્યાંથી છોડેલું બાણ એક તળાવનું નિર્માણ કરી ગયું એટલે નામ પડ્યું બાણગંગા, આ વાતની પૃષ્ટિ કરતુ પરશુરામનું મંદિર આજે પણ ત્યાં છે..

બીજી વાયકા રામ સાથે જોડાયેલી છે.

સીતાજીનું હરણ થયું ને એમની શોધમાં રામ લક્ષ્મણ ભટકી રહ્યા હતા, ત્યારે બંને આ વિસ્તારમાં પહોંચ્યા  .રામનો નિયમ હતો શિવલિંગની પૂજા પછી જ અન્નજળ ગ્રહણ કરવાનો.બાણગંગાના કિનારે રામે રેતી એટલે કે વાલુમાંથી શિવલિંગ નિર્માણ કર્યું અને પૂજન કરી સ્થાપ્યું એટલે નામ પડ્યું વાલુકાઈશ્વર , અપભ્રંશ શબ્દ આવ્યો વાલકેશ્વર  , એક બાજુ પરશુરામે બાણ ચલાવી તળાવ સર્જવાની કથા છે તો બીજી તરફ રામે પૂજા માટે મીઠા પાણીની વ્યવસ્થા કરવા બાણ માર્યું હતું , જેનાથી મીઠા પાણીને સરવાણી ફૂટી નીકળી ને સરોવર રચાયું  .

એવી વાયકા છે કે રામ ભગવાને પિતા દશરથનું શ્રાદ્ધકર્મ અહીં કર્યું હતું એટલું જ નહીં , રોજ પૂજાનો નિયમ હોવાથી રેતીમાંથી શિવલિંગ સર્જીને પૂજા કરી હતી તેથી વાલુ એટલે કે રેતીમાંથી સર્જિત હોવાથી વાલકેશ્વર  નામ અસ્તિત્વમાં આવ્યું  .

મુંબઈ પાર લગભગ 400 વર્ષ શાસન કરનાર સિલ્હાર રાજાઓએ ત્યાં મંદિરનું નિર્માણ કર્યું હતું  , જેનો નાશ પોર્ટુગીઝ લોકો દ્વારા કરાયો હતો.

મંદિરનું નિર્માણ ફરીથી ઈ.સ 1715માં થયું છે. સૌથી મહત્વની વાત છે સરોવરના પાણીની. એમ મનાય છે કે ત્રેતાયુગમાં અસ્તિત્વમાં આવનાર આ તળાવમાં પાણી ક્યારેય ખૂટતું નથી. દસ ઇંચનો વ્યાસ ધરાવતા પાણીના સ્તોત્રમાંથી પાણી આવે જ રાખે છે અને બીજા છેડે થી સમુદ્રમાં ભળી જાય તેવી વ્યવસ્થા છે.

 ઈ.સ બારમી સદીમાં નિર્માણ થયું છે એવી વાત ઇટાલિયન પ્રવાસી માર્કો પોલોએ નોંધી છે. શક્ય છે લોકવાયકા સાચી પણ હોય અને એ જગ્યાનો જીર્ણોદ્ધાર રાજવીએ કરાવ્યો હોય.

સમયની સાથે વસ્તીવધારા અને ગંદકીથી તળાવ મુક્ત રહી શક્યું નથી.ખાસ કરીને શ્રાદ્ધ ક્રિયા અને ધાર્મિક વિધિઓ પ્રદૂષિત  થવા માટેનું મુખ્ય કારણ છે.

અલબત્ત, બાણગંગા સાફ કરવાનું અભિયાન ચાલતું જ રહે છે.  જોવાની વાત તો એ છે કે આજે જ  નહીં, સો વર્ષ પૂર્વે  ઈ.સ 1882માં પણ આ તળાવના શુદ્ધિકરણની ઝુંબેશ ચલાવવી પડી હતી.

સ્થાનિક લોકોના પ્રયાસ ઉપરાંત હેરિટેજ કમિટીના પ્રયાસો આ હિસ્ટોરિકલ તળાવને બચાવવામાં સફળ રહ્યા છે.  આશા રાખીએ ભવિષ્યમાં પણ સફળ રહે.

એક સમયે જ્યાં ગીચ વનરાજી હતી ત્યાં આજે કોન્ક્રીટ જંગલનું સામ્રાજ્ય છે. બાણગંગા તળાવ સદીઓ જોઈ હોવાની ગવાહી આપે છે.

અલબત્ત , આજે આ તળાવ અને મંદિરની મુલાકાત હતાશા ઉપજાવે એવી છે. ઇન્ડિયામાં પોતાના વરસ, સંસ્કૃતિના બણગાં ફૂંકનારાઓ પોતાની પાસે જે છે એને જાળવી પણ ન શકે તે કેવી લાપરવાહી ને આળસ?

https://www.youtube.com/watch?v=4TdZ50JAZWY

મુંબઈ મેરી જાન : ગઝની આવ્યો જ ન હોત તો ?

આપણે ફિલમેકર્સને કોસવામાં શૂરા છીએ. એમાં પણ ખાસ તો ઐતિહાસિક કે પછી કોઈક મહાન ક્લાસિક કૃતિ પર આધારિત ફિલ્મોમાં લેવાતી છૂટછાટ તો કોઈ હિસાબે માન્ય નથી હોતી. જોવાની ખૂબી તો એ છે કે આપણી માહિતી સાથે બંધબેસે તો જ એ ઇતિહાસ સાચો બાકી નહીં એવું જડત્વ પણ ખરું. પણ, મહાન ઇતિહાસકારોની માહિતી ખોટી હોય શકે એ સ્વીકારવી રહી.

એક ઉદાહરણ છે રાજા ભીમદેવ સોલંકી , એમના વિષે લખાયેલી વિગતો અને માહિતી માની લેવા ચાહિયે તો પણ એમનું જન્મવર્ષ આપણને વિચાર કરતાં મૂકી દે.

એ હકીકત છે કે મુંબઈ ભીમદેવનું નિવાસસ્થાન રહ્યું , પણ કયા ભીમદેવ ? ભીમદેવ પહેલા વિષે ઇતિહાસ લેખે છે.

ઘંટારવ માટે ઉપયોગમાં લેવાતી 200 મણની સોનાની સાંકળ (1 મણ = 20 કિલોગ્રામ ), કિંમતી રત્નો , સોનાચાંદીની મૂર્તિઓ ,રત્નજડિત આભૂષણો. આ વિગતો સર્વવિદિત છે પણ હવે એમાં પણ મતમતાંતર થઇ રહ્યા છે. એક મત એવો છે કે ગઝનીને કોઈ ખજાનો સોમનાથમાંથી હાંસલ થયો નહોતો એટલે એને ગુસ્સામાં મંદિરનો ખાત્મો બોલાવી દીધો

સાલ ઈ.સ 1025, જાન્યુઆરી મહિનો. મહંમદ ગઝનીએ આક્રમણ કર્યું હતું ગુજરાતના હાર્દ એવા સંસ્કૃતિધામ સોમનાથ મંદિર પર.મંદિરનો અઢળક ખજાનો ગઝનીના મોઢામાં લાળ લાવ્યો હશે એ હકીકત છે. લૂંટના આશયથી જ આવેલા ગઝનીએ લૂંટફાટ તો ચલાવી પણ સાથે લોકોને વટલાવ્યા. 30,000 ઊંટના કાફલા ને લાવલશ્કર સાથે આવેલા આ લૂંટારુનો સામનો કરવાને બદલે લોકો સોમનાથ પોતે જ ચમત્કાર કરશે એવી આશામાં હાથ પર હાથ જોડી બેઠા રહ્યા .somnath_statue

આ વાત પર્શિયન વિદ્વાન ફિલોસોફર પ્રવાસી અલ બિરુનીએ પોતાના સંસ્મરણોમાં ઉલ્લેખી છે. વધુમાં એ નોંધે છે કે સોમનાથના મંદિરમાં ભારે રક્તપાત સર્જાયો હતો.અંદાજે પચાસ હજારથી વધુ હિંદુઓને રહેંસી નાખ્યા હતા. સામે પક્ષે ગઝનીની છાવણીમાં પણ ખુવારીનો આંક ઓછો નહોતો.

ગઝનીનો સામનો કરી રહેલા રાજા ભીમદેવ પાસે હવે એક જ વિકલ્પ બાકી રહેતો હતો , ભાગી છૂટવાનો. ગઝની જયારે લૂંટમાં મસ્ત હતો ત્યારે ભીમદેવ સોલંકી પોતાના પાટનગર અણહિલવાડ પાટણ ન જતાં દાહોદ ગોધરા (અત્યારના ) રાજપીપળા , ડાંગનું વન વટાવી મુંબઈના વગડાઉ ટાપુ પર પહોંચી ગયા. તેમની સાથે હતા બચી ગયેલા સૈનિકો , પુરોહિતો અને પાટણના પ્રભુ લોકો(જે હવે પાઠારે પ્રભુ તરીકે જાણીતા છે , અને એટલી હદે મહારાષ્ટ્રીયન છે કે ગુજરાતીનો અંશ ન દેખાય, પહેલું એરોપ્લેન આવિષ્કાર કરનાર રાઈટ બંધુ નહીં આ પાઠારે પ્રભુ હતા , એ વાત પછી ક્યારેક).

લૂંટ દરમિયાન ગઝનીને જે ખજાનો મળ્યો તેની આછેરી નોંધ ઇતિહાસે લીધી છે. ઘંટારવ માટે ઉપયોગમાં લેવાતી 200 મણની સોનાની સાંકળ (1 મણ = 20 કિલોગ્રામ ), કિંમતી રત્નો , સોનાચાંદીની મૂર્તિઓ ,રત્નજડિત આભૂષણો. આ વિગતો સર્વવિદિત છે પણ હવે એમાં પણ મતમતાંતર થઇ રહ્યા છે. એક મત એવો છે કે ગઝનીને કોઈ ખજાનો સોમનાથમાંથી હાંસલ થયો નહોતો એટલે એને ગુસ્સામાં મંદિરનો ખાત્મો બોલાવી દીધો અને એટલું જ નહીં 400 જેટલી કન્યાને બંદી બનાવી સાથે લઇ ગયો હતો.

આ વાતમાં વજન એટલે લાગતું નથી કારણ કે જો ખજાનો ન મળ્યો હોત તો ગઝની આમ ધામા નાખીને બેસી ના રહ્યો હોતે . મુસ્લિમ લેખકોએ પોતે જ ગઝનીના પ્રેમની વાતો આલેખી છે તે પ્રમાણે ગઝની પોતાના એક ગુલામનો પ્રેમી હતો (યસ, હોમોસેક્શ્યુઅલ) અને એ જમાનામાં એ ખાસ કરીને સેન્ટ્રલ એશિયામાં નવી નવાઈની વાત નહોતી. ગુલામનો ગુલામ શબ્દપ્રયોગ ત્યારથી જ અસ્તિત્વમાં આવ્યો.

આ લખનાર અન્ય કોઈ નહીં અને મુસ્લિમ લેખકો જ છે જેમના અંદાજ પ્રમાણે એ ગઝનીએ લૂંટેલી સંપત્તિની કિંમત એ વખતે થતી હતી વીસ લાખ દીનાર.

લૂંટ પછી ગઝની ભાગી ન ગયો. એ ધામો નાખીને પડ્યો તો રહ્યો ને ત્યાં મસ્જિદ બનાવી, એને લોકોને પોતાના નામ પરથી મોહમદીન બનાવ્યા. મુંબઇનો પ્રામાણિક તવારીખ આલેખનાર ઇતિહાસકાર ગાર્સીયા દાકુન્હા ‘ઓરિજીન ઓફ બોમ્બે ‘માં નોંધે છે કે મુંબઈને મંદિરો, મહેલો, ન્યાયાલયોની સંસ્કૃતિ જો મળી હોય તો તેનું શ્રેય જાય છે રાજા ભીમદેવને .

ઇતિહાસકારોમાં આજે પણ વિવાદસ્પદ ચરિત્ર આ રાજા ભીમદેવનું છે.
મરાઠી મહાકાવ્યો પ્રમાણે આ બિમ્બાદેવ (ભીમદેવ) દક્ષિણના દેવગિરિથી આવેલા શાસક હતા ત્યારે પર્શિયન અને મુસ્લિમ ઇતિહાસકાર બામ્બાશાહ એટલે કે ગુજરાતના ભીમદેવ સોલંકીને માને છે.

આ બંને વાત ગળે ઉતારવી મુશ્કેલ છે. દેવગિરિના બિમ્બાદેવ 13મી સદીમાં આવે છે , ગુજરાતના ભીમદેવ 11મી સદીમાં , એટલે વધુ નિકટ છે પરંતુ એક સમસ્યા ત્યાં છે કે તો પછી જયારે ગઝનીએ સોમનાથની લૂંટ કરી ત્યારે એમની ઉંમર હશે ચાર વર્ષ. એક જ શક્યતા હોય શકે કે ભીમદેવના જન્મવર્ષમાં કોઈક ભૂલ હોય કે પછી નાના ભીમદેવે આ ટાપુ પર એક દાયકો વટાવી રાજદંડ હાથમાં લીધો હોય.

એલિફન્ટાની આ બૌદ્ધ ગુફાઓ કાળથી પર છે. એ કેટલી જૂની છે તેનો નિર્ણય થઇ શક્યો નથી.

અલબત્ત , ગુજરાતથી આવેલા ભીમદેવની થિયરી વધુ સચોટ એટલે લાગે છે કે એમની સાથે આવેલા લોકો હવે પૂરેપૂરા મહારાષ્ટ્રીયન છે છતાં એમની કુળદેવીને માને છે , એ કુળદેવી જે પાટણના પરિવારના કુળદેવી છે.

રાજા ભીમદેવે સમગ્ર મુંબઈના ( તે વખતે એને મુંબઈ નામ મળ્યું નહોતું ) સાત ટાપુની ઉપર કબ્જો જમાવવાને બદલે માત્ર ઉત્તરના ટાપુ પર જ આધિપત્ય જમાવ્યું અને રાજધાની સ્થાપી મહિકાવતી , એટલે કે આજનું માહિમ .

ભીમદેવના આગમન પૂર્વે મુંબઈની ઓળખ હતી તાડી અને વાડીથી .ભીમદેવે પોતાની સાથે લાવેલા હાથીના કાફલા માટે એક શેલ્ટર નિર્માણ કર્યું . માતંગ એટલે હાથી અને હાથીનું નિવાસસ્થાન એટલે માતંગાલય , એતળે કે આજનું માટુંગા .

ભીમદેવે સહુ પ્રથમવાર ન્યાયાલય સ્થાપ્યા , જે આજે અપભ્રંશ થઈને લેખાય છે નાયગાંવ.

જ્યાં એક સમયે માત્ર આમલી ચીંચ , તાડ , બાવળ અને ખેરના ઝાડનું સામ્રાજ્ય હતું એ હવે મહેલો, બગીચા ન્યાયાલય ને રસ્તાવાળું નગર બની રહ્યું હતું .

(મુંબઈ આવનાર પાટાણે પ્રભુ પાઠારે પ્રભુ બની ગયા , તેમના કુળદેવી આજે પણ મુંબઈમાં જાણીતા વિસ્તારનું નામ છે … એ વિષે વાતો હવે પછી )

આંખે  ઊતરી દિલમાં વસી જાય એવી અગાશી 

દુનિયાભરમાં ફરનારા પ્રવાસીઓ માત્ર સ્થળ, સંસ્કૃતિ કે ખાણીપીણીના પ્રેમમાં પડી  જાય એ  સ્વાભાવિક વાત લાગે. પણ આજના સમયમાં હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં થીમનો વારો આવ્યો છે. 

ફાઇવસ્ટાર હોટેલથી હટકે એવી હોટલ એટલે ‘અગાશીએ’. 

કોઈ અમદાવાદી કે સરેરાશ  ગુજરાતમાં એ વિશે ન જાણતા ન હોય તેવી શક્યતા નથી. કારણ છે ત્યાં મળતી ગુજરાતી વાનગીઓ. એક  સમયે  માત્ર રેસ્ટોરન્ટ હતી  હવે 38 રુમ ધરાવતી  બુટીક હોટલ છે. 

અમદાવાદના ટેક્સટાઇલ ક્ષેત્રે ડંકા પાડનાર મંગળદાસ ગિરધરદાસે ઈ. સ 1924માં હવેલી નિર્માણ કરાવી હતી એ હેરિટેજ હોટલમાં પરિવર્તિત કરી છે. 

મોઝેક ટાઇટલ્સ થઈ લઈ ફ્રેસ્કો, એન્ટીક આટૅ ઈફેક્ટસ  અને કંઇ કેટલું. 

જ્યાં શબ્દો ન્યાય ન કરી શકે ત્યાં વહારે આવે કેમેરા. 

ફોટો ગેલેરી જૈ એ સમયમાં ન લઈ  જાય તો જરા નવાઈ…. 

પથ્થરની ચીસ સાંભળી છે ખરી ?

બાળવાર્તાઓના અંતમાં એક અને માત્ર એક વાત આવે : ખાધું પીધું ને રાજ કર્યું . આ વાર્તાઓ સાંભળીને મોટો થનાર બાળક જયારે જવાબદાર નાગરિક બનીને ઉભો થાય ત્યારે એને વાર્તાનો એન્ડ સમજાય , એ ખરેખર ખાધું પીધું ને રાજ કર્યું ને બદલે તારાજ કર્યું એમ હોય.

આ વાત કોઈ એક વ્યક્તિ ,સમાજની નથી , એક માનસિકતાની છે. એક તરફ સરેરાશ ભારતીય સંસ્કાર ને સંસ્કૃતિની એવી તો બડાશ હાંકતો હોય કે એમ લાગે કે આખી પૃથ્વીને સંસ્કાર અને સંસ્કૃતિ જીવંત રાખવાનો ભાર બચારા એને જ માથે હોય. પણ, વાત તો એથી સાવ ઉલટી હોય છે. વિદેશમાં ચોખ્ખાં ચણાંક રસ્તાથી લઇ એમના સ્મારકો અને કિલ્લાઓ જોઇને મોઢામાં આંગળી નાખી જતો વર્ગ ઘરઆંગણે કોઈ ફરજ અદા કરવાનું સમજ્યો નથી , જો એમ ન હોત તો ભારતમાં હેરીટેજ સ્મારકોની આવી કરુણતા ન હોત.મારવાને વાંકે જીવતા આ સ્મારકોને જોઇને બે પેઢીની સરખામણી જરૂર થઇ જાય. એક જેમને આ સમારકનું નિર્માણ કર્યું ને બીજી પેઢી જેને આ ભવ્ય સ્મારકો જાળવતાં પણ ન આવડ્યું .

એવી જ વાત થોડા પૂર્વે પ્રકાશમાં આવી એક અધિકારી જી.સી.મિત્રાના રાજીનામાથી.ક્યારેય પ્રકાશમાં ન આવી હોત જો આ સિનિયર ઓફિસરે માથું ન ઊંચક્યું હોત.

અષાઢી બીજ . તાજેતરમાં જ વિશ્વભરમાં પ્રખ્યાત એવી જગન્નાથપુરીની રથયાત્રા થઇ, રથયાત્રા માટે ભાવિકો , શ્રધાળુઓ , તમામ ચેનલો સજ્જ પણ એ જ જગન્નાથજીનું ધામ એવું જગવિખ્યાત મંદિર ગમે ત્યારે ધરાશાયી થઇ શકે એવી હાલતમાં છે. ભગવાન રથયાત્રા પર નીકળ્યા હોય ત્યારે ખુદ પોતાના જીર્ણશીર્ણ ઘરની મરામત ભક્તના મહેરામણને અપીલ કરે તો છે બાકી તો આ મંદિરની હાલત વિષે ન તો રાજ્ય સરકાર ચિંતિત છે ન કેન્દ્ર સરકાર.

આ વાત પ્રકાશમાં આવી આર્કિયોલોજીસ્ટના રાજીનામાથી. એનો અર્થ એ થયો કે આ નેક ઓફિસરે માથું ન ઊંચક્યું હોતે તો આજે પણ આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા (ASI)એ વારંવાર કરેલી વિનવણીઓ નેતાજીઓના બહેરા કાન પર અથડાઈને પાછી ફરી હોત અને જયારે મંદિરને નુકશાન પહોંચતે ત્યારે આખો ટોપલો એક યા બીજા અધિકારીના નામે ઢોળી દેવામાં આવત. એએસઆઈ વારંવાર સરકારને જણાવી ચૂકી છે કે મંદિરની હાલત નાજુક છે. જો તાત્કલિક પગલા ન લેવાય તો મંદિર ગુમાવવાનો વારો આવશે અને હા, અંદર રહેલા શ્રદ્ધાળુઓના જાનમાલનું જોખમ તો ખરું જ.

આ પત્ર મળતાંની સાથે જ ઓરિસ્સાના મુખ્ય પ્રધાને કેન્દ્રને મોકલી આપ્યો. ચલકચલાણું

b-jagannath-temple

એએસઆઈ વારંવાર સરકારને જણાવી ચૂકી છે કે મંદિરની હાલત નાજુક છે. જો તાત્કલિક પગલા ન લેવાય તો મંદિર ગુમાવવાનો વારો આવશે.

 

પેલે ઘર ભાણું એ ઘાટમાં રીપેરીંગમાં વિલંબની હવે હદ થઇ ગઈ છે.

અધિકારીએ તો રાજીનામું આપીને પોતાની સ્થિતિ સિક્યોર કરી લીધી પણ હકીકતે વાંક માત્ર સરકારોનો નથીEnter a caption.

નાનું બાળક પણ જાણે છે કે આર્કિયોલોજી વિભાગમાં બાબુઓ કઈ રીતે કામ કરે છે. બેદરકાર,આળસુ સ્ટાફ નકશાની જાળવણી સુધ્ધા કરી શકતો નથી. આ વિભાગ માત્ર લોકોમાં જાણીતાં સ્થળ પર જ ધ્યાન આપે છે. બાકી રહી વાત સ્વચ્છતા અને દરકારની. જે આ મંદિરોની મુલાકાત લઇ ચુક્યા છે એમને એ વાતની જાણ તો હોવાની જ કે મંદિરમાં ધાર્મિક વિધિઓને નામે જે દૂધ , દહીં , મધ સાકર મિશ્રિત પંચામૃતના અભિષેક થાય છે અને જ્યાં જુઓ ત્યાં સડેલા ફૂલના ઢગલાં. આ બધાનો અતિરેક પણ એક મહા ત્રાસ છે. એ પથ્થરને પણ કોરી નાખે છે. બાકી હોય તેમ આઠ સદીથી પડતો તાપ ટાઢ તડકો ને વરસાદ.ભવ્ય મંદિરનું બાંધકામ ગમે એટલું મજબૂત હોય પણ કાળની થપાટ સામે કેટલીક ઝીંક ઝીલી શકે ?

મંદિરો પંડા કે પંડિતો સહુ માટે દૂઝતી ગાય છે. પણ કોઈને એની સારસંભાળ રાખવી નથી.

જગન્નાથ પુરીનું મંદિર સ્વયં એક અજાયબી છે. 850 વર્ષ જુનું મંદિરનું નિર્માણ 1161ની સાલમાં ચોલા સામ્રાજ્યના રાજવી અનંતવર્મન દેવ દ્વારા થયું હતું. મુખ્ય મંદિર તો માત્ર ત્રણ છે પણ પરિસરમાં નાનામોટાં મળીને કુલ 31 મંદિરો છે. હિંદુ સ્થાપત્યનો બેજોડ નમૂનો લેખાતું મંદિર ઘણી બધી રીતે અનોખું છે. મુખ્ય મંદિરના શિખર પર એક ચક્ર છે. દૂરથી નાનું દેખાતું એ ચક્ર 20 ફૂટ ઊંચું અને એક ટન વજન. અભિભૂત થઇ જવાય એવું આ મંદિર હવે ધ્વસ્ત થવાને માર્ગે છે એ સાંભળીને હૃદય બેસી પડે.

વાત માત્ર હિંદુ મંદિરોની નથી. વાત છે સરેરાશ ભારતીયની નિસ્પૃહતાની. સરકારની લાપરવાહી અને સરકારી અધિકારીઓની બેદરકારી.

index_neela

મુખ્ય મંદિરના શિખર પર એક ચક્ર છે. દૂરથી નાનું દેખાતું એ ચક્ર 20 ફૂટ ઊંચું અને એક ટન વજન.

ગૌરવશાળી મંદિરો હોય કે સ્થાપત્ય ,પ્રાચીન કિલ્લાઓ , સ્મારકો મોટાભાગના ઓછેવત્તે અંશે લૂણો લાગી ચૂક્યો છે.

જેનાથી ઇન્ડિયાની ઓળખ વિશ્વભરમાં છે એ તાજ મહાલનો દાખલો લો. આગ્રામાં વિકસી રહેલી ઇન્ડસ્ટ્રી સંગેમરમરના તાજ મહાલને કાળો બનાવી રહી છે એવી ફરિયાદ તો જૂની થઇ ચૂકી. છતાં એ માટે કોઈ હલ શોધાયો નથી. જો કે તાજ મહાલ માટે એક વાત આશ્વાનીય છે કે એ એવી કંગાળ હાલતમાં નથી જેવી હાલતમાં ઔરંગાબાદનો બીબી કા મકબરા છે. છતાં , દેશવિદેશથી આટલાં ટુરિસ્ટ આવતાં હોવા છતાં મૂળભૂત સુવિધાને નામે મીંડું છે. તાજમહાલ અને આગ્રાના કિલ્લા વચ્ચે પ્રો પુઅર ડેવલપમેન્ટના નામે રાજ્ય સરકાર સ્કાયવોકની તૈયારી કેટલીય વાર થઇ ચૂકી છે જેમાં 50 કરોડ રૂપિયાની યોજના તૈયાર થઇ ગઈ પણ શાહજહાં ગાર્ડનની હાલત જોવા જેવી છે , એમાં પત્થર પાથરવાના નામે નવ કરોડ રૂપિયા ચાઉં થઇ ચૂક્યા છે. હવે ટૂંક સમયમાં વર્લ્ડ બેન્કે આપેલા બાકીના નાણાં થાળે પાડી નખાશે.

જો તાજમહાલની હાલત આવી હોય તો કુતુબ મિનાર , હુમાયુના મકબરા , તઘલક કિલ્લા વિગેરેની હાલત વિચારી લેવાની .

સ્મારક હિંદુ મંદિર હોય કે મુસ્લિમ મકબરો , દરેક ઐતિહાસિક સ્મારકનું એક અલાયદું સ્થાન હોય છે.

100_0424_

ટુરિસ્ટને ઠીક ખુદ દિલ્હીવાસીઓને જાણ નથી કે દિલ્હીની સૌ પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાનનો મકબરો ક્યાં છે.

100_0448_.jpg

ક્યારેક દિલ્હી જવાનું થાય તો તુર્કમેન ગેટ પાસે નાની નાની ગલીઓ ને બિસ્માર મકાન વચ્ચેથી પસાર થતાં નાની બે મઝાર જોવા મળે. એક જમાનાની મલિકાની કબર આજુબાજુ મકાનોથી ઘેરાયેલી છે. એક કબર રઝિયાની અને અને એક બહેન સાઝિયાની મનાય છે. ASIની દેખરેખ હોવા છતાં હાલહવાલ જોવા જેવા છે.

દિલ્હી , આગ્રા, મુંબઈ , હાલત બધે સરખી છે. એક આશ્વાસનની વાત એટલી છે કે રાજસ્થાને પોતાની ખુમારી જેવા કિલ્લો , મહેલો સાચવી જાણ્યા છે. મહારાણા પ્રતાપનું જન્મસ્થળ એવો કુંભલગઢ કિલ્લો હોય કે પછી ઉદેપુરનો સિટી પેલેસ, વિદેશી ટુરિસ્ટ ઇન્ડિયાની સારી છાપ લઈને જાય એવી જાળવણી માત્ર આ રાજ્યમાં થઇ છે. આમ તો આખા મહારાષ્ટ્રમાં પચાસથી વધુ કિલ્લાઓ છે. પણ , એક કિલ્લો વ્યવસ્થિત હાલતમાં નથી.

 

બાજીરાવ મસ્તાની ફિલ્મ આવી એટલે ઉત્સાહીઓએ દોટ મૂકી શનિવારવાડા જોવા . શનિવારવાડા તો હજી ઠીક ઠીક જળવાયેલી હાલતમાં છે પણ મસ્તાનીબીની કબરના પથ્થર સુધ્ધાં ઉખડી ગયા છે .
પૂણેમાં આ હાલત છે તો આધુનિક મુંબઈ જ્યાંની પ્રજા વરણાગી , અતિ શિક્ષિત મનાતી રહી છે ત્યાં તો હાલત એથી ખરાબ છે. જે એક જમાનામાં પોર્ટુગીઝ રાજધાની હતું ત્યાં મુખ્ય ત્રણ કિલ્લો હતા. એક બાન્દ્રાનો આજે એક કિલ્લો સમ ખાવા પૂરતો બચ્યો નથી. પણ મુંબઈ જે એક જમાનામાં પોર્ટુગીઝ રાજધાની હતું ત્યાં આજે એક કિલ્લો સમ ખાવા પૂરતો બચ્યો નથી. એ કિલ્લો માત્ર દેખા દે છે ફિલ્મોમાં , કાસલ અગૌડા, લોકો તો એનું નામ સુધ્ધાં ભૂલી ગયા છે.
આ કિલ્લો સહુ કોઈએ જોયો હશે પણ ફિલ્મમાં , લવ સીનમાં કે પછી હોરર સીનમાં પણ માહિમ અને વસઈ કિલ્લાઓની પડું પડું થતી રાંગે કહેવું પડે છે અહીં એક કિલ્લો હતો.
કેમ આવી ઉદાસીનતા ? આ વાતનો તો કોઈ જવાબ નથી.
સરેરાશ ભારતીય માત્ર વિદેશમાં જઈને બીજાના સ્મારકોના થતાં જતનની ગુલબાંગ મારી શકે છે પણ જયારે ઘરઆંગણે આવી કોઈ જવાબદાર નાગરિકની ફરજની વાત આવે ત્યારે પાનની પિચકારી મારીને પૂછે છે : એમાં મારે શું ?

છેલ્લે છેલ્લે
જમીન હૈ ન બોલતી
જહાં દેખકર મુઝે નહીં જબાન ખોલતા
નહીં જગહ કહીં જહાં ન અજનબી ગીના ગયા
કહાઁ કહાઁ ન ફિર ચૂકા દિમાગ દિલ ટટોલતા
કહાં મનુષ્ય હૈ કી ઉમ્મીદ છોડકર જીયા
ઇસીલિયે ખડા રહા કી તુમ મુઝે પુકાર લો

નયી ઉમ્ર કી નયી ફસલ

થોડા સમય પહેલા ગોસિપભૂખ્યા મીડિયાને એક નવી આઈટમ મળી , એ હતી સલમાનખાને  એક પ્રેસ કોન્ફરન્સમાં કરેલી વાત, રોજ નવી રમણીઓ સાથે નામ જોડતાં આ અભિનેતા એ જાહેરમાં કહ્યું કે એને  પિતા તો બેશક બનવું છે પણ એ માટે લગ્ન મંજૂર નથી. લોકોનું એટલે કે સામાન્ય સમજણ ધરાવતા લોકોનું પહેલું રિએક્શન એ હતું કે લગ્ન વિના બાળકનો  પિતા ? એમ પિતા બનવું કઈ રીતે શક્ય છે ?પણ એ બિલકુલ શક્ય છે એ વાત સાબિત કરી બતાવી તુષાર કપૂરે. એક અન્ય બૉલીવુડના હીરોએ. 

જિતેન્દ્રના દીકરાને નામે વધુ ઓળખાતા એવા બૉલીવુડ અભિનેતા નું પિતા બનવું. આમ તો પિતા બનવામાં કોઈ ધાડ મારવાની હોતી નથી પણ આ વાત સમાચાર બની કારણ કે તુષાર કપૂર પિતા બન્યો સરોગસી ટેક્નોલોજીથી. જે મુખ્યત્વે સંતાનવિહોણાં યુગલોને માટે જાણીતી સેવા છે. 
સંતાન પેદા કરવા અસમર્થ પતિ કે પત્ની એકમેકની સહમતિથી આ સિસ્ટમનો લાભ લે છે. એકલા , અપરિણીત પુરુષો પણ આ રીતે પિતા બનવાનું પસંદ કરે છે એ વાત ખાસ પ્રકાશમાં આવી નહોતી જે તુષાર કપૂરના કિસ્સા પછી આવી છે. 
વિદેશમાં આ આખી વાતને એક તંદુરસ્ત વિકલ્પ તરીકે જોવામાં આવે છે. લગ્ન જેવા બંધનમાં બંધાવું ન હોય પણ વાત્સલ્યથી વંચિત ન રહેવું હોય તો પોતાના અંશને આ ધરતી પર લઈ આવવાની વાત કોઈ ગુનો નથી. પણ , આટલી સહજ વાત આપણે ત્યાં એટલી સહજતાથી સ્વીકારાતી નથી. પછી એ સ્ત્રી માટે હોય કે પુરુષ માટે  . ભારતમાં કહેવાતાં સંસ્કાર ને સંસ્કૃતિને નામે જે વેવલાઈ ને દંભ પોષાય છે તેનો જોટો કદાચ દુનિયાભરમાં ન જોવા મળે. એટલે જ આપણે ત્યાં સારા કામ માટે પણ થતા પ્રયાસોને તંગ ભૃકુટિવાળી નાજારોનો સામનો કરવો પડે છે. સિંગલ મધર કે સિંગલ ફાધર બનવું જાણે કોઈ પાપ હોય તે રીતે જોવામાં આવે છે. જોવાની ખૂબી એ છે કે આ છતાં જો સિંગલ પેરેન્ટ બનવાની હિમ્મત કોઈએ દાખવી હોય તો એ પુરુષ નહીં સ્ત્રી છે.
કુંવારી માતા બનવાની હિમ્મત દાખવનાર નીના ગુપ્તા ને સારિકા કે પછી બાળકી દત્તક લેનાર સુષ્મિતા સેન , નામાંકિત પબ્લિકેશનના માલિક નરી હીરા સિવાય સમ ખાવા પૂરતો એક બનાવ નહોતો કે જેમાં પુરુષે સિંગલ પેરેન્ટ બનવાની આવી પહેલ કરી હોય.  
કારણ ગમે તે હોય વાસ્તવિકતા વરવી હોય છે. એમાં પણ ખાસ કરીને ઇન્ડિયામાં  . પણ, લાગે છે હવે એમાં પણ પરિવર્તન આવતું જાય છે. 
મુંબઈમાં તો ઇન્ફર્ટિલિટી સેન્ટર્સની કંઈ કમી નથી પણ ગુજરાતના આણંદે તો એમાં બાજી મારી લીધી હતી. વિદેશોમાં પણ સરોગસી સેન્ટર તરીકે આણંદનું નામ ભારે ગાજ્યું હતું. વિદેશમાં અને હવે મુંબઈમાં જે રીતે એકલા પુરુષોને પિતા બનવાના કોડ ઉપડ્યા છે એમ ગુજરાતમાં એકલવીર પિતા બનવાની ઈચ્છા પ્રગટ કરે છે કે નહીં એ તો જાણવા મળ્યું નથી પણ પચરંગી મુંબઈમાં એકલવીર પિતાઓની સંખ્યા વધતી જાય છે. 
મુંબઈની પ્રખ્યાત હોસ્પિટલ સાથે સંકળાયેલા એકે નામી ડોક્ટરે જણાવ્યું હતું કે એક સમય હતો કે અમારી પાસે નિઃસંતાન દંપતીઓ અને એકલી સ્ત્રીઓ સરોગસી ટેક્નિક દ્વારા આવતી હતી. છેલ્લા પાંચ વર્ષમાં આ ચિત્ર ધરમૂળથી બદલાઈ રહ્યું છે. હવે દર વર્ષે લગભગ દસેક પુરુષો તો પિતા બનવાના હેતુથી આવતા જ હોય છે. જેમાંથી મોટાભાગના પુરુષો નિઃસંતાન , ડિવોર્સી હોય છે.હવે એમાં પણ એક નવું  ઉમેરાયું છે અને તે છે કુંવારા પુરુષો. અપરિણીત , લગ્નના બંધનથી પર રહેવા ઇચ્છુક પુરુષો પણ પિતા બનવાની ઈચ્છા તો ધરાવતા જ હોય છે. મોટાભાગના પુરુષો ક્યાં ડિવોર્સી હોય છે કે પછી લગ્નના નામથી દાઝેલા , એ લોકો પોતાના માતાપિતા સાથે આ છે. એમને ડોક્ટરને ખાતરી આપવાની હોય છે કે બાળકના ઉછેરમાં તેમને માતાપિતા કે કુટુંબીઓનો સહયોગ મળશે. એમની ઉંમર 30થી 35 વર્ષની વચ્ચે હોય છે. એકવાર ડોકટર પાસે આવે એટલે જોબ વર્ક કરી આપવાને બદલે નામાંકિત ડોક્ટરો આ લોકોની પ્રોફાઈલ ચેક કરે છે. એમની માસિકઆવક થી લઈ ઘરનું વાતાવરણ અને બાળકની સિક્યોરિટી સુધ્ધાં , અલબત્ત તમામ ફર્ટિલિટી સેન્ટર્સ આટલા ઊંડાણમાં ઉતરીને તપાસ કરતા હોય એ વાત જરા વધુ પડતી છે પણ દાવો તો એવો જ થાય છે. 
આ તમામ બાબતોને એટલે ધ્યાનમાં રાખવી પડે છે કારણ કે જો આ આખી વાત કાયદાકીય દાવપેચમાં ફસાય તો ડોકટરોનું તેમના સેન્ટર્સનું નામ ખરાબ થઈ જાય. એની પાછળનું મૂળ કારણ એ પણ ખરું કે ભારતમાં સરોગસી કે પછી આસિસ્ટેડ રીપ્રોડક્ટીવ ટેક્નોલોજી માટે કોઈ સખત કાયદા નિયમન અસ્તિત્વમાં નથી.  બાયોમેડિકલ રિસર્ચની સુપ્રીમ ગણાતી સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ  રિસર્ચ (ICMR)ની માર્ગદર્શિકા પ્રમાણે સરોગસીનો આશરો માત્ર ને માત્ર નપુસંક પુરુષ કે વંધ્યા જ લઈ શકે છે. આ જ નિયમને કારણે ઘણાં સ્ત્રી પુરુષો સરોગસીના નામ વિશે વિચારતા સુદ્ધાં નથી.
પ્રશ્ન તો એ થઈ શકે કે વેલ સેટલ્ડ , તંદુરસ્ત , સુશિક્ષિત પુરુષો લગ્ન વિના પિતા બનવા ઈચ્છે એ પાછળ લોજીક શું હોય શકે ? જ્યારે પણ આ વાત નીકળે ત્યારે તંદુરસ્ત પુરુષની શારીરિક માનસિક હાલત સામે પ્રશ્નાર્થ ચિન્હ લાગી જાય છે. સરેરાશ ભારતીય માનસ બીમાર છે. કુંવારી કન્યા માટે હજી થોડીઘણી સહિષ્ણુતા ખરી પણ પુરુષ માટે હરગિજ નહીં  . મોટી ઉંમર સુધી અપરિણીત રહેનાર પુરુષ સાથે સમલિંગી કે પછી નપુંસક જેવા અપમાનિત શબ્દ જોડાય જાય છે. હકીકતે તો આજકાલ યુવાનો લગ્નના નામે આટલા ગભરાય છે કેમ એ કારણ શોધવું જોઈએ  . 
એ પાછળના લોજીક , કારણો , તારણો સમજવા હોય તો ફેમિલી કોર્ટના આંકડા તપાસવા પડે. 
સ્ત્રી સશક્તિકરણની વાત સારી લાગે છે અને એ બદલાવ બિલકુલ માન્ય રાખવો રહ્યો પણ એ સાથે આવતી આડઅસર પણ મને કે ન ગમે સ્વીકારવી રહી. મોટાભાગના મોટા શહેરોમાં અને મહાનગરોમાં પતિ પત્ની બંને કમાતાં હોય કે ન હોય સુશિક્ષિત સ્ત્રી હવે પોતાની જવાબદારી અને હક્ક સુપેરે સમજે તો છે પણ બજાવે છે માત્ર ને માત્ર હક્ક  . આ તમામ  ફેમિલી કોર્ટની ફાઈલમાં રહેલી દાસ્તાનો છે. 

પતિના ઘરે આવ્યા પછી પોતાની આવક પોતાની અને પતિની આવક સહિયારી એવું લોજીક ભણીને આવેલી છોકરીઓ માત્ર હક્ક જતાવી જાણે અને ફરજ નહીં ત્યારે એનું પરિણામ કલ્પી લેવાનું હોય. વાત અહીં અટકતી નથી. વોટબેન્ક અંકે કરવા રાજકીય પક્ષો વચ્ચે પણ હોડ લાગે છે. એક પક્ષે તો નારી સુરક્ષા માટે એવી મોટી વાતો કરી દીધી કે છૂટાછેડા થાય તો પરણેતર દસ વર્ષની હોય કે દસ દિવસની, પતિની મિલ્કતની ભાગીદાર બની શકે  . અને આ માત્ર હિન્દુ માટેની જોગવાઈ હતી. જોવાની ખૂબી તો એ છે કે આ સાંભળીને  દીકરીના માબાપ તો ગેલમાં આવી ગયા પણ એ ભૂલી ગયા કે દીકરી સાથે ભગવાને દીકરો પણ તો આપ્યો છે   … એ વાત જૂદી છે કે આ વાત હવા પકડે એ પહેલા જ એ સરકારે જવું પડ્યું પણ એનાથી એક ખોટો સંદેશ દેશના યુવાનોમાં જરૂર ગયો છે. 

રખે ને આવા કોઈ તઘલખી કાયદા આવે તો ? વિદેશમાં લગ્ન પહેલા પ્રિ ન્યુપ એટલે કે કરાર કરવાની જોગવાઈ છે જેમાં પતિ પત્નીના બંનેના હિતનું રક્ષણ થઈ શકે  . દુર્ભાગ્યવશ  ભારતની ન્યાયિક પ્રક્રિયા  લગ્ન પહેલા થતાં કરારનને માન્ય રાખતી નથી.આ હવાએ ઘણાં યુવાનોના મગજમાં ડર પેદા કરી દીધો છે. પરિણામ નજર સામે છે કે દિનબદિન લગ્ન વિષે અનિર્ણાયકતા વધતી રહી છે પણ પિતા બનવા ઇચ્છુકોની સંખ્યામાં વધારો થતો જાય છે. 

માણસ અને સમાજ એકમેક માટે છે. સમયની સાથે માણસ ને સમાજ બંને એક ઉત્ક્રાંતિવાદના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગીદાર બનતા જાય છે. 

લગ્ન વિના પિતૃત્વ  , લગ્ન વિના માતૃત્વ  નવા કઈ પ્રકારના સમાજનું સર્જન કરી રહ્યું છે એના ફળ અઢી દાયકા પછી ખબર પડશે ને !!

છેલ્લે છેલ્લે :



અકસે ખૂશ્બુ હું , બિખરને સે ન રોકે કોઈ 

ઔર બિખર જાઉં તો મુઝ કો ન સમેટે કોઈ  …

~ પરવીન શાકિર 

એકલવીર : અદના માણસનું ભગીરથ અભિયાન

image

ભાજપની વિજયપતાકા લહેરાઈ એટલે અચાનક લાઈમલાઈટમાં આવી ગયેલું આસામ એ સેવન સિસ્ટર્સ એટલે કે ભારતના સાત ઉત્તર પૂર્વીય રાજ્યો પૈકીનું એક રાજ્ય છે જેનું અસ્તિત્વ ભારતમાં હોવા છતાં નજરે ચડતું નથી , આ રાજ્યો પર કેન્દ્રમાં રહેલી સરકારનું તો ઠીક પણ  સરેરાશ ભારતીયની ન તો દ્રષ્ટિ જાય છે ન તો એમને કોઈ રસ છે. એવા આસામની આ વાત છે.

એક સામાન્ય માણસની અસામાન્ય વાત.

આમ તો મેઘરાજાની કૃપા આ તમામ રાજ્યો પર રહે છે પણ બદલાતાં જતાં પરિમાણો , પ્રદુષણની અસર પણ થાય સ્વાભાવિક છે. જંગલો તમિલનાડુ હોય કે આસામના , વન પર માનવીની લાલચનો પ્રભાવ પડ્યા વિના રહેતો જ નથી. એવું જ થયું આસામમાં  . વનનો સફાયો થાય એટલે એની અસર ઇકોલોજી પર પડે જ પડે. એક જંગલ કપાય એ સાથે પશુ , પક્ષી , કીટક , જંતુની કેટકેટલી જાતિઓનો સફાયો થઇ જાય છે એ કહેવાની વાત છે ?

આસામના ઉત્તર પૂર્વમાં આવેલા  જોરહટ જીલ્લાના નાનકડાં ગામના રહીશ એવા તરુણ  જાદવ પેયાન્ગને એક  વાતની નવાઈ એ લગતી હતી કે એ નાનો હતો ત્યારે જે સાપ , નાગ , કીટક , પંખીઓ જોતો હતો તે બધા ધીરે ધીરે ક્યાં અલોપ થઇ ગયા ?

એ વખતે પેયાંગની ઉંમર હતી સોળ વર્ષની. એનું હુલામણું નામ મુલોઈ. એને એટલું તો સમજાયું કે આ બધા પશુ પંખી જીવજંતુઓ  નષ્ટ થયા નદીમાં આવેલા પૂરને લીધે  . સખત ગરમી અને તેથી  બનેલા દબાણને કારણે મૂશળધાર વરસાદ અને પરિણામે નદીમાં પૂર. જેને કારણે આખી જમીન ધોવાઇ ગઈ, અને ત્યાં રહી ગયા હતા મરણ પામેલા સાપ , પશુ , પંખી  .

આસામમાં આવી તબાહી  દર થોડાં વર્ષે થાય છે પણ આ વાત ક્યારેય ભારતભરના લોકો સુધી નથી પહોંચતી.આ વર્ષે જુલાઈમાં પણ જે મૂશળધાર વર્ષા થઇ તેમાં કાઝીરંગા નેશનલ પાર્કમાં  સેંકડો હાથી અને રહાયનોની જળસમાધી થઇ  હતી. એ વાત પણ ક્યારેય પ્રકાશમાં ન આવી.

એવું મુલોઈએ પણ જોયું  . સોળ વર્ષના છોકરાથી આ તબાહી ન જોવાઈ  . પશુ પંખી કીટકની અસ્તિત્વ જ ન રહ્યું અને ક્યાંથી રહે ? આ સૃષ્ટિની પાલનહાર એવી વનરાજીનો જ ખાત્મો બોલી ગયો હતો.

એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જોરહટ  જિલ્લામાં   વૃક્ષ વાવવાની ઝુંબેશ શરુ કરી. સંદબાર નામની જગ્યાથી આ પ્રવૃત્તિના શ્રી ગણેશ થયા. એમાં ઘણાં કામદારોની જરૂર પડી એટલે સરકારે હંગામી ધોરણે જે લોકોની ભરતી કરી તેમાં જાદવ પાયેંગ પણ જોડાઈ ગયો  . એ સમયે એની ઉંમર હતી માત્ર 16 વર્ષ  , હુલામણું નામ હતું મુલોઈ  .

આ યોજના શરુ થઇ કોકિલામુખ નામના ગામ  પાસે ,  જેમાં વાંસના  વાવવાના હતા. વાંસનું વન ઉભું કરવાની અવધી હતી પાંચ વર્ષ  . 200 હેકટરમાં આ કામ કરવાનું હતું  . પાંચ વર્ષની અવધિ પૂરી થઇ એટલે પ્રોજેક્ટ ઉંચો મૂકવામાં આવ્યો પણ  મુલોઈને એથી સંતોષ ન થયો.એને ખબર હતી કે કાગળ પર ટાર્ગેટ પૂરું થયું પણ હકીકતે જે કામ થવું જોઈએ એવું તો નથી જ થયું  . પ્રોજેક્ટ પૂરો થયો એટલે સહુ કામદારોએ ચાલતી પકડી પણ મુલોઇએ નહીં  . એક વાર વૃક્ષ વાવી દીધા પછી એની સંભાળ અને જતન પણ એટલા જ મહત્વના હોય છે એની ખેવના માત્ર મલોઈને હતી.

એ દિવસ અને આજનો દિવસ  . મલોઈની વૃક્ષોની જતનયાત્રા પૂરી નથી થઇ.

આ મુલોઈ કોઈ શ્રીમંત શેઠીઓ નહોતો કે એને કોઈ શોખ ઉપડે અને એ મંડી પડે. એ તો હતો એકદમ ગરીબ  કુટુંબનો દીકરો  . ઘરમાં થોડાં દૂધાળું ગાય ભેંસ ને એમનું કામ દૂધ વેચવાનું  . છતાં એનું સ્વપ્ન કોઈ રાજામહારાજાથી નાનું નહોતું  .

1979માં એક વેરણ જમીનને હરિયાળીમાં ફેરવવાનું અદના આદમીનું સ્વપ્ન આજે  ફળ્યું છે અને જન્મ્યું છે એક વન સ્વરૂપે. જયારે મુલોઈ આ કામ કરી રહ્યો હતો ત્યારે એને સ્વપ્ને અંદાજ નહોતો હતો કે એક દિવસ દુનિયા એને ફોરેસ્ટમેન તરીકે ઓળખશે  . એને તો માત્ર ઘર આપવું હતું નાના નાના પશુ પંખી કીટક , જીવ જંતુઓને.

સરકારી પ્રોજેક્ટ તો પૂરો થઇ ગયો પણ મુલોઈની જિંદગી બદલાઈ ગઈ. એને મન આ વાત પ્રોજેક્ટ નહોતી  . વન એનું જીવનધ્યેય બની ગયું , વન અને તેની પર નિર્ભર તમામ જીવોને ઘર મળે એ જ એક માત્ર ઉદ્દેશ બની ગયો જિંદગીનો  .

આ મુલોઈની ઓળખ હવે ફોરેસ્ટમેન તરીકે થઇ છે ,એ મૂળ તો છે મીશિંગ જાતિનો.આસામના ઉત્તર પૂર્વીય ભાગમાં વસતી આ જાતિ આમ પણ જનજાતિ જેવી કુદરતના ખોળામાં ઉછરતી રહે છે. મુલોઇએ એ સરકારી પ્રોજેક્ટવાળો ભાગ તો પૂરો કર્યો પણ એ પછી રોજ વૃક્ષ વાવવા એને માટે ઝનૂન થઇ ગયું હતું  .

એ કરવામાં એને કોઈ મુશ્કેલી ન પડી હોય એવું માનવાનું કોઈ કારણ નથી. બલકે મુલોઈ એ તમામ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો જે કોઈ પણ ચળવળકારોએ કરવો પડે છે. સરકારી પ્રોજેક્ટ હતો 200 હેક્ટર માટે  . મલોઇએ છેલ્લાં છત્રીસ વર્ષમાં 550 હેક્ટર  એરિયાને વનમાં તબદીલ કરી દીધો છે. એવું વન જે સેંકડો હાથી,  હરણાં , રહાઈનો, વાઘ  અને અસંખ્ય પક્ષી , કીટક , જીવ જંતુનું ઘર છે. એકલે હાથે આવું   મહાભગીરથ કામ કરનાર  માલોઈની પ્રવૃત્તિ  નથી. એને  હવે  પહેલા વન પાસેના વિસ્તારને સુધારવાનો પ્રોજેક્ટ હાથે ધર્યો છે.

આજે એ વિસ્તાર મુલાઈ કોઠાની બારી એટલે કે મુલાઈનું વન નામે ઓળખાય છે.

જયારે મુલોઈએ આ અભિયાન હાથે ધર્યું ત્યારે લોકોએ સાથ તો ન આપ્યો પણ બને એટલી મદદ કરવા માટે યથાશક્તિ રોપાં જરૂર આપ્યા હતા. સહુ કોઈ વાંસના બે રોપાં આપી દઈ જવાબદારી પૂરી સમજી લેતા રહ્યા  . મુલોઈ જતનથી એ રોપા વાવતો , પાણી પાતો , દેખભાળ કરતો  . સમસ્યા એ ઉભી થઇ કે વાંસનું વિસ્તરણ જબરદસ્ત ગતિએ થાય છે. વાંસ વધતા રહ્યા , આપોઆપ વન આકાર લેતું રહ્યું  . ઇકોલોજી વિકસિત થઇ રહી હતી. પશુ પંખી , કીટક , જીવ જંતુનું ઘર બનતું ચાલ્યું  .

સમસ્યા હવે ઉભી થવાની હતી. જંગલમાં વાંસના ઝાડ જ વધુ હતી , બાજુના ગામમાં ખેતી , ફળની વાડી આ પ્રાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેતા  . ઉપદ્રવની  શરુઆત થઇ.

ખેતરોમાં લહેરાતાં પાકથી આકર્ષાઈને હાથી અને હરણના ટોળાં ધસી આવતા થયા. કેળની વાડીમાં વાંદરાઓનો અડ્ડો જામી જતો.  હરણાંના શિકાર માટે વાઘની અવરજવર ખેતરો સુધી થઇ ગઈ. ગામલોકો ત્રાહિમામ પોકારી ગયા અને  મુલોઈ પર ગાજ પડી.

ગામલોકોની વાત પણ ખોટી નહોતી  . જાનમાલનો ખતરો તો ઉભો થયો જ હતો. મુલોઈ સામે આ વાત પડકાર હતી પણ હારી જાય એ મુલોઈ નહીં , એમાંથી રસ્તો કાઢવો જરૂરી હતો.

એ સમસ્યાનું નિરાકરણ પણ થઇ ગયું  . મુલોઇએ  વનમાં જ કેળ અને બંદરોને ભાવે એવા ફળફળાદીના ઝાડ રોપવા માંડ્યા  . નહીવત સમયમાં હરણ , બંદર , હાથી જંગલ બહાર આવતાં બંધ થઇ ગયા. એમને જંગલમાં જ  ખોરાક મળતો હોય તો બહાર શું કામ આવે? એટલે વાઘ પણ ફરકતાં બંધ થઇ ગયા.

એક સમસ્યાનું  સમાધાન થયું તો બીજી તો ઉભી જ હતી. આસામ , મેઘાલય જેવા રાજ્યોમાં મેઘરાજાની કૃપા ખરી પણ સીઝન દરમિયાન જ , બાકી ત્યાં પણ ઠંડી અને ગરમીમાં પાણીની સમસ્યા પજવે જ છે. આટલાં બધા વૃક્ષોને એકલો માણસ પાણી કેમ કરીને નાખે ? મુલોઇએ એને માટેનું સમાધાન ડ્રીપ ઈરીગેશનથી શોધ્યું  . અલબત્ત, હાઈફાઈ , આધુનિક પાઈપ કે ડ્રીપ લગાવીને નહીં , એને તો મોટા ,નાના માટલા એકઠા કર્યાં , અને નીચે એક છિદ્ર કર્યું  . દરેક ઝાડના મૂળ પાસે ગોઠવી દેવાયું,જેમાં ભરાયેલું પાણી દિવસો સુધી ઝાડને મળતું રહે.

ઇકોલોજીના નિયમો પ્રમાણે એક જીવનથી બીજું જીવન સિંચાતું રહે છે. જમીનમાં અળસિયા અને કીડી હળનું કામ કરે છે  .

મુલોઈનું સ્વપ્ન પૂરું થયું પણ  પગ વાળી બેસવું એના  સ્વભાવમાં નથી. એક પછી  બીજું બીજા પછી ત્રીજું , મુલોઈ માટે હવે વન સ્વપ્ન નહીં શ્વાસ બની ગયા છે.

આજે પણ મુલોઈ જીવનનિર્વાહ ચલાવવા દૂધ વેચવાનો વ્યવસાય કરે છે.  પરિવાર એને માટે સૌથી મોટો સહારો છે. મુલોઈને શિરે માત્ર એક જ જવાબદારી છે તે છે સવારે દૂધ વેચવાની અને બાકીના તમામ કામ કુટુંબ કરે છે. મુલોઈ એ પછીનો દિવસ પોતાના અભિયાન પાછળ વિતાવે છે.

ગ્લેમર અને છીછરી લોકપ્રિયતાની બોલબાલા હોય એવા સમયમાં જો કોઈએ મુલોઈની સરાહના કરી હોય તો એ હતા આપણાં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ  અને તે સમયે મુખ્યપ્રધાન હતા તે તરુણ ગોગોઈએ પણ તેમની પ્રવૃત્તિ  બિરદાવી હતી. આમ તો આવા ચિંથરે વીંટયા રત્નોની કદર ભાગ્યે જ થાય છે પણ 2015માં મુલોઈની આ સેવા બિરદાવીને પદ્મશ્રી એનાયત કરાયો ત્યારે લાગ્યું હતું કે પદ્મ પુરસ્કારો માટે હવે નાચગાનાવાળાઓની મેદનીને એક બાજુ હટાવી ને રાષ્ટ્રની મૂક સેવા કરનાર આવા હીરલાઓને શોધી શોધીને એમની કદર કરવાનો સમય પાકી ગયો છે. 

છેલ્લે છેલ્લે :

ઇસીલિયે તો યહાં અજનબી હું મૈં

તમામ લોગ ફરિશ્તે હૈ , આદમી હું મૈં

~બશીર બદ્ર

image